પ્રોવિડન્ટ ફંડની વેબસાઈટ દિવસે ન ચાલતી હોવાતી કંપનીઓ પરેશાન

મૃતકોના ક્લેઈમ ચૂકવવામાં PROVIDENT FUND કચેરી દ્વારા કરવામાં આવતો વિલંબ
મૃત્યુ પામેલી વ્યક્તિઓના પરિવારજનોએ પ્રોવિડન્ટ ફંડ કચેરીમાં રજૂ કરેલા ડેથ ક્લેઈમના નાણાં ચૂકવવામાં ધાંધિયા કરવામાં આવી રહ્યા છે. મૃતકના પરિવારના સભ્યોએ ડેથક્લેઈમ મૂક્યો હોય તો પછી તેમાં પ્રોવિડન્ટ ફંડ કચેરીના અધિકારીઓ દ્વારા ક્વેરી ઊભી કરવામાં આવે છે. આ ક્વેરી કે સવાલ અંગે ખુલાસો આપી દેવામાં આવે ત્યારબાદ બીજા સવાલો ઊભા કરીને પ્રક્રિયાને ટલ્લે ચઢાવવામાં આવી રહી છે. કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડના ઉપાડ કરવા માટે કે પછી ટ્રાન્સફર કરવા માટે કંપનીના ડિરેક્ટરો દ્વારા ડિજિટલ સિગ્નેચરથી કરવામાં આવતી રજૂઆત પર પ્રોસેસ કરવામાં પણ વિલંબ કરવામાં આવી રહ્યો છે. તેમ જ જોઈન્ટ ડિક્લેરેશન મંજૂર કરવામાં પણ લાંબો સમય લગાડવામાં આવી રહ્યો છે.

વેબસાઈટ ન ચાલતી હોવાથી પ્રોવિડન્ટ ફંડના નાણાં કચેરીમાં જમા કરાવવામાં કંપનીઓને પડી રહેલી તકલીફ
પ્રોવિડન્ટ ફંડની વેબસાઈટ દિવસ દરમિયાન બરાબર ન ચાલતી હોવાથી કંપનીીઓ તેમના પ્રોવિડન્ટ ફંડના ચલણ બનાવીને નાણાં જમા કરાવી શકતી નથી. આઠમી જાન્યુઆરી ૨૦૨૨થી પ્રોવિડન્ટ ફંડની વેબસાઈટ બરાબર ન ચાલતી હોવાની ફરિયાદ બુલંદ બની રહી છે. આજે પણ સવારે સાડા નવ વાગ્યાથી સાજે સાત સાડા સાત વાગ્યા સુધી વેબસાઈટ બરાબર ચાલતી ન હોવાની ફરિયાદો થઈ હતી. વેબસાઈટ ચાલુ થાય તો પણ એકદમ ધીમી ચાલતી હોવાથી કામ કરવા કઠિન થઈ રહ્યા છે. કર્મચારીઓના કે.વાય.સી અપડેટ કરી દેવા પ્રોવિડન્ટ ફંડ કચેરી દબાણ કરી રહી છે. તેમ જ કર્મચારીઓના ઇ-નોમિનેશન ફાઈલ કરી દેવા પણ જણાવવામાં આવે છે. પરંતુ વેબસાઈટ જ બરાબર ન ચાલતી હોવાથી આ કામગીરી કરવી અઘરી પડીરહી છે. કર્મચારીએ પોતે જ ઇ-નોમિનેશન ફાઈલ કરવાનુ ંહોય છે. ઇ-નોમિનેશન ફાઈલ કરવાની પ્રક્રિયા બહુ જ જટિલ છે. તેમાં ઘણો વધુ સમય લાગે છે. પરંતુ વેબસાઈટ ધીમી ચાલતી હોવાથી ઈ-નોમિનેશન ફાઈલ કરવું પણ મુશ્કેલ બની રહ્યું છે. ઇ-નોમિનેશન ફાઈલ ન થયું હોય તો કર્મચારીઓ તેમની પ્રોવિડન્ટ ફંડની પાસબુક પણ જોઈ શકતા નથી. પરિણામે પ્રોવિડન્ટ ફંડમાં તેમના કેટલા નાણાં જમા પડયા છે તેની વિગતો પણ જાણી શકતા નથી. તેથી કેટલી રકમનો ઉપાડ થઈ શકશે તેનો અંદાજ મૂકીને નાણાં ઉપાડવાની કામગીરી કરવામાં પણ તકલીફ પડે છે.