• 9 October, 2025 - 12:54 AM

તમને હંમેશા આર્થિક ભીંસથી દૂર રાખશે આ 12 સુપર ટિપ્સ

જો તમે આ ટિપ્સને ધ્યાનમાં રાખીને આર્થિક આયોજન કરશો તો ક્યારેય પૈસાની ખેંચ નહિ અનુભવાય
 
ree

માથે કોઈ દેવુ ન હોય, પૈસાના ટેન્શન વિના મનપસંદ કામ કરી શકાય અને સગવડ મુજબ શાંતિથી જીવી શકાય- આવું જીવન કોને ન ગમે? આ ત્યારે જ શક્ય બને જ્યારે તમારી પાસે પૂરતી બચત અને રોકાણ હોય, અને હાથમાં થોડી રોકડ હોય. કમનસીબે, મોટા ભાગના લોકોને આવું જીવન મળતું નથી. તેમના માથે કાં તો દેવાનો બોજ હોય છે, અણધાર્યા ખર્ચ તેમના ગણિતો ખોરવી નાંખે છે અથવા તો છૂટ્ટા હાથે ખર્ચ કરવાની આદતને કારણે તે પોતાના આર્થિક લક્ષ્ય હાંસલ કરી શકતા નથી. એવામાં જો વાવાઝોડા, ભૂકંપ કે મહામારી જેવી કોઈ કુદરતી આફત આવી ગઈ તો તેમના ગણિત સાવ જ ઊંધા વળી જાય છે. જીવનમાં કશું પણ થઈ શકે છે, પરંતુ તમે અમુક આદત જીવનમાં પહેલેથી કેળવી હશે તો તમે ચડતી-પડતીમાં પણ આર્થિક ભીંસ વિના આરામદાયક જીવન જીવી શકશો.

 

1. લક્ષ્ય નક્કી કરોઃ

 

એક પેપર ઉપર લખો કે તમે તમારા બેન્ક એકાઉન્ટમાં કેટલી રકમ જોવા માંગો છો, કેવી લાઈફસ્ટાઈલ ધરાવવા માંગો છો અને આ લક્ષ્ય કઈ ઉંમર સુધી હાંસલ કરવા માંગો છો. તમારા લક્ષ્ય જેટલા સ્પષ્ટ હશે, તેને હાંસલ કરવાની શક્યતા પણ તેટલી જ વધી જશે.

 

2. બજેટ બનાવોઃ

 

દર મહિનાનું ઘરખર્ચનું બજેટ બનાવો અને તેને વળગી રહો. આમ કરવાથી તમારા ખર્ચ નિયંત્રિત રહેશે અને બચત વધુ થશે.

 

3. ક્રેડિટ કાર્ડની સંપૂર્ણ રકમ ચૂકવોઃ

 

ક્રેડિટ કાર્ડ તમારા આર્થિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. દર મહિને ક્રેડિટ કાર્ડના બિલની સંપૂર્ણ રકમ ચૂકતે કરી જ દો. પૈસાની ખૂબ જરૂર હોય તો લોન લેવાનું પસંદ કરો, તેના વ્યાજ દર ક્રેડિટ કાર્ડની સરખામણીએ નીચા હોય છે.

 

4. આપોઆપ બચત ઊભી થાય તેવી વ્યવસ્થા કરોઃ

 

જો તમને સેલેરી મળતી હોય તો રિટાયરમેન્ટ પ્લાનમાં પૈસા રોકો. એમાં અમુક હિસ્સો તમારા પગારમાંથી કપાશે અને એટલો જ હિસ્સો એમ્પલોયર તરફથી ઉમેરાશે. આ પ્રકારની કોઈપણ બચત યોજનાથી તમે લાંબા ગાળે સારી બચત મૂડી ભેગી કરી શકશો.

 
ree

ગૌરવ સિંઘવી, વેલ્થ એડવાઈઝર

 

5. રોકાણ કરવાનું શરૂ કરોઃ

 

રોકાણ કરવાથી પૈસા વધે છે. સમય જતા બચત મૂડી વધશે તેમ તેના પર વળતર પણ સારુ મળશે. એવો પોર્ટફોલિયો બનાવો જેમાં અઠવાડિયે કે મહિને આપોઆપ પૈસા જમા થઈ જાય. તમે જો આયોજનબદ્ધ રીતે બચત અને રોકાણ કરશો તો અણધાર્યા ખર્ચ, મેડિકલ ઈમર્જન્સીમાં પણ તમારી આર્થિક પરિસ્થિતિ મજબૂત રહી શકશે.

