• 9 October, 2025 - 12:54 AM

મહિલા ઉદ્યોગસાહસિકો માટે ફંડ રેઈઝિંગ સૌથી વિકટ સમસ્યા

ree

 

“ભવિષ્યમાં કોઈ મહિલા નેતા નહિ હોય, ફક્ત નેતા હશે.” ફેસબુકના ચીફ ઓપરેટિંગ ઓફિસર શેરિલ સેન્ડબર્ગે કહેલી આ વાત સાથે દરેક મહિલા આંત્રપ્રોન્યોર પોતાની જાતને ચોક્કસ સાંકળી શકશે. નેતા નેતા હોય, તેમાં સ્ત્રી અને પુરુષનો ભેદભાવ શા માટે? એ જ વાત બિઝનેસ કરતી મહિલાઓને પણ લાગુ પડે છે.

MSME મિનિસ્ટ્રીના એન્યુઅલ રિપોર્ટ મુજબ વર્ષ 2021માં લઘુ-મધ્યમ ઉદ્યોગો ચલાવતી મહિલા ઉદ્યોગસાહસિકોની સંખ્યા વધીને 1.23 કરોડ જેટલી થઈ ગઈ હતી. દેશના MSME સેક્ટરમાં મહિલાઓનો ફાળો છેલ્લા 10 વર્ષમાં વધીને 20.37 ટકા થઈ ગયો છે. મિનિસ્ટ્રીના જણાવ્યા મુજબ વિમેન આંત્રપ્રોન્યોરશિપને પ્રોત્સાહન આપતો માહોલ ઊભો થવાને કારણે મહિલા ઉદ્યોગસાહસિકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ આંકડા કાગળ પર સારા લાગે છે, પરંતુ વાસ્તવિકતા થોડી જુદી જ છે. દેશમાં મહિલા ઉદ્યોગસાહસિકો આગળ વધી શકે તે માટે હજુ અનેક પાયે સુધારાની જરૂર છે. તેમાં સૌથી પહેલું, ઉદ્યોગસાહસિકને ઉદ્યોગસાહસિકની દૃષ્ટિથી જોવાની જરૂર છે- તેમાં પુરુષ અને મહિલાનો ભેદ થાય ત્યારથી જ વિમેન આંત્રપ્રોન્યોર્સને અન્યાય થવાનો શરૂ થઈ જાય છે.

 
 
ree

CII વિમેન નેટવર્ક, ગુજરાત ચેપ્ટરના ચેરપર્સન પૂનમ કૌશિક જણાવે છે, “બિઝનેસ કરવામાં મહિલાઓને સૌથી વધુ સમસ્યા ફંડ રેઈઝિંગમાં થાય છે. તેને ફાઈનાન્સ આપતા પહેલા બધા એ જ જુએ છે કે પાછળ કોઈ પુરુષનો ટેકો છે કે નહિ, અને નથી તો આ ગંભીર બિઝનેસ છે કે નહિ. સ્ત્રીઓ સળંગ બિઝનેસ કરી શકશે કે નહિ તે અંગે પણ બધાને આશંકા હોય છે. જેમ કે, તે માતા બનશે તો બિઝનેસ છોડી દેશે, તો પછી તેને પ્રોજેક્ટ અપાય કે નહિ. હજુ ગૃહ ઉદ્યોગ કે હેન્ડીક્રાફ્ટ જેવા બિઝનેસમાં મહિલા આંત્રપ્રોન્યોર્સ પર લોકો વિશ્વાસ કરી લે છે પરંતુ બીજા બિઝનેસમાં તેમને સમસ્યાનો સામનો કરવો પડે છે.”

ઉદાહરણ આપીને વાત કરીએ તો ઘણી વાર મહિલા ઉદ્યોગસાહસિકોને પરચેસ ઓર્ડર બતાવે તો તેની સામે પણ બેન્કો લોન આપવા તૈયાર નથી હોતી. પૂનમ કૌશિક આ સમસ્યાનું સમાધાન ચીંધતા જણાવે છે, “કેમ મહિલાઓ માટે ચાલતી બેન્કોમાં તેમને ફાયનાન્સ મેળવવામાં મુશ્કેલી નથી પડતી? કારણ કે આ બેન્કોમાં સ્ટાફનું ઓરિયન્ટેશન જ એવું કરવામાં આવે છે કે જો લોન એપ્લાય કરનારનો વ્યવસાય જેન્યુઈન લાગે તો તેને લોન આપવી. એ જ રીતે બેન્કોમાં પુરુષને લોન આપવી કે મહિલાને લોન આપવી તેના બદલે સારા બિઝનેસને લોન આપવી તેવું ઓરિયન્ટેશન શરૂ થવું જોઈએ. તેનાથી પરિવર્તન આવશે.”

 

ફાયનાન્સ મેળવવામાં સ્ત્રીઓને બીજી સમસ્યા એ નડે છે કે મહિલા ઉદ્યોગસાહસિકો પાસે કોલેટરલ તરીકે મુકવા માટે કોઈ અન્ડરલાઈંગ એસેટ્સ હોતી નથી. ભારત પુરુષપ્રધાન સમાજ હોવાને કારણે મોટાભાગે પ્રોપર્ટી કાં તો પિતાના નામે હોય છે અથવા તો પતિના નામે હોય છે. આવામાં સ્ત્રીઓ પ્રોપર્ટીને કોલેટરલ સિક્યોરિટી તરીકે મૂકી શકતી નથી. બિઝનેસમાં પૈસાની જરૂર પડે તો બહુ બહુ તો તે સોનાના ઘરેણાની સામે ફંડ મેળવી શકે છે. આ બધી મર્યાદાને કારણે પણ દેશમાં મહિલા ઉદ્યોગસાહસિકો જોઈએ તેટલા આગળ આવી શક્યા નથી.

 

જો કે ડિજિટાઈઝેશનને કારણે હવે મહિલાઓ માટે બિઝનેસ શરૂ કરવો અને વ્યાપ વધારવો વધુ આસાન બન્યો છે. બિઝનેસના વિકાસ માટે નેટવર્કિંગ ખૂબ જરૂરી છે અને આજની તારીખે નેટવર્કિંગ સ્ત્રીઓ માટે પડકારજનક છે. નવા લોકોનું મળવું, રાતના ભાગમાં મીટીંગ ગોઠવવી, લેબર સાથે કામ લેવા વગેરે જેવા બિઝનેસમાં સુરક્ષાનો પ્રશ્ન ઉદભવતા સ્ત્રીઓ પાછી પડે છે. શહેરોમાં મહિલાઓ માટે આ સમસ્યા હજુ એટલી વિકરાળ નથી પરંતુ ગામડામાં તો તે મહિલા ઉદ્યોગસાહસિકોનો વિકાસ રૂંધી જ નાંખે છે.

 

જો સ્ત્રીઓ પુરુષો જેટલી આસાનીથી નેટવર્કિંગ કરી શકશે તો તેમને ફાયનાન્સ, ક્રેડિટ, ફંડ મેળવવામાં સરળતા પડશે. ફાયનાન્સ મેળવવાની પ્રક્રિયા વધુ ડિજિટાઈઝ કરવાથી પણ વધુને વધુ સ્ત્રીઓ નાણાંકીય સ્વતંત્રતા મેળવી શકશે.

 
ree

 

ફેમિલિ બિઝનેસને કારણે પણ મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન મળ્યુઃ

 

છેલ્લા થોડા વર્ષોમાં ફેમિલી બિઝનેસમાં મહિલાઓનું યોગદાન વધ્યું છે. વિભક્ત પરિવારની વધતી સંખ્યા, સાક્ષરતા દરમાં વૃદ્ધિ અને સ્ત્રીઓમાં વધતી મહત્વકાંક્ષાને કારણે સ્ત્રીઓ પોતાની સૂઝસમજથી ફેમિલી બિઝેસને નવી ઊંચાઈઓ પર પહોંચાડી રહી છે. ખાસ કરીને ટેલેન્ટ મેનેજમેન્ટ, પબ્લિક રિલેશન્સ, કોમ્યુનિકેશન જેવી સોફ્ટ સ્કિલની જરૂર હોય તેવા ક્ષેત્રે મહિલા ઉદ્યોગસાહસિકો વધુ આગળ વધી રહી છે.

 

મહિલાઓએ જૂની વિચારધારામાંથી બહાર આવવાની જરૂરઃ

 

પેઢી દર પેઢીથી પરિવાર સંભાળવાની જવાબદારી મહિલાઓના માથે જ નાંખી દેવામાં આવી છે. આ પરંપરાનું પાલન ન કરનાર મહિલાઓને સમાજ બેજવાબદારની દૃષ્ટિએ જુએ છે. આ કારણે મહિલા ઉદ્યોગસાહસિકો પોતાના પર્સનલ અને પ્રોફેશનલ રોલ વચ્ચે પીસાયા જ કરે છે. ધારો કે, કોઈ વખત ઑફિસમાં વધુ કલાક કામ કરવાની જરૂર પડી તો તે પહેલા પરિવારનો વિચાર કરે છે. એ જ રીતે, કામ માટે ટ્રાવેલિંગ કરવું પડે તો પણ તેમને પરિવારની જવાબદારી ચૂકી જતા હોવાનું ગિલ્ટ અનુભવાય છે.

