ફ્રેન્ચાઈઝી કેવી રીતે ખરીદી શકાય? કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે?
ફ્રેન્ચાઈઝી ખરીદીને બિઝનેસ જમાવવો સરળ છે, પરંતુ જો સમગ્ર પ્રક્રિયામાં ગફલત થઈ તો તમને મોટો ફટકો પણ પડી શકે છે.

શું તમને ક્યારેય વિચાર આવ્યો છે કે પોપ્યુલર પિઝા આઉટલેટની કે ફાસ્ટફૂડ ચેઈનની ફ્રેન્ચાઈઝી મળી જાય તો કેવી મજા પડે? ફ્રેન્ચાઈઝી ખરીદીને બિઝનેસ શરૂ કરવાના કોન્સેપ્ટને છેલ્લા થોડા વર્ષોમાં ઘણી લોકપ્રિયતા મળી છે. સામાન્ય લોકોની ભાષામાં તેને “કંપની/રેસ્ટોરાંની નવી બ્રાન્ચ કે આઉટલેટ” તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને ફૂડ સેક્ટર અને ગારમેન્ટ સેક્ટરમાં ફ્રેન્ચાઈઝી ખરીદવાનું ચલણ છે.
ફ્રેન્ચાઈઝી ખરીદીને બિઝનેસ શરૂ કરવાના અનેક ફાયદા છે. પહેલું, બ્રાન્ડ પહેલેથી પ્રસ્થાપિત હોય એટલે તેના માર્કેટિંગ પાછળ તમારે ખાસ મહેનત કરવી પડતી નથી. દાખલા તરીકે, તમે મેકડોનાલ્ડ્સની ફ્રેન્ચાઈઝી ખરીદો તો ગ્રાહકોને મેકડોનાલ્ડ્સ શું છે, કેવું ફૂડ સર્વ કરે છે તે સમજાવવાની તમારે જરૂર નહિ પડે. માર્કેટમાં આ બ્રાન્ડે પહેલેથી ઓળખ જમાવી જ રાખી છે.
આ ઉપરાંત તમારે ઈન્નોવેશન પણ નહિ કરવું પડે. મેકડોનાલ્ડ્સ જેટલા પ્રકારના બર્ગર્સ, ડ્રિન્ક અને ફ્રાઈઝ બનાવે છે, તે રેસિપીની તમે સીધેસીધી નકલ કરીને બિઝનેસ શરૂ કરી શકશો. આ ઉપરાંત મેન્યુની ડિઝાઈન કેવી રહેશે, ઈન્ટિરિયર કેવું રહેશે વગેરે વિચારવાની જફામાંથી પણ તમને છૂટકારો મળી જશે. ટૂંકમાં, તમારે ફક્ત રૂપિયા ઈન્વેસ્ટ કરીને તેની નવી બ્રાન્ચ જ શરૂ કરવાની છે.

બલિસ્તા કાફે તથા રેસ્ટોરાંના બ્રાન્ડ ઑનર હાર્દિક લુહાર જણાવે છે, “રેસ્ટોરાં ત્રણ પ્રકારની હોય છે- ફાઈન ડાઈન, કેફે અને ક્વિક સર્વિંગ રેસ્ટોરાં. તેમાં ક્વિક સર્વિંગ રેસ્ટોરાંમાં ફ્રેન્ચાઈઝી મોડેલ સૌથી વધુ લોકપ્રિય છે. ફાઈન ડાઈન એટલે કે પંજાબી ફૂડ વગેરે સર્વ કરતી રેસ્ટોરાનું પરફોર્મન્સ તેના શેફ પર નિર્ભર છે. જો શેફ છોડીને જાય તો રેસિપીનો ટેસ્ટ જ બદલાઈ જાય છે. આથી જ આવી રેસ્ટોરાં જલ્દી એક્સપાન્શન નથી કરી શકતી. આ કારણે ક્વિક સર્વિંગ રેસ્ટોરાં જેવી કે મેક ડોનાલ્ડ્સ, બર્ગર કિંગ, સબ વે વગેરેમાં ફ્રેન્ચાઈઝીનો કોન્સેપ્ટ વધુ લોકપ્રિય છે અને તેઓ ફટાફટ એક્સપાન્શન પણ કરી શકે છે. ક્વિક સર્વિંગ રેસ્ટોરાંમાં ફૂડ માત્ર એસેમ્બલ જ કરવાનું હોય છે, બાકી બધું તૈયાર મળે છે. આ કારણે તેઓ બધી જ બ્રાન્ચમાં એક સરખો ટેસ્ટ જાળવી રાખે છે.”
ઘણી સાઉથ ઈન્ડિયન કે પંજાબી રેસ્ટોરાં જેમાં દરેક બ્રાન્ચમાં એક સરખા ટેસ્ટની ચીજો મળે છે તેઓ સિંગલ કિચનના કોન્સેપ્ટ પર કામ કરે છે. એટલે કે તેની સબ્જી કે સાંભાર ફેક્ટરી કે કિચનમાં નિશ્ચિત પ્રોસેસથી જ બને છે અને ત્યાર પછી તેને ફ્રોઝન કરીને જુદી જુદી બ્રાન્ચમાં મોકલવામાં આવે છે. જો દરેક બ્રાન્ચમાં સરખી ગુણવત્તા કે ટેસ્ટ ન જાળવી શકાય તો બ્રાન્ડ વેલ્યુ ઘટી જાય છે અને એક પછી એક બ્રાન્ચ પર પાટિયા પડવા માંડે છે. એક ઉદાહરણ લઈએ તો ખેતલાઆપા ચાનો ટેસ્ટ અમદાવાદમાં લોકપ્રિય બન્યો પછી ઠેરઠેર તેની ફ્રેન્ચાઈઝી હેઠળ સ્ટોલ ખૂલ્યા હતા, પરંતુ બ્રાન્ડ પોતાની ગુણવત્તા ન જાળવી શકી એટલે આજે અમદાવાદમાં તેની લોકપ્રિયતા લગભગ ભૂંસાઈ જવાને આરે છે.
ઘણા ફ્રેન્ચાઈઝી ઓનર પણ વધુ પૈસાની લાલચે ધડાધડ ફ્રેન્ચાઈઝી આપી તો દે છે પરંતુ તેઓ ગુણવત્તા કે બ્રાન્ડ વેલ્યુ જાળવી શકતા નથી અને આ લાલચ જ તેમના પતનનું કારણ બને છે.
કેનેડામાં પણ શાખા ધરાવતી બલિસ્તાના ઓનર હાર્દિક લુહાર જણાવે છે, “મેક ડોનાલ્ડ્સ, સબવે જેવી બ્રાન્ડ્સની ફ્રેન્ચાઈઝી સફળ થવાનું કારણ એ છે કે તેઓએ બ્રાન્ડની જાળવણી માટે સજ્જડ સિસ્ટમ ઊભી કરી છે. તમે ફ્રેન્ચાઈઝી ખરીદો પછી તેના માર્કેટિંગથી માંડીને એમ્પલોયીને ટ્રેનિંગ આપવી, તેના માટે પોલિસી ઘડવી, ફૂડ કેવી રીતે તૈયાર કરવું, સ્વચ્છતા કઈ રીતે જાળવવી તે તમામ અંગેની તાલીમ અને માર્ગદર્શન બ્રાન્ડ તરફથી જ આપવામાં આવે છે. એટલે તમારે તેની ફ્રેન્ચાઈઝી ખરીદ્યા પછી બીજો કોઈ વિચાર જ કરવાનો નથી રહેતો, ફક્ત પૈસા ઈન્વેસ્ટ કરવાના રહે છે. વળી, આ બ્રાન્ડ્સની સપ્લાય ચેઈન ખૂબ મજબૂત હોય છે, તેમને રો મટિરિયલ્સ પણ સારા અને સસ્તા ભાવે મળી રહે છે. તેમની ફૂડ બનાવવાની મેથડ એક સમાન જ હોય છે. આ કારણે તમે તેની કોઈપણ શાખામાં જાવ, તમને ટેસ્ટ એક સરખો મળે છે. અમે પણ અમારા બિઝનેસમાં આ જ મોડેલ અપનાવ્યું છે. ઘણા લોકો બ્રાન્ડની માસ્ટર ફ્રેન્ચાઈઝી લઈ લે છે અને પછી આડેધડ જે માંગે તેને ફ્રેન્ચાઈઝી આપી દે છે. પરંતુ તેમાં ગુણવત્તા કે કન્સિસ્ટન્સી ન જળવાય તો બ્રાન્ડની લોકપ્રિયતા ઝડપથી ઘટવા માંડે છે. ફ્રેન્ચાઈઝી ખરીદતા પહેલા બ્રાન્ડ ઓનરનું વિઝન શું છે તે જાણવું/સમજવું આવશ્યક છે.”
