ભારતની ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રી આખા વિશ્વ માટે કોરોનાની વેક્સિન બનાવવા સક્ષમઃ પંકજ પટેલ

– સમાજના દરેક વર્ગ સુધી કોરોનાની રસી પહોંચે તે માટે પરવડે તેવા દરે રસી પૂરી પાડવાની ઝાયડસ કેડિલાની નેમ
– દેશના દરેક ખૂણા સુધી કોરોનાની રસી પહોંચાડવા જરૂરી માળખાગત સુવિધાઓ સાથે ઝાયડસ કેડિલા સજ્જ
– રસી લીધા બાદ શરીર પર થોડો સોજો, લાલાશ જોવા મળી શકે છે. અમુક કિસ્સામાં રસી લીધા પછી હળવો તાવ પણ આવી શકે છે.
ચાતક જેટલી આતુરતાથી વરસાદની રાહ જોતું હોય એટલી જ આતુરતાથી આખા વિશ્વના લોકો કોરોના માટેની અસરકારક રસીની રાહ જોઈ રહ્યા છે. અને કેમ નહિ? આ બીમારીને કારણે જનજીવન તો ખોરવાયું જ છે પણ સાથે સાથે વેપાર-ધંધા પણ ઠપ થઈ ગયા છે. લગભગ છેલ્લા એક વર્ષથી લોકો સતત ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. આવા સંજોગોમાં ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડી (ZyCoV-D) રસી ફક્ત ભારતના જ નહિ, વિશ્વભરના લોકો માટે એક આશાનું કિરણ બનીને આવી છે. આ આશાએ ગુજરાત અને ભારતનું મસ્તક ગૌરવથી ઉન્નત કરી દીધું છે. આ સફળતાનો યશ જાય છે ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલ અને તેમના પુત્ર તથા કંપનીના ચીફ મેનેજિંગ ડિરેક્ટર ડૉ. શર્વિલ પટેલને. ગુજરાતના ઉદ્યોગ અને વેપારની સમસ્યા ઉજાગર કરવાની સાથે સાથે જ ગુજરાતના વેપાર-ઉદ્યોગની ગૌરવ ગાથાને પ્રસ્તુત કરતા ઉદ્યોગ નીતિ સામયિકને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રની મોખરાની કંપની ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલે એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ આપ્યો હતો. તેમાં તેમણે કંપનીએ વિકસાવેલી ઝાયકોવ-ડી વેક્સિન અંગે મહત્વની વિગતો પર પ્રકાશ પાડ્યો હતો.
ઉદ્યોગ નીતિઃ કોરોનાની મહામારીના આરંભથી માંડીને ઝાયકોવ-ડી વેક્સિન વિકસાવવા સુધીની તમારી સફર કેવી રહી છે? પંકજ પટેલઃ એકવાર ઝાયકોવ-ડી તૈયાર થઈ જાય તો આપણા દેશમાં ઘણી વિશાળ સંખ્યામાં લોકોને રસી આપવાની છે. આ રસીને કારણે ભારતીય ફાર્મા ઉદ્યોગનું મસ્તક ગૌરવથી ઊંચું થઈ જશે. દુનિયાના દેશો પણ સમજશે કે ભારત પાસે કોરોના વાઈરસની રસી વિકસાવવાની પૂરતી તાકાત, ક્ષમતા તથા માળખાગત સુવિધા છે. ભારતના સંશોધકો ભારતની પ્રજા માટે જ નહિ, પરંતુ દુનિયાના અન્ય દેશોના લોકો માટે પણ કોરોના વાઈરસની રસી વિકસાવી શકે છે.
ઉદ્યોગ નીતિઃ અહેવાલો મુજબ તમે કોરોનાની રસીના 100 મિલિયન એટલે કે 10 કરોડ ડોઝ તૈયાર કરવાના છો. દસ કરોડ ડોઝ તૈયાર કરતાં કેટલો સમય લાગશે? પંકજ પટેલઃ વાર્ષિક ધોરણે આ રસીના 100 મિલિયન ડોઝ બનાવવામાં લગભગ 4થી 5 મહિનાનો સમય લાગશે. અમે જોખમ લઈને આ રસીનું ઉત્પાદન ચાલુ કરીશું જેથી જ્યારે ફાઈનલ એપ્રુવલ આવે ત્યારે આમ જનતાને તાત્કાલિક શરૂઆતના ડોઝ મળી શકે. ઉદ્યોગ નીતિઃ ત્રણ ડોઝની વેક્સિન આપવા માટેની કાર્યપદ્ધતિ શું હશે? જે લોકોએ રસી લઈ લીધી હશે તેમની નોંધ રાખવામાં આવશે? પંકજ પટેલઃ હાલ તો અમે બીજા તબક્કાના અભ્યાસની વિગતો આવવાની રાહ જોઈ રહ્યા છે. તેના આધારે અમે રસીના ડોઝનો નિર્ણય લઈશું. જી હા, રસી લેનાર લોકોની નોંધ રાખવામાં આવશે કારણ કે તરત ને તરત એક કરતા વધુ રસી