બેન્ક લૉકરમાં કિંમતી વસ્તુઓ મૂકતા પહેલા આટલું ધ્યાન રાખો

આજે પતિ, પત્ની બંને નોકરી કરતાં હોવાથી દિવસના ભાગમાં ઘર બંધ રહેતું હોય છે. બાળકો પણ શાળાએ કે કૉલેજમાં જતાં હોવાથી ઘરફોડ થવાની શક્યતા વધારે રહે છે. તેથી ઘરમાં દાગીના કે રોકડ રાખવા જોખમી જણાય છે. આજકાલ ઘરફોડી કરનારાઓ બહુ જ આધુનિક હથિયારોથી સજ્જ થઈને આવે છે. મકાનમાં વસતી હોય તો પણ આસપાસના લોકોને ખબર ન પડે તે રીતે ઘરફોડી કરીને પલાયન થઈ જાય છે. સીસીટીવી કેમેરામાં પણ માસ્ક પહેર્યા હોવાથી તેમની ઓળખ પાક્કી થઈ શકતી નથી. આ સંજોગોમાં લૉકર લઈને દરદાગીના અને રોકડ તેમાં મૂકી દેવાનું લોકો પસંદ કરે છે.
તમને જાણીને નવાઈ લાગશે પણ લૉકરમાંથી પણ વસ્તુઓ ગુમ થઈ જતી હોય છે. ભૂતકાળમાં બનેલી ઘટનાને યાદ કરીએ. એક વ્યક્તિના લૉકરમાંથી ઘણી બધી વસ્તુઓ ગુમ થઈ ગઈ. તેણે ફરિયાદ કરી. તેના લૉકરની તપાસ કરવામાં આવી. તો ધ્યાનમાં આવ્યું કે તેની નીચેના લૉકરવાળી વ્યક્તિ ઉપરની તરફના લૉકરના પતરાં પર એસિડ જેવું જલદ કેમિકલ લગાડતા રહેતા હતા. થોડા મહિનાઓમાં ઉપરના લોકરનું પતરું ખવાઈ ગયું. તેમાં મોટું કાણું પડી ગયુ. તે વ્યક્તિએ તેમાંની બધી જ વસ્તુઓ સરકાવી લીધી. ચોરની ચાર આંખ અને પોલીસ કરતાંય બે ડગ આગળ ચાલે છે તે એમને એમ થોડું કહેવાય છે. એક સમય એવો હતો કે બેન્કના લૉકરમાંથી વસ્તુઓ ગુમ થાય તો તેની જવાબદારી બેન્ક લેતી જ નહોતી. તેને કારણે થયેલી આર્થિક નુકસાનીનો દાવો પણ તમે કરી શકતા નહોતા. પંજાબમાં એક ટોળકીએ જમીનમાં સુરંગ બનાવીને બેન્કના લોકર રૂમમાં ઘૂસી જઈને ત્રણ દિવસ તેમાં રહીને સંખ્યાબંધ લૉકરમાંથી કિંમતી વસ્તુઓ ચોરી ગઈ હતી. ભારતમાં બેન્ક લોકરમાં થયેલી આ મોટામાં મોટી ચોરી હતી. આ લૉકર ધારકોને આજ સુધી કોઈ જ વળતર મળ્યું હોવાનું જાણમાં નથી.
રિઝર્વ બેન્કે હવે આ માટે નવા નિયમો જાહેર કર્યા છે. તેને પરિણામે લૉકરમાં પડેલી વસ્તુઓની ચોરી થઈ જાય તો લૉકર માલિક નુકસાનીનો દાવો માંડી શકે છે. લૉકરના ભાડાંની રકમની સો ગણી રકમ તેઓ વળતર તરીકે માગી શકે છે. બેન્કમાં કોઈ ગરબડ થાય અને તમારા લૉકરમાંની વસ્તુ ગુમ થાય તો આ વળતર બેન્ક આપવા બંધાયેલી છે. અમદાવાદની એક ગૃહિણી પ્રીતિબહેન શાહ કહે છે, “બેન્કના લૉકરનું વાર્ષિક ભાડું રૂ. 800થી 2500ની રેન્જમાં હોય છે. તેની સામે માત્ર 100 ગણું વળતર આપવામાં આવે તે ઉચિત નથી. કારણ કે આજે તમે લૉકરમાં પાંચ તોલા દાગીના મૂક્યા હોય તો પણ તેની કિંમત રૂ. 2.5 લાખ થઈ જાય છે. તેની સામે માત્ર 80,000થી 2.5 લાખનું વળતર મળે તે ઉચિત નથી. તેમાંય ખાસ કરીને પતિ પત્ની બંને નોકરી કરતાં હોય ત્યારે તેઓ તેમના સંતાનો માટે પહેલેથી જ બચત કરીને લગ્ન માટે સોનું ખરીદીને સાચવી રાખતા હોય છે. તદુપરાંત તેમના પોતાના પહેરવા માટેના સોનાના દાગીના હોય છે. આ સંજોગોમા પંદર-પચ્ચીસ તોલા સોનું તો તેમની પાસે સહજ નીકળી જ આવે. તેની બજાર કિંમતનો અંદાજ માંડવામાં આવે તો તે અંદાજે રૂ. 7.5 લાખથી રૂ. 12.5 લાખ જેટલો થવા જાય છે. આ સંજોગોમાં રૂ. 80,000થી રૂ. 2.50 લાખનું વળતર આપવાનો નિયમ એક મજાક ગણાય. લાખોના નુકસાન સામે થોડું આપીને છટકી જવાની આ ચાલ છે.”

તમારા લૉકરમાં મૂકેલી વસ્તુઓનું કાયમ લિસ્ટ બનાવીને તૈયાર રાખો
તમે લૉકરમાં જ્યારે પણ કોઈ વસ્તુ મૂકો ત્યારે તેનું લિસ્ટ બનાવીને તૈયાર રાખો. તેમાં નવી વસ્તુઓ ઉમેરો તેમ તેમ યાદીમાં તે લખતા જાવ. આ જ રીતે કોઈ જૂની વસ્તુ લઈ આવો તેમ તેમ તે વસ્તુની નોંધ કરતાં જાવ. આમ જ્યારે પણ કંઈ લાવો કે કંઈ ઉમેરો તેની નિયમિત નોંધ રાખો. તમે લાંબા સમયે લૉકર ઓપરેટ કરતાં હોવ છો તેથી તમે તેમાં મૂકેલી વસ્તુઓ ભૂલી જાવ તેવી સંભાવના રહેલી છે. તેથી લિસ્ટ બનાવી રાખવું જરૂરી છે. આ યાદી તૈયાર હશે તો તમારા લૉકરમાંથી ગુમ થયેલી વસ્તુનો તમને ઝડપથી અંદાજ આવી જશે.
વરસમાં બે ત્રણ વાર લૉકર ઓપરેટ કરો
તમારે વરસમાં બે ત્રણ વાર તો લૉકર ઓપરેટ કરવું જ જોઈએ. વરસમાં લોકર એકવાર ઓપરેટ ન કરવામાં આવે તો બેન્ક તે લૉકરને તોડીને ખોલવાનો અધિકાર ધરાવે છે. હા, બેન્કે તે લૉકર તોડતા પહેલા લોકરના માલિકને નોટિસો મોકલવી પડે છે. લૉકર માલિકે તે લૉકર શા માટે ઓપરેટ નથી કરતો તે માટે કાયદેસર યોગ્ય કારણ બેન્કને આપવાનું રહે છે. કારણ યોગ્ય ન જણાય તો બેન્ક તેની રીતે નિર્ણય લઈ શકે છે. બેન્કોએ અત્યારના લૉકર માલિકો સાથેના કરારને પહેલી જાન્યુઆરી 2023 પહેલા રિન્યુ કરવાના છે. જ્યારે નવા લૉકર લેનારાઓ માટે નવા નિયમો પહેલી જાન્યુઆરી 2022થી લાગુ કરી દેવામાં આવશે. લૉકર માટેના નિયમોને બરાબર વાંચીને પછી જ તમારે તે અંગે નિર્ણય લેવો જોઈએ. લૉકરના વાર્ષિક ચાર્જ સમયસર ભરી દો. આમ તો બેન્કો તેમના બચત ખાતામાંથી લૉકરના વાર્ષિક કે ત્રિવાર્ષિક ચાર્જ એક સાથે જ કાપી લેતી હોય છે. તેના મેસજ જ માત્ર લૉકર માલિકોને મોકલી દે છે. લૉકર આપતા પહેલા તેની સામે કેટલીક રકમની ડિપોઝિટ મૂકવાનો પણ બેન્કો આગ્રહ રાખે છે. તેમ કરવા પાછળનો હેતુ લૉકર માલિક પાસેથી લૉકરનું ભાડું વસૂલવાની વ્યવસ્થા કરી લેવાનો છે. લૉકર તોડવાની નોબત આવે તો તેનો ચાર્જ પણ આ ડિપોઝિટમાંથી નીકળી જાય છે. આ નોબત ન આવે તે માટે તમારા લૉકરનું ભાડું નિયમિત ભરતાં રહો.
મૂલ્યવાન વસ્તુ થોડી ઘરમાં ને થોડી લૉકરમાં રાખો
બેન્ક લૉકર સો ટકા સલામત માનીને બધી જ કિંમતી વસ્તુઓ તેમાં મૂકી દેવાની ઘણાંની માનસિકતા છે. પરંતુ વાસ્તવમાં તેવું નથી. બેન્કમાં પણ ગરબડ થવાની સંભાવનાને નકારી શકાતી નથી. તેમ થાય તો તમને થયેલા નુકસાનનું પૂરતું વળતર ન મળે તેવી સંભાવના રહેલી છે. તેથી જ તમારી તમામ કિંમતી વસ્તુઓ માત્ર ને માત્ર લૉકરમાં રાખવી હિતકારક નથી. કેટલાક જાણકારો તમને મળનારા વળતરની રકમથી વધુ મૂલ્યની વસ્તુઓ લૉકરમાં ન રાખવાની સલાહ આપે છે. આ સંજોગમાં રૂ. 80,00થી રૂ. 2.5 લાખના મૂલ્યની વસ્તુ રાખવા માટે કોઈ લૉકર વસાવે ખરું? રિઝર્વ બેન્ક વળતર આપવા માટેના નિયમોને વધુ સંગીન બનાવવા જોઈએ. હા, તેને માટે તમારી પાસે વીમો લેવાનો વિકલ્પ પણ છે જ છે. આગ લાગવાથી કે પછી ઘરફોડ થવાની સમસ્યામાં રાહત આપતી વીમા પોલીસીનો વિચાર કરી શકો છો.