જીવનનો કોઈ જ ભરોસો નથી, વિલ સમયસર બનાવી લેજો
તમારી મિલકતની તમામ વિગતો લખીને કોને કઈ મિલકત આપવી છે તે એક સાદા કાગળ પર લખી રાખીને પણ વિલ બનાવી શકાય

Image by rawpixel.com on Freepik
દરેક વ્યક્તિ એ પોતાની મિલકત ની વહેંચણી પોતાની મરજી થાય તે કારણસર પોતાની સ્થાવર અને જંગમ મિલકતનું વિલ બનાવવું ખુબજ જરૂરી છે. આપણે જાણીએ છીએ કે આ જિંદગીનો કોઈ ભરોસો નથી. કેટલાક લોકો માને છે કે વસિયતનામું ઉંમરલાયક વ્યક્તિએ બનાવવું જોઈએ, પરંતુ વાસ્તવિકતા એ છે કે નાની-મોટી કોઈપણ મિલકતની માલિકી ધરાવનાર કોઈ પણ ઉંમરની વ્યક્તિએ વિલ બનાવી લેવું જોઈએ.
ઇન્ડિયન સકસેશન એક્ટ 1925ની કલમ 2(એચ) માં વિલની વ્યાખ્યા આપવામાં આવી છે તે પ્રમાણે વિલ-વસિયતનામું બનાવનારની ઈચ્છા અનુસાર મિલકતની વહેંચણી કરવામાં આવે છે. વિલની કાયદેસર જાહેરાત અને અમલ વિલ બનાવનાર વ્યક્તિના મૃત્યુ બાદ કરવામાં આવે છે.
વિલ એ એક દસ્તાવેજ છે. વિલ બનાવનાર વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ તેમાં ફેરફાર કરી શકે છે. એક વાર વિલ બની ગયા પછી તેમાં ફેરફાર ન થાય તેવું છે જ નહિ. વિલ બનાવનારને મન થાય ત્યારે સુધારા કે વધારા કરી શકે છે. વિલ સાદા કાગળ ઉપર હોય તો પણ માન્ય ગણાય છે. વિલ સ્ટેમ્પ પેપર પર જ કરેલું હોવું જરૂરી નથી. જો કે વિલ સ્ટેમ્પ પેપર ઉપર હોય તો વધુ યોગ્ય ગણાય છે. ગુજરાત સ્ટેમ્પ એક્ટ માં જણાવેલ છે કે જુદા જુદા દસ્તાવેજો જેવા કે ભાગીદારી પેઢીનો દસ્તાવેજ, સોગંદનામું, સ્થાવર મિલકતની હેરફેર વગેરે સ્ટેમ્પ પેપર ઉપર જ હોવા જોઈએ. વિલ-વસિયતનામું કેટલી રકમના સ્ટેમ્પ પેપર પર કરવું જોઈએ તે ગુજરાત સરકારના સ્ટેમ્પ એક્ટમાં દર્શાવવામાં આવેલું નથી. તેથી સ્ટેમ્પ પેપર પર વિલ કરવું હોય તો તેને માટે 100, 300 કે 500 રૂપિયાનો સ્ટેમ્પ વાપરી શકાય છે.
મિલકતના માલિક તરીકે તમે એક સાદા કાગળ પર હાથથી એટલે કે તમારા પોતાના અક્ષરમાં વિલ લખેલું હોય તો પણ માન્ય ગણાય છે. વિલ ટાઈપ કરીને જ બનાવેલું હોવું જોઈએ તેવો પણ કોઈ જ નિયમ નથી. સામાન્ય રીતે વિલમાં મિલકત ની પૂરેપૂરી વિગત હોવી જરૂરી છે. મિલકતધારકના કઈ બેંકમાં ખાતા છે, ખાતા નંબર, બેન્કની બ્રાન્ચનું નામ, તેમાં જમા પડેલી રકમ દર્શાવવી જરૂરી છે. મિલકતધારક પાસે શેર્સ હોય તો તે શેર્સ કઈ કંપનીના, કેટલી સંખ્યામાં છે તેની વિગત પણ હોવી જરૂરી છે.
સામાન્ય રીતે વિલ બે ભાગમાં બનાવવાનું હોય છે. પહેલા ભાગમાં સ્થાવર મિલકતની વિગત પ્લોટ નંબર, મકાન નંબર એરિયા સહિતની વિગતો લખવાની હોય છે. બીજા ભાગમાં જંગમ મિલકત જેમાં બેંક ખાતા, ફિક્સ ડિપોઝિટ, શેર્સની માલિકીની વિગતો આપવાની હોય છે. આ જ રીતે ભાગદારી પેઢીમાં વિલ બનાવનારનો કેટલો હિસ્સો છે તે પણ દર્શાવવાનું હોય છે. તેમ જ વીમા પોલિસીની રકમ, અન્ય ડિપોઝિટની રકમ, મ્યુચુઅલ ફંડમાં રોકાણ કર્યું હોય તો સ્કીમના નામ અને કરેલા રોકાણની વિગત દર્શાવવાની રહે છે. આ જ રીતે તેમની પાસે કોઈ દાગીના, મોંઘી ધાતુના એટલે કે ચાંદીના વાસણો હોય તો તેની વિગતવાર માહિતી તેમાં લખીને રજૂ કરવાની હોય છે.
આ રીતે લખાણ તૈયાર કર્યા પછી વિલમાં દર્શાવેલી મિલકત કોને આપવા માંગો છો તે દર્શાવવું જોઈએ. સામાન્ય રીતે પુરુષ વિલ બનાવતો હોય તો તમામ મિલકત તેની પત્ની ને મળે અને જો પત્ની હયાત ન હોય તો આ મિલકત પુત્ર, પુત્રી કે તેના ઉપરાંત જેને આપવી હોય તે વિગતવાર લખવું જોઈએ. તેમ કરવાથી વિલ બનાવનાર વ્યક્તિના અવસાન બાદ કુટુંબમાં વિખવાદ ઊભો થશે નહિ. આજ પ્રમાણે સ્ત્રી પોતાનું વિલ બનાવતી હોય તો તમામ મિલકત તેનાં પતિ ને મળે પરંતુ જો પતિની હયાતી ન હોય તો તેની મિલકતમાંથી કોને કેટલો હિસ્સો મળે તે લખીને દર્શાવવાનું હોય છે.