લેવી લોકો માટે હિતાવહ નથી. ઉદ્યોગ નીતિઃ ઝાયકોવ – ડી એ ત્રણ ડોઝની વેક્સિન છે. આ વેક્સિનની સંભવતઃ કિંમત કેટલી રહેશે? શું દરેક વય જૂથના લોકોને ઝાયકોવ-ડી રસીનો એક સરખો ડોઝ આપવામાં આવશે? પંકજ પટેલઃ આપણે અગાઉ વાત કરી તેમ ફેઝ-2ના અભ્યાસના પરિણામો કેવા આવે છે તેના પર જ ઝાયકોવ-ડી રસીના ડોઝનો આધાર રહેલો છે. આ રસીના ભાવ અંગે અત્યારે ચર્ચા કરવી બહુ જ વહેલું ગણાશે. હા, એટલું જરૂર કહીશ કે ઝાયડસ હંમેશા આસાનીથી ઉપલબ્ધ થઈ શકે અને પરવડે તેવા ઉપચારો પૂરા પાડવામાં જ માનતું આવ્યું છે. આ હંમેશાથી અમારો સંનિષ્ઠ પ્રયાસ રહ્યો છે. રેમડેસિવીરની અમારી બ્રાન્ડ રેમડેક અમે બજારમાં મૂકી ત્યારે અમે એક વાતની ખાસ કાળજી લીધી હતી કે તે રેમડેસિવીરની સસ્તામાં સસ્તી બ્રાન્ડ બની રહે જેથી સમાજના દરેક વર્ગના લોકો તેનો લાભ લઈ શકે. ઉદ્યોગ નીતિઃ ઝાયકોવ-ડી રસી લીધા પછી કોરોના સામે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનતા કેટલો સમય લાગશે? પંકજ પટેલઃ એકવાર ઝાયકોવ-ડી રસીનો સંપૂર્ણ ડોઝ પૂરો થઈ જાય પછી તે તાત્કાલિક રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું શરૂ કરી દેશે. ઉદ્યોગ નીતિઃ ઝાયકોવ-ડી રસી લીધા બાદ સંબંધિત વ્યક્તિના શરીરમાં કેવા લક્ષણો જોવા મળી શકે છે? પંકજ પટેલઃ સામાન્ય રીતે શરીર પર થોડો સોજો તથા લાલાશ જોવા મળી શકે છે. અમુક કિસ્સામાં રસી લીધા પછી હળવો તાવ પણ આવી શકે છે. જોકે વ્યક્તિએ વ્યક્તિએ જુદા જુદા લક્ષણો જોવા મળી શકે છે. તેનો ઘણો ખરો મદાર વ્યક્તિએ કઈ રસી લીધી છે તેના પર પણ રહેલો છે. ઉદ્યોગ નીતિઃ ઝાયકોવ-ડી રસી લેનાર વ્યક્તિએ શું વિશેષ કાળજી લેવી જોઈએ? પંકજ પટેલઃ રસી લેવા માટે કોઈ વિશેષ કાળજી લેવાની જરૂર નથી. ઉદ્યોગ નીતિઃ શું એક સગર્ભા સ્ત્રી કોરોનાની રસી લઈ શકે છે? તેનાથી કોઈ જોખમ ઊભું થાય ખરું? કોરોનાની રસી લેવાથી માતાના ગર્ભમાં વિકસી રહેલા બાળક પર કોઈ અવળી અસર પડી શકે? સગર્ભા મહિલાએ શી કાળજી લેવી જોઈએ? પંકજ પટેલઃ ઝાયકોવ-ડીનું પરીક્ષણ હજી સુધી સગર્ભા સ્ત્રીઓ પર કરવામાં આવ્યું નથી. તેમના પર થોડા સમય બાદ અલગથી પરીક્ષણ કરવામાં આવશે.

ઉદ્યોગ નીતિઃ ઝાયકોવ-ડીનો કેટલો જથ્થો ભારત સરકારને પૂરો પાડવામાં આવશે? રસીના ડોઝ કોને કેટલા ફાળવવા તે અંગે કોઈ ચોક્કસ ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે ખરો? શું રસીની નિકાસનું કોઈ આયોજન છે? પંકજ પટેલઃ આ બાબતે અત્યારના તબક્કે ટિપ્પણી કરવી ઘણી વહેલી ગણાશે. આ માટેનું આયોજન કરવાની પ્રક્રિયા હજી ચાલી રહી છે. ઉદ્યોગ નીતિઃ શું ઝાયડસ પાસે દેશના જુદા જુદા હિસ્સા સુધી રસીનો જથ્થો પહોંચાડવા માટે પૂરતી માળખાગત સુવિધા ઉપલબ્ધ છે? શું દરેક રાજ્ય માટે રસીનો નિશ્ચિત ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે? પંકજ પટેલઃ હા, અમે ઝાયકોવ-ડી રસી એક સ્થળેથી બીજા સ્થળે મોકલવાની યોજના તૈયાર કરી લીધી છે. ઝાયકોવ-ડી બેથી આઠ ડિગ્રી ટેમ્પરેચરમાં આસાનીથી ટકી શકે છે. તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે કોલ્ડ ચેઈનનું વ્યાપક માળખું હોવું જરૂરી નથી. રસીની અસરકારકતા પર રતિભાર પણ ફરક ન પડે તે રીતે તેને દેશના એક ભાગમાંથી બીજા ભાગમાં સરળતાથી મોકલી શકાશે.