જેનરિક દવાઓની ડિસ્કાઉન્ટના ખેલ સાથે ચાલી રહેલી લૂંટ
જેનરિક દવાઓની MRP નક્કી કરવાના પણ નિયમો લાવવા અનિવાર્ય
જેનરિક દવાઓ સસ્તી આપવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. જેનરિક એટલે કે ઓફ બ્રાન્ડેડ અને બ્રાન્ડનેઈમ સાથે કે બ્રાન્ડ નેઈમ વિના વેચાતી દવાઓ. એક જમાનામાં કોઈ કંપનીએ તે દવા શોધી હોવાથી તેની પેટન્ટ તે કંપની પાસે હતી. આ કંપની સિવાયની કંપનીઓ તે દવા બનાવી શકતી નહોતી. આ પેટન્ટની મુદત 20 વર્ષે પૂરી થયા પછી તમામ લોકો તેની આસપાસના બ્રાન્ડ નેમથી કે તેના ઘટકોનો ઉપયોગ કરીને તે દવાઓનું ઉત્પાદન કરે છે. બ્રાન્ડેડ દવા કરતાં ઓછા ભાવે તે વેચે છે. એટલે કે લોકોને સારી ગુણવત્તાની દવાઓ સસ્તા ભાવે મળી રહે છે. બ્રાન્ડેડ દવા જેવા જ કન્ટેન્ટ તેમાં હોય છે. પરંતુ તેના સંશોધન પાછળ તેમણે ખર્ચ કરવો ન પડ્યો હોવાથી તે દવા બજારમાં સસ્તી વેચી શકે છે.
બહુધા જેનરિક દવાઓ કન્ટેન્ટના એટલે કે તેમાં વપરાતા ઘટકોના નામ લખે છે. દવા બનાવનાર તેના માર્જિન ચઢાવીને સ્ટોકિસ્ટને તે સપ્લાય કરે છે. સ્ટોકિસ્ટ કે ડિસ્ટ્રીબ્યુટર તેના પર 20 ટકા ઉમેરીને કેમિસ્ટને તે દવાનો સપ્લાય આપે છે. કેમિસ્ટ તેને ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર હેઠળ મળતા 20 ટકાનો નફો ચઢાવીને છૂટક ગ્રાહકને તે દવા વેચે છે. તેના પર એમઆરપી-મહત્તમ છૂટક ભાવ છાપેલો જ હોય છે. મહત્તમ છૂટક ભાવમાં મેન્યુફેક્ચરર્સના, ડિસ્ટ્રીબ્યુટર્સના અને રિટેઈલર્સના નફા ઉમેરીને પછી જ તેના પર એમ.આર.પી. છાપવામાં આવે છે. આ એમ.આર.પી.થી ઊંચા ભાવે કોઈ જ દવા વેચી શકતું નથી. પરંતુ નવાઈની વાત તો એ છે દવા પર છાપવામાં આવેલી મહત્તમ છૂટક કિંમત કરતાં 30થી માંડીને 80 ટકા ઓછી કિંમતે દવાઓ વેચવાના બોર્ડ સંખ્યાબંધ કેમિસ્ટોની દુકાન પર બોર્ડ લગાડેલા જોવા મળે છે. આ સંજોગોમાં સવાલ એ થાય છે કે તેના પર લખાતી એમ.આર.પી. કેટલી વાજબી છે. જેનરિક દવા પર ભાવ છાપવાના કોઈ નિયમ છે કે નહિ તેવો સવાલ ઊભો થાય છે.

