ગૂગલ, ટેસ્લા, એમેઝોન, એપલ જેવી અમેરિકાની કંપનીઓના સ્ટોકમાં ઈન્વેસ્ટ કરવું છે?
ગુજરાતના ગિફ્ટ સિટીએ રોકાણકારોને આંતરરાષ્ટ્રીય કંપનીઓના સ્ટોકમાં ઈન્વેસ્ટ કરવાનો રસ્તો ખોલી આપ્યો
NSE IFSCમાં રોકાણ કરતા પહેલા આટલું જાણવું તમારા માટે જરૂરી છે

હવે ભારતીય રોકાણકારો સરળતાથી અમેરિકાની કંપનીઓના શેર્સમાં રોકાણ કરી શકશે. જાણો છો કેવી રીતે? GIFT (ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક) એટલે કે ગિફ્ટ સિટીમાંથી ઓપરેટ કરતી NSEની સબસિડિયરી કંપની NSE ઈન્ટરનેશનલ એક્સચેન્જે 3 માર્ચથી 8 જેટલી યુ.એસ લિસ્ટેડ કંપનીઓના શેર્સમાં ટ્રેડિંગ કરવાની સુવિધા શરૂ કરી છે. તેઓ તબક્કાવાર 50 જેટલી યુ.એસ કંપનીઓના શેર્સમાં ઈન્વેસ્ટમેન્ટની સુવિધા પૂરી પાડવાનું આયોજન ધરાવે છે. ચાલો જાણીએ કે તેમાં ઈન્વેસ્ટ કેવી રીતે કરી શકાય.
આ રૂટથી યુ.એસના સ્ટોકમાં ઈન્વેસ્ટ કેવી રીતે કરવું?
તમે યુ.એસ સ્ટોક્સ પર અનસ્પોન્સર્ડ ડિપોઝિટરી રિસિપ્ટ્સ (DR) ખરીદી શકો છો. માર્કેટ ડીલર યુ.એસના શેર ખરીદશે અને આ રિસિપ્ટ ઈશ્યુ કરશે. આ રિસિપ્ટને NSE IFSC તરીકે ઓળખવામાં આવે છે. તે રેશિયો મુજબ ઈશ્યુ કરવામાં આવશે. દાખલા તરીકે, 100 NSE IFSC રિસિપ્ટ્સનું મૂલ્ય 1 ટેસલા શેર બરોબર ગણાશે. ટ્રેડિંગના કલાકો દરમિયાન રોકાણકારો યુ.એસ સ્ટોક્સ પર આ રિસિપ્ટ્સ ખરીદી કે વેચી શકશે.
આનાથી યુ.એસના સ્ટોક ખરીદવાની પ્રક્રિયા સરળ કેવી રીતે થશે?
પહેલા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF) જેવા માધ્યમ થકી યુ.એસમાં રજિસ્ટ્રેશન ધરાવતા દલાલ મારફતે યુ.એસના સ્ટોકમાં રોકાણ કરતા હતા. આ ઉપરાંત અમુક એપ્સ પણ હતી જે આ સુવિધા પૂરી પાડતી હતી. હવે NSE IFSCમાં ડિમેટ એકાઉન્ટ ખોલાવવાથી આ પ્રક્રિયા સાવ સરળ થઈ જશે. તેને કારણે રોકાણકારોને યુ.એસ માર્કેટમાં ટ્રેડિંગ થતું હોય તેવા શેર્સના કુલ મૂલ્યના અમુક હિસ્સાનું ટ્રેડિંગ કરવાની સુવિધા મળશે. આ કારણે ભારતીય રોકાણકારો ફાવી જશે.
રોકાણકારો કયા કયા યુ.એસ સ્ટોકમાં ટ્રેડિંગ કરી શકશે?
3 માર્ચથી રોકાણકારો NSE IFSC રિસિપ્ટ્સની સુવિધા ધરાવતા આઠ સ્ટોકમાં રોકાણ કરી શકશે. તેમાં એમેઝોન, ટેસ્લા, આલ્ફાબેટ, મેટા પ્લેટફોર્મ્સ (ફેસબુક), માઈક્રોસોફ્ટ, નેટફ્લિક્સ, એપલ અને વોલમાર્ટનો સમાવેશ થાય છે. એક્સચેન્જનું આયોજન આ સ્ટોકની સંખ્યા વધારીને 50 જેટલી કરવાનું છે. આ યાદીમાં અડોબે, બર્કશાયર હેથવે, માસ્ટરકાર્ડ, વિઝા, શેવરોન, મોર્ગન સ્ટેનલી, પેપાલ, જે.પી મોર્ગન જેવી દિગ્ગજ કંપનીઓનો સમાવેશ થાય છે.
કયા કલાકો દરમિયાન ટ્રેડિંગ કરી શકાશે?
NSE IFSC રિસિપ્ટ્સનું ટ્રેડિંગ રાત્રે 8 વાગ્યે શરૂ થશે અને રાત્રે 2.30 વાગ્યે બંધ થશે. શરૂઆતમાં બધા જ સેટલમેન્ટ T+3 ધોરણે એટલે કે તમે ખરીદ-વેચ કરી પછીના 3 વર્કિંગ ડેની અંદર કરવામાં આવશે. અડધો માર્ચ મહિનો પૂરો થાય પછી યુ.એસ ડેલાઈટ સેવિંગ ટાઈમ (DST)ને અનુસરવાનું શરૂ કરે છે. ત્યાર પછી ટ્રેડિંગ સાંજે 7 વાગ્યાથી શરૂ થશે.
કિંમત કેવી રીતે નિશ્ચિત થશે?
યુ.એસની કંપનીનો શેર આગલા દિવસે જે ભાવે બંધ થયો હોય તેને NSE IFSC રિસિપ્ટના DR રેશિયોથી ભાગતા જે કિંમત મળે તે NSE IFSC રિસિપ્ટની આજના દિવસ માટેની બેઝ પ્રાઈઝ ગણાશે.
સામાન્ય રીતે NSE IFSC રિસિપ્ટ છેલ્લા અડધા કલાકમાં જ ટ્રેડ થાય તો તેની બેઝ પ્રાઈઝ એ ક્લોઝ પ્રાઈઝ જેટલી જ રહેશે. પણ જે દિવસે છેલ્લા અડઝા કલાકમાં રિસિપ્ટ્સનું ટ્રેડિંગ ન થયું હોય, તો બેઝ પ્રાઈઝ ઉપ જણાવ્યા ફોર્મ્યુલા પ્રમાણે ગણવામાં આવશે.

રિસિપ્ટ્સ માટે કોઈ પ્રાઈઝ બેન્ડ નિશ્ચિત કરાયા છે?
જી, ના. આ રિસિપ્ટ્સ પર કોઈ નિશ્ચિત પ્રાઈઝ બેન્ડ લાગુ નહિ પડે. એન્ટ્રીમાં કોઈ ભૂલ ન થાય તે માટે એક્સચેન્જ ડાઈનેમિક પ્રાીઝ બેન્ડની સુવિધા લાવશે. આવા બેન્ડ્સને ડમી ફિલ્ટર કે ઓપરેટિંગ રેન્જ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં એક્સચેન્જ દ્વારા જે કિંમતની મર્યાદા નિશ્ચિત કરાઈ હોય તેની બહારના ઓર્ડ સ્વીકારવામાં આવતા નથી.
માર્કેટ ટ્રેન્ડ ઉપર કે નીચે, કોઈ પણ દિશામાં જશે તો ડાઈનેમિક પ્રાઈઝ બેન્ડ તે મુજબ દિવસની લઘુત્તમ કે મહત્તમ મૂવમેન્ટ નિશ્ચિત કરી આપશે. NSE રિસિપ્ટ માટે ડાઈનેમિક પ્રાઈઝ બેન્ડ બેઈઝ પ્રાઈઝના 10 ટકા જેટલી નિશ્ચિત કરવામાં આવશે.
કઈ કરન્સી ઉપયોગમાં લેવાશે?
ટ્રેડિંગ માટેની કરન્સી યુ.એસ ડોલર રહેશે. ઓછામાં ઓછી એક સેન્ટ એટલે કે $0.01ની પ્રાઈઝ મૂવમેન્ટ સાથે શેર ખરીદી કે વેચી શકાશે.
ઈન્વેસ્ટમેન્ટ માટે કોઈ મર્યાદા નિશ્ચિત છે?
ભારતના રિટેલ ઈન્વેસ્ટર NSE IFSC પ્લેટફોર્મ પર રિઝર્વ બેન્કની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) અંતર્ગત નિશ્ચિત કરેલી મર્યાદા મુજબ ટ્રાન્ઝેક્શન કરી શકશે. રિઝર્વ બેન્કે આ અંતર્ગત વર્ષે $2,50,000ની મર્યાદા નક્કી કરી છે. એટલે કે તમે એક વર્ષમાં અઢી લાખ ડોલરથી વધુના મૂલ્યનું ટ્રેડિંગ કરી શકશો નહિ.
કેપિટલ ગેઈન પર કેટલો ટેક્સ લાગશે?
ફોરેન એસેટ્સ જેટલો. શોર્ટ ટર્મમાં સ્લેબના દર પ્રમાણે ટેક્સ લાગશે. લોંગ ટર્મમાં 20 ટકા ટેક્સ લાગશે.

કયા દિવસે ટ્રેડિંગ બંધ રહેશે?
US ટ્રેડિંગ જે દિવસે બંધ હોય તે દિવસે NSE IFSC રિસિપ્ટ્સનું ટ્રેડિંગ બંધ રહેશે. પરંતુ તેમાં થોડી ભારતીય રજા પણ ઉમેરવામાં આવી છે. 2022માં એપ્રિલ 15 (ગૂડ ફ્રાઈડે), મે 30 (મેમોરિયલ ડે), જૂન 20 (જુનટીન્થ નેશનલ ઈન્ડિપેન્ડન્સ ડે), 5 સપ્ટેમ્બર (લેબર ડે), 24 ઓક્ટોબર (દિવાળી), 24 નવેમ્બર (થેન્ક્સ ગિવિંગ) અને 25 ડિસેમ્બર (ક્રિસમસ)ના દિવસે ટ્રેડિંગ બંધ રહેશે.
લેખકઃ ઝીલ બંગડીવાલા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