 

6. ક્રેડિટ સ્કોર ચકાસોઃ

 

તમારો ક્રેડિટ સ્કોર નિશ્ચિત કરે છે કે તમને નવી કાર કે નવા ઘર માટે ફાયનાન્સ કેટલા વ્યાજના દરે મળશે. પૈસાની બાબતમાં બેફામ હોવું સારુ લક્ષણ નથી. તમારા ક્રેડિટ રિપોર્ટમાં કાળો ડાઘ ન લાગે તેનું ખ્યાસ ધ્યાન રાખો.

 

7. ભાવ-તાલ કરતા શીખોઃ

 

ઘણા લોકોને એવું લાગે છે કે તે ભાવ કરાવશે તો લોકો તેમના વિષે શું વિચારશે! ખાસ કરીને અમેરિકામાં લોકોની આવી માનસિકતા જોવા મળે છે. યાદ રાખો, ભાવ-તાલ કરાવવાથી તમે વર્ષે હજારો રૂપિયા બચાવી શકો છો. ખાસ કરીને નાના ઉદ્યોગ-ધંધો ધરાવનારા ભાવ-તાલ કરવા તૈયાર હોય છે. તમે તેમની પાસે બીજી વાર જાવ તો તે સારુ ડિસ્કાઉન્ટ પણ કરી આપે છે. તો પછી તેનો ફાયદો શા માટે ન ઉઠાવવો?

 

8. સતત શીખતા રહોઃ

 

ટેક્સના કાયદામાં દર વર્ષે ફેરફાર થાય છે. વધુમાં વધુ ટેક્સની બચત કરવા માટે તેનો અભ્યાસ કરતા રહો. તમારો અભ્યાસ સારો હશે તો રોકાણ કે બચતની બાબતમાં તમને કોઈ છેતરી નહિ શકે.

 

9. તમારી ચીજોની સંભાળ રાખોઃ

 

કાર હોય, ઘર હોય કે પછી જૂતા કે કપડા; તમે ચીજોની જેટલી સારી સંભાળ રાખશો, તે તેટલી જ લાંબી ટકશે. વળી ચીજો રિપ્લેસ કરવા કરતા તેને મેઈન્ટેન કરવા પાછળ ઓછો ખર્ચ કરવો પડે છે. આ રીતે બચાવેલા પૈસા પણ લાંબા ગાળે તમને ખૂબ મદદરૂપ પુરવાર થશે.

 

10. મર્યાદિત જરૂરિયાત રાખોઃ

 

ઘણા ધનપતિઓ પણ તેમની સંપત્તિની સરખામણીમાં ઘણી મર્યાદિત જરૂરિયાતવાળું જીવન જીવે છે. જરૂર ન હોય તેવી ચીજો ખરીદવાનું ટાળો. આ એક આદત લાંબા ગાળે તમારી આર્થિક તાકાત વધારવામાં ખૂબ મદદરૂપ પુરવાર થશે.

 
ree

 

11. આર્થિક સલાહકાર નીમોઃ

 

તમારી પાસે પૂરતી સંપત્તિ એકત્રિત થઈ જાય પછી એક એવો આર્થિક સલાહકાર નીમો જે તમને આર્થિક બાબતોમાં સાચા નિર્ણય લેવામાં મદદરૂપ બની શકે.

 

12. તમારુ સ્વાસ્થ્ય જાળવોઃ

 

નિયમિત વ્યાયામ, પૌષ્ટિક ભોજનથી તમે ઘણી સ્વાસ્થ્યને લગતી સમસ્યાથી બચી શકો છો. તમને સ્થૂળતા કે અન્ય શારીરિક તકલીફ હશે તો તમારા ઈન્શ્યોરન્સના પ્રીમિયમમાં પણ ખૂબ વધારો થઈ જશે. સ્વાસ્થ્ય સારુ ન હોવાને કારણે તમારે વહેલા રિટાયર થવું પડ્યું તો તમારે ઓછી માસિક આવક સાથે કામ ચલાવવું પડશે. આ ઉપરાંત તંદુરસ્તી વિના સંપત્તિ હશે તો પણ તેને માણી નહિ શકો અથવા તો બચતનો મોટો હિસ્સો મેડિકલ ટ્રીટમેન્ટ પાછળ ખર્ચ થઈ જશે. આથી તમારા આર્થિક સ્વાસ્થ્યની સાથે સાથે શારીરિક સ્વાસ્થ્યની પણ પૂરતી કાળજી લો.

 

(લેખક ગૌરવ સિંઘવી બ્લુ પેલિકન વેલ્થ મેનેજમેન્ટના વેલ્થ એડવાઈઝર છે)

Read Previous

આજે નિફ્ટીમાં શું કરી શકાય?

Read Next

ન્યુક્લોથ માર્કેટને નવો ચહેરો આપનાર પ્રમુખ, ગૌરાંગ ભગત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular