• 9 October, 2025 - 5:54 AM

નવી સોલાર પોલીસી, આશા નિરાશા વચ્ચે ઝોલા ખાતા ગુજરાતના ઉદ્યોગ

ree

 
 

ગુજરાત સરકારે નવી સોલાર પોલીસીની જાહેરાત કરી છે જેણે ગુજરાતના ઉદ્યોગોમાં નવી આશાનો સંચાર કર્યો છે. તેની બારીકી સમજનારાઓ નિરાશ પણ થયા છે. પેરિસ કન્વેન્શન અને ત્યારબાદ દિલ્હી એલાયન્સમાં ભારતે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે સોલાર પાવર પર ફોકસ કરવાનું આયોજન કર્યું છે. ગુજરાતમાં સૌર ઉર્જા, પવન ઉર્જા અને જળશક્તિથી વીજળી પેદા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આ દિશામાં ચારણન્કા સોલાર પાર્ક એ પહેલું કદમ હતું. ત્યારબાદ ધોલેરામાં 1000 મેગાવોટનો સોલાર પાર્ક તૈયાર કરાયો. રાધાનેસડામાં 700 મેગાવોટનો સોલાર પાર્ક તૈયાર થઈ રહ્યો છે. કચ્છના ખાવડા ખાતે 30 ગીગાવોટ એટલે કે 30,000 મેગાવોટ વીજળી પેદા કરવા માટે નવો પાર્ક તૈયાર થઈ રહ્યો છે. આ સોલાર પાર્ક સક્રિય થઈ જતાં 25000 લોકોને નવી રોજગારી મળશે. આ સિવાય પણ ગુજરાત સરકારે ઘર ઘરની છત પર સોલાર પેનલથી વીજળી પેદા થાય તે માટે સૂર્ય ગુજરાત રૂફટોપ 2019, પીએમ કુસુમ સ્કીમ, સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર પાવર પ્રોજેક્ટ પોલીસી 2019ના માધ્યમથી પ્રયાસો કર્યા છે. સહકારી સોસાયટીઓ, ઘર ઘરના વીજ વપરાશકારો અને અન્ય વીજ ગ્રાહકોને માટે સરકારે વિશેષ યોજનાઓ તૈયાર કરી છે. આમ ક્લિન એન્ડ ગ્રીન એનર્જીના ઉત્પાદનની દિશામાં ગુજરાત સરકારે ખાસ્સી મજલ કાપી છે. હવે ગુજરાત સરકાર 2021થી 2025ના પાંચ વર્ષના ગાળા માટે નવી સોલાર પોલીસી લઈને આવી છે. નવી પોલીસી હેઠળ સરકારે ઘર ઘરના વીજ વપરાશકારો માટે રહેઠાણમાં એટલે કે બંગલાઓ અને ફ્લેટ્સમાં વીજળી પેદા કરવાના દરવાજા ખોલી આપ્યા છે. ઔદ્યોગિક અને કોમર્શિયલ એકમો માટે કેપ્ટિવ પાવર પ્રોજેક્ટનો વિકલ્પ આપવામાં આવ્યો છે. થર્ડ પાર્ટી પ્રોજેક્ટ નાખીને ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ કન્ઝ્યુમર્સને વીજળીનું વેચાણ કરવા માટેના પ્રોજેક્ટ્સ નાખી શકાય તે માટેનો માર્ગ પણ મોકળો કરી આપવામાં આવ્યો છે. વીજ વિતરણ કંપનીઓને વીજળીનું વેચાણ કરવા માટેના સોલાર પાવર પ્રોજેક્ટ્સ નાખવાનો વિકલ્પ અપાયો છે. નવી સોલાર પાવર પોલીસી હેઠળ મળવા પાત્ર લાભ 2045 સુધી એટલે કે આવનારા 25 વર્ષ સુધી મેળવી શકાશે.

