ટાયર ઉદ્યોગ ક્યારે ગતિ પકડશે?
કોરોનાના કહેરને કારણે ગુજરાતમાં આજે માલ પરિવહનનું માંડ 50થી 60 ટકા કામ થઈ રહ્યું છે.
કામદારોની અછતને કારણે ટાયર ઉત્પાદકો એક જ પાળીમાં કામ કરતાં હોવાથી ઉત્પાદન ઘટ્યું છે

સામાન્ય રીતે તેજી-મંદીમાં સડસડાટ દોડતા રહેતા ટાયર ઉદ્યોગની ગતિ હાલમાં મંદ પડી છે. આ ઉદ્યોગ પર પણ કોરોનાની ખાસ્સી ઇફેક્ટ જોવા મળી રહી છે. ઉદ્યોગો સો ટકા પૂર્વવત ચાલતા થયા નથી. તેથી ટ્રક થકી ટ્રાન્સપોર્ટેશનના કામ અગાઉની જેટલા થયા નથી. પરિણામે ટ્રકના ટાયરના વેચાણમાં ઘટાડો થયો છે. સાગર સેલ્સના મુકેશ દવે કહે છે કે, “લૉકડાઉનના ગાળામાં માંડ 20 ટકા વાહનો ચાલતા હતા. પરિણામે રિપ્લેસમેન્ટ ટાયરનું બજાર ખતમ થઈ ગયું છે.” અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના કાર્યકારી પ્રમુખ મુકેશ દવેનું કહેવું છે કે, “કોરોનાના કહેરને કારણે ગુજરાતમાં આજની તારીખમાં પણ માંડ 50થી 60 ટકા માલ પરિવહનનું કામ જ ચાલુ થયું છે. ગુજરાતમાં માલ પરિવહનના કામકાજ કરતાં નાના મોટા મળીને અંદાજે 10 લાખથી વધુ વાહનો છે. તેમના થકી માલનું જે પરિવહન સામાન્ય સમયમાં થાય છે તેની સરખામણીએ અત્યારે 60 ટકા જેટલું જ કામ થઈ રહ્યું છે.” નવા વાહનોનું રજિસ્ટ્રેશન પણ ત્રણ મહિના સદંતર બંધ રહ્યું હતું. હજીય તેમાં જોઈએ તેટલો વેગ આવ્યો નથી. માર્ચથી જૂન મહિનામાં અટકી પડેલા વેચાણ અત્યારે થવા માંડ્યા હોવાથી અત્યારે કાર બજારમાં તેજી હોવાનો અણસાર મળી રહ્યો હોવાનું કાર ડીલર અરવિન્દ ઠક્કર કહે છે. જોકે 2020-21નું વર્ષ માઈનસમાં જ રહેવાની ધારણા છે. 2019-20ની તુલનાએ વેચાણ ઓછું જ રહેશે. જેની સીધી અસર ટાયર ઈન્ડસ્ટ્રી પર પડશે.

અરવિંદ ઠક્કર, પ્રમોટર, શીતલ મોટર્સ
એક તરફ ડિમાન્ડ ઘટી છે તો બીજી તરફ ટાયર કંપનીઓના ઉત્પાદનો પર પણ બ્રેક લાગી ગઈ છે. કાપડની પ્લાય, નાયલોનની પ્લાય, સ્ટીલની પ્લાયની ખેંચને પરિણામે પણ ઉત્પાદનની પ્રક્રિયા મંદ પડી છે. ટાયરને સ્ટ્રેન્ગ્થ આપવા માટે અલગ અલગ પ્રકારની પ્લાયનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે પ્લાય તૈયાર કરનારાઓનો સપ્લાય પણ ઘટી ગયો છે. તેની અવળી અસર ટાયર ઉત્પાદનના બિઝનેસ પર પડી છે. ટાયર ડીલર એસોસિયેશનના પ્રમુખ રમણભાઈ મિત્તલ કહે છે કે, “ટ્રક ટાયરનો બિઝનેસ 30થી 40 ટકાથી વધુ ઘટી ગયો છે. કંપનીઓનું ટર્નઓવર કે ડીલરોના કામકાજમાં પણ 25 ટકાથી વધુનો ઘટાડો આવી ગયો છે. પહેલા ભારતના કોઈપણ ડેસ્ટિનેશને ગયેલી ટ્રક તત્કાળ ભરાઈને પરત આવવા રવાના થઈ જતી હતી. હવે તેમને ત્રણથી ચાર દિવસ સુધી નવો માલ મેળવવા માટે રાહ જોવી પડી રહી છે.” કોરોનાને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું હોવાથી ટાયર કંપનીઓ સો ટકા કામદારોને બોલાવી શકે તેમ પણ નથી. પરિણામે ત્રણને બદલે એક જ શિફ્ટમાં કામ કરવું પડે છે. પરિણામે મુકેશ દવે કહે છે તેમ, “ટાયરનું ઉત્પાદન માંડ 40થી 45 ટકા જેટલું જ થાય છે.” બીજી તરફ કાર ટાયરની ડિમાન્ડ નોર્મલ સંજોગોમાં જોવા મળે છે તેવી નથી. તેથી ટાયરના ઉત્પાદનની આસપાસની જ ડિમાન્ડ રહેતી હોવાથી ડિમાન્ડ સંતોષાઈ જાય છે. હવે તેના ઉત્પાદનમાં વધારો ન થાય તો બજારમાં ટાયરની અછત પણ ઊભી થઈ શકે છે. ચીન, થાઈલેન્ડથી ટાયરની થતી આયાત સંપૂર્ણપણે અત્યારે બંધ છે. તેથી પણ અછત વર્તાઈ રહી છે. અત્યારે નોર્મલ સમય જેવી ડિમાન્ડ ન હોવાથી આયાતી માલ ન હોવા છતાંય માપસરના કામકાજ થઈ રહ્યા છે. મોટાભાગના વેપારીઓનો ધંધો 50થી 60 ટકાએ અટકી પડ્યો છે. કેટલીક વાર એક અઠવાડિયામાં એક પેર ટાયર ન વેચાય તેવું પણ બની જાય છે.

મુકેશ દવે, કાર્યકારી પ્રમુખ, અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન
હા, ટાયર માટે ઇન્ક્વાયરી ખાસ્સી આવે છે. એક જ ગ્રાહક દસ જગ્યાએ જઈ પૂછપરછ કરે છે તેથી ડિમાન્ડ હોવાનો અહેસાસ થાય છે. પરંતુ કોરાનાને કારણે નિર્માણ થયેલી અનિશ્ચિતતા અનુભવતા ગ્રાહકો દરેક જગ્યાએ તપાસ કરીને પછી વધુ ખર્ચ ન કરવા માટે સેકન્ડ હેન્ડ ટાયર ખરીદીને પણ છ – આઠ મહિના પસાર કરી દેવાની માનસિકતા ધરાવતા થયા છે. ચાર પાંચ ટકા ધંધો તો સેકન્ડહેન્ડ ટાયર તરફ ખેંચાઈ ગયો હોવાનો અંદાજ છે. કોરોનાને કારણે અણધાર્યા ખર્ચાઓ આવી જવાના ભય હેઠળ ટાયર બદલવા માટે મોટો ખર્ચ કરવાનું લોકો અત્યારે ટાળી રહ્યા છે. જૂના ટાયરનું વેચાણ 60થી 70 ટકા જેટલું વધી ગયું છે. રિક્ષા ચાલકો પણ જૂના ટાયરની ખરીદી કરીને ગાડી ગબડાવી રહ્યા છે. પરિણામે ટાયર કંપનીઓએ ટાયર બનાવવા માટે ઉપયોગમાં લેવા પડતા ઇલોસ્ટ્રા 504, 541 તરીકે ઓળખાતા કેમિકલનું ખાસ્સું નુકસાન વેઠવું પડ્યું છે. આ કેમિકલના ભાવ ડીઝલના ભાવ જેટલા જ ઊંચા છે. કેમિકલ 15 દિવસ ન વપરાય તો તે સૂકાઈ જાય છે. તેથી ટાયર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ખપ પૂરતા જ કેમિકલ્સ ખરીદે છે. રબરને પાતળું કરતું કેમિકલ ઇલોસ્ટ્રા 504 અને 541 સૂકાઈ જતાં ઉત્પાદક કંપનીઓને ખાસ્સું નુકસાન ભોગવવું પડ્યું છે. ટાયર બનાવવા માટે રબરને પાતળું કરવા અને આકાર આપવા માટે અલગ અલગ 22થી 23 જેટલા કેમિકલ્સ વપરાય છે. તેની શોર્ટેજ જોવા મળી રહી છે. કોરોનાનો કહેર ચાલુ હોવાથી ટાયર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ કેમિકલ પણ બલ્કમાં લેવાનું ટાળે છે. ટૂંકા ગાળાની જરૂરિયાત મુજબનો જથ્થો ખરીદે છે. ટાયરના ઉત્પાદનમાં જોવા મળેલા 15થી 20 ટકાના ઘટાડામાં કામદારોની અછત પણ એક મોટું જવાબદાર કારણ છે. લોકડાઉનમાં વતને જતા રહેલા કામદારો કામ પર પાછા ફર્યા નથી. સાગર સેલ્સના મુકેશ દવે કહે છે કે, “કામદારો પૂરા ન આવ્યા હોવાથી અને ઉત્પાદન કંપનીઓ એક જ પાળીમાં ઉત્પાદન કરતી હોવાથી ઉત્પાદન ઘટ્યું છે. ટાયરના ઉત્પાદનનો ખર્ચ તો વધ્યો છે જ પણ સાથે સાથે બીજી તરફ ઓછો જથ્થો વેચાતો હોવાથી ટ્રાન્સપોર્ટના ખર્ચને કારણે પણ કોસ્ટિંગ ઊંચુ ગયું છે. તેથી ટાયર ઉત્પાદકોએ માસિક, ત્રિમાસિક ધોરણે આપેલા ટાર્ગેટ પ્રમાણે વેચાણ કરનારાઓને વધારાના ત્રણથી પાંચ ટકાનું ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટ આપવાનું પણ બંધ કરી દીધું છે. સ્લેબ ડિસ્કાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. તેથી ટાયરના વેપારીઓના નફા કપાયા છે. એપ્રિલ મહિનાથી જ ટાયર ઉદ્યોગમાં આ સ્થિતિ પ્રવર્તી રહી છે.” હાલ સુધી ટ્રક ટાયરનું વેચાણ સુસ્ત હોવાનું કારણ આપતા ગુજરાત ટાયર ડીલર એસોસિયેશનના પ્રમુખ રમણભાઈ મિત્તલ કહે છેઃ “કોરોનાને પરિણામે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ હજી સંપૂર્ણપણે પાટે ચઢ્યો નથી. પરિણામે ટ્રકના ટાયરના વેચાણમાં જોઈએ તેવી ગતિ જોવા મળતી નથી.” આયાતી ટાયરના બિઝનેસ સાથે સંકળાયેલા રવિ શાહનું કહેવું છે, “ટ્રક ટાયરના રિપ્લેસમેન્ટનું બહુ જ મોટું બજાર છે. વર્ષે દહાડે પાંચ લાખથી વધુ ટાયરનો એટલે કે રૂ. 10,000 કરોડથી વધુ રકમનો માત્ર ટ્રકના રિપ્લેસમેન્ટ ટાયરનો બિઝનેસ હોવાનો અંદાજ છે, પરંતુ આ બજારમાં જોઈએ તેવી ચહેલપહેલ જોવા જ મળતી નથી.” એપ્રિલથી જૂન સુધીના ત્રિમાસિક ગાળામાં ટાયરનું વેચાણ સાવ 10 ટકા પણ નહોતું. જુલાઈ પછી તેમાં સુધારો થયો છે, પરંતુ તે 50થી 60 ટકાની સપાટીએ જ પહોંચ્યું છે.” જો કે લેન્ડ સેઈલના પ્રમોટર અને ટાયરના બજારના 15 વર્ષના અનુભવી રવિ શાહ કહે છે કે ટાયર ઉદ્યોગ ધીમી પણ મક્કમ ગતિએ ફરીથી ગિયરમાં આવી રહ્યો છે. આગામી જાન્યુઆરી સુધીમાં ટોપ ગિયરમાં આવી જશે. કોરોનાના કહેરને પરિણામે હજી સો ટકા વાહનો રસ્તા પર પણ નીકળતા થયા નથી. માંડ 60થી 70 ટકા વાહનો જ હજી રસ્તા પર આવ્યા છે. તેથી પહેલાની જેમ રસ્તા પર ટ્રાફિકની સમસ્યા જોવા મળતી નથી. પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ હોવાથી સરકારી બસના રિપ્લેસમેન્ટ ટાયરની ડિમાન્ડ પણ ઓછી થઈ ગઈ છે.

ઑડી, બેન્ટલી, પોર્શેના રિપ્લેસમેન્ટ ટાયરની અછત ચીન, થાઈલેન્ડ સહિતના દેશોમાંથી થતી ટાયરની આયાત છેલ્લા ચાર-સાડાચાર માસથી પૂર્ણપણે બંધ જ છે. સ્થાનિક ઉત્પાદકોને ધંધો મળે તે માટે ટાયરની આયાતને ટાળવામા્ં આવી રહી છે. આ આયાત બંધ હોવા છતાંય અને સ્થાનિક સ્તરે એપોલો, ફાલ્કન, સીઆટ હિતની કંપનીઓ ઉત્પાદન કરતી હોવા છતાંય બજારમાં માલની અછત સર્જાઈ નથી, કારણ કે આ કંપનીઓ 40થી 45 ટકા ક્ષમતાએ જ ઉત્પાદન કરી રહી છે. ટાયરની આયાત પર રોક લગાવી દેવાની સરકારની નીતિ જ ખોટી હોવાનું જણાવતા ઈમ્પોર્ટેડ ટાયરના બિઝનેસમેન રવિ શાહ કહે છે, “ભારતને રાફેલ વિમાનનો સપ્લાય કરતી ફ્રાન્સની કંપની મિશીલિનના ટાયર રાફેલમાં વપરાય છે. પરંતુ સરકારે લોકલને પ્રમોટ કરવા ફ્રાન્સની મિશીલિન કંપનીના ટાયરની આયાત પર અંકુશ લગાવી દીધો છે. પરિણામે ઓરિજિનલ ટાયરનો અને રિપ્લેસમેન્ટ ટાયરનો બિઝનેસ સાવ જ ભાંગી પડ્યો છે.” પરિણામે ફ્રાન્સથી આવતી ઑડી, બેન્ટલી અને પોર્શે જેવી કારના રિપ્લેસમેન્ટ ટાયરનો સપ્લાય જ નથી. તેની અછત ઊભી થવા માંડી છે. આવનારા દિવસોમાં તેની આયાતના દરવાજા ન ખૂલે તો તેની તીવ્ર અછત ઊભી થવાની શક્યતાને નકારી શકાય તેમ ન હોવાનું રવિ શાહ જણાવે છે. ફ્રાન્સથી આવતી પ્રીમિયમ કારના ટાયરનો સપ્લાય એકાએક જ બંધ કરી દેવામાં આવ્યો છે. અત્યારે જૂના સ્ટોકથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ આવનારા મહિલાઓમાં તેની અછત તીવ્ર બની જવાની છે. મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવા માટે સરકારે અપનાવેલી આ નીતિ ઉચિત ન હોવાનું ટાયર ઈન્ડસ્ટ્રીના મંધાતાઓનું માનવું છે. જો કે તેનો લાભ સ્થાનિક કંપનીઓને મળી રહ્યો છે. તેમના ટાયરનું વેચાણ ખાસ્સું વધી ગયું છે. હા, અત્યારે જેટલી ડિમાન્ડ છે તેટલો સપ્લાય તેઓ આપી શકતા હોવાથી તેમની ઇન્વેન્ટરીમાં કોઈ જ વધારો જોવા મળતો નથી. તેમની જૂની ઇન્વેન્ટરી વપરાવા માંડી છે. બીજી તરફ ઉત્પાદન ઓછું હોવાથી અત્યારે અછત જોવા મળતી નથી. કોરોનાના કાળમાં અનલૉકનો આરંભ થયા પછી તેની ડિમાન્ડ સારામાં સારી છે તેમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી. હા, રિપ્લેસમેન્ટ માર્કેટમાં અગાઉ જે ઉધારી આપવાનું ચલણ કે વલણ હતું તે હાલ જોવા મળતું નથી. ટાયર આપ્યા પછી પેમેન્ટ ઓન ધી સ્પોટ જ લઈ લેવાનું વલણ ટાયરના વેપારીઓમાં વધી ગયું છે. મોટા ટ્રાન્સપોર્ટર્સ તો રોકડેથી માલ લઈ જ રહ્યા છે. પરંતુ નાના ટ્રાન્સપોર્ટર્સને રિપ્લેસમેન્ટ માટે તત્કાળ નાણાં ચૂકવવા પડતા હોવાથી તેમની કઠણાઈ વધી રહી છે.