 
 
ree

આઈકન્સલ્ટ ઈન્ડિયાના ફાઉન્ડર મીનલ ગોસ્વામી જણાવે છે, “તમે ઈન્ડસ્ટ્રીમાં ઘણા સમયથી હોવ તો એક અનુભવી તરીકે તમારી પાસેથી ક્લાયન્ટ્સની અપેક્ષા વધી જાય છે. સાથોસાથ તમારે માતા,પત્ની, પુત્રવધુ સહિતની બીજી ભૂમિકા પણ ભજવવાની રહે છે. ઈમોશનલ સપોર્ટ માટે પણ બાળકો માતા પર વધુ નિર્ભર હોય છે. વળી, સમાજની વ્યવસ્થા જ એવી છે કે મદદ કરાવવા માટે ગમે તેટલા લોકો હોય, તેના મેનેજમેન્ટની જવાબદારી તો સ્ત્રીના માથે જ આવી જાય છે. બિઝનેસમાં આગળ વધવા માંગતી મહિલાઓએ આ પડકારોનો સામનો કરવો જ પડે છે.”

 

આવા સમયે તેમના જેવી જ પરિસ્થિતિમાંથી પસાર થતી બીજી મહિલાઓ સાથે વાત કરીને કે પછી સપોર્ટ સિસ્ટમ ઊભી કરીને મહિલા ઉદ્યોગસાહસિકો આ વિષચક્રમાંથી બહાર આવી શકે છે. તણાવ ઓછો હશે તો તે બિઝનેસ પર પણ વધુ સારુ ફોકસ કરી શકશે.

 

ભારતમાં બાળકોની સારસંભાળ માટેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવઃ

 

માતા બનનારી દરેક સ્ત્રી નોકરી કે ધંધાની જવાબદારી સાથે બાળકનો ઉછેર કેવી રીતે થશે તે અંગે ભારે મૂંઝવણમાં રહે છે. તેના કારણો અનેક છે.

 

– શહેરોમાં સંયુક્ત પરિવારો ખતમ થતા જાય છે. વિભક્ત કુટુંબમાં માતા-પિતા પર જ બાળકની જવાબદારી હોય છે. વધુમાં વધુ પરિવારમાં સાસુ-સસરા હોય છે. આવામાં જો તે બાળકની જવાબદારી સ્વીકારવાની ના પાડે તો એવામાં નોકરી કે બિઝનેસ છોડવાનું સીધુ દબાણ સ્ત્રી પર જ આવે છે.

 

– ભારતમાં હજુ સુધી વ્યાપક સ્તરે ડે-કેર સેન્ટર્સનું માળખું ઊભું નથી થયું જ્યાં પૂર્ણ વિશ્વાસ સાથે માતા પોતાના બાળકને મૂકીને દિવસના કલાકો બિઝનેસ કે જોબ પાછળ ફાળવી શકે છે.

 

– બિઝનેસ હાઉસ કે ઑફિસો કે પછી કોર્પોરેટ કોમ્પલેક્સમાં બાળકોને દિવસ દરમિયાન સાચવી શકાય તેવી કોઈ વ્યવસ્થા નથી.

 

શહેરોમાં હવે દરેક ઘરોમાં સ્ત્રીઓ નોકરી-બિઝનેસ કરતી થઈ જ ગઈ છે. આવામાં કોમર્શિયલ કોમ્પલેક્સમાં 1 ડે કેર સેન્ટર ઊભું કરવામાં આવે તો જે મહિલાઓને જરૂર હોય તે પોતાના બાળકોને ઑફિસના સ્થળેથી નજીક જ ડે કેર સેન્ટરમાં મૂકી શકે છે. બીજું, હવે ઘણા ટાવર્સ સાથે ધરાવતી રેસિડેન્શિયલ સ્કીમોનું પ્રમાણ પણ શહેરમાં વધી રહ્યું છે. આવી સોસાયટીઓમાં પણ સોસાયટીની જ વર્કિંગ વિમેનના બાળકો માટે 1 ડે કેર સેન્ટર શરૂ કરવામાં આવે તો મહિલાઓ નિશ્ચિંત થઈને બિઝનેસ કે નોકરી કરી શકશે. વળી, બાળકની જવાબદારી અંગે પરિવારોમાં થતા સંઘર્ષ પર પણ પૂર્ણવિરામ મૂકાઈ જશે. જેમ જેમ નોકરી-ઉદ્યોગ કરતી સ્ત્રીઓની સંખ્યા વધે તેમ તેમ તેને સપોર્ટ કરતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થવો પણ ખૂબ જ આવશ્યક છે.

 
ree

મહિલા ઉદ્યોગસાહસિકો કઈ કઈ યોજના હેઠળ ફાયનાન્સ મેળવી શકે?

 

મુદ્રા લોનઃ બ્યુટી પાર્લર, ટ્યુશન ક્લાસ, સીવણ કામ વગેરે બિઝનેસ શરૂ કરવા માટે આ સ્કીમ અંતર્ગત કોઈ પણ જાતના કોલેટરલ વિના રૂ. 50,000થી રૂ. 10 લાખ સુધીની લોન મળી શકે છે.

અન્નપૂર્ણા સ્કીમઃ ફૂડ અને કેટરિંગ બિઝનેસ સાથે જોડાયેલી સ્ત્રીઓને આ યોજના અંતર્ગત રૂ. 50,000 સુધીની બિઝનેસ લોન મળી શકે છે. આ રકમનો ઉપયોગ વાસણો, કિચન એપ્લાયન્સ ખરીદવામાં કરી શકાય છે. આ લોન 36 હપ્તામાં ચૂકતે કરવાની હોય છે.

સ્ત્રી શક્તિ યોજનાઃ આ યોજના વિવિધ કન્સેશ આપીને મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપે છે. આ માટે તેમણે આંત્રપ્રોન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં જોડાવાનું રહે છે. આ યોજના હેઠળ તેઓ રૂ. 2 લાખથી વધુની લોનના વ્યાજ પર 0.05 ટકા કન્સેશન મેળવી શકે છે.

દેના શક્તિ સ્કીમઃ આ યોજના કૃષિ, ઉત્પાદન, માઈક્રો-ક્રેડિટ, રિટેલ સ્ટોર અને નાના ઉદ્યોગો સાથે સંકળાયેલી સ્ત્રીઓને રૂ. 20 લાખ સુધીની લોન પૂરી પાડે છે. તેમને વ્યાજ દર પર 0.25 ટકાનું કન્સેશન મળએ છે. માઈક્રો-ક્રેડિટ કેટેગરીમાં તેઓ રૂ. 50,000 સુધીની લોન મેળવી શકે છે.

ભારતીય મહિલા બિઝનેસ લોનઃ મહિલા ઉદ્યોગસાહસિકોની વર્કિંગ કેપિટલ, એક્સપાન્શન, મેનુફેક્ચરિંગ વગેરેની જરૂરિયાત પૂરી કરવા માટે ભારતીય મહિલા બેન્ક દ્વારા રૂ. 20 કરોડ સુધીની લોન આપવામાં આવે છે.

મહિલા ઉદ્યમ નિધિ યોજનાઃ આ સ્કીમ પંજાબ નેશનલ બેન્ક અને સિડબી દ્વારા ઓફર કરવામાં આવે છે. નાના પાયે ઉદ્યોગ શરૂ કરવા માંગતી મહિલાઓને આ યોજના હેઠળ રૂ. 10 લાખની સહાય મળે છે. આ લોન તેમણે 10 વર્ષમાં ચૂકતે કરવાની હોય છે અને તેના વ્યાજદર માર્કેટ રેટ પ્રમાણે બદલાતા રહે છે.

ઓરિયન્ટ મહિલા વિકાસ યોજના સ્કીમઃ કોઈ ઉદ્યોગમાં વ્યક્તિગત રીતે કે સંયુક્ત રીતે 51 ટકા શેર કેપિટલ ધરાવતી મહિલાઓ આ લોન માટે એપ્લાય કરી શકે છે. તેમાં રૂ. 10 લાખથી રૂ. 25 લાખ સુધીની કોલેટરલની જરૂર પડે છે. સાત વર્ષમાં લોન ચૂકતે કરવાની હોય છે. તેમાં વ્યાજ દર ઉપર 2 ટકા સુધીનું કન્સેશન મળે છે.

સેન્ટ કલ્યાણી યોજનાઃ આ યોજનાનો લાભ બિઝનેસ કરતી અને નવો બિઝનેસ શરૂ કરવા માંગતી બંને મહિલાઓ માટે છે. કૃષિ, કુટિર ઉદ્યોગ, રિટેઈલ વેપાર વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી મહિલાઓ તેના માટે એપ્લાય કરી શકે છે. આ સ્કીમ મહદંશે ગ્રામ્ય અને પછાત વિસ્તારની નિરક્ષર સ્ત્રીઓને મદદ કરવા માટે લોન્ચ કરવામાં આવી છે.

ઉદ્યોગિની સ્કીમઃ આ સ્કીમ આર્થિક પછાત વર્ગમાંથી મહિલાઓને ઉદ્યોગ કરવા પ્રોત્સાહન આપવા માટે લોન્ચ કરાઈ છે.

Read Previous

આજે NIFTY FUTUREમાં શું થઈ શકે?

Read Next

કોરોનાના કપરા સમયમાં ઉદ્યોગપતિ રાહુલ જિતેન્દ્રએ કાપડ ઉદ્યોગની કાયાપલટ કરી નાંખી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular