બેન્ક ઓફ બરોડાઃ લાંબી રેસનો મજબૂત ઘોડો

બેન્ક ઓફ બરોડા 13.20 કરોડ ખાતેદાર ધરાવતી 112 વર્ષ જૂની રાષ્ટ્રીયકૃત બેન્ક છે. વડોદરાના મહારાજા સયાજિરાવ ગાયકવાડે 1908માં સ્થાપેલી બેન્કનું 1969માં રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. બેન્ક ઓફ બરોડા દેશ અને દેશની બહાર બ્રાન્ચો ધરાવે છે. બેન્ક ઓફ બરોડામાં ભારત સરકારનું 64 ટકા હોલ્ડિંગ છે. ભારતની ચોથા ક્રમે આવતી મોટી બેન્ક છે. તેની બેન્ક ઓફ બરોડા કેપિટલ માર્કેટના નામથી સેબી રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કંપની પણ છે. બેન્ક ઓફ બરોડા ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સના પ્રાઈવેટ પ્લેસમેન્ટની સર્વિસ આપવા ઉપરાંત આઈપીઓ, કોર્પોરેટ રિસ્ટ્રક્ચરિંગ, બિઝનેસ વેલ્યુએશન, મર્જર અને એક્વિઝિશન(વિલીનીકરણ ને હસ્તાંતરણ)ની સર્વિસ પણ આપે છે. બેન્ક ઓફ બરોડાના શેરનો વર્તમાન બજાર ભાવ રૂ. 89નો છે. બેન્ક ઓફ બરોડાની અન્ય કંપનીઓમાં બીઓબી ફાઈનાન્શિયલ સોલ્યુશન લિમિટેડ, બરોડા એસેટ મેનેજમેન્ટ ઇન્ડિયા લિમિટેડ, પાયોનિયર ગ્લોબલ એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ એક કદાવર કંપની તરીકેનું સ્થાન બેન્ક ઓફ બરોડા ધરાવે છે. રૂ. 17,565 કરોડના ફંડને મેનેજ કરે છે. વીમાના ક્ષેત્રની તેની કંપની ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ વાર્ષિક ધોરણે 77 ટકાનો ગ્રોથ ધરાવે છે. ખાનગી વીમા કંપનીઓના બજારમાં તેનો માર્કેટ શેર 2.3 ટકાનો છે. વર્ષે રૂ. 1978 કરોડથી વધુની પ્રીમિયમની આવક ધરાવે છે. ક્રેડિટ કાર્ડનું તેનું કામકાજ પણ મોટું છે. સપ્ટેમ્બર 2021ના અંતે તેણે ઇશ્યૂ કરેલા ક્રેડિટ કાર્ડની સંખ્યા 7,08,681ની થઈ હતી. નાણાંકીય વર્ષ 2021-22ના બીજા ત્રિમાસિક ગાળાને અંતે તેના ક્રેડિટ કાર્ડ લેનારાઓની સંખ્યામાં 34 ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બર 2021માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળાનો તેનો ચોખ્ખો નફો રા. 21.22 કરોડનો રહ્યો હતો. દેના બેન્ક અને વિજયા બેન્કને બેન્ક ઓફ બરોડામાં મર્જ કરી દેવામાં આવી છે. મર્જર-વિલીનીકરણ પછી 1310 બ્રાન્ચનું રિસ્ટ્રક્ચરિંગ કરીને તેણે ખર્ચમાં ઘટાડો કરવાના પગલાં લીધા છે. 1135 એટીએમનું રિસ્ટ્રક્ચરિંગ કર્યું છે. બીજીતરફ અંતરિયાળ વિસ્તારોમાં બેન્કિંગ સર્વિસ પૂરી પાડવા માટે બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ્સનું નેટવર્ક 5200થી વધારીને 23,320 સુધી લઈ જવામાં સફળતા હાંસલ કરી છે. બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ્સ સહિત અંતરિયાળ વિસ્તારમાં તેના કોન્ટેક્ટ પરસનની સંખ્યા વધીને આગામી બે વર્ષમાં 50,000થી આગળ લઈ જવાનું તેનું આયોજન છે. બેન્કના લોનના પોર્ટફોલિયોમાં વિવિધતા છે. કોર્પોરેટ લોન 36 ટકા, હોમ લોન 10 ટકા, એમએસએમઈને આપેલી લોનની ટકાવારી 12 ટકાની આસપાસની છે. એગ્રીકલ્ચર લોન 13 ટકા, પર્સનલ અને એજ્યુકેશન લોન કુલ ધિરાણના 7-7 ટકા છે. ગોલ્ડ લોનના સેક્ટરમાં પણ તેનું ધિરાણ કુલ ધિરાણના 3 ટકા જેટલું છે. લાઈફ ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સના સેક્ટરમાં પણ તેની કામગીરી સંગીન છે. કસ્ટમર્સની જરૂરિયાત પ્રમાણે વેલ્થ મેનેજમેન્ટ પ્રોડક્ટ્સ પણ બેન્ક ઓફ બરોડા પૂરા પાડે છે. વર્ષ દરમિયાન બેન્કે 1.24 કરોડ નવા એકાઉન્ટ પણ ખોલ્યા છે.. માર્ચ 2020થી કોરોનાનો પ્રભાવ વધ્યો હોવા છતાંય બેન્કની કુલ એનપીએ (ફસાયેલી મૂડી) માર્ચ 2021ના અંતની સ્થિતિએ 9.40 ટકાથી ઘટીને 8.87 ટકા થઈ છે. તેની ડિપોઝિટના દરમાં આ ગાળામાં 1.54 ટકાનો ઘટાડો થયો છે. તેથી તેની પાસે અગાઉની તુલનાએ સસ્તું ફંડ આવ્યું છે. કરન્ટ ને સેવિંગ એકાઉન્ટમાં તેની ડિપોઝિટમાં 2021ના વર્ષમાં 16.48 ટકાનો વધારો થયો છે. 2021ના વર્ષમાં બેન્કના ધિરાણમાં 5 ટકાનો વધારો થયો છે. એમએસએમઈને આપેલા ધિરાણમાં પણ 10 ટકાથી વધુનો વધારો થયો છે. વેહિકલ અને પર્સનલ લોનના પોર્ટફોલિયોમાં અનુક્રમે 27.79 ને 27.21 ટકાનો વધારો થયો છે. 2021ના વર્ષમાં બેન્કનો ઓપરેટિંગ પ્રોફિટ 20,630 કરોડને વળોટી ગયો છે. 2021માં બેન્કનો વેરા પછીનો નફો રૂ. 829 કરોડનો રહ્યો છે. જે 2020ના રૂ. 546 કરોડના ફફા કરતાં 48 ટકા વધારે છે. 31મી માર્ચ 2021ની સ્થિતિએ બેન્કનો કોર્પોરેટ ક્રેડિટનો પોર્ટફોલિયો વધીને રૂ. 2,91,615 કરોડને આંબી ગયો છે. ત્યારબાદના સાત મહિનામાં પણ કોર્પોરેટ ક્રેડિટમાં સતત વધારો જોવા મળ્યો છે. તેના કુલ ધિરાણમાંથી 63 ટકા ધિરાણને ‘એ’ રેટિંગ અપવામાં આવ્યું છે. જ્યારે 13-13 ટકા ધિરાણને ‘બી’ અને બિલો ‘બી’નું રેટિંગ આપવામાં આવ્યું છે. તેનું 11 ટકા ધિરાણ કોઈ જ રેટિંગ ધરાવતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો નબળું ધિરાણ ગણી શકાય તેવું છે. બેન્ક ઓફ બરોડાએ નાના અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ)ને આપેલું ધિરાણ માર્ચ 2021ની સ્થિતિએ રૂ. 96,200 કરોડનું છે. 2021ના વર્ષમાં તેના એમએસએમઈ ક્લાયન્ટ્સની સંખ્યામાં 2.72 લાખનો વધારો થયો છે. બેન્ક એસએમઈને લોન આપવા માટેના સેન્ટરોની સંખ્યા 27થી વધારીને 71 કરી છે. હોમ મોર્ટગેજ લોનનો પોર્ટફોલિયો રૂ. 99,630 કરોડનો છે. બેન્કની સેવિંગ ડિપોઝિટ 78.13 ટકા વધી છે. જોકે નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલમાં ગઈ હોય તેવી કંપનીઓમાં બેન્કનું ધિરાણ રૂ. 35000 કરોડથી વધુનું છે. આ તેનું એક મોટું નકારાત્મક પાસું છે. રિટેઈલ સેક્ટરમાં 6 ટકા, ઇન્ટરનેશનલ એડવાન્સમાં 2.2 ટકા, કૃષિમાં 16 ટકા, એમએસએમઈમાં 25 ટકા તથા કોર્પોરેટમાં 32 ટકા એનપીએ છે. આ પણ બેન્કનું એક નકારાત્મક પાસું જ છે. જોકે બેન્કની કુલ આવકમાં 68 ટકા આવક વ્યાજની છે. જે રૂ. 7566 કરોડની થાય છે. 11 ટકા ટ્રેડિંગ પ્રોફિટની, 2 ટકા વિદેશી હૂંડિયામણના કામકાજ થકી તથા 13 ટકા અન્ય કામકાજ થકી થતી આવકનો હિસ્સો છે. બેન્કની એપીએમાંથી રિકવરીનું પ્રમાણ 6 ટકા જેટલું છે. વાર્ષિક ધોરણે વેરા પછીનો નફો 24.4 ટકા વધ્યો છે. હવે બાંધકામ ઉદ્યોગમાં સુધારો થઈ રહ્યો હોવાથી હોમલોનનો ઉપાડ વધવાની શક્યતા છે. 2021-22ના વર્ષના પહેલા છ માસને અંતે એનપીએ-ફસાયેલી મૂડીમાંથી રૂ. 7000 કરોડથી વધુની રિકવરીનો અંદાજ છે. મોટા કોર્પોરેટ્સના રૂ. 7400 કરોડના, નાના ઉદ્યોગોના રા. 6700 કરોડના તથા રિટેઈલર્સના રૂ. 5400 કરોડના એકાઉન્ટ્સનું રિસ્ટ્રક્ચરિંગ કરવામાં આવ્યું છે. માર્ચ 2022ના અંત સુધીમાં બેન્કની આર્થિક સ્થિતિમાં બહુ જ મોટો સુધારો આવી જવાની ગણતરી મૂકવામાં આવી રહી છે. એક સમયે એનપીએની સમસ્યા સામે ઝઝૂમી રહેલી બેન્કના ત્રિમાસિક નફામાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો બેન્ક ઓફ બરોડાનું પરફોર્મન્સ યુ ટર્ન લઈ રહ્યું છે. પરિણામે તે લાંબી રેસનો મજબૂત ઘોડો ગણાય છે. તેમાં રોકાણ કરનારાઓએ પસ્તાવું નહિ પડે તેવા નિર્દેશ મળી જ રહ્યા છે. (નોંધઃ સ્ટોક સંબંધી ગાઈડન્સ એ લખનારનું પોતાનું વિશ્લેષણ છે. તેનો આધાર લઈને ટ્રેડર્સ પોતાની સમજનો ઉપયોગ કરીને સોદા કરી શકે છે. આ એક અનુમાન છે. તેથી તેને આધારે ટ્રેડિંગ કરવું એ ટ્રેડરની પોતાની જવાબદારીને આધીન છે. પબ્લિશર તેને માટે જવાબદાર ગણાશે નહિ.)