• 9 October, 2025 - 3:19 AM

નવી સ્ક્રેપિંગ પોલીસીથી કરવટ બદલી રહેલો ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ

પર્યાવરણ અને દેશના ઓટોમોબાઈલ ઉદ્યોગ, બંનેમાં નવા પ્રાણ પૂરશે ભારત સરકારની નવી સ્ક્રેપ પોલિસી

ભારતનું ઓટોમોબાઈલ સેક્ટર કરવટ બદલી રહ્યું છે. ઓટોમોબાઈલ સેક્ટરનું કુલ ટર્નઓવર 7.5 લાખ કરોડ રૂપિયા છે અને તે દેશમાં અંદાજે 3.7 કરોડ લોકોને સીધી કે આડકતરી રોજગારી આપે છે. ભારતમાંથી ઓટોમોબાઈલ ઉદ્યોગની કુલ નિકાસ રૂ. 3.5 લાખ કરોડની છે. કોવિડની મહામારીને કારણે ઘણાં ઉદ્યોગો ઠપ થયા છે. ઓટોમોબાઈલ ઉદ્યોગને પણ તેનો ઝટકો લાગ્યો હતો. પરંતુ કોવિડના મારમાંથી સૌથી વધુ ઝડપથી પાછો બેઠો થયો હોય તો તે ઓટોમોબાઈલ ઉદ્યોગ છે. પેસેન્જર વેહિકલના વેચાણમાં 98 ટકારની રિકવરી આવી ગઈ છે. કોરોનાને કારણે જાહેર પરિવહનમાં ટ્રાવેલ કરવાથી ચેપ લાગવાની શક્યતા વધતા લોકો ફોર વ્હિલરની ખરીદી તરફ વધુ વળ્યા તેથી પણ આ શક્ય બન્યું છે. તેનો લાભ લેવા અને પર્યાવરણમાં સુધારો કરવા જ ભારત સરકાર સ્ક્રેપિંગ પોલીસી લાવી છે. માત્ર વાહનની વય-એજ નહિ, પરંતુ વાહનની ફિટનેસને જ કેન્દ્રમાં રાખીને સ્ક્રેપિંગ પોલીસી બનાવવામાં આવી છે. ભારતમાં 60થી 70 સ્ક્રેપિંગ સેન્ટરો ઊભા કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પોલીસી મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રોત્સાહન આપશે. નવા વાહનોનું મેન્યુફેક્ચરિંગ વધશે. ભંગારમાંથી ધાતુ, પ્લાસ્ટિક અને રબર જેવી જૂની વસ્તુઓ નીકળશે. તેનાથી ઇંધણ ખર્ચમાં 10થી 12 ટકાનો ઘટાડો થશે.

 
ree

આ પરિવર્તન માટે જવાબદાર બનશે કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલય વેહિકલ સ્ક્રેપ પોલીસી. પંદર વર્ષથી જૂના કોમર્શિયલ વેહિકલ અને 20 વર્ષથી જૂના પેસેન્જર વેહિકલ માટે આ યોજના લઈને સરકાર આવી છે. આજે ભારતની સડકો પર દોડતા વાહનોમાંથી ઓછામાં ઓછા એક કરોડ વાહનો એવા છે કે જેને ભંગારમાં કાઢી નાખવા જેવા છે. ગુજરાતમાં ભંગારમાં ફેંકી દેવા જેવા વાહનોની સંખ્યા અંદાજે 4.3 લાખની છે. તેમાં સતત વધારો થતો રહેવાનો છે. ભારતમાં કુલ 27 કરોડ વાહનો છે. 2025ની સાલ સુધીમાં તેમાંથી 2.8 કરોડ વાહનો સ્ક્રેપ કરી શકાય તેમ છે. ભારતમાં 60થી 70 લાખ ટન સ્ક્રેપમાંથી બનાવેલા સ્ટીલની આયાત કરવામાં આવે છે. તેની પાછળ અંદાજે રૂ. 23000 કરોડનો ખર્ચ થાય છે. નવી પોલીસી હેઠળ 15 વર્ષ જૂના વાહનનું નવેસરથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ તબક્કે દરેક વાહનોએ ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડશે. કોમર્શિયલ વેહિકલે પહેલા આઠ વર્ષ સુધી દર બે વર્ષે એકવાર ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડશે. ત્યારબાદ એટલે કે આઠ વર્ષ વીતી ગયા પછી દર વર્ષે ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડશે. ફિટનેસ સર્ટિફિકેટ મેળવવામાં વાહન સફળ નહિ થાય તો તેને ભંગારમાં નાખી દેવાની ફરજ પાડવામાં આવશે. હા, તે પૂર્વે તેને રિપેર કરાવીને સુધારી લેવાની તક આપવામાં આવશે. તેને રિપેર કરાવ્યા પછી નવેસરથી તેની ફિટનેસ ટેસ્ટ કરાવવી પડશે. આ ફિટનેસ ટેસ્ટમાં તે પાસ થાય તો તેને રસ્તા પર દોડાવવા દેશે. અન્યથા તેને ભંગારમાં કાઢી નાખવાની ફરજ પાડવામાં આવશે. નવું ફિટનેસ સર્ટિફિકેટ બીજા પાંચ વર્ષ માટે જ માન્ય ગણાશે. ત્યારબાદ તે વાહનને ભંગારમાં કાઢી નાખવાની ફરજ પાડવામાં આવશે. પહેલી એપ્રિલ 2023થી હેવી કોમર્શિયલ વેહિકલ માટે સ્વચાલિત પરીક્ષણ સ્ટેશન મારફતે જ કરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. પહેલી જૂન 2024થી ખાનગી વાહનો માટે પણ સ્વચાલિત પરીક્ષણ સ્ટેશનના માધ્યમથી ફિટનેસ ટેસ્ટ કરાવવાનું ફરજિયાત કરવામાં આવશે. ફિટનેસ ટેસ્ટ કરાવવા માટે લાઈટ મોટર વેહિકલ એટલે કે ટેક્સી-જીપ માટે રૂ. 1000નો અને મિડિયમ ગુડ્સ કે પેસેન્જર વેહિકલ-બસ માટે રૂ. 1300, હવી ગુડ્સ કે પેસેન્જર વેહિકલ માટે રૂ. 1500, લાઈટ મોટર વેહિકલ ટ્રાન્સપોર્ટ-ટ્રક-ટ્રેઈલર માટે રા. 7500, મિડિયમ ગુડ્સ પેસેન્જર વેહિકલ માટે રૂ. 10,000 અને હેવી ગુડ્સ કે પસેન્જર વેહિકલ માટે રૂ. 12,500નો ખર્ચ કરવો પડશે. નવા ખરીદવામાં આવનારા વાહનો માટે 15 વર્ષ સુધી ફિટનેસ ટેસ્ટ કરાવવાની જરૂર પડશે નહિ. પંદર વર્ષ પછી રજિસ્ટ્રેશન રિન્ય કરાવવા માટે ફિટેનસ ટેસ્ટ કરાવવા પડશે.

નીતિન ગડકરીનું કહેવું છે, “ગુજરાતના દરેક જિલ્લામાં એક એટલે કે કુલ મળીને 33 ફિટનેસ ટેસ્ટ સેન્ટર ઊભા કરવાનું આયોજન છે. આમ જૂના વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે કોઈપણ વાહન માલિકને 150 કિલોમીટરથી વધુ દૂર ન જવું પડે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકાર તેનાથી વધુ ફિટનેસ ટેસ્ટ સેન્ટર ઊભા કરવાનું આયોજન કરશે તો તે ગમશે.” સમગ્ર ભારતમાં આ પ્રકારના 4500થી 5000 જેટલા ફિટનેસ ટેસ્ટ સેન્ટર ઊભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેના થકી અંદાજે રૂ. 10,000 કરોડના નવા રોકાણો આવવાની શક્યતા છે. ગુજરાતમાં પણ તેના થકી નવા રોકાણો આવશે અને રોજગારીની તક નિર્માણ થશે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપથી આ ક્ષેત્રમાં રોકાણ આવે તે માટે સરકાર પ્રયાસ કરશે. તેની સાથે જ ગુજરાતમાં અલંગ, કચ્છ, સાણંદ સહિતના વિસ્તારોમાં સ્ક્રેપ યાર્ડ બનાવવામાં આવશે. ભારતમાં ઘણાં સ્થળોએ સ્ક્રેપ યાર્ડ બનાવવામાં આવશે. અત્યાર સુધીમાં છ કંપનીઓએ સ્ક્રેપિંગ પોલીસી હેઠળ સ્ક્રેપયાર્ડ તૈયાર કરવા અને ફિટનેસ સેન્ટર નાખવા માટે કરાર કરી લીધા છે.

 
ree

જૂના વાહનોને રસ્તા પરથી દૂર કરવાથી થનારા ફાયદા ઘણાં છે. એક, ભારતીય માર્ગો વધુ સલામત બનશે. કારણ કે જૂના વાહનોને કારણે અકસ્માત વધુ થાય છે. નવા આધુનિક વાહનોથી અકસ્માતો ઘટશે. માનવ જીવનનું રક્ષણ કરી શકાશે. રોડ એક્સિડન્ટમાં જાન ગુમાવનારાઓની સંખ્યા ઘટશે. બીજું, જૂના વાહનો ઇંધણ વધુ વાપરે છે તેથી સામાન્ય વાહનોની સરખામણીમાં પ્રદુષણ 20 ટકા જેટલું વધારે થાય છે. અત્યારે 14 નવી ટ્રક, બસ કે ટ્રેઈલર જેટલું પ્રદુષણ વધારે છે તેટલું જ પ્રદુષણ એક જૂની ટ્રક કે બસ કે પછી ટ્રેઈલરથી થાય છે. નવી 11 કાર પ્રદુષણ નથી કરતી, તેટલું પ્રદૂષણ એક જૂની કાર કરે છે. આમ વાતાવરણમાં ભળતા કાર્બન ડાયોક્સાઈડમાં ઘટાડો થશે. પેરિસ એકોર્ડ-સમજૂતી હેઠળ ભારત હવાનું પ્રદૂષણ ઘટાડવા કાયદેસર બંધાયેલું પણ છે. તેથી જ બીએસ-4ના સ્ટાન્ડર્ડ પછી સીધું બીએસ-6ના નોર્મ્સ પર જવાનો ભારત સરકારે નિર્ણય લીધો હતો. ઓટોમોબાઈલ ઉદ્યોગે તેની સામે ભયંકર વિરોધ કર્યો હતો. ભારતના પાટનગર દિલ્હી સહિત ઘણાં શહેરોની હવા માનવ આરોગ્ય માટે જોખમી બની ચૂકી છે. દિલ્હીમાં તો પ્રદુષણની માત્રામાં વધારો થઈ જતાં ચોક્કસ દિવસોએ નાના બાળકોને ઘરની બહાર ન કાઢવાની સૂચના આપવી પડી રહી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે વાયુ પ્રદુષણ ઘટાડવા યોગ્ય પગલાં લેવાનો ભારત સરકારને આદેશ પણ કર્યો છે. નવેમ્બર 2014ના આદેશ હેઠળ આ આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્રીજું, તેનાથી ઇંધણી બચત થશે. ઇંધણની આયાત માટે કરવામાં આવતા વિદેશી હૂંડિયામણને ખર્ચામાં ઘટાડો થશે. ચોથું, ભંગારમાંથી સ્ટીલ, કોપર, પ્લાસ્ટિક અને રબર સહિતની વસ્તુઓ રિકવર કરીને ઓટોમોબાઈલ, સ્ટીલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને જોઈતો કાચો માલ સસ્તા દામે ઉપલબ્ધ કરાવી શકાશે. પરિણામે નવા વાહનો બે પાંચ ટકા સસ્તા પણ થશે. નવી ટેક્નોલોજી સાથે નવા વાહનો ઓછી કિંમતે બજારમાં મૂકવામાં આવતા આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં વધુ સ્પર્ધાત્મક બનીશું. તેથી આપણી નિકાસમાં વધારો થશે. સરકારની ટેક્સની આવકમાં વધારો થશે. પાંચમું, જૂના વાહનો રિપ્લેસ થતાં ઓટોમોબાઈલ સેક્ટરનું વેચાણ વધશે. કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી કહે છે, “નવા વાહનોનું વેચાણ વધતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આવકમાં અંદાજે 70,000થી 80,000 કરોડનો વધારો થશે.” પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી કહે છે, “વેહિકલ સ્ક્રેપેજ પોલીસીને પરિણામે દેશના અર્થતંત્રને વેગ મળશે. વાહનોની નવી ડિમાન્ડ નીકળશે. વાહનોનું ભારતમાં ઉત્પાદન વધશે. ઉત્પાદન કરનારી કંપનીઓ ભારતની બહાર વાહનોની નિકાસ કરશે. તેનાથી ભારતમાં હજારો યુવાનોને રોજગારી મળશે.” જૂની કારના માલિકોને પણ રાહત મળે તેવા પગલાં નવી પોલીસીમાં લેવામાં આવેલા છે. એક જૂના વાહનની સ્ક્રેપ વેલ્યુ નવા વાહનના એક્સ શૉરૂમ પ્રાઈસના 4થી 6 ટકા જેટલી મળશે. વાહનને સ્ક્રેપમાં મોકલી દીધું હોવાનું પ્રમાણપત્ર આપવામાં આવે તો તેમના નવા વાહનની કિંમતમાં 5 ટકા સુધીની રાહત (વળતર) મળી શકશે. મોટર વાહન કરમાં નોન ટ્રાન્સપોર્ટ વેહિકલમાં 25 ટકાની રાહત અને ટ્રાન્સપોર્ટ વેહિકલમાં 15 ટકાની રાહત આપવામાં આવશે.

