ગુજરાતના બિલ્ડરે રાહતનો શ્વાસ લીધો TDR પર જીએસટી વસૂલવા પર ગુજરાત હાઈકોર્ટનો વચગાળાનો સ્ટે
ન્યાયમૂર્તિ ભાર્ગવ કારિયા અને પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેન્ચે 19મી જૂને સ્ટેટ જીએસટીની ડિમાન્ડ સામે કેસનો ચૂકાદો ન આવે ત્યાં સુધી સ્ટે મૂકી દીધો

ટ્રાન્સફર ઓફ ડેવલપમેન્ટ રાઈટ વેચવા પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ન લાગે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હોવાનું સ્પષ્ટ કરતો ચૂકાદો ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ ભાર્ગવ કારિયાએ અને પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેન્ચે 19મી જૂને આપ્યો છે. આ સાથે જ કેસનો ચૂકાદો ન આવે ત્યાં સુધી ટીડીઆરના વેચાણ પર લેવામાં આવતા સૂચિત જીએસટી લેવા પર સ્ટે મૂકી દીધો છે. ટીડીઆર લેન્ડ-જમીનનો જ હિસ્સો હોવાથી તેના પર જીએસટી લાગુ પડી શકે નહિ. ટીડીઆર પર જીએસટીની રિકવરી કરવા પર પ્રાથમિક કેસ જોઈને જ ન્યાયમૂર્તિએ સ્ટે આપી દીધી છે.
એક બિલ્ડર બીજા બિલ્ડરને ટીડીઆર વેચતા હોય છે. તેના પર જીએસટી ભરવો પડે તેવું સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટનું માનવું હતું. તેને આધારે જ સ્ટેટ જીએસટીએ સંખ્યાબંધ બિલ્ડરોને ટીડીઆરના વેચાણ માટે જીએસટી ભરવાની માગણી કરતી નોટિસો આપી છે. 19મી જૂન 2025ના દિને ન્યાયાધીશ ભાર્ગવ કારિયા અને પ્રણવ ત્રિવેદીની બેન્ચે આ ચૂકાદો આપ્યો છે. ટીડીઆર ઓપન માર્કેટમાં વેચાય તો તેના પર જીએસટી લાગે છે તેવું ડિપાર્ટમેન્ટનું માનવું છે. અત્યારે બિલ્ડરો એક્સ્ટ્રા એફએસઆઈ ટીડીઆરની માધ્યમથી જ લે છે. પરિણામે તેની બહુ જ મોટી અસર બાંધકામ ઉદ્યોગ પર આવી રહી છે. સફલ કન્સ્ટ્રકેશન (ઇન્ડિયા) પ્રા.લિ., ધવલ શાહ વિરુદ્ધ કેન્દ્ર સરકારના કેસમાં ટીડીઆર અમ્યુકોની આવાસ યોજનાના કામ કરી આપનારા બિલ્ડરોને આપવામાં આવી રહ્યા છે. આ ટીડીઆર બિલ્ડરો પોતાના પ્રોજેક્ટમાં વધારની એફએસઆઈ મેળવવા માટે ઉપયોગ કરે છે.
સ્લમ ડેવલપમેન્ટની અમ્યુકોની યોજના હેઠળ બાંધકામ કરનારાઓને ટીડીઆરના લાભ આપવામાં આવે છે. તેને માટે ખાસ સ્લમ ડેવલપમેન્ટ પોલીસી પણ તૈયાર કરવામાં આવેલી છે. સ્લમ ડેવલપમેન્ટના કામ કરી આપવાના બદલામાં બિલ્ડરોને વધારાની એફએસઆઈ આપવામાં આવે છે. રાજ્ય સરકારે મંજૂર કરેલી સ્લમ રિહેબિલેશનની 2012ની સ્કીમ અને 2010ની પોલીસી પ્રમાણે પુનર્વસનની કામગીરી કરવામાં આવે છે. આ સ્કીમ હેઠળ જ બિલ્ડરને આવાસ બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે. પોલીસીની ક્લોઝ નંબર 12.12માં પુનર્વસનની કામગીરીનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેની સામે એફએસઆઈ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ટીડીઆરનું પ્રમાણપત્ર પીટીશનરને આપવામાં આવેલું છે. તેને લાભાર્થીએ વેચ્યું છે. તેમાં સપ્લાય ઓફ સર્વિસ નથી. પ્રોપર્ટીનું વેચાણ જ છે. તેથી ટીડીઆરના વેચાણ પર જીએસટી ચાર્જ કરવાની સ્ટેટ જીએસટીને સત્તા મળતી નથી. આ પીટીશનનો ચૂકાદો ન આવે ત્યાં સુધી વેચાણ કરનારા પાસેથી જીએસટીની વસૂલી કરવી નહિ. ગુજરાત હાઈકોર્ટનો ચૂકાદો આવ્યા પછી આ અંગે ફાઈનલ નિર્ણલ લેવામાં આવશે.