પૈસાની ચિંતા વિના જીવન કેવી રીતે જીવવું? આ રહી મેજિક ફોર્મ્યુલા

પૈસા ખૂટી પડવાની બીકે ભારતમાં ઘણા વડીલો પૂરતી સંપત્તિ છતાંય વધારે પડતી કરકસરથી જીવન જીવે છે, છેવટે મૃત્યુ બાદ તેમના પછીની પેઢી એ પૈસા વાપરે છે
30 વર્ષની ઉંમરથી શરૂ કરેલું નાનકડું રોકાણ તમને નિશ્ચિંત જીવનની રાહ પર આગળ લઈ જશે
તમે કોઈને કોઈ એવા વડીલને તો ઓળખતા જ હશો જે તેમની પાસે પૂરતી મૂડી હોવા છતાં ખૂબ જ કરકસરથી જીવતા હોય અને પૈસા બચાવવા અગવડ પણ ભોગવી લેતા હોય. આવા લોકો મૃત્યુ બાદ પછીની પેઢી માટે તેઓ અઢળક સંપત્તિ છોડતા જાય છે.
ભારત દેશમાં જૂની અને નવી પેઢી વચ્ચે પહેલા ક્યારેય ન જોવા મળ્યો હોય તેટલો વિશાળ જનરેશન ગેપ જોવા મળી રહ્યો છે. રિયલ એસ્ટેટનું જ ઉદાહરણ લઈ લો. યુવા પેઢી હવે રિયલ એસ્ટેટમાં ઈન્વેસ્ટ કરવાનું ટાળે છે. વડીલો હજુ પણ પ્રોપર્ટીમાં રોકાણ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે. તેઓ પોતાના માટે જ નહિ, પોતાના બાળકો માટે કે વિદેશમાં રહેતા અંગતજનો માટે પણ ઘર વસાવવાની જફા કરે છે. જો કે પછીની પેઢીઓને ઘર ગમે તેટલું મોટું હોય પરંતુ તેમાં રસ નથી. આટલી મોટી પ્રોપર્ટીની સારસંભાળ રાખવાની ફુરસત પણ તેમની પાસે નથી. હવે પછીની પેઢીને શક્ય બને તેટલી ઓછી એસેટ જોઈએ છે.
એક ઉદાહરણ આપીને વાત કરીએ તો એક સિનિયર સિટિઝનનું 85 વર્ષની વયે મૃત્યુ થયું. તેમની પત્નીનું અવસાન થોડા વર્ષો પહેલા જ થયું હતું. તેમનો એક પુત્ર લંડનમાં અને બીજો ન્યુઝીલેન્ડમાં રહેતો હતો. બંને પાસે વિદેશની સિટિઝનશિપ હતી. આથી તેમને તેમના પિતાએ લોહી-પસીનો એક કરીને યુવાનીમાં બનાવેલા ઘરમાં તેમને રતિભાર રસ નહતો. મૃત્યુ પામતા પહેલા પિતાએ બંને બાળકોને પ્રોપર્ટી સમાન ભાગે વહેંચવાનું વિલ કર્યું હતું. જો કે પુત્રો પાસે પ્રોપર્ટી તેમના નામે કરાવીને વેચવાનો પણ સમય નહતો. બંનેએ સાથે મળીને પાવર ઑફ એટર્ની કરીને કોઈના નામે પ્રોપર્ટી વેચવાનું નક્કી કર્યું. ત્યાર પછી વેચાણમાંથી જે રકમ ઉપજી તે તેમને લંડન અને ન્યુઝીલેન્ડ પહોંચતી કરી દેવાઈ હતી.

આ જ રીતે વડીલો સોના-ચાંદીમાં પણ પરંપરાગત રીતે રોકાણ કરતા હોય છે. આટલું જ નહિ, તેઓ આ ઈન્વેસ્ટમેન્ટ પ્રત્યે ખાસ્સા ઈમોશનલ પણ હોય છે. તેઓ સોનાની લગડી ખરીદવાને બદલે ઘરેણાના સ્વરૂપમાં સોનું-ચાંદી ખરીદે છે જેથી તે પોતાની પુત્રવધુ કે પૌત્રોને આ ઘરેણા પરિવારના વારસા તરીકે આપી શકે. વાસ્તવિકતા એ છે કે હવેની પેઢીને જૂની ફેશનના ઘરેણા પસંદ નથી. આથી તેઓ આ ઘરેણા ઓગાળીને નવા બનાવડાવે છે. વળી, હવેની પેઢીને રિયલ કરતા ઈમિટેશન જ્વેલરીની વધુ પસંદ પડે છે.
અમુક દેશોમાં સોનાને ઈન્વેસ્ટમેન્ટની દૃષ્ટિએ જ ખરીદવામાં આવે છે. એટલે તેઓ મહદંશે લગડી ખરીદે છે અને ઘરેણામાં ઘણું ઓછું ઈન્વેસ્ટ કરે છે. જો કે આપણા દેશમાં ઊંધુ ચલણ છે.
ત્રીજું, વડીલો તેમના બાળકોના ભણતર અંગે પણ ખૂબ ઈમોશનલ હોય છે. તેઓ પોતાના શોખના ભોગે બાળકોના ઉચ્ચ ભણતરનો ખર્ચ કાઢે છે. જ્યારે બાળકોને નોકરી મળે, ત્યારે અમુક કિસ્સામાં બાળકો દેવું ચૂકવી દે છે. જ્યારે અમુક કિસ્સામાં વાલીઓએ જ લોન ભરવી પડે છે. આટલું જ નહિ, અમુક વડીલો તો એવી પોલિસીઓ કે ઈન્વેસ્ટમેન્ટ ટૂલ્સમાં રોકાણ કરે છે જેનાથી તેમના પૌત્રોના ભણતરનો પણ ખર્ચ નીકળી જાય.
બાળકોના ભણતર માટે લોન લો તે સમજી શકાય, પરંતુ પૌત્રોના શિક્ષણ માટે અત્યારથી રોકાણ કરવાનો શું અર્થ? ખાસ કરીને તમારા બાળકોએ તેમના બાળકોના ભણતર માટે SIP ચાલુ કરી દીધી હોય ત્યારે તો તમારે તેના માટે બચત ન જ કરવી જોઈએ.
આપણું માઈન્ડસેટ કેવું છે તે જોવા જેવું છે. આપણે આપણા પરિણિત બાળકો પાસેથી આર્થિક મદદ માંગતા ખચકાઈએ છીએ. પરંતુ બાળકોના બાળકોની પણ જવાબદારી આપણા ખભે ઊઠાવવા તત્પર રહીએ છીએ. આખું જીવન આપણા બાળકોની ચિંતા કરવાની અને ઘડપણમાં પૌત્રોની ચિંતા કરવાની!
મનુષ્યોનું સરેરાશ આયુષ્ય હવે વધી રહ્યું છે, અને જીવતરનો ખર્ચ દિન-પ્રતિદિન વધી રહ્યો છે આ વિષે વિચાર કરો. બીજાની ચિંતા કરવામાં પોતાની ખુશી દર વખતે કુરબાની કરી દેવી યોગ્ય નથી. તમારી પોતાની ખુશી માટે પણ જીવન જીવો. સાચું જ કહેવાયું છે કે મોટા ભાગના ભારતીયો પોતે કરકસરથી જીવે છે અને પછીની પેઢીઓ માટે દલ્લો છોડતા જાય છે.
પૈસા ખર્ચ્યા કરો તો પણ સંપત્તિ ખતમ ન થાય તેવી મેજિક ફોર્મ્યુલાઃ
મોટા ભાગના લોકોને ભય હોય છે કે તેમના મૃત્યુ પહેલા તેમની પાસે પૈસા ખતમ થઈ જશે. આ ડરને કારણે તેઓ વણવિચારે બચત કર્યા જ કરે છે. આમ કરવાથી તેઓ સાવ ગરીબની જેમ જીવન જીવે છે અને તેઓ મૃત્યુ પામે ત્યારે તેમની મોટા ભાગની સંપત્તિ વણવપરાયેલી પડી રહે છે અને આ સંપત્તિનો લાભ પછીની પેઢીઓને મળે છે. આજે અમે તમારી સાથે એવી મેજિક ફોર્મ્યુલા શેર કરી રહ્યા છે જેનાથી તમે ખર્ચ કર્યા કરશો તો પણ તમારી સંપત્તિ ખતમ નહિ થાય.
એક ધારણા મુજબ તમારો પ્રતિ મહિને ખર્ચ રૂ. 1 લાખ હોય તો તમારી પાસે આદર્શ રીતે રૂ. 2.5 કરોડનું રોકાણ હોવું જોઈએ.
1. તમારી લાઈફસ્ટાઈલ અને જીવનખર્ચ પ્રતિ મહિને રૂ. 1 લાખ અને પ્રતિ વર્ષ રૂ. 12 લાખ હોય તો તેને પહોંચી વળવા તમારી પાસે રૂ. 2.5 કરોડનું રોકાણ હોવું જોઈએ.
2. આ જ રીતે તમારો હરવા-ફરવાનો ખર્ચ વર્ષે રૂ. 3 લાખ હોય તો તેને પહોંચી વળવા તમારી પાસે રૂ. 42 લાખનું ઈન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ.
3. ઈન્શ્યોરન્સ પ્રીમિયમને ગણીને તમારો દવાખાના પાછળનો ખર્ચ વર્ષે રૂ. 1 લાખ હોય તો તેને સપોર્ટ કરવા તમારી પાસે રૂ. 21 લાખનું ઈન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ.
4. તમે લાઈફ ઈન્શ્યોરન્સ પ્રીમિયમમાં દર વર્ષ રૂ. 50,000 ખર્ચતા હોવ તો તેને સપોર્ટ કરવા તમારી પાસે રૂ. 10.5 લાખનું ફંડ હોવું જોઈએ.
5. તમે કંઈ નવું શીખવા પાછળ વર્ષે રૂ. 1 લાખનો ખર્ચ કરતા હોવ તો તેને સપોર્ટ કરવા માટે તમારી પાસે રૂ. 14 લાખનું કોર્પસ હોવું જોઈએ.
6. આ ઉપરાંત કપડા, ઈલેક્ટ્રોનિક્સ, મોબાઈલ ફોન, સોફ્ટવેર સબસ્ક્રિપ્શન વગેરે પાછળ તમારો વર્ષે રૂ. 3 લાખનો ખર્ચ થતો હોય તો આ ખર્ચને પહોંચી વળવા તમારે રૂ. 62.5 લાખનું ફંડ જોઈએ.
7. આમ, ચિંતા મુક્ત જીવન જીવવા માટે તમારે કુલ રૂ. 4 કરોડનું ફંડ જોઈશે.
તમારી પાસે આટલી મૂડી હોય તો તમે તમારા પૈસા પૂરા થવાની ચિંતા વિના તમારી પસંદગીનું જીવન જીવી શકો છો.

જો તમે 60 વર્ષથી ઉપરના હોવ, તો સારી રીતે જીવન જીવો. તમારા શોખ પાછળ ખર્ચ કરો. તમારી ઈચ્છા પૂરી કરો. જેથી તમે તમારી સંપત્તિને સાચા અર્થમાં ભોગવી શકો. તમે તમારા બાળકોને રોકાણની સારી સલાહ આપીને તેમને પણ ગુણવત્તાસભર જીવન જીવતા શીખવાડી શકો છો.
આ કેવી રીતે શક્ય બને?
જો તમે 30 વર્ષના હોવ તો દર મહિને SIPમાં રૂ. 8000નું ઈન્વેસ્ટમેન્ટ શરૂ કરો. ત્યાર પછી દર વર્ષે આ ઈન્વેસ્ટમેન્ટમાં ફક્ત 10 ટકાનો વધારો કરતા જાવ. આમ કરવાથી તમે રિટાયર થશો ત્યાં સુધીમાં તમારી પાસે 9 કરોડનું ફંડ થઈ ગયું. બસ ફક્ત 8000 રૂપિયાની SIPની શરૂઆત કરવાથી તમે નિશ્ચિંત જીવન જીવી શકો છો. નિષ્ણાંતની સલાહ લઈને આજ જ રોકાણ શરૂ કરો.
(લેખક ગૌરવ સિંઘવી બ્લુ પેલિકન વેલ્થ મેનેજમેન્ટના વેલ્થ એડવાઈઝર છે.)