ટ્રાવેલ ઉદ્યોગને વેગ આપવા સરકારે શું કરવું જોઈએ?
માત્ર 50-100 કિલોમીટરનો પ્રવાસ કરીને લાભ દસ દિવસનો એક્સ્ટ્રા પગારનો લાભ લેતા ગુજરાત સરકારના કર્મચારીઓને સરકાર 1000થી 5000 કિલોમીટરના પ્રવાસ કરવાની ફરજ પાડે
કેન્દ્ર સરકારના 50 લાખ કર્મચારીઓ છે જેમાંથી ગુજરાતમાં 5 લાખથી વધુ કર્મચારીઓ સક્રિય છે. તેનો લાભ પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે લઈ શકાય
હોટેલ ઉદ્યોગે બુકિંગ કેન્સલેશનની પોલીસી ફ્લેક્સિબલ બનાવવી પડશે
સરકારે આપેલા બૂસ્ટર ડોઝથી ખુશ નથી ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી, ફક્ત મર્યાદિત સ્ટેકહોલ્ડર્સને જ લાભ થતો હોવાની ફરિયાદ
ભારતીયો અને તેમાંય ખાસ કરીને ગુજરાતીઓ અને બંગાળીઓ ફરવાના ખાસ શોખીન છે. તેમને નાનો અમથો મોકો મળતા તેઓ ફરવા નીકળી પડે છે. પરંતુ કોરોનાને કારણે છેલ્લા દોઢ વર્ષથી લોકો પોતાના ઘરમાં પૂરાઈને રહ્યા છે જેની સૌથી વિપરીત અસર પર્યટન ઉદ્યોગ પર પડી છે. આવામાં જો આ ઉદ્યોગને બેઠો કરવો હોય તો સરકારે સૌથી પહેલા સરકારી કર્મચારીઓ પર જ ફોકસ કરવું જોઈએ. સરકારે કર્મચારીઓ ટુરિઝમને વેગ આપવા માટે સૌથી વધુ મહત્વના ગણાય છે. તેમને લીવ ટ્રાવેલ કન્વેયન્સ (એલટીસી) મળે છે. ગુજરાતનું જ ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો ગુજરાતના સરકારી કર્મચારીઓને સરકાર તેમને ફરવા માટે ટ્રાવેલ એલાઉન્સ ઉપરાંત પગારના પ્રમાણમાં દસ દિવસનો પગાર એક્સ્ટ્રા આપે છે. આ નાણાં મેળવવા માટે સરકારી કર્મચારીઓ માત્ર 50થી 100 કિલોમીટરનો પ્રવાસ કરીને તે વધારાના નાણાં લઈ લે છે. આ સ્થિતિનો એડવાન્ટેજ લેવા માટે ટુરિઝમ સાથે સંકળાયેલા દરેક હિસ્સાએ સક્રિય બનવું પડશે. હોટેલ પણ તેનો જ એક હિસ્સો છે.

વિશ્વા ટ્રાવેલ્સના ઓનર પરેશ શાહ કહે છે, “આ સિસ્ટમમાં જરાક અમથો બદલાવ ટુરિઝમને માટે બુસ્ટર ડોઝ બની શકે છે. આ કર્મચારીઓને ફરજિયાત 1000થી 5000 કિલોમીટરનો પ્રવાસ કરે તો જ તેમને એલટીસી ઉપરાંતના દસ દિવસનો પગાર આપવાનો નિયમ કરી દે તો તેને લાભ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝને મળી શકે છે.” સરકારી કર્મચારીઓથી પણ આગળ વધીને વાત કરવામાં આવે તો ખાનગી કંપનીઓના કર્મચારીઓને પણ લીવ ટ્રાવેલ કન્વેયન્સ એન્કેશ કરી આપવાને બદલે ફરવા જવાની ફરજ પાડવામાં આવે તો તે પણ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને માટે એક વધારાનું પ્રોત્સાહન બની રહેશે. બહુરાષ્ટ્રીય કંપનીઓ તેમના કર્મચારીને ચેન્જ મળે તે માટે ફરજિયાત પ્રવાસ પર જવાની સૂચના આપે છે. તેમનું એલટીસી પ્રવાસ પાછળ જ ખર્ચાય છે. તેથી ટુરિઝમને બુસ્ટઅપ મળતું જ રહે છે. વિદેશ પ્રવાસને બદલે સ્થાનિક સ્તરના પ્રવાસને વધુ પ્રોત્સાહન આપવાના પગલાં લેવાય તે વધુ જરૂરી છે. દેશભરની સરકારોના મળીને બે કરોડથી વધુ કર્મચારીઓ થશે. કેન્દ્ર સરકારના 50 લાખથી વધુ કર્મચારીઓ છે. રેલવેના પણ 20 લાખ જેટલા કર્મચારીઓ હોવાનું માનવામાં આવે છે.