 
ree

જૂની સોલાર પાવર પોલીસીમાં વીજ વપરાશકારને કુલ વીજળીની જરૂરિયાતના એટલે કે તેણે વીજ કંપની પાસેથી લીધેલા લૉડના 50 ટકા વીજળી જ સોલાર પાવર પ્રોજેક્ટ હેઠળ પેદા કરવાની છૂટ આપવામાં આવી હતી. નવી પોલીસીની વિશેષતા એ છે કે આ મર્યાદા હટાવી લેવામાં આવી છે. પરિણામે સોલાર પાવર પેનલ બેસાડનારા તેમની જરૂરિયાત કરતાં ગમે તેટલી વધારે વીજળી પેદા કરવા માટે સોલાર પેનલ બેસાડી શકે છે. આ પોલીસીનું બીજું એક જમા પાસું એ છે કે ફ્લેટ માલિક પાસે ધાબું કે છત ન હોય તો તેવા ફ્લેટ માલિકોનો સમૂહ એક ગ્રુપ બનાવીને ગુજરાતમાં કોઈ પણ સ્થળે સોલાર પાવર પેનલ બેસાડીને સરકારી ટ્રાન્સમિશન લાઈનમાં જવા દઈને તેના પ્રમાણમાં પોતાની જરૂરિયાતની વીજળી વાપરી શકે છે. કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ સમૂહો પણ આ રીતે સૌર ઉર્જાથી વીજળી પેદા કરવાના આયોજનો અમલમાં મૂકી શકે છે. તેમ જ વધારાની વીજળી માટે તેઓ સરકાર પાસેથી પહેલા પાંચ વર્ષ સુધી યુનિટદીઠ રૂ. 2.25 મેળવી શકશે. ત્યારબાદના વર્ષોમાં સોલાર પાવરના છેલ્લા બિલિંગ રેટના 75 ટકા પ્રમાણે વળતર પણ મેળવી શકે છે. ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો છેલ્લા બિલિંગ રેટ રૂ.1.60 આવે તો તેવા સંજગોમાં સૌર ઉર્જાથી વીજ ઉત્પાદન કરનાર પાસેથી વીજ વિતરણ કંપનીઓ યુનિટ દીઠ રૂ.1.20ના ભાવે વધારાની એટલે કે તેની જરૂરિયાત સંતોષાઈ ગયા ઉપરાંતની વીજળી ખરીદી લેશે. નાના અને મધ્યમ ઉદ્યોગો તેમની જરૂરિયાત માટે સોલાર પાવર પેનલ નાખશે તો તેમની પાસેથી પણ આ જ નિયમ અને શરત મુજબ વધારાની વીજળી ગુજરાત સરકારની વીજ વિતરણ કંપનીઓ ખરીદી લેશે. આ સિસ્ટમ હેઠળ સરકારને વધારાની 2500થી 3000 મેગાવોટ વીજળીનો સપ્લાય મળી રહેવાના ગણિતો મૂકવામાં આવી રહ્યા છે. તેમની પાસેથી ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ચાર્જ ન લેવાનો નિર્દેશ સરકારની વીજ પોલીસીમાં આપવામાં આવ્યો છે. પરંતુ આ મુદ્દે વધુ ફોડ પાડવામાં આવે તેવી રહેઠાણ માટે જ વીજ ઉત્પાદન કરવા ઇચ્છતા લોકોની લાગણી અને માગણી છે. આ ચાર્જને બેન્કિંગ ચાર્જ તરીકે ઓળખાવવામાં આવે છે. હાઈટેન્શન, લૉ ટેન્શન અને ડિમાન્ડ આધારિત લૉ ટેન્શન વીજ વપરાશકારો માટે પણ નવી સોલાર પોલીસીમાં અલગ નિયમ કરવામાં આવ્યા છે. હાઈ ટેન્શન કન્ઝ્યુમર્સ સૌર ઉર્જાનો ઉપયોગ કરીને વીજળી પેદા કરશે તો તેમની પેનલના માધ્યમથી પેદા કરવામાં આવેલી વીજળીનો જે વપરાશ થયો હશે તો જે તે દિવસનો જ વપરાશ ગણાશે. સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં તેમણે કરેલા વપરાશને જ ગણતરીમાં લેવામાં આવશે. તેવી જ રીતે ડિમાન્ડ આધારિત લૉ ટેન્શન વીજ વપરાશકારની બિલિંગ સાઈકલ ગણવામાં આવશે. એલ.