ગુજરાત ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગનો મહત્વપૂર્ણ ચૂકાદો

મલ્ટી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના મેમ્બરશીપ પ્લાન હેઠળ આરોગ્ય સેવા પર GST નહિ લાગે
મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ દ્વારા મેમ્બરશીપની ચલાવવામાં આવતી સ્કીમ સાથે જોડાયેલી વ્યક્તિઓ અને તેમના પરિવારના સભ્યોને આપવામાં આવતી સારવાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને પાત્ર ન બનતી હોવાનો એક ચૂકાદો ગુજરાત ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગે આપ્યો છે. ગુજરાતમાં અને અમદાવાદમાં મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ આખા પરિવારના સભ્યોની આરોગ્ય સુવિધા માટે મેમ્બરશીપ આપે છે. આ મેમ્બરશીપ આપવા માટે વાર્ષિક ધોરણે લમસમ ફી વસૂલે છે. આ ફી પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ પડે કે કેમ તે અંગે સ્પષ્ટતા કરવાની માગણી સાથેની રજૂઆત ગુજરાત ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ સમક્ષ કરવામાં આવી હતી.

મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ વ્યક્તિ પાસે ચોક્કસ રકમ લઈ લે છે અને તેમના પરિવારના સભ્યોને સારવારની સેવા પૂરી પાડે છે
દિવ્યજીવન હેલ્થકેર એલએલપીએ આ માગણી સાથે ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગનો સંપર્ક સાધ્યો હતો. આ પ્રકારનો પ્લાન લોન્ચ કરવાનો ઇરાદો હોવાથી તેમણે અગાઉથી જ તેના પર જીએસટી લાગુ પડે કે કેમ તે અંગે સ્પષ્ટતા માગી લીધી છે. દિવ્યજીવન હેલ્થકેર એલએલપીએ માત્ર અમદાવાદ કે ગુજરાત જ નહિ, પરંતુ દેશની સંખ્યાંબંધ હોસ્પિટલ્સ સાથે આરોગ્ય સારવાર માટે ટાઈઅપ-જોડાણ કરેલું છે. આ હોસ્પિટલમાં જઈને દિવ્યજીવન હેલ્થકેર એલએલપીના સભ્યો સારવાર મેળવી શકે છે. દિવ્ય જીવન એલએલપી ચોક્કસ રકમ લઈને કોઈપણ વ્યક્તિ અને તેના પરિવારને 20 વર્ષ સુધી આરોગ્ય સુવિધા આપવાની ખાતરી આપે છે. તેમના આ પ્લાનને ડાયમંડ પ્લાન તરીકે ઓળખાવવામાં આવે છે.