જાણો, નવા આવકવેરા ખરડો ખરેખર કાયદો બનશે તો શી તમારા પર ખરેખર શી અસર પડશે
અમે સોશિયલ મીડિયામાં તમારી અંગત વાતો જોઈશું, પણ જાહેર નહિ કરીએઃ CBDT

કરદાતાઓના સોશિયલ મિડિયા એકાઉન્ટમાં આવકવેરા અધિકારીઓ ડોકીયું કરે તો શું શું થઈ શકે
આવકવેરા ધારા-1961નું સ્થાન લેવા માટે સંસદમાં રજૂ કરવામાં આવેલા ઇન્કમટેક્સ બિલ-2025માં કરદાતાના વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ સહિતના સોશિયલ મીડિયા એકાઉન્ડમાં આવકવેરા અધિકારીઓ ડોકિયું કરી શકશે તેવી જોગવાઈ સામે સમગ્ર ભારતમાંથી વિરોધનો વંટોળ ઊઠ્યો છે તેથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ(CBDT)ના ચેરમેન રવિ અગ્રવાલે ઉપર મુજબની સ્પષ્ટતા કરી છે. કેન્દ્રની સરકાર દ્વારા રજૂ કરવામાં આવનારા ઉપરોક્ત ખરડાનું સંસદની સિલેક્ટ કમિટીએ અવલોકન કર્યું તે પછીય કમિટીએ લોકોના વિરોધને ધ્યાનમાં લીધો નથી. પરિણામે સોશિયલ મીડિયાના એકાઉન્ટ અને ઈ-મેઈલ એકાઉન્ટમાં આવકવેરા અધિકારીઓ ડોકિયું કરી શકશે. હા, સંસદમાં નવો સુધારેલો ખરડો પસાર થઈ જાય તે પછી આ શક્ય બનશે.
આવકવેરા અધિકારીઓ કરદાતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અને ઈ-મેઈલ એકાઉન્ટમાં ડોકિયું કરશે, પરંતુ તેમની અંગત બાબતોને જાહેર કરશે નહિ એવી સ્પષ્ટતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસના ચેરમેન રવિ અગ્રવાલે કરી છે. વેરાને લગતી માહિતી સિવાયની માહિતી ઉપયોગી ન જણાય તેવી હશે તો તેને આવકવેરાના રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવશે. હા, સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી સંપૂર્ણ માહિતી કાઢીને પુરાવા તરીકે એક અખંડ સ્વરૂપમાં તે માહિતી જાળવૂ રાખવામાં આવશે. પરંતુ તેમાંથી નાણાંકીય બાબતનો લગતી માહિતીનું જ વિશ્લેષણ કરવામાં આવશે. વેરાને લગતી માહિતી સિવાયની માહિતીને ઉપયોગમા લેવામાં આવશે નહિ.
ડિજિટલ મેન્યુઅલ તૈયાર કરવામાં આવશે
સોશિયલ મીડિયા એકાઉન્ટને ચકાસણી કરવાની કામગીરીને કઈ રીતે કરવી તેને માટેનું ડિજિટલ મેન્યુઅલ આવકવેરા ખાતા દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે. ડિજિટલ પુરાવાઓનો કઈ રીતે ઉપયોગ કરવો તેને લગતી પૂરી માર્ગદર્શિકા તેમાં આપવામાં આવશે. તેમાં કયા લેવલના અધિકારીઓ આ એકાઉન્ટની માહિતી જોઈ શકશે તેની સ્પષ્ટતા કરવામાં આવશે. તેમ જ તેમાંથી નાણાંકીય બાબતોને લગતી માહિતી જ લેવામાં આવે તેની ચોકસાઈ રાખવામાં આવશે. કરદાતાની અંગત માહિતીનો દુરુપયોગ ન થાય તેની તકેદારી રાખવામાં આવશે.
માહિતીનો દુરુપયોગ થશે
જોકે કાયદાના જાણકારોનું કહેવું છે કે આ માહિતીનો દુરુપયોગ કરવામાં આવી શકે છે. નાણાંકીય તપાસને નામે આવકવેરા અધિકારીઓને સોશિયલ મીડિયા એકાઉન્ટ કે પછી ઈ-મેઈલમાં ડોકિયું કરવાની સત્તા મળે તો તે કરદાતા માટે જોખમી સાબિત થઈ શકે છે.
સોશિયલ મીડિયાની માહિતીનો ઉપયોગ
તમે ઓછી આવક બતાવીને વૈભવી જીવન જીવતા હશો તો તે પકડાઈ જશે. તમારા ટેક્સ રિટર્નની આવક અને તમારી વાસ્તવિક આવક વચ્ચેનો તફાવતનો અંદાજ લગાવી શકાશે. આ પ્રકારના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં રેડફ્લેગ જોવા મળશે. તેમ થાય તો આવકવેરા ખાતું તમારા રિટર્નની વધુ બારીકાઈ પૂર્ણ સ્ક્રૂટિની-ચકાસણી કરશે. તેને માટે સોશિયલ મીડિયાની પોસ્ટનો ઉપયોગ પુરાવાર તરીકે કરવામાં આવશે અને કરદાતાઓના દાવાને પડકારવામાં આવશે. કરદાતાના હિસાબોનું ઓડિટ કરતી વેળાએ કરદાતા દ્વારા રિપોર્ટમાં મૂકવામાં આવેલી માહિતીને પડકારવા માટે સોશિયલ મીડિયાની માહિતીનો ઉપયોગ કરીને કરદાતાના દાવાઓને પડકારવામાં આવશે.
તમે રિટર્નમાં દર્શાવેલી આવક અને તમારી ઓનલાઈન લાઈફસ્ટાઈલ વચ્ચેનો તફાવત હશે તો આવકવેરા ખાતું તમારા આર્થિક વહેવારોનું ઓડિટ ચાલુ કરશે. તમારી ખાનગી માહિતી જાહેર થઈ જશે. તમારા ટેક્સ રિટર્નમાં કરવામાં આવેલા દાવાઓને પડકારવા માટે સોશિયલ મીડિયા પોસ્ટનો ઉપયોગ પુરાવા તરીકે કરવામાં આવશે.
દંડ થવાની સંભાવના વધી જશે
તમે રિટર્નમાં દર્શાવેલી આવક અને તમારી લાઈફ સ્ટાઈલમાં આવકવેરા ખાતાને તફાવત જોવા મળશે તો તેવા સંજોગોમાં કરદાતા તરીકે તમને કરચોરી કરવા માટે મોટી રકમનો દંડ ભરવો પડી શકે છે. તમે તમારી વાસ્તવિક આવક કરતાં ઓછી આવક દર્શાવી હોવાથી તમારે દંડ ભરવો પડી શકે છે. આવકવેરા ખાતાને ચોકસાઈ કર્યા વિનાની અધૂરી માહિતી પૂરી પાડવા માટેનો દંડ કરવામાં આવશે. તદુપરાંત આવકવેરાની ચોરીની રકમ નક્કી થાય તો તેના પર 200 ટકા રકમ સુધીનો દંડ અને વ્યાજ પણ ચઢાવવામાં આવી શકે છે.