ઝુનઝુનવાલાનો શેરબજાર મંત્ર: 5000 રૂપિયાથી એમ્પાયર ઊભું કરનારા ‘શેર કિંગ’નું રહસ્ય ખુલ્યું!
દેશના સૌથી મોટા રોકાણકારોમાંથી એક રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)એ શેરબજારમાં નાની મૂડીથી શરૂઆત કરીને અરબપતિ બનવા સુધીની સફર કરી હતી. રાકેશ ઝુનઝુનવાલા હંમેશાં રોકાણકારોને કહેતા હતા કે, શેરબજારમાંથી મોટા પૈસા કમાવવા માટે યોગ્ય રણનીતિની સાથે ધીરજ પણ ખૂબ જ જરૂરી છે. તેઓ પોતે પણ યોગ્ય રણનીતિ અપનાવીને ધીરજ રાખીને શેરબજારમાં ટ્રેડિંગ કરતા હતા.
રાકેશ ઝુનઝુનવાલાએ એક કાર્યક્રમમાં શેરબજાર વિશે રોકાણકારોને કહ્યું હતું કે, “હવામાન, મોત, માર્કેટ અને મહિલા વિશે કોઈ પણ આગાણી કરી શકતું નથી અને ન તો કોઈ ભવિષ્યવાણી કરી શકે છે. શેરબજાર પણ આવું જ છે, રોકાણકારોએ ધીરજ સાથે કામ કરવું જરૂરી છે.”

ટાઇટનમાંથી ઘણું રિટર્ન મળ્યું
રાકેશ ઝુનઝુનવાલાએ તેમની આ જ રણનીતિના દમ પર ટાઇટન (Titan)માંથી 80 ગણાથી વધારે રિટર્ન મેળવ્યું. રાકેશ ઝુનઝુનવાલાના મિત્ર રમેશ દામાણીએ મીડિયાને જણાવ્યું કે, રાકેશ ઝુનઝુનવાલાએ કેવી રીતે પહેલી વાર ટાઇટનના શેર ખરીદ્યા અને તે તેમના જીવનની સૌથી વધુ રિટર્ન આપનારી કંપની બની.
રમેશ દામાણીએ કહ્યું કે, 2003માં એક બ્રોકરે રાકેશ ઝુનઝુનવાલાને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે એક રોકાણકાર ટાઇટનના શેર વેચવા માંગે છે. જો તેઓ 10 લાખ શેર ખરીદે તો કિંમત 40 રૂપિયા, 30 લાખ શેર ખરીદે તો 38 રૂપિયા અને 50 લાખ શેર ખરીદે તો ભાવ 36 રૂપિયા છે. ઝુનઝુનવાલાને 40 રૂપિયાના ભાવે 300 કરોડ રૂપિયાના માર્કેટ કેપવાળી ટાઇટન એક જોરદાર બ્રાન્ડ લાગી. આ કારણે તેમણે સૌથી નાનો લોટ ખરીદી લીધો. ત્યારબાદ તેમણે કંપનીને ફોલો કરવાનું શરૂ કરી દીધું.
ટાઇટનના શેર ખરીદતા રહ્યા ઝુનઝુનવાલા
રમેશ દામાણીએ આગળ જણાવ્યું કે, આગામી કેટલાક વર્ષો સુધી રાકેશ ઝુનઝુનવાલા સતત ટાઇટનના શેર ખરીદતા રહ્યા અને એક સમયે તેમની હિસ્સેદારી કંપનીમાં વધીને 5 ટકા થઈ ગઈ. રમેશ દમાણીએ કહ્યું કે, લોકોને લાગે છે કે તેમણે ટાઇટનના શેર ઘણું રિસર્ચ કરીને કે આંતરિક માહિતીના આધારે ખરીદ્યા હતા, પરંતુ એવું નથી. તેમણે ટાઇટનના શેર એટલા માટે ખરીદ્યા હતા, કારણ કે બ્રોકર પાસે લોટ હતો અને તે તેમની પાસે પહેલા આવ્યો હતો.
5 હજાર રૂપિયાથી શરૂ કર્યો હતો વ્યવસાય
આપને જણાવી દઈએ કે, રાકેશ ઝુનઝુનવાલાને શેરબજારમાં શરૂઆતથી જ રુચિ હતી. 1985માં કોલેજના અભ્યાસ દરમિયાન જ તેમણે બજારમાં ટ્રેડિંગ શરૂ કરી દીધું હતું. તેમનું શરૂઆતનું રોકાણ લગભગ 5,000 રૂપિયાની આસપાસ હતું. તે સમયે સેન્સેક્સ લગભગ 150 પોઇન્ટની આસપાસ હતો. ઓગસ્ટ 2022માં તેમના મૃત્યુ સમયે તેમની અંદાજિત કુલ સંપત્તિ 5.8 અરબ ડોલર હતી. તેમના મૃત્યુ બાદ રાકેશ ઝુનઝુનવાલાનો પોર્ટફોલિયો તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા સંભાળી રહ્યા છે.