પરેશ શાહ આ અંગે વધુ વાત કરતા જણાવે છે, “હોટેલ ઉદ્યોગને ફરી ધમધમતો કરવો હોય તો હોટેલ્સના માલિકોએ આગામી 12થી 24 મહિના માટે હોટેલ્સના રૂમના રેટ નીચા કરી દેવા પડશે. રૂમ્સ મોંઘા હોવાથી ઘણાં લોકો પ્રવાસ કરવા માટે જવાનું ટાળી રહ્યા છે. આ માનસિકતામાંથી પર્યટન પ્રેમીઓને બહાર લાવવા માટે પણ રૂમ્સના રેટ નીચા લાવવા જરૂરી બની ગયા છે. કેન્દ્ર સરકાર પણ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે આ દિશામાં પગલું લઈ શકે છે. તે માટે ભારત સરકાર રૂમ્સ દ્વારા હોટેલના પર લેવામાં આવતા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના દરમાં આગામી 12થી 24 મહિના માટે અડધા કરી દઈને ટુરિઝમને પ્રોત્સાહન આપવાનું આયોજન કરી શકે છે.” ફાઈવ સ્ટાર હોટેલ્સમાં રહેવું એ એ મિડલ ક્લાસનું સપનું પણ હોય છે. તેના રૂમ્સ અને તેની સેવાઓ પર 18થી માંડીને 28 ટકા જેટલો સર્વિસ ટેક્સ લેવામાં આવે છે. તેમાં રાહત આપી દેવામાં આવે તો મિડલ ક્લાસના લોકો પણ એકાદવાર તો તેમાં રહેવાનું આયોજન કરી શકશે. તેમ થતાં ટુરિઝમ ઉદ્યોગને જ પ્રોત્સાહન મળશે.
માત્ર હોટેલ્સના રૂમ સસ્તા થાય તે પૂરતું નથી. સરકારે રેલવે, બસ સહિતની સેવાના ભાડાંને થોડા સમય માટે એટલ કે છ બાર મહિના માટે નીચા લાવવા પડે તેવા પગલાં પણ પ્રવાસન મંત્રાલયે લેવા જરૂરી છે. તેમાંય ખાસ કરીને ત્રણથી છ મહિના સુધી વિમાનના ભાડાંને નિયંત્રિત કરવા જરૂરી છે. અન્યથા કોરોનાના બીજા વેવ પછી હોટેલ ઉદ્યોગ સાવ જ ભાંગી પડ્યો છે. બીજા વેવમાં પણ કેટલાક રાજ્યોમાં કરફ્યુ તો કેટલાક રાજ્યોમાં લૉકડાઉન થયા હતા. તેથી લોકોની ફરવા જવાની હિમ્મત તૂટી ગઈ હતી. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જનારાઓને આરટીપીસીઆર કરાવવાના ખર્ચા ઉપરાંત આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટીવ આવે તો અટવાઈ જવાનો ભય પણ ટુરિઝમ ઉદ્યોગને અસર કરનારું મોટું પરિબળ છે. સરકાર પણ આ સ્થિતિથી ભયભીત જ હતી. તેથી જ રેલવે તંત્રએ અમદાવાદથી મુંબઈ જતી 90 ટકા ટ્રેન બંધ કરી દીધી હતી. આ જ સ્થિતિ ગુજરાત અને મહારાષ્ટ્ર સિવાયના રાજ્યોમાં પણ હતી. તેથી જ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી પર નભનારા આવક વિનાના થઈ ગયા હતા. ટુરિસ્ટ ગાઈડ આવક ગુમાવી બેઠાં છે. હવે કોરોનાનો ભય ઓછો થયો છે. તેથી હિમાચલ પ્રદેશ, ગુલમર્ગ, ગોવા, કૂર્ગ, ઊંટી, રાજસ્થાન, આબુ, થી માંડીને ઉત્તર અને દક્ષિણ ભારતના પ્રવાસન કેન્દ્રો પર લોકોના ધાડેધાડાં ઉમટ્યા છે. આ વલણ સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચેતવણી ઉચ્ચારી છે. તેથી પણ પ્રવાસન ઉદ્યોગ પર બ્રેક લાગી છે. ભારતમાં હજી વેક્સિનેશનની અડધી મજલ પણ કપાઈ નથી તેથી ભય વધારે છે. પરેશ શાહ કહે છે, “ટુરિઝમને વેગ આપવો જ હોય તો આ પ્રકારના સ્ટેટમેન્ટ સરકારના સ્તરેથી ન આવવા જોઈએ. તેનાથી લોકોનો ઉત્સાહ ઠરી જશે. તેને બદલે વધુ કાળજી રાખી સોશિયલ ડિસ્ટન્સ રાખવાની ખાસ સૂચનાઓ આપીને તથા ટુરિસ્ટ સ્પોટ્સમાં સરકારી અધિકારીઓને ગોઠવીને તેનું મોનિટરિંગ કરાવવાનું વલણ વધારે ઉચિત ગણાશે.” જોકે વેક્સિનેશન પછીય કાળજી તો દરેક રાખવી જ પડશે. આ પ્રકારની બેદરકારી પર્યટકો તરફથી ચલાવી શકાય જ નહિ.
હજી કોર્પોરેટ ટ્રાવેલિંગ એટલે કે બિઝનેસના હેતુથી થતું ટ્રાવેલિંગ પણ એટલું વધ્યું નથી. આ મોરચે હજીય અનિશ્ચિતતા પ્રવર્તતી જોવા મળી રહી છે. કોરોનાનો થર્ડ વેવ ન આવે તે માટે લોકોએ પણ કાળજી લેવી જરૂરી છે. કોરોનાનો થર્ડ વેવનો ભય વધશે તો તેના પર પણ બ્રેક લાગી શકે છે. આ ગાળામાં હોટેલ બુકિંગ કરનારાઓએ તેમની રૂમ્સ અને વેડિંગ હોલના બુકિંગ પોલીસીને થોડી ફ્લેક્સિબલ બનાવવી પડશે. લગ્ન પ્રસંગ મુલતવી રાખવો પડે ત્યાર તેમણે આપેલા એડવાન્સ નાણાં પરત ન આપવાની માનસિકતાને તેમણે ત્યજવી પડશે. હોટેલ્સે કેન્સલેશન પોલીસીને ફ્લેક્સિબલ બનાવવી પડશે. જો આમ થશે તો જ લોકો છૂટથી હોટેલ બુકિંગ કરાવતા થશે.
ગુજરાતની અને તેમાંય ખાસ કરીને અમદાવાદની વાત કરવામાં આવે તો હોટેલ્સમાં રંગેચંગે લગ્નોત્સવની ઊજવણી કરવા પર બ્રેક લાગી છે. જોકે જુલાઈના પંદરથી વીસ દિવસમાં ખાસ્સા લગ્ન લેવાયા હતા. “આ ગાળામાં પણ મોટી હોટેલ્સમાં લગ્ન લેવાવાન ઘટનાઓ પ્રમાણમાં ઓછી થઈ ગઈ હોવાનું જણાય છે,” એમ વેડિંગ ફોટોગ્રાફર મિહિર મહેતાનું કહેવું છે. પહેલા ફાઈવ સ્ટાર હોટેલ્સમાં લગ્ન કરવામાં જે પ્રવાહ જોવા મળતો હતો તેના પર કોરોનાના બીજા વેવને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતાને પરિણામે બ્રેક લાગી ગઈ હોવાનું જણાતું હતું. હોટેલ ઉદ્યોગને તેનો પણ મોટો ફટકો પડ્યો છે.

