ગુજરાતનું IT સેક્ટર પાંચ વર્ષમાં મોટી છલાંગ મારશે?
ગુજરાતમાંથી IT પ્રોડક્ટ અને સર્વિસની વાર્ષિક નિકાસ રૂ.3000 કરોડથી વધારી રૂ. 25000 કરોડ સુધી લઈ જવાનો ટાર્ગેટ
IT સેક્ટરમાં પોતાની મૂડી લગાવવા તૈયાર ઉદ્યોગ સાહસિકને રૂ. 200 કરોડ સુધીના નાણાંકીય લાભ અપાશે
IT ઇન્ડસ્ટ્રીને જોઈતો સ્કીલ્ડ મેનપાવર તૈયાર થાય તે માટે નવી પોલીસીમાં સ્કીલ્ડ ડેવલપ કરવા પર ભાર મૂકાયો
ગુજરાતની નવી IT પોલીસીમાં કર્મચારી દીઠ એમ્પ્લોયમેન્ટ જનરેશન ઇન્સેન્ટિવ તરીકે રૂ. 60,000 આપવાનો નિર્ણય

ગુજરાત સરકારે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) સેક્ટરને સફળતાની વધુ એક ઊંચી સપાટીએ મૂકી દેવા માટે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એનેબલ્ડ સર્વિસ માટે નવી પોલીસી જાહેર કરી છે. ગુજરાતમાંથી આઈટી પ્રોડક્ટ અને સર્વિસની વાર્ષિક નિકાસ રૂ.3000 કરોડથી વધારી રૂ. 25000 કરોડ સુધી લઈ જવાનો ટાર્ગેટ છે. 2022-27ના પાંચ વર્ષના ગાળા માટેની આ પોલીસીમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સેક્ટરમાં પોતાની મૂડી લગાવવા તૈયાર ઉદ્યોગ સાહસિકને રૂ. 200 કરોડ સુધીના નાણાંકીય લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. સામાન્ય પ્રોજેક્ટ માટે પણ રૂ. 50 કરોડ સુધીનો કેપિટલ એક્સપેન્ડિચરનો સપોર્ટ આપવાનો ગુજરાત સરકારનો નિર્ધાર છે. 31મી માર્ચ 2027 સુધી નવી પોલીસી અમલમાં રહેશે.

આ પોલીસી તૈયાર કરવા પાછળનું ધ્યેય ગુજરાતમાં આઈ.ટી. સેક્ટર માટેનો હાઈલી સ્કીલ્ડ મેનપાવર જનરેટ કરવાનો છે. તેને માટે અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું છે. આઈ.ટી. સેક્ટરને વેગ મળે તેવી દરેક સુવિધાઓ ઊભી કરવાનું છે. આઈ.ટી પોલીસીનું લક્ષ્ય તો ક્લાઉડ ઇકોસિસ્ટમ નિર્માણ કરવાનું છે. તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ, બ્લોકચેઈન અને નવી આવતી દરેક ટેકનોલોજીનું જ્ઞાન મળે તેવા પ્રયાસ કરવામાં આવશે. આ માટે ગુજરાતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની તાલીમ આપતી ખાસ શાળાઓ અને એક્સિલન્સ સેન્ટરો ઊભા કરવામાં આવશે.

ગુજરાતના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના સેક્રેટરી વિજય નેહરાએ આ પોલીસી તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. વિજય નેહરાનું કહેવું છે, “ગુજરાત સરકારે આ વખતે આઈ.ટી. પોલીસીના માધ્યમથી કેપિટલ એક્સપેન્ડિચર-મૂડી ખર્ચ ઉપરાંત આઈ.ટી. કંપનીના સંપૂર્ણ તંત્રના ખર્ચને નિભાવવા માટે ઓપરેશનલ એક્સપેન્ડિચર પણ મળ તેવી વ્યવસ્થા કરી છે. પરિણામે ઉદ્યોગ સાહસિક મૂડી ખર્ચ કર્યા પછી તેના એકમને ટકાવવા માટે ઓપરેશનલ એક્સપેન્ડિચરની વ્યવસ્થા કરવાની જફામાંથી પણ રાહત મેળવી શકશે.”
ગુજરાત સરકારની નવી આઈ.ટી. પોલીસીને કારણે મોટા પ્રોજેક્ટ લઈને આવનારાઓ માટે પણ દરવાજા ખૂલ્યા છે. ગુજરાતમાં આખા ને આખા આઈ.ટી. સિટી કે ટાઉનશીપ ડેવલપ થાય તેવી પણ સરકારની ઇચ્છા છે. આઈ.ટી.સિટી કે ટાઉનશીપમાં જ તેમાં કામ કરનારાઓના રહેવાની સુવિધા ઊભી કરી walk-to-work cultureને પ્રોત્સાહન આપવા માગે છે. નવી વિકસી રહેલી ટેક્નોલોજીના સેક્ટરમાં ગુજરાતમાં પુણ રિસર્ચ થાય તે માટેનો રસ્તો ખોલ્યો છે. તેમ જ નાણાંકીય લાભ મેળવવામાં કોઈ જ ગૂંચવાડો ઊભો ન થાય તેની તકેદારી રાખવામાં આવી હોવાનું વિજય નહેરા કહે છે.
આઈટી સેક્ટરના નિષ્ણાતોનું કહેવું છે કે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના સેક્ટરને સાવ જ બદલી નાખે તેવી આ પોલીસી છે. ગુજરાતમાં આઈટી અને આઈટીઈએસ કંપનીઓને વિકસવા માટેનો મોટો અવકાશ કરી આપશે. નવી આઈ.ટી. પોલીસીના માધ્યમથી સ્કીલ ડેવલપમેન્ટ અને ઇન્ડસ્ટ્રીને હાયર કરવા માટે જોઈતો મેનપાવર પૂરો પાડવાની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરાયો છે. ગુજરાત સરકારની નવી પોલીસીને કારણે ફાઇનાન્શિયલ ટેકનોલોજીના ક્ષેત્રની કંપનીઓ અને સ્ટાર્ટ અપ્સને ખાસ્સો ફાયદો થશે. ગુજરાતમાં નવી આઈટી અને આઈટીઈએસ કંપનીઓ મોટા પ્રમાણમાં આવશે.

આઈ.ટી. કંપની નાખવા માટે થનારા કુલ મૂડી ખર્ચ એટલે કે ગ્રોસ ફિક્સ કેપિટલ એક્સપેન્ડિચરના 25 ટકા રકમનો એટલે કે વધુમાં વધુ રૂ. 250 કરોડ સુધીની મદદ કરશે. રૂ. 250 કરોડથી વધુનો ખર્ચ કરવાનો થતો હોય તેવા એકમો કે પ્રોજેક્ટ માટે થનારા મૂડી ખર્ચના 25 ટકા અને મહત્તમ રૂ. 200 કરોડ સુધીનો વધારાનો કેપિટલ એક્સપેન્ડિચર સપોર્ટ વામાં આવશે. ગુજરાતના આઈ.ટી. સેક્ટરમાં વધુ કંપનીઓ મૂડી રોકાણ કરે તે માટે સરકારે રૂ. 100 કરોડથી વધુનો ખર્ચ કરનારી પહેલી ત્રણ કંપનીઓને મેગા યુનિટ્સ ગણવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે. તેવી જ રીતે આઈ.ટી. પ્રોજેક્ટ નાખવા માટે રૂ. 5 કરોડ સુધીની લોન લેનારાઓને 7 ટકા વ્યાજ સહાય પણ સરકાર કરશે. ગુજરાત સરકારે આઈ.ટી. અને આઈ.ટી.ઈ.એસ.નો ચોક્કસ કોર્સ સિલેક્ટ કરી લીધા છે. તેમાં તાલીમ આપીને સ્કીલ્ડ મેનપાવર તૈયાર કરનારી કંપનીઓને કોર્સ ફીમાં કન્સેશન્સ પણ આપવામાં આવશે. નવી
આઈ.ટી. પોલીસીની જાહેરાત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં આઈ.ટી. સંબંધિત 1 લાખ જોબ જનરેટ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. આ સ્કીલ્ડ વર્કર્સ હશે. સીધા નોકરીમાં લાગી શકે તેવી સ્કીલ ધરાવતા હશે. આમ ગુજરાત સરકાર આઈ.ટી.ના ક્ષેત્રમાં પ્રતિભા ધરાવતા યુવાનોની ફોજ ઊભી કરવા માગે છે.
આઈ.ટી. કંપનીઓ થકી વધુ રોજગારી નિર્માણ કરવા પર પણ ગુજરાત સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સ્થાનિક વ્યક્તિને ઓછામાં ઓછા એક વર્ષ માટે રોજગારી માટે પસંદ કરનારી કંપનીઓને પણ એકવાર માટે વિશેષ આર્થિક સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ રીતે જે કર્મચારીને રોજગારી આપવામાં આવી હશે તે કર્મચારી પાછળ કંપનીએ વર્ષે દહાડે કરવા પડતા કુલ ખર્ચ (સીટીસી)ના 50 ટકા અથવા તો પુરુષ કર્મચારી દીઠ રૂ. 50,000ની સહાય સરકાર તરફથી આપવામાં આવશે. તેમાંય મહિલા કર્મચારી માટે રૂ. 60,000ની એકવારની સહાય આપવામાં આવશે. પ્રોવિડન્ટ ફંડની સુવિધા સાથે નિયુક્ત કરવામાં આવેલા કર્મચારીના પ્રોવિડન્ટ ફંડના ખાતામાં કંપની તરફથી જમા કરાવવો પડતો સંપૂર્ણ હિસ્સો ગુજરાત સરકાર જમા કરાવી આપશે.
ગુજરાતમાં ડેટા સેન્ટર પણ ઊભા થાય તે માટેના પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે.ભારત વિશ્વનો એક યુવાન અને ટેક-સાવી દેશ છે. ટેક્નોલોજીના આ જમાનામાં ડેટાને ઓઈલ કે સોના જેટલો કિંમતી માનવામાં આવે છે. પરંતુ આ ડેટાને સ્ટોર કરવા માટે વિશાળ ડેટા સેન્ટરની જરૂર પડે છે. જો દેશ પાસે ડેટા સ્ટોર કરવાની વ્યવસ્થા ન હોય તો કાંતો ડેટા વેડફાઈ જાય છે અથવા તો વિદેશી ડેટા સેન્ટરમાં સ્ટોર કરવી પડે છે. વિદેશી ડેટા સેન્ટર પર ભારતના આઈટીના કાયદા લાગુ પાડવા મુશ્કેલ છે અને ડેટા લીકેજની શક્યતા પણ અનેકગણી વધારે છે. આ કારણે ભારત સરકારે દેશની અંદર જ મોટા મોટા ડેટા સેન્ટર બનાવવાને પ્રોત્સાહન આપવા માંડ્યું છે. ગુજરાતે પણ આ દિશામાં પહેલ કરી છે. ડેટા સેન્ટરમાં ઇલેક્ટ્રિસિટીનો જંગી વપરાશ થાય છે. એક સાથે સેંકડો હજારો કોમ્પ્યુટર ચાલુ થાય છે. આ ડેટા સેન્ટર બનાવનારાઓે ઇલેક્ટ્રિસિટી ડ્યૂટીમાં રાહત આપવાની જાહેરરાત કરવામાં આવી છે.
આ જ રીતે કેબલ લેન્ડિંગ સ્ટેશન્સ પણ ઊભા કરાવીને મજબૂત બનવા ગુજરાત સરકાર તૈયાર થઈ છે. ઈન્ટરનેટ હવે લક્ઝરી નહિ, એક જરૂરિયાત બની ગયું છે. ખાસ કરીને, કોરોના પછી ઈન્ટરનેટના વપરાશને ખૂબ વધારે વેગ મળ્યો છે. ભારતમાં અન્ડરસી કેબલ લેન્ડિંગ સ્ટેશન મારફતે આખા દેશને ઈન્ટરનેટ કનેક્ટિવિટી મળે છે. ફાઈબર ઓપ્ટિક્સથી બનેલા આ અંડરસી કેબલ જુદા જુદા કેબલ લેન્ડિંગ સ્ટેશનના નેટવર્કથી આપણને અસ્ખલિત ઈન્ટનેટ કનેક્ટિવિટી પહોંચાડતા રહે છે. મુંબઈ લેન્ડિંગ સ્ટેશનમાં સૌથી વધુ 11 કેબલ કનેક્ટ થયેલા છે. ત્યાર પછી ચેન્નાઈમાં 7 અને કોચિમાં 2 કનેક્શન છે. ત્રિવેન્દ્રમ અને તુતિકોરીનમાં 1-1 કેબલ કનેક્ટિવિટી છે.

હવે સવાલ એ થાય છે કે શું ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં ગુજરાત આત્મનિર્ભર બનશે ખરું? ગુજરાતની દેવ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી લિમિટેડના સહસ્થાપક અને સી.ઈ.ઓ. જયમિન શાહ કહે છે, “ગુજરાતમાં રિક્વાયર્ડ સ્કીલના માણસ મળતા નથી. જેમની પાસે સ્કીલ છે તેમને બહારના રાજ્યમાંથી અને બહારના દેશમાંથી જોબ મળી ગયા છે. તેમને વર્ક ફ્રોમ હોમનો લાભ મળતો હોવાથી ગુજરાતની કંપનીઓને મેનપાવરની અછત નડી રહી છે. ”
ગુજરાતમાં પાંચ સાત વર્ષ પહેલા આઈટીમાં તૈયાર થયેલા ગ્રેજ્યુએટ્સને અત્યારની ટેકનોલોજીથી માહિતગાર કરવા અને તેમાં નિપુણ બનાવવા માટે તાલીમ આપવાના કેન્દ્રો ચાલુ કરવાનો અવકાશ પણ ગુજરાતની નવી આઈટી પોલીસીથી ઊભો થયો છે. એસોચેમના ગુજરાતના વાઈસ ચેરમેન અને ગુજરાત ચેમ્બરની આઈ.ટી. કમિટીના ચેરમેન જયમિન શાહ કહે છે, “આઈટીમાં પાંચ સાથ વર્ષથી કામ કરતાં યુવાનોને નવેસરથી આધુનિક ટેક્નોલોજીથી માહિતગાર કરવા તાલીમ આપવાની જરૂર છે. તેમને માટે ગુજરાતમાં આઈટી સ્કીલ્ડ મેનપાવર જનરેટ કરવા માટેના તાલીમ સેન્ટરો ઊભા કરવાનો બહુ જ મોટો અવકાશ છે. ” ગુજરાતના લોકોનો આઈટી તરફ પ્રચંડ ઢોળાવ છે. કંપનીઓને ટેલેન્ટની જરૂર છે. યુથને જોબની જરૂર છે. આજે આઈટી સેક્ટરની કંપનીઓને માણસોની જરૂર છે. પરંતુ તે પૂરી થતી નથી. નવી પોલીસીએ તમામ માટે દરવાજા ખોલી આપ્યા છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે?

વિશ્વ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં પ્રવેશી ચૂક્યું છે. ગુજરાત પણ તેને માટે સજ્જ થઈ રહ્યું છે. સિરી, એલેક્સા PLAY “PLAY BEST SONGS OF LATA MANGESHKAR”, અથવા તો યુ ટ્યૂબ ચેનલ સુધી લઈ જઈને SHOW ME “DEEWAR MOVIE.” જેવી સૂચનાઓ હવે ત્રણ વર્ષના બાળકો પણ સિરીને અને એલેક્સાને આપતા થઈ ગયા છે અને સિરી કે એલેક્સા આ કામ કરી પણ આપે છે. તેને જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરીકે ઓળખાવવામાં આવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં સ્માર્ટ મશીન પણ બનાવવામાં આવે છે. આ મશીન માનવ બુદ્ધિના ઉપયોગ વિના પણ ચાલી શકે છે. સેલ્ફ ડ્રાઈવિંગ કાર તેનું એક ઉદાહરણ છે. રોબો એડવાઈઝર પણ આ જ કેટેગરીમાં આવતું મશીન છે. તેમ જ રોબો એડવાઈઝર, તમારી સાથે વાતચીત કરતું મશીન કે પછી ઇમેઈલમાં કામ કરતાં સ્પામ ફિલ્ટર્સ પણ આ જ કેટેગરીમાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો માણસ કરતાંય વધુ પરફેક્શન સાથે અને કોઈપણ ક્ષતિ વિના માણસનું કામ કરી શકતા કોમ્પ્યુટર્સ બનાવવાની દિશામાં ગુજરાતને આગળ લઈ જવાનું છે. મર્યાદિત મેમરી સાથે કામ કરતી કામ કરતાં મશીન, કંઈક બને અને તેને પ્રતિભાવ આપતા મશીન, જાતે જ જાગૃત રહી શકતા મશીન અને થિયરી ઓફ માઈન્ડ તરીકે ઓળખાતા મશીનની ચાર કેટેગરીને અત્યારે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરીકે ઓળખાવવામાં આવે છે.