ટી. કન્ઝ્યુમરે સોલાર પાવર પેનલથી જે બિલિંગ સાઈલકમાં વીજળી પેદા કરી હશે તે જ બિલિંગ સાઈકલમાં તેનો વપરાશ કરવાની છૂટ આપવામાં આવશે. તેની એનર્જી કેરી ફોરવર્ડ થશે નહિ. હાઈ ટેન્શન અને ડિમાન્ડ આધારિત લૉ ટેન્શન વીજ વપરાશકારો પાસેથી યુનિટદીઠ રૂ. 1.50નો બેન્કિંગ ચાર્જ લેવામાં આવશે. નાના અને મધ્યમ ઉદ્યોગો સહિતના અન્ય વીજ વપરાશકારો પાસેથી યુનિટદીઠ બન્કિંગ ચાર્જ પેટે રૂ.1.10 વસૂલવામાં આવશે. સરકારી ઇમારતો પર સોલાર પાવર પેનલ બેસાડીને વીજળીનો વપરાશ કરનારાઓ પાસે કોઈ જ બેન્કિંગ ચાર્જ વસૂલવામાં આવશે નહિ. નવી સોલાર પોલીસીમાં ગ્રાહકને તેમના કોઈપણ ડેવલપરને પોતાની જગ્યા કે ટેરેસ ભાડેથી આપવાની છૂટ આપવામાં આવી છે. તેના પર તેઓ સોલાર પેનલ લગાડી શકશે. નવી સોલાર પાવર પોલીસીમાં કોઈપણ વ્યક્તિ 4 મેગાવોટ સુધીના સોલાર પાવર પ્રોજેક્ટ તૈયાર કરીને ઉત્પાદન કરી શકે છે. આ આયોજન હેઠળ 3600 મેગાવોટ જેટલી વીજળી પેદા કરવા માટેની અરજીઓ ગુજરાત સરકારને મળી ચૂકી હોવાનું ઉર્જા મંત્રી સૌરભ પટેલનું કહેવું છે. આ રીતે ઉત્પાદન કરવામાં આવેલી સંપૂર્ણ વીજળી ગુજરાત સરકારની વીજ વિતરણ કંપનીઓ ખરીદી લેશે. છેલ્લા છ મહિનામાં કોમ્પિટિટીવ બિડિંગને કારણે નક્કી થયેલા યુનિટ દીઠ ભાવમાં વીસ પૈસાનો ઉમેરો કરીને ગુજરાત સરકારની વીજ વિતરણ કંપનીઓ સોલાર પાવર પ્રોજેક્ટની નવી નીતિ હેઠળ વીજળીની ખરીદી કરી લેશે. થર્ડ પાર્ટીના માધ્યમથી સોલાર પાવર મેળવનારાઓ પણ વીજ વિતરણ કંપનીઓને આ જ નિયમ પ્રમાણે વધારાની વીજળી વેચી શકશે. આ થર્ડ પાર્ટી પાસેથી વીજળી મેળવનારા ગ્રાહકોએ ક્રોસ સબસિડી સરચાર્જ તથા એડિશનલ સરચાર્જ ભરવો પડશે. થર્ડ પાર્ટી પાસેથી સૌર ઉર્જાથી પેદા કરેલી વીજળીની ખરીદી કરનારાઓ પાસેથી સબસિડી સરચાર્જ અને વધારાનો સરચાર્જ લેવામાં આવશે. જર્કના નિયમ મુજબ થર્ડ પાર્ટીને પાવર આપવા માટેના પ્રોજેક્ટ્સ નાખનારાઓએ અન્ય સ્થળે વીજળી લઈ જવાની હશે તો તેમણે ગુજરાત વીજ નિયમન પંચ-જર્કના નિયમો મુજબ ટાન્સમિશન ચાર્જ, ટ્રાન્સમિશન લૉસ, વ્હિલિંગ ચાર્જ સહિતનું નુકસાન સ્વીકારીને ચાલવું પડશે.

 
ree

ગુજરાત સરકારની વીજ વિતરણ કંપનીઓ સૌર ઉર્જાથી વીજળી પેદા કરનારા દરેક પાસેથી તેમની જરૂરિયાત ઉપરાંતની વીજળી ખરીદવાનું ચાલુ જ રાખશે. સૌર ઉર્જાનો ઉપયોગ કરીને ચાર મેગાવોટ સુધીના પાવર પ્રોજેક્ટ નાખવા ઉદ્યોગો આગળ આવે તે માટે તેમની પાસેથી કોમ્પિટીટીવ બિડિંગના છેલ્લા છ માસના સરેરાશ વીજદર કાઢીને તેમાં યુનિટદીઠ 20 પૈસાનો ઉમેરો કરીને તેમની પાસેથી વીજળીની ખરીદી કરશે. તેમની પાસેથી મેગાવોટ દીઠ લેવામાં આવતી સિક્યોરિટી ડિપોઝિટ રૂ. 25 લાખથી ઘટાડીને રૂ. 5 લાખ કરી દેવામાં આવી છે. સોલાર પાવર પેનલ નાખનારા ઉદ્યોગોને ઘસારો પણ મળે જ છે. આવકવેરાના નિયમ પ્રમાણે તમને મળતા ઘસારાને ધ્યાનમાં લેવામાં આવે તો તેમના પ્રોજેક્ટની બુક વેલ્યુ આઠ વર્ષમાં ઝીરો થઈ જશે. આમ તો આ જોગવાઈ કંપની માટે ફાયદાકારક છે. તે પ્રોજેક્ટનો લાભ તે 25 વર્ષ સુધી મેળવી શકશે. હા, તેને માટે તેમણે પહેલા ત્રણ વર્ષને બાદ કરતાં ત્યારબાદના વરસોમાં તેમણે પ્રોજેક્ટ કોસ્ટના સરેરાશ ત્રણ ટકા જેટલો મેઈન્ટેનન્સ ખર્ચ કરવો પડશે. રહેઠાણના અને ઉદ્યોગોના ગ્રાહકોના વીજળીના બિલમાં કેટલી બચત થશે? નવી સોલાર પોલીસી હેઠળ નાખવામાં આવેલા ઘરેલુ વપરાશકારો માટેના પ્રોજેક્ટ્સમાં રેસિડેન્શિયલ ગ્રાહકોના વીજ બિલમાં યુનિટદીઠ રા. 1.77થી માંડીને રૂ. 3.78 સુધીની બચત થવાનો અંદાજ છે. આમ જે ગ્રાહક યુનિટદીઠ રૂ.8ની આસપાસના ભાવ ચૂકવે છે તેમની વીજ બિલમાં યુનિટદીઠ 40થી 45 ટકા જેટલી બચત થવાનો અંદાજ છે. ઔદ્યોગિક અને કોમર્શિયલ ગ્રાહકોના વીજ બિલમાં યુનિટ દીઠ રૂ.2.92થી 4.31ની બચત થવાનો અંદાજ છે. થર્ડ પાર્ટી સેલ કરનારાઓના ઔદ્યોગિક અને કોમર્શિયલ ગ્રાહકોના કિસ્સામાં યુનિટ દીઠ 91 પૈસાથી માંડીને રૂ.2.30 સુધીની વીજ બિલમાં બચત થવૉનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. નાના નાના ઉદ્યોગો તેમનું એક ગ્રુપ કે એક એસોસિયેશન બનાવીને પણ સૌર ઉર્જાનો ઉપયોગ કરીને સહિયારી વીજળી પેદા કરીને ઇન્વેસ્ટમેન્ટના સમપ્રમાણમાં એટલે કે પ્રો રેટાને ધોરણે વીજળીનો ઉપયોગ કરીને વીજ ખર્ચમાં બચત કરી શકે છે. તેમ જ વીજ ખર્ચ ઘટતા ઉત્પાદન ખર્ચમાં આવેલા ઘટાડાનો લાભ લઈને માર્કેટમાં પોતાની સ્પર્ધાત્મકતા વધારી શકે છે. બેન્કિંગ ચાર્જ કોને લાગુ પડશે અને કોને નહિ પડે સૌર ઉર્જાથી વીજળી પેદા કરવા માટે જુદી જુદી કેટેગરીમાં કયા ચાર્જ લેવામાં આવશે તે સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવ્યું છે. આ ચાર્જને બેન્કિંગ ચાર્જ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખીને વીજ વપરાશકારો તેમની વીજળીના બિલમાં થનારી બચતનો અંદાજ લગાવી શકશે. સૌર ઉર્જાથી પેદા થતી વીજળીનો કેપ્ટિવ પાવર પ્લાન્ટ એટલે કે સ્વવપરાશ માટેનો પ્લાન્ટ નાખનાર પાસેથી, થર્ડ પાર્ટી સૌર ઉર્જાથી વીજળી પેદા કરનારાઓની કેટેગરીમાં આવનારાઓ પાસેથી અને ડિમાન્ડ આધારિત વીજવપરાશ કાર પાસેથી યુનિટ દીઠ રૂ. 1.50 બેન્કિંગ ચાર્જ લેવામાં આવશે. અન્ય વીજ વપરાશકાર દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી વીજળીના દસ ટકા ચાર્જ લેવામાં આવશે. આ જ રીતે રહેઠાણના અને સરકારી મકાનો સિવાયના મકાનો પર કેપ્ટિવ પાવર અને થર્ડ પાર્ટી દ્વારા સોલાર પેનલ બેસાડીને પાવર પ્રોજેક્ટ નાખવામાં આવશે તો તેને માટે પણ ડિમાન્ડ આધારિત કન્ઝ્યુમર માટે યુનિટદીઠ રૂ.1.50 અને તેમ જ અન્ય વીજ વપરાશકાર પાસેથી 10 ટકાના દરે બેન્કિંગ ચાર્જ લેવામાં આવશે. કેટેગરી ટ્રાન્સમિશન વ્હિલિંગ ચાર્જ ક્રોસ ને એડિશનલ ચાર્જ અને લૉસ અને લૉસ સરચાર્જ-સબસિડી રહેઠાણ-સરકારી ઇમારત સ્વવપરાશ માટે નહિ લાગે નહિ લાગે નહિ લાગે થર્ડ પાર્ટી વેચાણ નહિ લાગે નહિ લાગે નહિ લાગે ઔદ્યોગિક અને કોમર્શિયલ ગ્રાહકો કેપ્ટિવ પાવર નહિ લાગે નહિ લાગે નહિ લાગે થર્ડ પાર્ટી નહિ લાગે નહિ લાગે લાગુ પડશે જુદા જુદાં મકાનો પરના પ્રોજેક્ટ કેપ્ટિવ લાગુ પડશે લાગુ પડશે નહિ લાગે થર્ડ પાર્ટી લાગુ પડશે લાગુ પડશે લાગુ પડશે

 
ree

રહેઠાણના બિલમાં 70 ટકાની બચત થઈ શકે ગુજરાત સરકારની નવી સોલાર પોલીસી ઘરેલુ વીજ વપરાશકારો માટે આકર્ષક જણાય છે. ઘરેલુ વપરાશકારો તેમની પૂર્ણ જરૂરિયાત પ્રમાણે સોલાર પાવર પેનલ બેસાડી શકે છે. તેમના વીજવપરાશ ઉપરાંતની વીજળી તેઓ સરકારને યુનિટદીઠ રૂ. 2.25ના ભાવથી આપી શકશે. છ કિલોવૉટની પાવર પેનલ બેસાડવાનો ખર્ચ અંદાજે રૂ. 1.80 લાખ થાય છે. સરકારની 40 ટકા સબસિડી ગણ્યા પછીના આ અંદાજિત રેટ છે. સોલાર પેનલ બેસાડવા માટે એક કિલોવૉટ દીઠ સો ચોરસ ફૂટની જગ્યાની જરૂર પડે છે. તેથી કિલોવોટ દીઠ સરેરાશ ખર્ચ 30,000ની આસપાસનો આવે છે. સૌર ઉર્જાથી વીજળી પેદા કરતી છ કિલોવૉટની પાવર પેનલના માધ્યમથી મહિને અંદાજે 600થી 650 યુનિટ વીજળી પેદા કરી શકાય છે. આ વીજળીથી ત્રણ એરકન્ડિશનર્સ, ટેલિવિઝન, ફ્રીજ, વૉશિંગ મશીન, કોમ્પ્યુટર્સ, ટેલિવિઝન, માઈક્રોવેવ સહિતના કીચન ગેજેટ્સ ચલાવી શકાય છે. આ ગણિત નોર્મલ વપરાશ માટેના છે. બધું જ ચોવીસ કલાક ચાલુ રાખવામાં આવે તો આ યુનિટ ઓછા પડી શકે છે. મધ્યમ વર્ગના સરેરાશ ઘરમાં મહિને અંદાજે 300 યુનિટ વીજળીનો વપરાશ થાય છે. સોલાર પાવર પેનલ બેસાડવાથી એક બંગલા માલિકના વીજ ખર્ચમાં થતી બચતનો અંદાજ મેળવીએ. અમદાવાદ શહેરમાં ઉસ્માનપુરા વિસ્તારમાં નાલંદા કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં રહેતા જિતેન્દ્ર હિરાલાલ સવાઈ તેમના બંગલા પર પાંચ કે.વી.-કિલોવોટની સોલાર પેનલ રૂ. 1.45 લાખના ખર્ચે બેસાડી છે. ડિસેમ્બર 2020ના તેમના સર્વિસ નંબર 129076ના અને મીટર નંબર6941579 થયેલા રિડીંગ મુજબ બે મહિનામાં 1189 યુનિટનું સોલાર પાવરનું જનરેશન થયું હતું. પાંચ કિલોવોટની સોલાર પેનલ થકી 1189 યુનિટ સામે વપરાશ માત્ર 375 યુનિટનો થયો હતો. પરિણામે તેમના બિલમાં 814 યુનિટ જમા રહ્યા હતા. આ 814 યુનિટના રૂ. 2.25ના યુનિટદીઠ ભાવથી તેમને 1676ની ક્રેડિટ આપી હતી. વાતાવરણમાં ઠંડક હોવાથી બિલ ભરવાને બદલે નાણાં લેવાની નોબત આવી હતી. તેમના ઘરના છથી સાત એસી વાપરે તો પણ ઉનાળામાં તેમને બહુ મોટું બિલ આવે નહિ. કારણ કે તેમની સોલાર પેનલ થકી જનરેશન પણ 20 ટકા વધી જાય છે, એમ બેન્ચમાર્ક ઇન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડના માર્કેટિંગ મેનેજર હિરેન સવાઈનું કહેવું છે. સરકારી વીજ કંપનીઓ ઇલેક્ટ્રિસિટી ડ્યૂટી વિના યુનિટદીઠ ચાર્જ રૂ. 4.90 વસૂલે છે. તેના પર સરકારી કર એટલે કે ઇલેક્ટ્રિસિટી ડ્યૂટી 15 ટકા લાગે છે. આ તમામની ગણતરી માંડવામાં આવે તો તેમણે બિલમાં રૂ. 5000થી વધુની બચત કરી છે. તદુપરાંત ફ્યુઅલ પ્રાઈસ અને પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ બીજો રૂ. 1.91નો ચાર્જ લેવામાં આવે છે. તેથી તેમનું બિલ સરકારી બિલિંગ પ્રમાણે રૂ. 3000ની આસપાસ આવી શકે તેમ હતું. તેને બદલે સોલાર પાવર પેનલને કારણે તેમણે બિલ ભરવાને બદલે રૂ. 1676 પરત લેવાની નોબત આવી છે. આ રીતે આમ અઢી વર્ષમાં સોલાર પાવર પેનલ બેસાડવાનો ખર્ચ નીકળી જઈ શકે છે. બાકીના 22 વર્ષ સુધી તેઓ કોઈપણ જાતના વીજ ખર્ચના મોટા બોજ વિના કાઢી શકાય છે. હા, તેને મેઇન્ટેઈન કરવા માટે વર્ષે અંદાજે ત્રણ ટકા જેટલો એટલે કે રા. 