હોટેલ ઇન્ડસ્ટ્રીઝના એક્સપર્ટ્સનું કહેવું છે કે કોરોનાનો વ્યાપ ન વધે તે માટે હોટેલોએ તેમના રૂમોમાં એરવેન્ટિલેશનની સુવિધા સુધારવી જોઈએ. અત્યારે એરકન્ડિશન્સ લગાવવામાં આવતા હોવાથી નેચરલ એર વેન્ટિલેશન્સ હોટેલ્સના રૂમમાં ઓછું મળે છે. હોટેલના મકાનોમાં આ સુધારો કોરોનાના આ કાળમાં અત્યંત આવશ્યક બની ગયો છે. તેનાથી કોરોનાનો ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. કોરોનાના થર્ડ વેવની ચેતવણી પ્રધાનમંત્રી તરફથી પણ આપી દેવામાં આવી છે ત્યારે આ બાબતને પોતાના ધંધાના હિતમાં પણ હોટેલ ઇન્ડસ્ટ્રીઝે લેવી જોઈએ. હવે તો શ્રીમંતોના ઘરમાં પણ ઇન્ડોર એર ક્વોલિટી વેન્ટિલેટર્સ લાગવા માંડ્યા છે. ક્વોલિટી એર વેન્ટિલેશન કોરોનાના આ કાળમાં હોટેલ ઉદ્યોગ માટે એક અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે. તેનાથી હોટેલમાં આવનારા અતિથિઓના આરોગ્યની જાળવણી થશે અને તેમનો હોટેલ સ્ટે કરવા માટેનો વિશ્વાસ વધતો જશે. હોટેલમાં કસ્ટમર્સને ખેંચી લાવવા માટેનું એ એક વધારાનું એટ્રેક્શન પણ બની જશે. આ ફીચર હોટેલ ઇન્ડસ્ટ્રીઝની જરૂરિયાત બની ગઈ છે. કારણ કે કોરોનાના થર્ડ વેવની વાતો વહેતી થઈ ગઈ છે. આ સંજોગોમાં વેક્સિનેશન ઝડપથી પૂરું થાય તે માટે હોટેલ ઉદ્યોગો અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીએ પ્રાર્થના જ કરવાની રહેશે. ગુજરાતમાં અને ભારતમાં વેક્સિનેશનની ઝડપ ઘટી રહી છે તે બાબત ટુરિઝમ ઇન્ડસ્ટ્રી માટે ચિંતાજનક છે.
ઊનાળામાં દરેક પરિવાર પ્રવાસે જવાનું પસંદ કરે છે. આ ઊનાળો કોરોનાના સેકન્ડ વેવે ખેંચી કાઢ્યો છે. જૂન મહિનાના બીજા પખવાડિયાના અરસામાં કોરોનાના કેસ ઘટવા માંડતા ભારતના પર્યટન શોખીનોએ પ્રવાસન કેન્દ્રો પર ધસારો કર્યો હતો. આ ધસારો કર્યો તેનો વાંધો નથી, પરંતુ માસ્ક પહેર્યા વિના અને ભારે ગીરદી વચ્ચે ટહેલવાનું પસંદ કર્યું તેને પરિણામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચેતવણી આપવાની ફરજ પડી છે. ઉત્તર પ્રદેશની કાવડ યાત્રા અત્યારે વિવાદના વમળમાં છે. સુપ્રીમ કોર્ટે પણ આ અંગે સરકાર પાસે ખુલાસો માગ્યો જ છે.
કોરોના અને લોકડાઉનને કારણે લોકો મહિનાઓથી ઘરમાં પુરાઈ રહ્યાની લાગણી અનુભવી રહ્યા છે. તેથી ઓછું જોખમ લઈને તેઓ બહાર નીકળવાના રસ્તાઓ શોધી રહ્યા છે. તેથી સ્થાનિક સ્તરે પ્રવાસન માટેની ડિમાન્ડ તો છે. તેનો લાભ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને મળવાનો છે, પરંતુ કોરોના સામેની સેફ્ટીનો ઘંટ રણકતો થશે તો પછી તેમાં મજબૂત તેજી જોવા મળી શકે છે. લોકોને બહાર જવું છે, પરંતુ જોખમ ઓછું હોય તો જ. તેથી જ ડોમેસ્ટિક ટુરિઝમ માટે મોટો અવકાશ છે. આમ એકવાર કોરોનાનો ભય નાબૂદ થશે તો ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને બહુ જ મોટો ફાયદો થવાની શક્યતા દેખાઈ રહી છે. તેનો સીધો લાભ હોટેલ ઉદ્યોગને પણ મળવાનો જ છે. કોરોનાનો પ્રભાવ ઓછો થયો તે પછી જાન્યુઆરી ફેબ્રુઆરી 2021ના અરસામાં લોકો બહાર નીકળવા માંડ્યા હતા તે ડોમેસ્ટિક ટુરિઝમ માટે મોટી આશાનો સંચાર કરનાર પરિબળ છે. આ તબક્કે ટ્રાવેલિંગ માટે ટિકીટ બુકિંગ કરાવનારાઓમાંથી માત્ર 8 ટકા લોકોએ જ બુકિંગ કેન્સલ કરાવ્યા હતા. આ દર્શાવે છ કે 92 ટકા લોકોએ કોરોનાનો ભય ઓછો થતાં ટ્રાવેલિંગ કર્યું હતું.

કોરોના પછી નિર્માણ થયેલી સ્થિતિમાં લોકોને ઘરની બહાર જવું છે, ઘરની બહાર નીકળીને હોટેલના આલિશાન રૂમમાં ટેસથી પડી રહેવું છે, પરંતુ ઘરની બહાર તો નીકળવુ જ છે. આમ હોટેલ ઉદ્યોગ માટે આશાનો સંચાર કરતું આ બીજું જમા પાસું છે. વર્ક ફ્રોમ હોમનું ચલણ અને વલણ વધ્યું છે. તેથી પણ નોકરિયાતો કોઈ લક્ઝરી હોટેલમાં બેચાર દિવસ રહીને આરામથી કામ કરવાનું પસંદ કરતાં થયા છે. બિઝનેસ ટ્રાવેલિંગ કરનારાઓ પણ આ જ માનસિકતા સાથે બહાર નીકળવાની તીવ્ર ઇચ્છા ધરાવતા થયા છે. કોરોનાને કારણે બદલાયેલી માનસિકતાનો આ નિર્દેશ આપે છે. બિઝનેસ ટ્રાવેલ કરનારાઓ પણ મોકો મળે તો થોડું ટહેલી લેવાનું વધુ પસંદ કરતાં થયા છે. વિદેશ પ્રવાસ કરનારાઓ પણ થનગની રહ્યા છે, પરંતુ ઓસ્ટ્રેલિયો અને બ્રિટન સહિતના દેશોમાં કોરોના વાયરલના નવા સ્ટ્રેઈનને કારણે ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સના રિસ્ટ્ર્ક્શન આવ્યા છે. તેમ જ વિદેશ જવામાં ભરાઈ જવાનો ભય પણ લાગવા માંડ્યો હોવાથી વિદેશ પ્રવાસ કરવા માગનારાઓ જાતને રોકીને બેઠાં છે. વિદેશ પ્રવાસ કરવા ઇચ્છુકો પાસે પૈસાની કમી નથી, પરંતુ વાતાવરણ ભયનું હોવાથી પ્રવાસ પર જવાની હિમ્મત થતી નથી. આ સ્થિતિમાં કસ્ટમર્સને ભયથી દૂર કરી શકે તેવો માહોલ હોટેલ આપે અને ટ્રાવેલિંગ કંપનીઓ તેમના આરોગ્યની સલામતીની વધુ ચુસ્ત વ્યવસ્થા કરે તો તેને માટે પાંચ-પંદરસો વધુ ખર્ચવા પણ પ્રવાસન પ્રેમીઓ તૈયાર થઈ જશે. એક ગ્રુપને પ્રવાસે લઈ ગયા પછી તેમના સારા અનુભવનો લાભ ઊઠાવવા તેનો પ્રયાસ કરવાની તક પણ ટ્રાવેલ કંપનીઓએ ઝડપી લેવી પડશે. ઇન્ફેક્શન ન ફેલાય તે માટેની પૂરતી દરકાર રાખે તેવા નિયમો ટ્રાવેલ કંપનીઓએ પોતાના સ્ટાફ માટે કરવા પડશે. તેમ થતાં જ તેઓ કસ્ટમર્સને ટ્રાવેલ આફિસની અંદર ખેંચી લાવવામાં સફળ થશે.
ટ્રાવેલ કંપનીઓ ગ્રુપમાં પણ લોકોને પ્રવાસે લઈ જાય છે. ખાસ કરીને લડાખ, અમરનાથ, હરદ્વાર, મસૂરી જેવા સ્થળોએ ગ્રુપ બનાવીને લોકો ફરવા જવાનું પસંદ કરે છે. ટ્રાવેલ કંપનીઓએ તેમના ગ્રુપમાં આવેલા પ્રવાસીઓના ફૂડને માટે એક્સ્ટ્રા કેર લેવી પડશે. તેમાં કોઈપણ જાતનું કોમ્પ્રોમાઈસ ન થાય તેની તકેદારી લેવી પડશે. હેલ્ધી એમ્બિયન્શમાં ફૂડ તૈયાર થયું છે તે પણ અહેસાસ તેમણે તેમના ગ્રુપના પ્રવાસીઓને કરાવવો પડશે. તેનાથી તેમની બ્રાન્ડ લોયલ્ટી પણ વધશે.
પ્રવાસ પર પર્યટન શોખીનોને લઈ જનારાઓએ જે જગ્યાએ પ્રવાસમાં લઈ જવાના હોય તે જગ્યામાં સારવાર આપતી તમામ ગ્રેડની સંસ્થાઓના નામ સરનામાં હાથ વગા રાખવા જોઈએ. તેની જાણકારી તેમના પેકેજ લેનારાઓને પણ મળે તેવી વ્યવસ્થા કરવાની રહેશે. સારવારની વ્યવસ્થા અંગેની જાણકારીને અભાવે પ્રવાસીને સહન કરવાની નોબત ન આવે તો જોવાની જવાબદારી પણ ટ્રાવેલ કંપનીઓએ નિભાવવી પડશે.
ટુરિસ્ટ ગાઈડ માટે લોન ગેરન્ટી સ્કીમ જાહેર થઈ, પણ મર્યાદિત લોકોને લાભ
વર્કિંગ કેપિટલ મળી રહે તે માટે ટુરિસ્ટ ગાઈડ માટે કેન્દ્ર સરકારે લોન આપવાની જાહેરાત કરીને ટુરિઝમને બુસ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. આ લોનની મદદથી તેઓ કોરોનાને કારણે થઈ ગયેલા દેવા ચૂકવી શકે અને નવેસરથી બિઝનેસ ચાલુ કરી શકે તે માટે આ લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં માત્ર 11,000 રજિસ્ટર્ડ ટુરિસ્ટ ગાઈડ છે. ગુજરાતમાં આ યોજનાનો લાભ 1000થી પણ ઓછા ટુરિસ્ટ ગાઈડને મળવાની ગણતરી મૂકવામાં આવી રહી છે. રાજ્ય સરકારની માન્યતા ધરાવતા ટુરિસ્ટ ગાઈડને જ આ લાભ આપવાનું આયોજન કરવામાં આવેલું છે. ટુરિસ્ટ ગાઈડને રૂા. 1 લાખ સુધીની લોન મળશે. ટ્રાવેલ અને ટુરિઝમના સેક્ટર સાથે સંકળાયેલા સ્ટેક હોલ્ડર્સને રૂા.10,00,000 સુધીની લોન મળશે. આ લોન આપવા માટે કોઈ જ પ્રોસેસિંગ ચાર્જ લેવામાં આવશે નહિ. તેમની પાસે ફોરક્લોઝર (મુદત પૂર્વે લોનની ચૂકવણી માટે)ના કોઈ જ એક્સ્ટ્રાચાર્જ લેવાશે નહિ. આ લોન માટે તેમણે વધારાની કોઈ જ ગેરન્ટી આપવી પડશે નહિ. એનસીજીટીસી-નેશનલ ક્રેડિટ ગેરન્ટી ટ્રસ્ટી કંપનીના માધ્યમથી આ યોજના અમલમાં મૂકાવવામાં આવશે. ટ્રાવેલ એજન્ટ્સ એન્ડ ટુર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ગુજરાતના ચેરમેન વીરેન્દ્ર શાહનું કહેવું છે કે, “બેન્કિંગ સેક્ટરમાં પણ ટુરિઝમ સેક્ટરને નેગેટીવ લિસ્ટમાં મૂકી દેવામાં આવ્યું છે. જેમની જૂની લોન છે તેમાં પણ કાપ મૂકી દેવાં આવી છે. પરિણામે પડ્યા પર પાટું જેવી સ્થિત છે. ટુરિઝમ સેક્ટર બહુ જ ખરાબ હાલતમાંથી પસાર થઈ રહ્યું છે.” આ સ્થિતિમાં નવી લોન મળવામાં પણ તેમને બહુ આશાવાદ જણાતો નથી. ગુજરાતની ટ્રાવેલ સેક્ટરની અગ્રણી કંપનીના સંજીવ છાજેડ કહે છે કે મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ સાથે સંકળાયેલા લોકોને જ લાભ મળે તેવી ગોઠવણ કરવામાં આવી છે. પરિણામે બહુ જ સીમિત લોકોને આ લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેને પરિણામે ટુરિઝમને બહુ પ્રોત્સાહન મળશે નહિ.

ટ્રાવેલ એજન્ટ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના ગુજરાત ચેપ્ટરના ચેરમેન વીરેન્દ્ર શાહ કહે છે, “ કેન્દ્ર સરકારે જાહેર કરેલી નીતિ માત્ર આઈવૉશ છે. તેની મદદ માત્ર 1000થી પણ ઓછા એજન્ટો જ તેના લાભાર્થી બનશે. ગુજરાતમાં આ પ્રકારના 10,000થી વધુ એજન્ટો હોવાનું કહી શકાય. નાના મોટા મળીને તો 50,000થી વધુ એજન્ટો હશે. તેથી જ નાણાં મંત્રી નિર્મલા સીતારામને જાહેર કરેલા ટુરિઝમ પેકેજની નજીવી અસર કદાચ જોવા મળશે, કારણ કે દેશમાં 90થી 95 ટકા લોકોને આ લાભથી વંચિત રાખવામાં આવ્યા છે. સરકાર સ્ટેક હોલ્ડર્સને વધુ રાહત આપી શકી હોત, પરંતુ તેમ થયું નથી. ટ્રાવેલ એજન્ટ્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના સભ્ય હોય પણ મિનિસ્ટ્રીમાં રજિસ્ટર્ડ ન હોય તો તેમને આ લાભ મળી શકતો નથી. ભારત સરકારે વધુ લોકોને આ યોજનાનો લાભ મળે તે માટે પગલાં લેવા જોઈએ..” ગુજરાત સરકારે હોટેલ ઇન્ડસ્ટ્રીને વીજ બિલમાં અને પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવાની જાહેરાત કરી છે તેવી જ જાહેરાત ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને પણ આપવાની માગણી કરવામાં આવી છે. ગુજરાત સરકારને અને પર્યટન મંત્રી જવાહર ચાવડાને પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે. પરંતુ ગુજરાત સરકાર તરફથી આ મુદ્દે અપેક્ષિત પ્રતિસાદ મળ્યો જ નથી.
વિદેશથી ભારત આવનારા 5 લાખ પર્યટકોને વિઝા ફીમાં પણ માફી
કોરોનાના મહામારીનો શિકાર બનેલા ટુરિઝમ સેક્ટરને ફરીથી જીવંત કરવા માટે કેન્દ્ર સરકારે ભારત ફરવા માટે આવનારા પહેલા 5 લાખ પર્યટકોને વિઝા ફીમાં માફી આપવાની પણ જાહેરાત કરી છે. 31મી માર્ચ 2022 સુધી આ સ્કીમનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. છેલ્લી તારીખ પહેલા જે દિવસે 5 લાખ પર્યટકોનો આંકડો વટી જશે તો તે દિવસથી આ યોજના બંધ કરી દેવામાં આવશે. એક પર્યટકને એક જ વાર આ યોજનાનો લાભ અપાશે. સંજીવ છાજેડ કહે છે કે વિદેશી પર્યટકો પાસેથી વિઝા ચાર્જ ન લેવાની જાહેરાત તો કરી છે, પરંતુ હજી સુધી ફ્લાઈટ જ રેગ્યુલર થઈ નથી. ફ્લાઈટ વિના તેઓ આવશે કે કેમ તે જ મોટો સવાલ છે. વીરેન્દ્ર શાહ કહે છે કે પહેલા પાંચ લાખ વિદેશી પર્યટકોને મફત વિઝા આપવાની યોજનાનો અમલ ત્યારે જ શક્ય બનશે જ્યારે તેના પરનો જીએસટી માફ કરવામાં આવશે. તેમ જ ઇન્ટરસ્ટેટ જીએસટી ક્રેડિટ સ્ટેક હોલ્ડર લઈ શકે તેવી સુવિધા કરવામાં આવશે. બીજું, ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારાઓમાં 90 ટકા એજન્ટો વિદેશ લઈ જવાનું કામ વધુ કરે છે. ઇનબાઉન્ડ ટુરિઝમ એટલે કે ભારતમાં ને ભારતમાં જુદા જુદા સ્થળોએ ફરવા લઈ જવાની કામગીરી કરતાં 10 ટકા લોકોને સાંભળીને સરકારે નિર્ણય લઈ લીધો હોવાથી ટુરિઝમ ઉદ્યોગ સાથે સંકળાયેલા મોટા ઉદ્યોગો તેનાથી વંચિત રહી ગયા છે. હોટેલ ઉદ્યોગને પ્રાધાન્ય આપ્યું છે તેવું પ્રાધાન્ય અમને આપવામાં આવ્યું નથી. તેથી ટ્રાવેલ ઉદ્યોગ બુસ્ટર ડોઝથી ખુશ નથી. ટુરિઝમ ઉદ્યોગોને બેઠો કરવો જ હોય તો પાંચ વર્ષ સુધી ઇન્કમટેક્સ હોલી ડે આપવાની માગણી પણ બુલંદ બની છે. તેમ જ ટ્રાવેલ એજન્સી અને તેમના કર્મચારીઓને લોનના હપ્તા ભરવામાંથી બે વર્ષ માટે મુક્તિ આપવી જોઈએ.
ઘરમાં પૂરાઈને કંટાળેલા લોકો ફરવા નીકળી પડતા ટૂરિઝમ ઈન્ડસ્ટ્રીમાં ધમધમાટ, રોડ ટ્રિપનો ટ્રેન્ડ વધ્યો
કોરોનાને કારણે અનેક દેશોની સરહદો હજુય બંધ છે ત્યારે લોકો પોતાની જાતને સ્થાનિક પ્રવાસન સ્થળે ફરવા જતા રોકી શકતા નથી. છેલ્લા દોઢ વર્ષથી ઘરમાં પૂરાઈને રહેલા લોકો ખરેખર કંટાળ્યા છે અને હવે નજીકના પ્રવાસન સ્થળો કે હિલ સ્ટેશન પર ફરવા નીકળી પડ્યા છે. ટ્રાવેલોન 360ની પ્રોપ્રાઈટર પ્રાંજલિ સલાયે શાસ્ત્રી હાલ ટૂરિઝમ ઈન્ડસ્ટ્રીમાં જોવા મળતા ધમધમાટ અંગે વાત કરતા જણાવે છે, “અમારી ઈન્ડસ્ટ્રીમાં આ ટ્રેન્ડને રિવેન્જ ટૂરિઝમ તરીકે ઓળખવામાં આવે છે. ઘરે લાંબો સમયથી પૂરાયેલા લોકોએ હવે ઘરની બહાર નીકળવાનું મન બનાવી જ લીધું છે. એટલે જ નજીકના ફરવાલાયક સ્થળોએ લોકો જવા માંડ્યા છે. વેક્સિનેશનને કારણે લોકોનો ઘર બહાર નીકળવાનો કોન્ફિડન્સ પણ વધી ગયો છે. જો કે હજુ પણ મોટા ભાગના લોકો ફ્લાઈટમાં પ્રવાસ કરવાનું ટાળે છે. તેનું એક કારણ એ છે કે ફ્લાઈટ્સ કેન્સલ થાય તો તેનું રિફંડ હજુ પણ એરલાઈન્સ ક્રેડિટ્સમાં જ આપે છે, રૂપિયા પાછા નથી મળતા. વળી ફ્લાઈટની ટિકિટ્સમાં લગભગ 50 ટકા જેટલો વધારો થયો છે. આ કારણે લોકો નજીકના સ્થળે અને રસ્તાથી જઈ શકાય તેવા ડેસ્ટિનેશન પર પસંદગી ઉતારી રહ્યા છે અને રોડ ટ્રિપ્સનો ટ્રેન્ડ વધ્યો છે.” આ જ કારણે દિલ્હીના લોકો હિમાચલના હિલસ્ટેશન પર કે પછી મુંબઈના લોકો ગોવા અને ગુજરાતના લોકો આબુ કે ઉદેપુર ફરવા જવાનું પસંદ કરે છે.

ટ્રેઈનમાં હાલ કોરોનાના ભયને કારણે બ્લેન્કેટ વગેરે આપવાનું બંધ કરવામાં આવ્યું છે. ટ્રેઈનમાં લાંબુ અંતર કાપવાનું હોય તો લોકોને આ સામાન પોતાની સાથે લઈને જવું પડે છે જે મોટાભાગના લોકોને પસંદ નથી. આથી ટ્રેઈનથી લાંબાગાળાનું અંતર કાપવાનું લોકો પસંદ કરતા ન હોવાનું પણ પ્રાંજલિ જણાવે છે. તે વધુમાં ઉમેરે છે, “હાલ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ જેવા રાજ્યો માટે ઢગલાબંધ ક્વેરીઝ આવી રહી છે. તેનું એક મહત્વનું કારણ એ છે કે આ રાજ્યોમાં રસીકરણ અભિયાન ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે અને ઘણા લોકો રસી મેળવી ચૂક્યા છે. લદ્દાખના ગામડેગામ સુધી રસી પહોંચી છે. આ કારણે આ જગ્યાઓએ ફરવા જવામાં લોકોને ડર ઓછો લાગે છે.”
એક વાત તો નિશ્ચિત છે કે વહેલા નહિં તો મોડા, કોરોનાનો ફેલાવો ઘટશે એટલે મોટા ભાગના લોકો ઘરથી દૂર જવાનું પસંદ કરશે જ. આ કારણે ટૂરિઝમ ઈન્ડસ્ટ્રીમાં તેજીનો પવન ફૂંકાશે તે નિશ્ચિત છે, પણ ક્યારે તે નિશ્ચિત નથી.