વિલ સાદા કાગળ ઉપર બે લીટીમાં પણ થઇ શકે છે. તેમાં સંબંધિત મિલકત ધારકે તેના મૃત્યુ પછી તેમની માલિકીની તમામ મિલકત કોને કોને મળશે તે જ દર્શાવવાનુ હોય છે. કોને કેટલો હિસ્સો મળે તે પણ દર્શાવવાનું હોય છે. પરંતુ વિલ માં એક વસ્તુ ખાસ ધ્યાન માં રાખવાની કે આ વિલના એકઝીક્યુટર્સ કોણ છે તેની ખાસ નોંધ તેમાં કરેલી હોવી જરૂરી છે. બીજા શબ્દોમાં કહીએ તો મિલકતધારકના મૃત્યુ પછી તેમની તમામ મિલકત તેમના એકઝિકયુટર્સ મેળવશે અને વિલમાં લખ્યા પ્રમાણે તેની વહેંચણી કરશે. સામાન્ય રીતે એક કે બે એકઝિક્યુટરો જેનાં ઉપર તમને વિશ્વાસ હોય તેમના નામ લખવામાં આવે તે જરૂરી છે. આ એક્ઝિક્યુટર્સને વિલ બનાવનાર સંબંધિત વ્યક્તિએ જણાવી દેવાનું હોય છે કે તેમના વિલના એકઝીક્યુટ તરીકે તેમનું નામ લખ્યું છે.
વિલ માં જ્યાં તમે સહી કરો છો તેના સાક્ષી તરીકે બે વ્યકિતઓની સહી લેવાની હોય છે આ વિલમાં શું લખ્યું છે તે જણાવવાની જરૂર નથી. માત્ર તેમની હાજરીમાં સહી કરવી જરૂરી છે. આ સિવાય કોઈ જ હેતુથી સાક્ષીની સહીની જરૂર નથી. કાયદા પ્રમાણે નાદાર, સગીર કે આસ્થિર મગજ ની વ્યક્તિઓની સહી કરાવી શકાતી નથી. શક્ય હોય તો વિલ બનાવનાર એટલે કે એડવોકેટ કે ડૉકટર મિત્રની સહી કરાવી શકાય છે. જો કે આ સિવાય કોઈપણ વ્યક્તિની સહી સાક્ષી તરીકે કરાવી જ શકાય છે.

Image by pressfoto on Freepik
વિલ બનાવનાર માટે શક્ય હોય તો જે વ્યક્તિને વિલના આધારે મિલકત મળવાની હોય તેમની સહી સાક્ષી તરીકે લેવી જોઈએ નહીં. જો કુટુંબમાં કંકાસ હોય તો વિલ ને રજીસ્ટર કરાવવું સલાહ ભર્યું છે. એક વખત વિલ રજીસ્ટર કરાવેલ હોય અને પછી નવું વિલ બનાવવું હોય તો નવા વિલમાં દર્શાવવું જોઈએ કે અગાઉ આ તારીખે રજીસ્ટર વિલ બનવેલ જે આ વિલથી રદ કરું છું. આ મારુ છેલ્લું અને આખરી વિલ છે. આ આગાઉ મેં કરેલા તમામ વિલ આ સાથે જ રદબાદલ ગણવાના રહેશે. ટૂંકમાં વિલ રજીસ્ટર કરવું કે નોટરી સમક્ષ કરવું તેવી કોઈ જોગવાઈ કોઈ કાયદામાં નથી. વિલ બનાવનારે શકય હોય તો વિલના દરેક પાને સહી કરવી જેથી કોઈ પણ પાનું બદલીના શકાય.
દરેક વ્યક્તિએ વિલ બનવું સલાહ ભર્યું છે. વિલ ન બનાવ્યું હોય તો તે વ્યક્તિની તમામ મિલકત તેના વારસદારો એટલે કે પતિ, પત્ની, પુત્રો અને પુત્રીમાં સરખે હિસ્સે વહેંચવામાં આવશે. વિલ દ્વારા આવકવેરા કાયદા હેઠળ કેટલાક આયોજન પણ થઈ શકે છે. નવા હિન્દૂ અવિભક્ત કુટુંબનું આયોજન થઇ શકે, પુત્ર ને બદલે પુત્રવધૂ, પૌત્ર, પૌત્રી, દોહિત્ર, દોહિત્રીને પણ મિલકતનો હિસ્સો ફાળવીને વહેંચણી શકાય છે.