ઉદાહરણ આપીને વાત કરીએ. એલેમ્બિક ફાર્માની એજિનલની 15 ટેબ્લેટના પેકેટ પર મહત્તમ છૂટક ભાવ રૂ. 93.45 છાપવામાં આવેલો છે. આ ટેબ્લેટનું પેક સ્ટોકિસ્ટ રિટેઈલ કેમિસ્ટને રૂ. 22ના ભાવે આપી તેના પર 12 ટકા જીએસટી લગાડે છે. આમ તેની કિંમત 24.64 થાય છે. આ દવાની એમઆરપી પર 40 ટકા ડિસ્કાઉન્ટ આપીને પણ વેચે તો તે દવા એમઆરપીથી ગ્રાહકને અંદાજે 37.36 ઓછા ભાવે મળે છે. તેમ છતાંય રિટેઈલ કેમિસ્ટને તે દવાના રૂ. 56 ઉપજે છે. આમ તેણે 20 ટકા નફો કરવાનો હોય તો આ દવા તેણે 22.00 વત્તા 20 ટકાના 4.40ના ભાવે એટલે કે રૂ. 26.40ના ભાવે વેચવાની થાય છે. આ દવા તે રૂ. 55 પ્લસના ભાવે વેચે છે. ગ્રાહકને ડિસ્કાઉન્ટ મળ્યાનો આનંદ થાય છે. જ્યારે રિટેઈલ કેમિસ્ટને તેના પર 150 ટકા નફો મળે છે. ઇન્ટાસ ફાર્માની દવા ઇન્ટાજેસિક ટેબ્લેટના 10 ગોળીને પેક પર મહત્તમ છૂટક ભાવ રૂ. 94 લખેલો છે. આ દવા રિટેઈલ કેમિસ્ટને રૂ. 14.50ના ભાવથી દસ ટેબ્લેટ આપવામાં આવે છે. રિટેઈલર તેના પર તેનું 20 ટકા માર્જિન ઉમેરે અને 12 ટકા જીએસટી લગાવે તો પણ તેની કિંમત રૂ. 20થી વધુ થતી જ નથી. પરંતુ રિટેઈલ કેમિસ્ટને તેના 10 ટેબ્લેટના પેક પર છપાયેલી એમ.આર.પી.ને કારણે રૂ. 74નો નફો કમાવાની તક મળે છે. તેમાંથી તે રૂ. 35નું ડિસ્કાઉન્ટ આપી દે તો પણ તેનો નફો રૂ. 39 રહે જ છે. આ સંજોગોમાં તમને નથી લાગતું કે એમ.આર.પી. લખવાના પણ ચોક્કસ નિયમો હોવા જરૂરી છે?
બીજું એક ઉદાહરણ જોઈએ. રેનબેક્સિની ફેનાક પ્લસ ટેબ્લેટના 10 ગોળીને પેકેટ પર રૂ. 25.10ની મહત્તમ છૂટક કિંમત લખેલી છે. રિટેઈલ કેમિસ્ટને તે દવા રૂ. 7.50ના ભાવે સપ્લાય કરવામાં આવે છે. કેમિસ્ટ તે 33 ટકા ડિસ્કાઉન્ટથી રૂ. 15ના ભાવે વેચે તો પણ તેને 20 ટકાના નફાની એટલે કે રૂ. 1.50નો નફો લેવાની કાયદેસર છૂટ ઉપરાંત તે ગ્રાહક પાસેથી રૂ. 6નો વધારાનો નફો લઈ લે છે. સરકાર એવા ખ્યાલમાં છે કે એમઆરપી પર તેને ટેક્સ મળે છે. વાસ્તવમાં કેમિસ્ટ જે બિલ બનાવે છે તેના પર જ સરકારને ટેક્સ મળે છે. પરિણામે લોકો લૂંટાય છે તે આ ઉદાહરણો પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે.
તેને પરિણામે કેમિસ્ટો વચ્ચે ખોટી હરીફાઈ પણ થાય જ છે. ગ્રાહકોને ખેંચવા માટે એક કેમિસ્ટ 30 ટકા ડિસ્કાઉન્ટ આપશે તો બીજો કેમિસ્ટ 60 ટકા ડિસ્કાઉન્ટ આપશે. કારણ કે ડિસ્કાઉન્ટ આપ્યા પછીય તેમને કાયદેસર મળતા નફા કરતાં વધુ નફો જેનરિક દવામાંથી તેમને મળી રહે છે. ચેઈન સ્ટોરવાળા આ ડિસ્કાઉન્ટ પણ ન આપીને તગડો નફો કરે છે. ઓનલાઈન જેનરિક દવાઓ વેચનારાઓ પણ વાસ્તવમાં સસ્તી દવાને નામે તગડો નફો કમાઈ જ રહ્યા છે. ગ્રાહકો ભ્રમમાં છે કે તેમને સસ્તી દવા મળી રહી છે.

નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઇસિંગ ઓથોરીટે જીવનરક્ષક દવાઓના ભાવ નક્કી કરી આપે છે. આ દવાઓ જીવનરક્ષક હોવાથી તેના નક્કી કરેલા ભાવથી એક રાતીપાઈ પણ વધારે લેવી ગુનો ગણાય છે. તેમાંય આ જ પ્રકારનું ધુપ્પલ ચાલે છે. એનપીપીએના અધિકારીઓને ફોડી નાખો એટલે દવા બનાવવા માટે કરવામાં આવેલા કોઈપણ ખર્ચને તેઓ માન્ય કરી દે છે. તેને આધારે તેઓ તેના પર એમ.આર.પી. છાપી દે છે. તેનુંય ઉદાહરણ આપીને વાત કરીએ. કેન્સરની દવાઓના પેકેટ પર રૂ. 28000થી 36000 જેટલી ઊંચી એમઆરપી લખાય છે. પરંતુ વાસ્તવમાં આ દવા માર્કેટમાં લેવા જાવ તો કસ્ટમર્સને રૂ. 6000થી 8000ના ભાવે મળી જાય છે. જે ગ્રાહકને બાર્ગેઈન કરતાં ન આવડે તે ગ્રાહક તેમાં લૂંટાઈને આવે છે. આ જ સ્થિતિ સ્ટેન્ટના ભાવની હતી. માંડ રૂ. 2000થી 6000ના મૂલ્યના સ્ટેન્ટ પર એમ.આર.પી. રૂ. 1.50 લાખથી માંડીને રૂ. 1.80 લાખ જેટલી લેવાતી હતી. સરકારે સ્ટેન્ટનો મહત્તમ ભાવ રૂ. 30,000 પર બાંધી દીધો એટલે ડૉક્ટર્સે તેમની ફીમાં રૂ. 1.5થી 1.8 લાખનો વધારો કરી દીધો. દરેકના હાથે લૂંટાઈ રહેલા દર્દીઓને રક્ષણ આપનાર તો કોઈ જ નથી. એનપીપીએ પણ આ સ્થિતિમાં એક ફારસ જ બનીને રહી ગયું છે.
નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી બ્રાન્ડેડ દવાના જે ભાવ નક્કી કરી આપે તેની આસપાસના જ ભાવ જેનરિક દવાઓના પેકેટ પર છાપી દેવામાં આવે છે. તેથી તેમના માર્જિન અત્યંત તગડા થઈ જાય છે. ઘણીવાર આ માર્જિન 100 કે 200 ટકાથી પણ ઊંચા થઈ જાય છે. અંકુશ હેઠળની એટલે કે કંટ્રોલ દવા જીવનરક્ષક દવા હોવાથી તેના ભાવ નક્કી એનપીપીએ નક્કી કરે છે. બ્રાન્ડેડ દવાઓની કિંમત ઊંચી હોવાનું એક બીજું કારણ તેના માર્કેટિંગ માટે કંપનીઓ મેડિકલ રિપ્રેઝન્ટેટીવ્સ, એરિયા મેનેજર, સેલ્સ મેનેજર, ઝોનલ મેનેજર જેવી વ્યક્તિઓને રાખે છે. તેમના પગારના ખર્ચ પણ તેમને માથે આવે છે. તેમને માર્કેટમાં જવા આવવાના ખર્ચાઓ આપવા પડે છે. ડૉક્ટર્સને આપવામાં આવતા કમિશન પણ તેમાં ઉમેરાઈ જાય છે. ખાનગીમાં ડૉક્ટરને આપવામાં આવતા લાભ તેમાં ઉમેરાય છે. વિદેશ પ્રવાસો અપાય છે. જે એમઆરપી અને કમિશનની અંદર સેટ કરી લે છે. આ બધો ખર્ચ તેમના માર્કેટિંગના ખર્ચ તરીકે દવાના ઉત્પાદન ખર્ચમાં ઉમેરાય છે.

બીજીતરફ જેનરિક કન્ટેન્ટ સરખા જ હોય છે. તેઓ ડૉક્ટર્સને કમિશન ન આપતા હોવાથી ડૉક્ટર્સ તે પ્રિસ્ક્રાઈબ કરતાં નથી. તેમને માર્કેટિંગનો ખર્ચ કરવો પડતો નથી. તેથી તેઓ નીચા ભાવે વેચે છે. જનરિકમાં બ્રાન્ડેડ જેવા ખર્ચ નથી હોતા. છતાંય બ્રાન્ડેડ જેવા કે તેની નજીકના જ ભાવ રાખે છે. તેના પર 50થી 80 ટકા કમિશન આપી દે છે. સમગ્ર ભારતમાં આ સ્થિતિ જોવા મળે છે. મોટાભાગના રિટેઈલર્સ ગ્રાહકોને લૂંટી રહ્યા છે. ઓછી કિંમતની દવામાં વધુ ડિસ્કાઉન્ટ આપીને ગ્રાહકોને છેતરે છે. સરકારે ઉત્પાદક પર જ એમ.આરપી.ને મુદ્દે ચાંપતી નજર રાખે તો પ્રજા લૂંટાતી અટકી શકે છે. ઉદાહરણ આપીને વાત કરીએ. મેન્યુફેક્ચરિંગ કંપનીના સરકાર તેની દવાના ઉત્પાદન ખર્ચ પર નિશ્ચિત માત્રાથી વધુ એમ.આર.પી. ન લખવાની ફરજ પાડી શકે છે. મેન્યુફેક્ચરર્સનો ઉત્પાદન ખર્ચ રૂ. 50નો આવતો હોય તો તેના પર તેને રૂ. 75 કે રૂ. 90થી વધુ એમ.આર.પી. છાપવાની છૂટ જ ન આપવી જોઈએ. તેમ કરે તો તે મેન્યુફેક્ચરરને ગુનેગાર ગણીને તેની સામે પગલાં લેવાની વ્યવસ્થા દાખલ કરવી જોઈએ.
ઘણાં રિટેઈલ કેમિસ્ટ ડિસ્કાઉન્ટ નથી આપતા કારણ કે દિવસ દરમિયાન તેને થતી આવકમાંથી 20થી 25 ટકા તો લાઈટબિલ, પગાર ખર્ચ તરીકે વપરાઈ જાય છે. તેથી તેઓ ડિસ્કાઉન્ટ ન આપીને તેઓ પોતાનો નફો સરભર કરી લે છે. તેવી જ રીતે બ્રાન્ડેડ દવાઓમા પાતળો નફો હોય છે. તેને પણ જેનરિક દવાઓમાં સારો નફો કરી લઈને સરભર કરી લે છે.
સ્કીન ઓઈન્ટમેન્ટના વેપારમાં પણ તેવું જ છે. તેના પર એમ.આર.પી. રૂ. 77ની છપાય છે. પરંતુ રિટેઈલરને તે રૂ. 20ના ભાવે સપ્લાય કરવામાં આવે છે. કંપની ડીલરને તે દવા રૂ. 16ના ભાવે આપે છે. રિટેઈલ કેમિસ્ટ ગ્રાહકને તે દવા રૂ. 50ના ભાવે વેચે તો પણ તેના પર તેને મળવાપાત્ર નફા કરતાં તે 600 ટકા ઊંચો નફો મેળવી લે છે.

જેનરિક દવાના બજારની લૂંટ રોકવા શું કરી શકાય ?
સરકારે બ્રાન્ડેડ દવાના ભાવ નક્કી કરી આપે છે. મોનોપોલીને ગેરલાભ ન ઊઠાવે તે માટે બેચાર કંપનીઓને તેની દવા બનાવવાની છૂટ આપવાનો નિયમ પણ સરકાર લાવી છે. તેમની પાસે દવા બનાવવાના, તેના માર્કેટિંગના, તેના સંશોધનના ખર્ચની તમામ વિગતો સાથેનું ફોર્મ પણ ભરાવવામાં આવે છે.
જોબ વર્ક કરનારાઓ પર પ્રતિબંધ મૂકવો પડે. જોબ વર્ક કરનારાઓના કોસ્ટિંગ પર 25થી 30 ટકા નફો ચઢાવીને વધુની એમઆરપી ન લખવાની ફરજ પાડવી જોઈએ. જોબ વર્ક કરનારાઓ પર સરકારની ચાંપતી નજર હોવી જરૂરી છે. થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ પર જ ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીએ કોસ્ટિંગ ઉપરાંત સો ટકા રકમ કોસ્ટ ઉમેરવાની જ છૂટ આપવી જોઈએ. તેમાં અત્યારે 100 ટકાને બદલે 500થી 700 ટકા ઉમેરી દેવાય છે. ડિસ્કાઉન્ટને નામે કેમિસ્ટો ગ્રાહકોને ખેંચવાની કવાયત કરે છે. તેમ છતાંય ગ્રાહકો લૂંટાય જ છે. જોબ વર્ક કરનાર વધુ કિંમત લે તો કાયદેસર તેની સામે પગલાં લેવાવા જોઈએ. તેવો નિયમ પણ એમઆરપી એક્ટમાં લાવવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે ડીપીસીઓમાં 100 ટકાથી વધુ નફો ન કરવાની સ્પષ્ટ સૂચના અપાઈ જ છે.