 
ree

નીતિન ગડકરીનું તો કહેવું છે કે ગુજરાતના કંડલા પોર્ટ ટ્રસ્ટનો ડ્રાફ્ટ (પોર્ટના કિનારાની ઊંડાઈમાં 18 મીટર જેટલો) વધારા કરવામાં આવ્યો છે. તેને પરિણામે ભારત આસપાસના દેશોમાંથી ભંગારની આયાત પણ વધારી શકશે. આ આયાત વધતા અલંગ શીપબ્રેકિંગ યાર્ડની માફક ભારતમાં જૂના વાહનો તોડીને તેમાંથી સ્ટીલ, કોપર સહિતની અન્ય ધાતુઓ પેદા કરવાનું કેન્દ્ર બની શકશે. ભારતની આસપાસના દેશોમાં કાર બ્રેકિંગની સુવિધા નથી. તેથી કંડલા પોર્ટના ડ્રાફ્ટમાં 18 મીટરના કરવામાં આવેલા વધારાનો લાભ લઈને બે લાક ટનના ભંગાર લાવતા જહાજને તેમાં લાંગરી શકાશે. આ માટે અલંગના શીપબ્રેકિંગ યાર્ડની નજીક જ કાર બ્રેકિંગ યાર્ડ તૈયાર કરવામાં આવશે. તેનું બહુ જ મોટું ક્લસ્ટર ડેવલપ કરી શકાય તેમ છે. તેનાથી ભારતને સ્ટીલ અને કોપરની આયાત કરવા માટે રૂ. 23000 કરોડના કરવા પડી રહેલા ખર્ચમાં ઘટાડો થશે. તેમ જ તેમાંથી જે સ્ટીલ તૈયાર થશે તે બહુ જ ઓછી કિંમતનું અને સસ્તું હશે. વ્યવસ્થિત રીતે જૂના વાહનોનું સ્ક્રેપિંગ કરવામાં આવે તો તેમાંથી 99 ટકાથી વધુ ધાતુઓ કે પ્લાસ્ટિંક રિકવર કરી શકાશે. તેથી કાચા માલની કિંમતમાં 35થી 40 ટકાનો ઘટાડો આવશે. તેનાથી ભારતની આંતરરાષ્ટ્રીય બજારમાંની સ્પર્ધાત્મકતામાં સુધારો થશે. તેની સીધી અસર હેઠળ નવા વાહનોની કિંમતમાં પણ ઘટાડો આવી શકશે. આ નવા વાહનોની કિંમત ઘટશે તો તેની નિકાસ પણ વધારી શકાશે. તેના થકી વિદેશી હૂંડિયામણની આવકમાં પણ વધારો થશે. તેમ જ ભારતમાં દરેક બ્રાન્ડના કાર મેન્યુફેક્ચરર્સ પણ આવશે. અત્યારે કારનું કે વાહનોનું ઉત્પાદન થાય છે તેનાથી વધુ વાહનોનું ઉત્પાદન થશે. તેથી સીધી રોજગારીની વધુ તક મળતી થશે. તેના થકી આડકતરી રોજગારી પણ બહુ જ મોટા પાયા પર નિર્માણ થશે. જૂના વાહનોમાંથી અલગ તારવીને નવેસરથી પ્રોસેસ કરીને તૈયાર કરવામાં આવેલી ધાતુઓમાંથી નવા પૂરજાઓ પણ તૈયાર કરવામાં આવશે. આમ વાહનોને માટે જોઈતા પૂરજાઓ બનાવતા એકમો પણ મોટી સંખ્યામાં ગુજરાતમાં નાખવામાં આવશે. તેના થકી પણ નવી રોજગારીનું નિર્માણ થશે. સ્ક્રેપિંગ સેન્ટર અને ફિટનેસ સેન્ટરથી મોટા પ્રમાણમાં રોજગારી નિર્માણ થશે. જાપાન અને બેલ્જિયમે આ દિશામાં ખાસ્સી કામગીરી કરી બતાવેલી છે. ઇલેક્ટ્રિક વેહિકલ બનાવવા માટે જોઈતી લિથિયમ બેટરી બનાવવા માટેની ધાતુ પણ તેમાંથી રિકવર કરી શકાશે. લિથિયમ બેટની બનાવવાના નવા એકમો સારી આવી સંખ્યામાં ગુજરાતમાં આવ્યા છે. તેમને પણ તેનો લાભ મળશે. નવી સ્ક્રેપિંગ પોલીસીથી સમગ્રતયા ઓટોમોબાઈલ સેક્ટરને વેગ મળશે. ભારતમાં સૌથી વધુ રોજગારી, સરકારને સૌથી વધુ ટેક્સ આપતી અને દેશની નિકાસમાં વધારો કરતું કોઈ સેક્ટર કોઈ હોય તો તે ઓટોમોબાઈલ છે. દેશને આત્મનિર્ભર બનાવવામાં આ સેક્ટર બહુ જ મોટો ફાળો આપી શકે છે. જોકે તેની સીધી અસર આપણને જૂના વાહનોના બજાર પર જોવા મળશે. આજે ગુજરાત સહિત ભારતના દરેક વિસ્તારમાં જૂની કારનું મોટું બજાર છે. લોન લઈને વાહન ખરીદનારા પરંતુ સંજોગવશાત હપ્તા જમા ન કરાવી શકનારાઓના વાહનો ખેંચાઈ જાય છે. આ વાહનો ફરીથી બજારમાં વેચાવા આવે છે. વાહનોની વય અને કન્ડિશનને આધારે તેની કિંમત બજારમાં ઉપજે છે. આ બજાર પર પણ નવી સ્ક્રેપ પોલીસીની મોટી અસર જોવા મળશે.

Read Previous

કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીની કાયાપલટ કરી શકે છે કોબોટ્સ

Read Next

ગ્રેચ્યુઈટી ચૂકવવામાં ધાંધીયા કરતી કંપનીઓ ચેતી જાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular