ચાલો, કરીએ પ્રારંભ એક નવી જિંદગીનો: નિવૃત્ત સિનિયર સિટીઝન માટે પ્રોપર્ટી વિકસાવવાનો ટ્રેન્ડ શરૂ
સિનિયર સિટીઝન માટેની ટાઉનશીપ વૃદ્ધાશ્રમ નથી, પણ સ્વજનોથી દૂર નવા સ્વજનો સાથે રહેવાની સોનેરી તક છે
હવે વૃદ્ધ થનારી પેઢીઓ પોતાના સ્વજનોથી દૂર પોતાનું અલાયદું ઘર વસાવીને સમવયસ્કોની વચ્ચે ખુશીખુશી અને સ્વમાનભેર જિંદગી વીતાવતા થશે

પ્રારંભ થઈ ગયો છે. પણ શેનો? એક નવી જિંદગીનો અને હા, સિનિયર સિટિઝન્સ સમવયસ્કો સાથે ખુશીથી જિંદગી વીતાવવાનું પસંદ કરે તેવી પ્રોપર્ટી ડેવલપ કરવાના ટ્રેન્ડનો. અમદાવાદથી 25થી 30 કિલોમીટરને અંતરે બાવળામાં ધેધાળ ક્રોસ રોડ નજીક આવેલી પ્રારંભ ટાઉનશીપમાં અત્યાર સુધીમાં 350થી વધુ કપલ્સ નવી જિંદગી જીવવા માટે શિફ્ટ થઈ ચૂક્યા છે. હવે આ ટાઉનશીપ 1200 બંગલાની સ્કીમ સાથે આગળ વધી રહી છે કારણ કે આવનારા વર્ષોમાં તેની ડિમાન્ડ ખાસ્સી વધી જવાની ગણતરી છે. તેમાં 230 વારના પ્લોટમાં 85 વારનું બાંધકામ સંપૂર્ણપણે પોતાની માલિકીનું મળે છે. તમામ બંગલા એક સમાન ડિઝાઈનના અને સાઈઝના છે.
નવી તૈયાર થઈ રહેલી પ્રારંભ ટાઉનશીપમાં ક્લબ, સ્વિમિંગ પુલ, ગેમિંગ ઝોન, લાયબ્રેરી અને થિયેટરની સુવિધા છે. મલ્ટીપર્પઝ હોલમાં પિક્ચર, મેચ પણ જોઈ શકાય છે. તેમ જ નવા સાથીઓ સાથે મળીને બર્થ ડે કે મેરેજ ડે ઉજવી શકે છે. સાથીઓને વારે-પ્રસંગે પાર્ટી આપી શકાય છે, અને સૌથી મોટી વાત તો એ છે કે ડિસ્કોથેકમાં મસ્તીથી ડાન્સ કરી ઝૂમી શકાય છે. નિવૃત્તિને દિલથી માણી શકાય તેવી પૂર્ણ સુવિધાઓ પ્રારંભ ટાઉનશીપમાં મોજૂદ છે. ધર્મવત્સલ કપલ્સ માટે મંદિર, દેરાસર જેવી સુવિધા પણ અહીં મોજૂદ છે. અહીં રહેનારાઓના મનોરંજન માટે દર પખવાડિયે બહારથી કલાકારો બોલાવીને ડાયરા સહિતના પ્રોગ્રામ પણ રાખવામાં આવે છે.

વર્તમાન સમયમાં માતાપિતાના સાથે રાખીને જિંદગી જીવવાની યુવાનોની માનસિકતા ઓછી થતી જાય છે. હું અને મારો હક્કો, બીજાને મારો ધક્કોની માનસિકતા તીવ્ર બનતી જાય છે. વિદેશથી આવેલું આ વલણ આજકાલ ગુજરાતી સમાજના મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગમાં ચલણ બનવા માંડ્યું છે. હવે તો સિનિયર સિટિઝન્સ પણ આ વાસ્તવિકતાને સ્વીકારી લેતા થયા છે. તેથી જ આ પ્રકારની ટાઉનશીપ ડેવલપ થવા માંડી છે. રિયલ એસ્ટેટના ક્ષેત્રનું અત્યારે પા પા પગલી માંડી રહેલું આ સેગમેન્ટ આવનારા દસકામાં દોડતું થઈ જશે.
પરિવારમાં કંકાસ વચ્ચે નારાજગી સાથે જીવવાને બદલે સ્વતંત્ર રીતે સિનિયર લિવિંગ-રિટાયરમેન્ટ હોમમાં પોતાની ગમતી કંપનીમાં અને ગમતા વાતાવરણમાં રહેવાનું પસંદ કરનારાઓનો વર્ગ મોટો થઈ રહ્યો છે. નોકરી કાળ પૂરો થવાના પાંચ-સાત વર્ષ પહેલાથી જ તેઓ આ માટેનું પ્લાનિંગ કરતાં થયા છે. હા, આ વૃદ્ધાશ્રમ નથી. કોઈએ આપેલા ડોનેશન પર નભતી સંસ્થાઓને સહારે જીવન વીતાવવાનો માર્ગ નથી. પરંતુ વૃદ્ધ પેઢીને તેમની ખુશીથી, તમામ સુવિધા સાથે, પોતાની જિંદગીની મૂડીનો ઉપયોગ કરીને આરામદાયક અને અકળામણ-મૂંઝવણોથી મુક્ત રાખતી અને ખાસ કરીને સ્વમાનપૂર્ણ જિંદગી જીવવાનો રસ્તો કરી આપતી વ્યવસ્થા છે. તેથી જ સિનિયર સિટીઝન્સે આ જિંદગી અપનાવવા માંડી છે. આ પોતાની જ જિંદગીભરની બચતમાંથી ઊભી કરવામાં આવેલી મિલકતમાં વસવાની અને પોતાના જેવા જ સેંકડો સિનિયર્સ સાથે સ્વમાનભેર નવી જિંદગી શરૂ કરવાની વ્યવસ્થા છે.

સિનિયર સિટીઝન્સ માટેના મકાનોમાં અત્યાધુનિક અને અગવડ ન પડે તેવા આવાસો હોવા જરૂરી છે. તેમાં તેમની વયને ધ્યાનમાં રાખીને સારસંભાળ રાખવામાં આવે, તેમને માટે જીવન આરામદાયક બને તથા તેમને સારા સિનિયર નાગરિકોની કંપની પણ મળી રહે તે જોવું જરૂરી છે. તદુપરાંત ચાલતા ચાલતા પડી જાય તો તેમને બહુ વાગી ન જાય તેવા ફર્નિચર્સ તેમાં વસાવેલા હોવા જોઈએ. તેમને જરૂર પડે તો વ્હિલચેરની સુવિધા પણ મળી રહેવી જોઈએ. ચાલતા ચાલતા લપસી ન પડે તેવી ટાઈલ્સ વાળું ફ્લોરિંગ હોવું પણ એટલું જ જરૂરી છે. તેમ જ દરેક આવાસમાં હાથ પહોંચી શકે તેવી જગ્યા પર ઇમરજન્સી કૉલ માટેનું બટન પણ લગાડેલું હોવું જરૂરી છે. જાપાન, સિંગાપોર અને અમેરિકા સહિત યુરોપના ઘણાં દેશોમાં આ પ્રકારની ટાઉનશીપ તૈયાર થઈ છે. ભારતની વાત કરવામાં આવે તો બેન્ગલુરુ, પૂણે, ચેન્નઈ, દિલ્હી, કોચી, જયપુર, ભોપાલ, કોઈમ્બતુર, ઋષિકેશ, ગોવા અને મથુરામાં પણ આ પ્રકારની ટાઉનશીપ થવા માંડી છે. મુંબઈ, હૈદરાબાદ, દિલ્હી, કોલકાતા અને અમદાવાદ સહિતના શહેરોમાં યુવા પેઢીની બદલાતી જીવન શૈલીને પરિણામે એટલે કે સંયુક્ત પરિવારને બદલે વિભક્ત પરિવાર તરીકે રહેવાની વધતી માનસિકતાને કારણે આ પ્રકારની ટાઉનશીપ બનાવવાનું વધી રહ્યું છે.
સિનિયર સિટીઝન્સ માટે ટાઉનશીપ તૈયાર કરનારી કંપની પ્રારંભ સ્માર્ટ સિટીના ડિરેક્ટર કૈલાશ ગઢવી કહે છે, “પૈસા હોવા છતાંય પોતાના જ ઘરમાં વાત કરનાર કોઈ જ ન હોય તેવી સ્થિતિમાં જીવનારા દંપત્તિઓ વધી રહ્યા છે. છોકરાઓ વિદેશ સેટલ થઈ ગયા હોય, છોકરાઓ નોકરી અને કમાણી કરવા માટે અન્ય શહેરમાં સેટલ થયા હોય તેવા કપલ્સની સંખ્યા વધી રહી છે. તેમની પાસે પૈસાની અછત નથી. માત્ર સ્વજનો ન હોવાથી એક ખાલીપો અનુભવતા હોવાનું જોવા મળે છે. તેમને માટે અમે ખાસ ટાઉનશીપ ડેવલપ કરવા માંડી છે. હવે વધુ બિલ્ડર્સ કે સામાજિક હેતુથી કામ કરનારાઓ આ પ્રકારની ટાઉનશીપ ડેવલપ કરવા આગળ આવશે. અમે કેડી કંડારીને કદમ ઊઠાવ્યું છે. આ કેડી પર સફર કરનારા ડેવલપર્સ – બિલ્ડર્સ પણ આવનારા દિવસોમાં આગળ વધશે.

બીજું, આ ટાઉનશીપ ડેવલપ કરવા પાછળનો અમારો ધ્યેય સમાજને પે બેક કરવાનો પણ છે જ છે. હા, પ્રારંભ સ્માર્ટ સિટી એ વૃદ્ધાશ્રમ નથી. તેમને તેમના સ્વજનો મૂકી જતાં નથી. સિનિયર્સ સામેથી ચાલીને તેમાં રહેવા આવે છે. તેઓ પોતાની નિવૃત્તિ વય માટે એક અલગ હોમ વસાવે છે. કાયદેસર પ્રોપર્ટીના થતાં દસ્તાવેજની જેમ જ તેના દસ્તાવેજ થાય છે. તેની માલિકીનું રજિસ્ટ્રેશન સબરજિસ્ટ્રાર કચેરીમાં થાય પણ છે. સ્ટેમ્પ ડ્યૂટી પણ ભરાય છે. આ હોમને રિટાયરમેન્ટ હોમ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. રિટાયરમેન્ટ હોમ તેમને અંતિમ શ્વાસ સુધી સાચવે પણ છે. ત્યારબાદ તેમણે વસાવેલી મિલકતનું વધેલું મૂલ્ય તેમના સ્વજનોને મળી શકે છે. સ્વજનો તે મિલકતોની માલિકી વારસદાર તરીકે જાળવી પણ શકે છે. આજના જુનિયર્સ સ્વજનો સિનિયર્સ થાય ત્યારે ઇચ્છે તો તેઓ પણ નિવૃત્ત થઈને તેમાં વસવા જઈ શકે છે. આ પ્રકારના ટાઉનશીપ અમદાવાદ નજીક બનાવનાર કૈલાશ ગઢવી કહે છે, “મિલકત વસાવવા માટે કરવામાં આવેલા ખર્ચ ઉપરાંત તે મિલકતનું એપ્રિશિયેશન પણ થાય છે. આમ તે બેન્ક સાડાપાંચ ટકાની ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં વધુ વળતર અપાવનાર પણ સાબિત થાય છે. તેને સંપત્તિ સર્જનનું એક માધ્યમ પણ ગણાવી શકાય છે. સિનિયર્સ જિંદગીના અંતિમ શ્વાસ લે તે પછી તેમના સ્વજનો તે મિલકતનો કબજો મેળવી શકે છે. સિનિયર્સ ઇચ્છે તો તે પહેલા પણ તે વેચીને નીકળી જઈ શકે છે.” સામાન્ય રીતે રહેઠાણ કે કોમર્શિયલ હેતુ માટેની મિલકતો ડેવલપ કરનારાઓ અસંખ્ય છે. પરંતુ આ ટાઉનશીપ શહેરથી થોડી દૂર ભલે હોય, પણ પરવડે તેવા રેટમાં મળી શકે છે. શહેરની મધ્યમાં આ પ્રકારની ટાઉનશીપ ડેવલપ કરવી અત્યંત મોંઘી પડે છે. જમીનના ભાવ જ સ્કીમની વાયેબિલીટી ખતમ કરી દે છે. ગુજરાતમાં આ ટ્રેન્ડ વ્યાપક બની રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને આણંદમાં આ પ્રકારની ટાઉનશીપ બંધાતી થઈ ગઈ છે.

રિટાયરમેન્ટ હોમમાં આપવામાં આવતી સુવિધાઓને ધ્યાનમાં લઈને રિટાયરમેન્ટ હોમની પસંદગી કરવી જરૂરી છે. કૈલાશ ગઢવીનું કહેવું છે કે”અમે તેમના આહાર, આરોગ્ય અને આરામદાયક સુવિધા તમામની કાળજી રાખીએ છીએ. અહીં આવનાર પુરુષ જ નિવૃત્ત થતો નથી, મહિલાઓને પણ રસોડાની જફામાંથી નિવૃત્તિ મળે છે. કપડાં ધોવાની સુવિધા પણ અમે તેમને પૂરી પાડીએ છીએ. તેથી મહિલાઓને પતિની માફક જ આરામદાયક જિંદગી જીવવાનો મોકો મળે છે. અમે તેમને રોજ જમાડવા ઉપરાંત તેમના ચા નાસ્તાના સુવિધા પૂરી પાડીએ છીએ. બેસ્ટ ક્લોલિટી ફૂડ મળે તેવી અમે વ્યવસ્થા કરી છે. તેમ જ આવનાર દંપતિ કે વ્યક્તિ માંદી જ ન પડે તે માટેનો અમારો પ્રયાસ હોય છે. તે શક્ય બને છે અમે પૂરા પાડેલા કુદરતી માહોલથી. કુદરતના સાનિધ્યમાં લીલી હરિયાળી, પાણીથી છલકાતા તળાવ અને પક્ષીઓની અવરજવરવાળા માહોલમાં રહેવાની સુવિધા આપીએ છીએ. કુદરતી વાતાવરણ અને શુદ્ધ હવા તેમની માંદગીને જોજનો દૂર ધકેલી દે છે. બીજું તેઓ માંદા પડે તે ડૉક્ટર્સની ટીમ અમારા સંકુલમાં જ મોજૂદ છે. અમે રિટાયરમેન્ટ હોમ આપી તેમનો હાથ કે સાથ છોડી દેતા નથી. તેઓ અમારી સાથે છે ત્યાં સુધી તેમને સાચવીએ છીએ. આ માટે કપલદીઠ માસિક ચાર્જ અંદાજે રૂ. 10,000થી 12,000 સુધીનો જ આવે છે. આ સાથે જ ટાઉનશીપમાં તેમના સમવયસ્કોની કંપની તેમને મળી શકે છે. પોતાની જિંદગીના અનુભવો શેર કરવાની તક પણ મળે છે.

કૈલાશ ગઢવી, ડિરેક્ટર, પ્રારંભ
ટાઉનશીપમાં દેરાસર, મંદિર, હોસ્પિટલ આઈસીયુ ઓન વ્હિલ, વ્હિલચેર, બેન્ક બ્રાન્ચની, વાઈફાઈની તથા જિંદગી આરામદાયક રહે તે માટે હાઉસકીપિંગની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. મહિલાઓને પણ ઘર સફાઈ કે રસોડાની જવાબદારીમાંથી સંપૂર્ણપણે મુક્તિ મળે છે. તેમ જ પોતાના કે પતિના કપડાં ધોવાની પણ જફા નથી. કપડાં ધોવાની વાસણોની સફાઈની સુવિધા માટે મહિને માત્ર રૂ. 500નો ખર્ચ કરવો પડે છે. એક કલાક કામ માટે રાખો તો 600 રૂપિયાના માસિક ખર્ચમાં કામ થઈ જાય છે. અહીં કામ કરનારા દરેકને પોલીસ વેરિફિકેશન પછી જ રાખવામાં આવે છે. સમગ્ર ટાઉનશીપમાં સીસીટીવી કેમેરાથી દરેક હિલચાલને મોનિટર કરવામાં આવે છે. શહેરના ફ્લેટ્સમાં એકલા રહેતા વૃદ્ધોને સતત જીવ પર જોખમ તોળાતુ લાગે છે. પ્રારંભ ટાઉનશીપમાં તેવો ભય નથી.
આ ટાઉનશીપમાં મહિને 3000 મેઈન્ટેનન્સ લેવાય છે. ટાઉનશીપમાં ફરવા માટે ગોલ્ફ કાર્ટ, ચોવીસ કલાક રેસ્ટોરાની સુવિધા, ચોવીસ કલાક મેડિકલ ફેસિલિટી, અંદર બહાર ગાર્ડનિંગ, ટાઉનશીપની સફાઈની સુવિધા મળે છે. તેમ જ રોજના રૂ. 230ના ખર્ચમાં અનલિમિટેડ ફૂડ મળે છે. દરેકને ચોઈસ મળી રહે તે માટે સાતથી આઠ ટાઈપના ફૂડ બને છે. જૈન-નોન જૈન, ઓછું તેલ વધારે તેલવાળા આહાર બને છે. ફૂડ તૈયાર કરવા મહારાજ રાખવામાં આવ્યા છે. મહિને મહત્તમ રૂ. 12000ના ખર્ચમાં એક કપલ રહી શકે છે. આ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે ફક્ત રૂ. 51 લાખનું. તેમાં 230 વારનો પ્લોટ, 85 વારનું બાંધકામ તથા તમામ ફર્નિચર સાથેનો બંગલો મળે છે. ડબલબેડ, કબાટ, ડાઇનિંગ ટેબલ સહિતના તમામ ફર્નિચર સાથે વન બેડરૂમ, ડ્રાઇંગ, ડાયનિંગ કિચનનો બંગલો મળે છે.

પ્રારંભ ટાઉનશિપમાં પ્રોપર્ટી જોઈ આવેલા એક વડીલ જણાવે છે, “અમારા સર્કલમાં ઘણા યુગલો આવી ઓલ્ડ એજ ટાઉનશિપમાં રહેવા માંડ્યા છે અને તેઓ ખૂબ જ મજાથી તેમનું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યા છે. આ ટાઉનશિપનો ફાયદો એ છે કે તેમાં બધા તમારી જ ઉંમરના હોય છે. તેમની સાથે તમે ઈચ્છો તો યોગ, કસરત કરી શકો, ત્યાં બધા ફંક્શન્સ સરસ રીતે ઉજવાય છે, વડીલોને ધ્યાનમાં રાખીને ગેમ્સ રમાડાય છે. આટલું જ નહિ, મન થાય તો તેઓ તમારા સ્વજનોને મળવા આવવાની ઈચ્છા થાય તો ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા પણ કરી આપે છે. નિઃસંતાન દંપત્તિ, જેમના બાળકો વિદેશ કે બીજા શહેરમાં સેટલ થયા હોય તેમના માટે આવા પ્રકારની ટાઉનશિપ ખરેખર આશીર્વાદરૂપ સાબિત થાય છે.”
સમાજના માળખામાં પરિવર્તન આવે તેની સાથે સાથે જો આ પ્રકારની સુવિધાઓ પણ વિકસતી રહે તે જરૂરી છે. અમદાવાદ અને તેની આસપાસ વિકસતી આ પ્રકારની ટાઉનશિપ્સની સફળતા જ સૂચવે છે કે ઘણા સમયથી આ પ્રકારના પરિવર્તનની કાગડોળે રાહ જોવાઈ રહી હતી.

રિવર્સ મોર્ટગેજની સિસ્ટમનો પણ લાભ લઈ શકાય
રિવર્સ મોર્ટગેજનો કોન્સેપ્ટ પણ છે. તમારી માલિકીની મિલકત ગિરવે મૂકી શકાય છે. રૂ. 50 લાખનો બંગલો લઈને બેન્કમાં રિવર્સ મોર્ટગેજ પર મૂકી શકાય છે. તેમાં મિલકતનું એપ્રિશિયેશન પણ મળે છે. તેમ જ બેન્ક રિવર્સ મોર્ટગેજ પર લઈને તેમને સારી જિંદગી જીવવા માટેના તમામ ખર્ચાઓ કરે છે. તેમના અવસાન બાદ તેમની પ્રોપર્ટીનું મૂલ્યાંકન કરીને તે પ્રોપર્ટીના મોર્ટગેજ સામે પોતાને લેવાની થતી વ્યાજ સહિતની રકમ એડજસ્ટ કરી લઈને તે પ્રોપર્ટીનો નિકાલ કરી દે છે. તેમણે વાપરેલા નાણાં ઉપરાંતના નાણાં હોય તો તેના પર તેમના સ્વજનોનો અધિકાર બની શકે છે. દરેક બેન્ક આ સુવિધા આપી શકે છે. આ સુવિધાનો લાભ લેવા માટે ટાઉનશીપમાં જવાની જરૂર નથી. તેમ છતાંય ટાઉનશીપમાં પ્રોપર્ટી લઈને રહેવુ હોય તો ટાઉનશીપના સંચાલકો પણ આ પ્રકારની વ્યવસ્થા બેન્કના માધ્યમથી તેમની પ્રોપર્ટી માટે કરાવી શકે છે.