ટેક્સટાઈલ પરના જીએસટીના દર વધારાના વિરોધમાં ગુજરાતભરના વેપારીઓએ શેરીમાં ઉતરી વિરોધ નોંધાવ્યો

અમદાવાદ, સુરત, જેતપુર અને જૂનાગઢ સહિતના ગુજરાતના જુદાં જુદાં વિસ્તારના ટેક્સટાઈલના વેપારીઓએ કેન્દ્ર સરકારે ટેક્સટાઈલ પરની જીએસટીના દરમાં કરેલા વધારાના વિરોધમાં ગુરૂવારે એક દિવસનો બંધ પાળ્યો હતો. અમદાવાદ, સુરત અને જેતપુર તથા જૂનાગઢના મળીને 50થી 60 જેટલા ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓએ જીએસટીના દર વધારાના વિરોધમાં શેરીમાં ઉતરીના ભાજપ સરકારના નિર્ણય વિરુદ્ધ નારાબાજી કરી હતી અને સરકારનો હુરિયો બોલાવ્યો હતો. આ સાથે જ જૂનાગઢના વેપારીઓએ તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનથી દૂર રહેવાના શપથ લીધા હતા. આમ આડકતરી રીતે તેમણે ભાજપને મત આપવાથી દૂર રહેવાના તેમના નિર્ધારને વાચા આપી હતી.

અમદાવાદના મસ્કતી કાપડ મહાજન, ન્યુક્લોથ માર્કેટ, ઘંટાકર્ણ માર્કેટ, સફલ 1,2 અને 3ના વેપારીઓ, હરિઓમ માર્કેટ, હીરાભાઈ માર્કેટ, બીબીસી માર્કેટ સહિતના વેપારીઓએ આજે સાંજે કેન્ડલ માર્ચ કાઢીને સરકારની સામે વિરોધ નોંધાવ્યો હતો. આ અગાઉ બપોરે શેરીમાં ઉતરીને સરકારની નીતિના વિરોધમાં નારા લગાવીને બેનરો લહેરાવ્યા હતા.