તમે જો ફ્રેન્ચાઈઝી ખરીદવા માંગતા હોવ તો તમારે બ્રાન્ડનું બેકગ્રાઉન્ડ, માર્કેટ વેલ્યુ, તે કયા સેગમેન્ટમાં સારુ પરફોર્મ કરી રહી છે, ગ્રાહકોના બ્રાન્ડ વિષે ફીડબેક કેવા છે તે તમામ અંગે તપાસ કરી લેવી જોઈએ. જો તમે કોઈ સારી બ્રાન્ડની ફ્રેન્ચાઈઝી ખરીદશો તો તેમાં તમારે ફક્ત રૂપિયા જ ઈન્વેસ્ટ કરવાના રહેશે. શોપની લોકેશનથી માંડીને સ્ટાફને ટ્રેનિંગ આપવી, રો મટિરિયલ પૂરું પાડવું વગેરે તમામ બાબતોની તકેદારી બ્રાન્ડ ઓનર જ લેશે. એટલું જ નહિ, 45થી 50 દિવસમાં તો તમારુ આઉટલેટ શરૂ પણ થઈ જશે.
બ્રાન્ડ ઓનર ફ્રેન્ચાઈઝી શરૂ કરવામાં કેટલી મદદ કરે?
બ્રાન્ડ ઓનર એમ્પલોયીને બ્રાન્ડ શું છે, ઓર્ડર કેવી રીતે લેવા, સ્ટોક કેવી રીતે મેનેજ કરવો વગેરેની સજ્જડ તાલીમ આપે છે. નવા આઉટલેટ માટે હાયર કરાયેલા મેનપાવરને ચાલુ આઉટલેટમાં કામ કરવાની તક આપીને તેને વ્યવસ્થિત તાલીમ આપવામાં આવે છે.
આ ઉપરાંત નવી બ્રાન્ચ માટે જે જગ્યા પસંદ કરાઈ હોય, તેનું ઈન્ટિરિયર પણ બ્રાન્ડ ઓનર જ નિશ્ચિત કરે છે જેથી તમામ બ્રાન્ચમાં યુનિફોર્મિટી જળવાઈ રહે. આ ઉપરાંત તે નવી બ્રાન્ચ અંગે સોશિયલ મિડિયા, વ્હોટ્સએપ, હોર્ડિંગ્સ વગેરે માધ્યમ દ્વારા માર્કેટિંગ ચાલુ કરી દે છે.

ફ્રેન્ચાઈઝી ખરીદવા માટે કાયદાકીય પ્રક્રિયા શું છે?
તમારે ફ્રેન્ચાઈઝી ખરીદવી હોય તો ઓનર સાથે LOI એટલે કે લેટર ઑફ ઈન્ટેન્ટ પર એગ્રીમેન્ટ કરવાનો રહે છે. તમે ટોકન એમાઉન્ટ આપો પછી કંપની લોકેશન જોવાનું ચાલુ કરે છે. લોકેશન નક્કી થયા બાદ એગ્રીમેન્ટ ફાઈનલાઈઝ થાય છે.
બ્રાન્ડ ઓનરને ફ્રેન્ચાઈઝ અને ખરીદનારને ફ્રેન્ચાઈઝી તરીકે ઓળખવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં એક ત્રીજી પાર્ટી પણ શામેલ છે, જે છે દુકાનદાર. ફ્રેન્ચાઈઝી આપનાર અને લેનાર વચ્ચે એક એગ્રીમેન્ટ થાય છે અને બીજો એગ્રીમેન્ટ ફ્રેન્ચાઈઝી ખરીદનાર અને તેણે જેની દુકાન ભાડે લીધી હોય તેની વચ્ચે થાય છે. એગ્રીમેન્ટમાં રોયલ્ટી, લોક ઈન ફ્રી પીરિયડ, ટર્મ્સ એન્ડ કંડિશન્સ, મેન્યુ, રેસિપી વગેરે બધું જ નિશ્ચિત હોય છે. આ એગ્રીમેન્ટ 10 વર્ષ સુધીનો હોઈ શકે છે.
હાલ માર્કેટમાં ત્રણ વર્ષ સુધી ફિક્સ ભાડું અને પછી ભાડાની રકમમાં 5 ટકાનો વધારાનું ચલણ ચાલે છે. ખાસ વાત એ કે એગ્રીમેન્ટ સાઈન થાય અને આઉટલેટ ખૂલે ત્યાં સુધીના 45-50 દિવસના પિરિયડને ફિટ-આઉટ પિરિયડ ગણવામાં આવે છે. આ ગાળામાં શોપમાં ઈન્ટિરિયર, કિચન સેટ અપ વગેરે કામ ચાલતું હોય છે. ફિટ-આઉટ પિરિયડ માટે ભાડું ન વસૂલવું એવી પણ ખાસ શરતનો કરારમાં સમાવેશ થાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે ભારતમાં ફ્રેન્ચાઈઝી માટે કોઈ અલગથી કાયદો નથી આથી તેને ઈન્ડિયન કોન્ટ્રેક્ટ એક્ટ, કોપીરાઈટ્સ એક્ટ, પેટન્ટ્સ એક્ટ વગેરેના નિયમો લાગુ પડે છે.
એક વખત બ્રાન્ચ શરૂ થઈ જાય પછી શું?
નવી બ્રાન્ચ શરૂ થાય પછી છ મહિના સુધી બ્રાન્ડ ઓનર તેની દેખરેખ કરે છે. બ્રાન્ડની ગરિમા અને લોકપ્રિયતા જળવાય તેના માટે કોન્ટ્રેક્ટમાં અનેક શરતો હોય છે. જેમ કે, ફ્રેન્ચાઈઝી ખરીદનાર જાતે કોઈ રેસિપી ઈન્ટ્રોડ્યુસ ન કરી શકે, તેણે નિશ્ચિત કંપનીના જ ઈન્સ્ટ્રુમેન્ટ વાપરવા પડે, તેણે હાઈજીનની અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે વગેરે. એક વાર બ્રાન્ચ શરૂ થઈ જાય પછી બ્રાન્ડ ઓનર દ્વારા તેનું નિયમિત ઓડિટિંગ કરવામાં આવે છે. જો બ્રાન્ચ નિયમોનું ઉલ્લંઘન કરતી પકડાય તો તેને નોટિસ આપવામાં આવે છે. પછી પણ પરિસ્થિતિ ન સુધરે તો બ્રાન્ડ ઓનર તેના ફ્રેન્ચાઈઝી રાઈટ્સ ટર્મિનેટ કે ટ્રાન્સફર કરી શકે છે.
તમારે કયા દસ્તાવેજો લેવા પડે?
ફૂડની ફ્રેન્ચાઈઝી ખરીદો તો તેના માટે ગુમાસ્તા, ફાયર સેફ્ટી, ફૂડ સેફ્ટી વગેરે માટેના દસ્તાવેજો અને સર્ટિફિકેટ તમારે લેવા પડે છે. બીજા કોઈ ક્ષેત્રે ફ્રેન્ચાઈઝી ખરીદો તો પણ તમારે બિઝનેસ માટે સ્વતંત્ર રજિસ્ટ્રેશન અને સર્ટિફિકેટ્સ લેવા જ પડે છે. આ ઉપરાંત મુખ્ય બ્રાન્ડ ટેક્સેશન વગેરેની કોઈ જવાબદારી લેતી નથી. આથી જીએસટી નંબર લેવો, રિટર્ન ફાઈલ કરવા, ટેક્સ ચૂકવવો વગેરે તમામ જવાબદારી જે તે આઉટલેટ ખરીદનાર પર આવે છે.
આટલું ખાસ ધ્યાન રાખોઃ

ફ્રેન્ચાઈઝી ખરીદીને બિઝનેસ સ્થાપવો સરળ જરૂર છે, પરંતુ તેમાં આંધળૂકિયા કરવામાં આવે તો ઈન્વેસ્ટમેન્ટની મોટી રકમ ડૂબી પણ શકે છે. ચાર્ટર્ડ એકાઉન્ટ ધીમહિ પંડ્યા જણાવે છે, “ફ્રેન્ચાઈઝી શરૂ કરતા પહેલા બ્રાન્ડ અને તેના મેનેજમેન્ટની માર્કેટમાં પ્રતિષ્ઠા કેવી છે તે ખાસ ચકાસવું જોઈએ. મેનેજમેન્ટ મજબૂત હશે તો તે તમને આગળ લઈ જશે પરંતુ જો બજારમાં બ્રાન્ડના મેનેજમેન્ટની પ્રતિષ્ઠા ખરડાયેલી હશે તો તેની લાંબા ગાળે અસર તમારા બિઝનેસ પર પડી શકે છે. આ ઉપરાંત તમારે ફ્રેન્ચાઈઝી આધારે બિઝનેસ શરૂ કરતા પહેલા ફિક્સ્ડ અને વેરિયેબલ કોસ્ટની ખાસ ગણતરી માંડવી જોઈએ. એટલે કે ધારી લો કો ત્રણ-ચાર મહિના સુધી એક પણ રૂપિયાની તમને આવક ન થાય તો પણ તમે ટકી શકો તેટલું તમારુ કુશનિંગ હોવું જોઈએ. કોરોના કે લોકડાઉન જેવી અણધારી સ્થિતિ આવી ગઈ તો તેમાં તમે ભાડું ભરી શકશો, સ્ટાફનો પગાર ખમી શકશો, કોન્ટ્રેક્ચુઅલ એગ્રીમેન્ટના પૈસા ચૂકવી શકશો વગેકે ગણિત તમારે માંડવા જોઈએ. જો આ તાળો ન બેસતો હોય તો ફક્ત એક જ વખતના ફિક્સ્ડ ઈન્વેસ્ટમેન્ટને ધ્યાનમાં રાખીને બિઝનેસમાં ઝંપલાવવું યોગ્ય નથી.”
સી.એ ધિમહી પંડ્યા એમ પણ જણાવે છે કે ફ્રેન્ચાઈઝી ખરીદતા પહેલા જેમણે બ્રાન્ડની ફ્રેન્ચાઈઝી અગાઉથી ખરીદી હોય તેમના ટેસ્ટિમોનિયલ્સ લેવા જોઈએ અથવા તો તેમની સાથે રૂબરૂ વાત કરવી જોઈએ. આમ કરવાથી તમને સાચું ચિત્ર મળે છે અને નિર્ણય લેવામાં સરળતા પડે છે. ફ્રેન્ચાઈઝીના બિઝનેસમાં તમારે રૂ. 5 લાખથી માંડીને રૂ. 5 કરોડ સુધીનું ઈન્વેસ્ટમેન્ટ કરવાની તૈયારી રાખવી જોઈએ. ઉલ્લેખનીય છે કે તમારે આવકના 5થી 8 ટકા બ્રાન્ડને રોયલ્ટી પેટે દર મહિને ચૂકવવા પડે છે.