5000ની આસપાસનો ખર્ચ આવે છે. સોલાર પેનલ બેસાડવા માટે ટેરેસ ન ધરાવતા ફ્લેટ ધારકોને સોલાર પેનલ બેસાડવાનો અવકાશ મળતો નથી. જેમને અવકાશ મળે છે તેમને મર્યાદિત અવકાશ મળે છે. બગંલાના માલિકો બંગલાનો શૉ બગડી જતો હોવાથી સોલાર પેનલ લગાવવાનું ટાળી રહ્યા છે. પરંતુ વાતાવરણમાં કાર્બનના વધી રહેલા પ્રમાણને જોતાં દુનિયામાં જીવવું અઘરુ બની શકે છે. આપણી પોતાની આવનારી પેઢીને સારુ વાતાવરણ મળે અને પર્યાવરણ સુધરે તે માટે આ પેનલ બેસાડવી જરૂરી છે. અન્યથા આપણી પોતાની પેઢીના લોકો શ્વસન તંત્રને લગતા રોગોનો શિકાર બનીને આ દુનિયામાં જીવી શકશે નહિ. માત્ર દેખાવ કરતાં અસ્તિત્વ ટકાવવું વધારે મહત્વનું છે. રજાના દિવસોની વીજળી સરકાર ખરીદશે કે તેના નેટવર્કમાં મફતમાં જશે? ગુજરાતમાં વર્ષમાં બાવન રવિવાર અને જાહેર રજાના 15 દિવસની વીજળીનું શું? તે એક મોટો સવાલ છે. આ જ વીજળી પેદા કરો અને આજે જ તેનો ઉપયોગ કરી નાખો એવી સરકારની નીતિ છે. આમ રજાના દિવસે પેદા થતી વીજળીનું શુ તે અંગેનો તેનો સ્પષ્ટ જવાબ આ પોલીસી હેઠળ મળતો નથી. બેન્ચમાર્ક એજન્સીઝ પ્રાઈવેટ લિમિટેડ ડિરેક્ટર તરંગ મહેતા કહે છે, “નવી સોલાર પોલીસીમાં દિવસે જનરેટ થતી વીજળી તે દિવસે જ વાપરવાનો નિયમ કરવામાં આવ્યો છે. તેથી અઠવાડિયે એક દિવસ રજા પાડવાની હોય તેવા ઔદ્યોગિક એકમોની એક દિવસની વીજળીનું શું, તે એક મોટો સવાલ થાય છે. આ વીજળી તેમણે સરકારે નક્કી કરેલા બિલિંગ રેટ પ્રમાણે સરકારને આપી દેવી પડશે. એટલે કે છેલ્લા બિલિંગ રેટના 75 ટકા ભાવથી આ વીજળી આપી દેવાની ફરજ પડશે. તેમ જ રાત્રિના ગાળા દરમિયાન સરકાર પાસેથી વીજળી ખરીદવાની ફરજ પડશે. પરિણામે ઔદ્યોગિક એકમો તેમની જરૂર કરતાં વધુ વીજળી પેદા કરવાનું પસંદ કરશે નહિ. હાઈ ટેન્શન વીજ વપરાશકારો અને ડિમાન્ડ આધારિત વીજ વપરાશકારોને દિવસ દરમિયાન ઉત્પાદિત થયેલી સોલાર વીજળીનો તે જ દિવસે સવારે સાતથી સાંજના છ વાગ્યા સુધીમાં ઉપયોગ કરી લેવાનો રહેશે. આમ બીજા દિવસ માટે તે કેરીફોરવર્ડ થશે નહિ. તેથી સાંજના છ વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધીના 13 કલાક માટે તેમણે સરકારી વીજળીની ખરીદી કરવી પડશે. શિયાળાના સમયમાં આ કલાક ઓછા થઈ જશે. પરિણામે રોજ સરેરાશ 13.30 કલાક સુધી સરકારી વીજળી ખરીદવી પડશે. તેથી ઉદ્યોગોએ તેમના વપરાશની સાઈકલને દિવસના ગાળા સાથે જ એડજસ્ટ કરવી પડશે. હા, એલ.ટી. વીજ વપરાશકારોને બિલિંગ સાઈકલ દરમિયાન ઉત્પાદિત સોલાર વીજળીનો વપરાશ તે બિલિંગ સાઈકલ દરમિયાન ગમે ત્યારે ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી છે. માસિક બિલ હોય તો જે તે મહિનામાં જ તે વીજળીનો ઉપયોગ કરી લેવો પડશે.”

Read Previous

આજે સ્ટોક માર્કેટમાં શું કરશો?

Read Next

મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઈન્સાઈડર ટ્રેડિંગ પર બ્રેકઃ આખરે સેબીએ આવો નિર્ણય કેમ લેવો પડ્યો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular