પીઅર-ટુ-પીઅર (P2P) લેન્ડિંગ એટલે શું? તેનો લાભ કેવી રીતે ઉઠાવી શકાય?
CIBIL સ્કોર નીચો હોય તેવા લોકો માટે લોન મેળવવાનો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે P2P
બેન્ક કરતા વધારે વ્યાજ જોઈતું હોય તેવા રોકાણકારો P2Pના માધ્યમથી ઈન્વેસ્ટમેન્ટ પર સારુ વળતર મેળવી શકે
P2P રિઝર્વ બેન્ક દ્વારા સંચાલિત હોવાથી તેમાં મર્યાદિત જોખમ જ સંકળાયેલું છે

Peer-to-Peer lending (Credit: https://www.creditrepairexpert.org via Flickr)
હવે જમાનો ઈન્ટરનેટનો છે. જો ફૂડ મંગાવવાથી માંડીને બિઝનેસ ચલાવવા સુધીના બધા જ કામ ઓનલાઈન થઈ શકતા હોય તો પછી લેન્ડિંગ એટલે કે પૈસા વ્યાજે લેવા કે આપવાનું કામ ઓનલાઈન કેમ ન થાય? એટલે જ હવેના યુગમાં પીઅર-ટુ-પીઅર લેન્ડિંગનો કોન્સેપ્ટ ખૂબ જ લોકપ્રિય બની રહ્યો છે. પીઅર-ટુ-પીઅર લેન્ડિંગને P2P લેન્ડિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે.
P2P એટલે શું?
જેમ નોકરી.કોમ જેવી વેબસાઈટ પરથી એમ્પલોયર તેમને લાયક કર્મચારીને શોધે છે તેમ P2P લેન્ડિંગમાં ઓનલાઈન માધ્યમથી પૈસા ઉછીના આપનાર અને પૈસા ઉછી લેનાર બંને એકબીજાને શોધે છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં ઓવરહેડ કોસ્ટ ઘણી નીચી હોય છે અને મોટા ભાગની બેન્ક જેવી પરંપરાગત નાણાં ધીરનાર સંસ્થા કરતા P2Pની સેવાઓ સસ્તી પડે છે.
P2Pથી શું ફાયદો થાય?
તેમાં પૈસા ઉછી આપનારને સેવિંગ્સ એકાઉન્ટ કે બેન્ક ઈન્વેસ્ટમેન્ટ કરતા વધુ સારા રિટર્ન મળે છે. બીજી બાજું, પૈસા ઉછી લેનારને બેન્ક કરતા ઓછા વ્યાજદરે P2P કંપની પાસેથી પૈસા વ્યાજે મળી જાય છે. P2P સેવા પૂરી પાડનાર પ્લેટફોર્મ પૈસા ઉછી લેનારની વિશ્વસનીયતા ચકાસવા માટે અને મેચ-મેકિંગની સુવિધા પૂરી પાડવાના બદલે નાની રકમ ફી સ્વરૂપે વસૂલે છે.
P2P પર શું નિયંત્રણો છે?
ભારતમાં હાલ રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા પીઅર-ટુ-પીઅર લેન્ડિંગને નિયંત્રિત કરી રહી છે. તેમણે 2017માં આ અંગે કન્સલ્ટેશન પેપર જાહેર કર્યું હતું. ભારતમાં 2016 સુધીમાં જ 30થી વધુ P2P પ્લેટફોર્મ હતા. પરંતુ ભારતીય ઈન્વેસ્ટરોના ચેતીને ચાલવાના સ્વભાવને કારણે આ ક્ષેત્રે પર્દાર્પણ કરનારી શરૂઆતની કંપનીઓને પણ ખાસ લાભ થયો નહતો. એ સમયે P2P અંગે જાગૃતિ પણ ઘણી મર્યાદિત હતી. જો કે હવે પૈસા ઉછીના લેવા કે ધીરવા માટે આવા પ્લેટફોર્મની લોકપ્રિયતા વધી રહી છે. જે વેપારીઓ કે લોકોની લોન બેન્ક દ્વારા નામંજૂર થાય તેઓ હવે નાણાં ઉછીના લેવા P2Pનો આશરો લે છે.
P2Pનો લાભ કોણ લઈ શકે?
P2P એટલે કોઈપણ નાણાંકીય સંસ્થાની મધ્યસ્થી વિના એક વ્યક્તિ બીજી વ્યક્તિને નાણાં ઉછીના આપે તે. તેને ક્રાઉડ લેન્ડિંગ કે સોશિયલ લેન્ડિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે બેન્ક જેવી સંસ્થાઓના વિકલ્પ રૂપે P2P સંસ્થાઓ આખા વિશ્વમાં લોકપ્રિયતા મેળવી રહી છે. ભારતમાં એમ પણ 70 ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે જ્યાં બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ નથી. ઉપરાંત દેશમાં નીચો ક્રેડિટ સ્કોર અને પાંખી આવક ધરાવતા લોકોની સંખ્યા ઘણી વધારે છે.
બિઝનેસની વાત કરીએ તો લઘુ અને નાના ઉદ્યોગોને પણ બેન્ક પાસેથી પરંપરાગત પદ્ધતિથી ફાયનાન્સ મેળવવામાં મુશ્કેલી પડે જ છે. આવા લોકો P2Pનો લાભ લઈ શકે છે.
P2Pમાં ધિરાણ કેવી રીતે થાય?

Free Stock Photos by Vecteezy (Credit: https://www.vecteezy.com)
પીઅર-ટુ-પીઅર લેન્ડિંગ પ્લેટફોર્મ એ એવા ઓનલાઈન પોર્ટલ છે જે બોરોઅર એટલે કે પૈસા ઉછીના લેનાર અને ઈન્વેસ્ટર એટલે કે રોકાણકારને જોડે છે. જો કે દરેક P2P પ્લેટફોર્મના પોતાના વ્યાજના દર અને શરતો હોય છે. તેના વ્યાજના દર પૈસા ઉછીના લેનારની વિશ્વસનીયતા આધારે નક્કી કરવામાં આવે છે.
દાખલા તરીકે, એક રોકાણકાર P2P લેન્ડિંગ પ્લેટફોર્મ પર પોતાનું એકાઉન્ટ ખોલાવીને તે કેટલા રૂપિયા લોન પર આપવા માંગે છે તે જાહેર કરી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ એ પ્લેટફોર્મ પર લોન માટે એપ્લાય કરે, તો તેની ફાયનાન્શિયલ પ્રોફાઈલ જોઈને પોર્ટલ તેના વ્યાજના દર નક્કી કરશે. લોન માટે અરજી કરનાર એક કરતા વધુ અરજીઓ ચકાસીને તેમની આર્થિક જરૂરિયાત મુજબ જે યોગ્ય લાગે તે ઑફર પસંદ કરી શકે છે.
ટ્રાન્ઝેક્શનની વાત કરીએ તો પૈસા ટ્રાન્સફર કરવાની અને દર મહિને ઉછી લેનાર જે હપ્તા ભરે તે ઈન્વેસ્ટરના ખાતામાં જમા કરાવવાની જવાબદારી પોર્ટલની હોય છે. આ પ્રક્રિયા આમ તો ઓટોમેટેડ જ હોય છે.
તમારે આવા પોર્ટલનો ઉપયોગ કરીને લોન મેળવવી હોય તો તમારે ભરોસાપાત્ર P2P વેબસાઈટ્સની યાદી ચકાસવી પડે. તમને જે વેબસાઈટ યોગ્ય લાગે તેના પર રજિસ્ટર કરાવીને તમે મેમ્બર બની શકો છો. ત્યાર બાદ એ વેબસાઈટ તમારા અને પૈસા ધિરાણે આપનાર વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરશે.
જેમ શાદી.કોમ જેવા પોર્ટલ તમને યોગ્ય મૂરતિયાનું લિસ્ટ સૂચવે તેમ આ પોર્ટલ પણ તમારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તમને નાણાં ધીરનારની યાદી સૂચવે છે.
લોન મેળવવા માટે કયા માપદંડની તપાસ થાય?

લેન્ડર પાસેથી લોનની રકમ મળે તે પહેલા તમારી રોજગારીનું વર્તમાન સ્ટેટસ, ક્રેડિટ હિસ્ટ્રી, તમારી પર્સનલ ડિટેલ, બેકગ્રાઉન્ડ વગેરે ચેક કરવામાં આવે છે. રિસ્ક ઓછું કરવા માટે પોર્ટલ ખૂબ જ કડકાઈથી આ નિયમોનું પાલન કરે છે.
એક વાર લોન એપ્રુવ થાય પછી ક્રેડિટ રેટિંગ આધારે બોરોઅરને જુદા જુદા વ્યાજ દરમાંથી લોન પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવે છે. ઉછી લેનાર પોતાની અનુકૂળતા અને વિવેકબુદ્ધિ મુજબ કોની પાસેથી નાણાં ઉછીના લેવા તેનો નિર્ણય લઈ શકે છે.
P2P પોર્ટલની ભૂમિકા શું છે?
લોનની જરૂરિયાત હોય તેવા લોકોને લોન મેળવવામાં મદદ કરવી.
નાણાં ઉછી લેનારે અને આપનાર બંનેનું બેકગ્રાઉન્ડ ચેક કરવું.
ઉછી લેનારની રિસ્ક કેટેગરી તપાસવી.
પેમેન્ટ ડિફોલ્ટ થાય તો તેની રિકવરીમાં નાણાં ધીરનારને મદદ કરવી.
લોન આપેલ રકમના કલેક્શનમાં મદદ કરવી.
P2P પોર્ટલ કેટલો ચાર્જ વસૂલે?
આ તમામ સુવિધા પૂરી પાડવા માટે P2P પોર્ટલ આમ તો વન-ટાઈમ રજિસ્ટ્રેશન ચાર્જ વસૂલતા હોય છે. આ ઉપરાંત તેઓ 1 ટકાથી 10 ટકા સુધીની પ્રોસેસિંગ ફી વસૂલે છે. આ દર પ્લેટફોર્મ, લોનની રકમ અને દરેક ટ્રાન્ઝેક્શન મુજબ જુદા જુદા હોઈ શકે છે.
P2P લેન્ડિંગના ફાયદા શું છે?
આ પોર્ટલ લોનની પ્રોસેસ ટેક્નોલોજીની મદદથી ખૂબ જ ઝડપી બનાવી દે છે. તેનાથી ઈન્વેસ્ટમેન્ટ અને પૈસા ઉછીના લેવાના ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ પર જ ખૂબ સરળતાથી થઈ જાય છે.
આ પ્લેટફોર્મ લોન માટે અરજી કરનારની પ્રોફાઈલ તપાસવા માટે ડેટાનું વિશ્લેષણ કરે તેવા અલગોરિધમ, એનાલિટિક્સ અને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. તેથી અરજદારની ક્રેડિટ હિસ્ટ્રીનું વિશ્લેષણ ખૂબ જ સચોટ રીતે કરી શકાય છે.
તેનાથી નાણાં ઉછીના લેનાર અને આપનાર પોતાની રિસ્ક લેવાની ક્ષમતા મુજબ યોગ્ય વ્યક્તિને શોધી શકે છે.
અન્ય એસેટ્સની તુલનાએ P2Pમાં રિસ્ક-રિવોર્ડ રેશિયો ઘણો આકર્ષક છે.
P2P લેન્ડિંગમાં રોકાણકારને સારા રિટર્ન મળે છે અને નાણાં ઉછી લેનારને ઓછા વ્યાજદરે પૈસા મળી જાય છે.
શું બેન્કની સરખામણીએ P2P ફાયદાકારક છે?
સામાન્ય રીતે જે અરજદારોના સિબિલ સ્કોર સારા ન હોય અથવા માસિક આવક ઓછી હોય તેમની લોન બેન્કમાં એપ્રુવ થતી નથી. P2P લેન્ડિંગ નેટવર્કમાં પૈસા ધીરનાર નક્કી કરે છે કે તે કોને લોન આપવા માંગે છે અને કોને નહિ.
આ પ્લેટફોર્મ પર ખરાબ સિબિલ સ્કોર ધરાવતા અને ઓછી આવક ધરાવતા લોકોને પણ પર્સનલ લોન મળી શકે છે. તેમાં વ્યાજના દર પણ ઓછા હોય છે અને શરતો પણ સાનુકૂળ હોય છે. ઉપરાંત, પૈસા ઉછી લેનાર તેમની શરતો સીધી નાણાં ધીરનાર સામે મૂકી શકે છે. ઘણી વાર તેમને બેન્ક કરતા ઓછા વ્યાજના દરે પણ લોન મળી જાય છે.
બીજું, P2P લેન્ડિંગ માટે બેન્ક જેટલી દસ્તાવેજી પ્રક્રિયા કરવાની જરૂર નથી. સાવ ઓછા પેપર વર્ક સાથે લોન મળી શકે છે. તમારે બસ વેબસાઈટ ઉપરથી નાણાં ધીરનારને પસંદ કરવાના છે. તેમાં પૈસા ઉછીના આપવા તથા ચૂકવવાની પ્રક્રિયા ઉછી પર લેનાર અને આપનાર વચ્ચેની પરસ્પર સમજૂતી પર થાય છે.
P2P પ્લેટફોર્મ પર લોનની પ્રક્રિયા સરળ અને ઝડપી છે. લોન લેનારે પૈસા સેન્કશન થવા માટે લાંબો સમય રાહ જોવાની જરૂર પડતી નથી.
P2P લેન્ડિંગ પ્લેટફોર્મ સુરક્ષિત છે ?

તમામ P2P લેન્ડિંગ પ્લેટફોર્મ આરબીઆઈ દ્વારા નિયંત્રિત છે. તેમણે P2P સેવા આપવા માટે NBFC-P2P લાયસન્સ લેવું પડે છે. રિઝર્વ બેન્કે પૈસા ધીરનાર અને ઉછી લેનાર બંનેના હિતોની રક્ષા માટે કેટલીક ગાઈડલાઈન્સ અને નિયંત્રણો પણ જાહેર કર્યા છે. તેમાંથી સૌથી મહત્વના સાત મુદ્દા નીચે મુજબ છેઃ
P2P પ્લેટફોર્મે ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીના સભ્ય બનવું પડે છે અને તેમની સાથે બધો જ ફાયનાન્શિયલ ડેટા શેર કરવો પડે છે.
P2P લેન્ડિંગ પ્લેટફોર્મ લોન પર કોઈ જાતની ગેરન્ટી આપી શકતા નથી.
પૈસા ઉછી લેનારને તેમની વિશ્વસનીયતા, આવક વગેરેના આધારે જુદા જુદા ગ્રુપમાં વિભાજિત કરવા પડે છે.
P2Pના માધ્યમથી વ્યક્તિ વધુમાં વધુ રૂ. 10 લાખ સુધીની લોન લઈ શકે છે.
P2P પ્લેટફોર્મે પૈસા ધીરનારે જે રકમ લોન આપવા મૂકી હોય તે તેની નેટવર્થને અનુરૂપ છે કે નહિ તે ચકાસવું પડે છે. એક રોકાણકાર બધા જ પ્લેટફોર્મ પર મળીને રૂ. 50 લાખથી વધુ રકમ ઉછીની આપી શકતો નથી.
કોઈ રોકાણકાર રૂ. 10 લાખથી વધુ રકમ ઈન્વેસ્ટ કરવાની તૈયારી દર્શાવે તો તેમણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસેથી તેમની નેટવર્થ ઓછામાં ઓછી રૂ. 50 લાખ હોવાનું સર્ટિફિકેટ આપવું પડે છે.
કોઈપણ લોન 36 મહિના કરતા વધુ સમય માટે સેન્કશન કરી શકાતી નથી.
લોન કોન્ટ્રેક્ટ સાઈન કર્યા વિના લોન સેન્કશન કરી શકાતી નથી.
P2P પરથી લોન લેતા પહેલા શું ધ્યાન રાખવું જોઈએ?
લોન ઓનલાઈન પોર્ટલના માધ્યમથી અપાતી હોવાથી વેબસાઈટની વિશ્વનસીયતા ચકાસવી જરૂરી છે. ત્યાર પછી જ કોઈપણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન કરવું.
વેબસાઈટના રેટિંગ્સ અને રિવ્યુઝ ખાસ ચેક કરવા જોઈએ. લોન લેતા પહેલા પૈસા ધીરનારના રિવ્યુ પણ ચેક કરવા જોઈએ.
P2P પરથી લોન લેતી વખતે કોઈ ઉતાવળા નિર્ણય ન લેશો. વેબસાઈટ પર પૂરતું રિસર્ચ કરો. આ પોર્ટલ કઈ રીતે કામ કરે છે તે સમજો અને પછી તમને માફક આવે તેવી સાઈટ પસંદ કરો.
તમારી પર્સનલ તથા પ્રોફેશનલ વિગતો શેર કરતા પહેલા ચકાસો કે એ વેબસાઈટ તમારી માહિતીને સુરક્ષિત રાખે છે કે કેમ. આ માટે તમે વેબસાઈટ પાસે Symantec SSL સર્ટિફિકેશન છે કે નહિ તે ચકાસી શકો છો.
તમે લોન લેતા પહેલા ધીરનાર સાથે વ્યાજદર ઓછા કરવા માટે ભાવ-તાલ કરાવી શકો છો. તમે પૈસા ધીરનારને પુરાવો આપો કે તમે વિશ્વાસપાત્ર છો અને તેના આધારે વ્યાજના દર ઓછા કરાવી શકો છો.
લોન લેતી વખતે ફક્ત EMI પર ધ્યાન કેન્દ્રિત ન કરો. લોનનો ગાળો, પ્રોસેસિંગ ફી વગેરે મળીને તમારે કેટલી એક્સ્ટ્રા એમાઉન્ટ આપવી પડશે તેનો પણ હિસાબ માંડો.
નાણાં ધીરનાર સાથે ડીલ ફાઈનલ કરતા પહેલા લોનને સંલગ્ન શરતો ખાસ વાંચી લો. આ સમગ્ર પ્રક્રિયામાં હિડન કોસ્ટ લગાવેલી છે કે નહિ તે પણ ચકાસી લો.