પગારદારો માટે રિટર્ન ફાઈલ કરવાની નજીક આવી રહેલી તારીખ, પગારદાર જૂના-નવા ટેક્સ રીજિમને પસંદ કરવામાં ભૂલ કરશો તો ટેક્સબેનિફિટ ફરી જશે
ટીડીએસ-ટીસીએસના ફોર્મની વિગત અને રીટર્નમાં આપવામાં આવેલી ટેક્સની વિગતોમાં તફાવત હશે તો આકારણી આવશે.
ટેક્સ રિજિમની પસંદગી નહિ કરવામાં આવે તો આપોઆપ નવા રિજિમમાં જ રીટર્ન ફાઈલ થશે

કરદાતા જૂના કે નવા ટેક્સ રિજિમમાં પસંદગી કરવામાં ભૂલ કરશે તો ટેક્સની લાયેબિલીટી એટલે કે ટેક્સ ભરવાની જવાબદારીમાં વધારો આવી જવાની સંભાવના રહેલી છે. જે કરદાતાઓ સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરીને કેપિટલ ગેઈન મેળવ્યો હોય તે કરદાતાઓએ ઇન્કમ ટેક્સ રિટર્નનું ફોર્મ નંબર બે ફાઈલ કરવાનું આવશે. તેમણે અન્ય પગારદારની માફક રિટર્નનું ફોર્મ 1 ભરવાનું આવશે નહિ.
આવકવેરાનું નાણાંકીય વર્ષ 2024-25નું રિટર્ન ફાઈલ કરતાં પહેલા કરદાતાએ તેની કંપનીના એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી ફોર્મ 16 મેળવી લેવાનું રહેશે. આ ફોર્મ નંબર 16માં કંપનીએ કર્મચારી વતીથી જમા કરાવેલા ટેક્સ ડિડક્શન એટ સોર્સ-કરકપાતની વિગતો જોવા મળશે.
કરદાતાએ ત્યારબાદ જૂના ટેક્સ રિજીમમાં કે નવા ટેક્સ રિજીમમાં રીટર્ન ફાઈલ કરવાનું છે તે પસંદ કરવાનું આવશે. તેઓ આ પસંદગી નહિ કરે તો તેમનું રિટર્ન નવા ટેક્સ રિજીમમાં જ ફાઈલ થશે.
ત્યારબાદ કરદાતાએ સ્ટેટમેન્ટ 26એએસમાં આપેલી વિગતો સાથે તમે ક્રોસ ચેક કરી લેવી જોઈએ. રિટર્નમાં દર્શાવેલી અને ફોર્મ 26 એએસમાં આપેલી ટીડીએસની વિગતો એક સરખી હોવી જરૂરી છે. અન્યથા રીટર્નની આકારણી કરતી વેળાએ આવકવેરા અધિકારીઓ સવાલ કરશે. આ સવાલોના જવાબ તમારે આપવા પડશે. ફોર્મ 16માં ટેક્સ કલેક્શન એટ સોર્સ-ટીસીએસની વિગતો પણ આપવામાં આવેલી હોય છે. આ વિગતોની પણ ખરાઈ કરી લઈને રીટર્નમાં દર્શાવવી જોઈએ. પગારદારોને બચત ખાતામાં મળેલા વ્યાજ અને ફિક્સ ડિપોઝિટની રકમ પર મળેલા વ્યાજની રકમમાંથી કરવામાં આવેલા ટીડીએસ-ટીસીએસની રકમની વિગતોનું મેચિંગ કરીને તે રીટર્નમાં દર્શાવવું જરૂરી છે.
નવા ટેક્સ રિજીમમાં કેટલાક ઇન્વેસ્ટમેન્ટ હવે બાદ ન મળતા હોવાથી તમારે તેમાં રોકાણ કરવાનું અટકાવી દેવું ન જોઈએ. વેલ્થ ક્રિયેશન માટે પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું ફરજિયાત છે. આ રોકાણમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, સુકન્યા સમૃદ્ધિ યોજના, કિસાન વિકાસ પત્ર, અને નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં રોકાણ કરવાનું ચાલુ રાખવું જોઈએ.
તમારે હાઉસ રેન્ટ એલાવન્સ બાદ લેવુ હોય તો કરદાતાએ જૂના ટેક્સ રિજિમમાં રીટર્ન ફાઈલ કરવું પડશે. નવા ટેક્સ રિજીમમાં કરદાતા તેમનું રીટર્ન ફાઈલ કરે તો તેવા સંજોગોમાં કરદાતાને કલમ 80 સી કે કલમ 80 ડી, હોમલોનના વ્યાજ અને મુદ્દલની રકમ આવકમાંથી બાદ મળતી નથી.
પગારદાર કરદાતાએ શેર્સમાં રોકાણ કર્યું હોય તો તેવા સંજોગોમાં તેણે આઈટીઆર-2 ફાઈલ કરવું પડશે.તેમ જ ઘર જેવી મિલકત થકી આવક કરી હોય તેવા કરદાતાએ ઇન્કમ ટેક્સ રિટર્નનું ફોર્મ 1 ફાઈલ કરવું પડશે. પરંતુ એક કરતાં વધુ ઘર થકી તેને આવક થતી હોય તો તેવા સંજોગમાં તેણે આવકવેરાનું રીટર્નનું ફોર્મ નંબર 2 ફાઈલ કરવું પડશે.