મોડેલ ટેનન્સી એક્ટઃ ભાડે લેનાર અને આપનાર બંને સલામત
મિલકત માલિકને ભાડુઆતને જગ્યા ખાલી કરાવવામાં તકલીફ નહિ પડેઃ ભાડાને મુદ્દે કે અન્ય કોઈ બાબતે વિવાદ થાય તો નવી રચાનારી ઓથોરિટી તેનો ચૂકાદો 60 જ દિવસમાં આપી દેશે
માલિકે ભાડું વધારવાનો નિર્ણય લેતા પૂર્વે ત્રણ મહિના અગાઉથી ભાડુઆતને ભાડું વધારવાની જાણ કરવાની રહેશે
રેન્ટલ હાઉસિંગ માર્કેટને વી જ દિશા આપશે મોડેલ ટેનન્સી એક્ટ
કેન્દ્ર સરકારે ગત જૂનના આરંભમાં મોડેલ ટેનન્સી એક્ટ-ભાડુઆત ધારાને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રના આવાસ અને શહેરી વિસ્તારોને લગતી બાબતોના ખાતાનું કહેવું છે કે મોડેલ ટેનન્સી એક્ટ ભાડુઆત અને મિલકત માલિકના બંનેના અધિકારો અને હિતો વચ્ચે સમતુલા જાળવે છે. નવો કાયદો ભાડુઆત અને મિલકત માલિકના સંદર્ભમાં પૂર્ણ રીતે પારદર્શક છે. નવા મોડેલ એક્ટની નકલ ભારતના દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલવામાં આવી છે. દરેક રાજ્યએ કાયદાને સ્વીકારીને કે તેને આધારે નવો કાયદો તૈયાર કરીને તેનો અમલ કરવાનો રહેશે. રાજ્ય સરકારો પાસે તેમનો કાયદો તૈયાર હોય તો તેમણે તેમાં નવા કાયદાને અનુરૂપ ફેરફાર કરી લઈને પણ તેનો અમલ કરવાનો રહેશે. તેનાથી રેન્ટલ હાઉસિંગની માર્કેટને એક નવી જ દિશા મળશે. દરેકને 2022 સુધીમાં ઘરનું ઘર મળી રહે તે દિશામાંનો આ પ્રયાસ છે. પરિણામે લોકોને રહેવા માટે ભાડા પર નવા ઘર મળતા થશે. દરેક ઇન્કમ ગ્રુપના લોકોને આ કાયદા હેઠળ પોતાની જરૂરિયાત મુજબના ઘર મળી રહે તે જ સરકારનું લક્ષ્યાંક છે. સરકાર ભારતમાં કોઈપણ વ્યક્તિ ઘર વિહોણી ન રહે તે ટાર્ગેટને આ કાયદાની મદદથી અમુક અંશે પરિપૂર્ણ કરવાની નેમ ધરાવે છે. તેની મદદથી હાઉસિંગના માર્કેટને એક ઔપચારિક બજારનો દરજ્જો આપી દેવાનું ધ્યેય રાખવામાં આવ્યું છે.
પરિણામે પોતાની માલિકીના પણ ખાલી પડી રહેલા ઘર ભાડે આપવા આગળ આવનારાઓની સંખ્યા વધી જશે. આ અંગે પ્રતિભાવ આપતા એડવોકેટ ચાણક્ય ભાવસાર કહે છે, “નવો કાયદો તૈયાર થઈને અમલમાં આવશે ત્યારે માર્કેટ ફોર્સ ભાડાં નક્કી કરશે. બજારમાં ડિમાન્ડ એન્ડ સપ્લાયને આધારે વધઘટ આવે છે તે જ રીતે કાયદો તૈયાર થઈ ગયા પછી ભાડે આપવાની પ્રોપર્ટીની સંખ્યા વધી જાય તો તેને પરિણામે રેન્ટલ પ્રોપર્ટીના ભાવ નીચે પણ આવી શકે છે.” જૂનો ભાડુઆત ધારો એક પક્ષી હતો. બીજા વર્લ્ડ વોરમાં મોટી તારાજી થતાં ભાડુઆતો પાસે મિલકત માલિકો આડેધડ ભાડું વસૂલતા હતા. પરિણામે બ્રિટીશ સરકારે આ કાયદો તૈયાર કર્યો હતો. તેમાં ભાડુઆતોના અધિકારો પર ફોકસ કરવામાં આવ્યું હતું. ભારત સરકારે વધારે વિચાર કર્યા વિના જ તે કાયદો ભારતમાં પણ અમલમાં મૂકી દીધો હતો. 1947માં અમલમાં આવેલો આ કાયદો ભાડુઆત તરફી હોવાથી લોકોએ ખરીદીને કે બનાવીને ભાડે આપેલી મિલકત તેમના હાથમાં પાછી આવતી નહોતી. તેમ જ તેમને ભાડું વધારવાનો પણ અવકાશ મળતો નહોતો. તેમ જ ભાડુઆતોને ખાલી પણ કરાવી શકાતા નહોતા. આ સ્થિતિમાં ભાડુઆતો મકાનના માલિક બની જતા હતા. કોર્ટમાં જઈને તેમની પાસે રહેવા માટે અન્ય ઘર જ ન હોવાનું કારણ આગળ કરીને કોર્ટમાંથી પોતાની તરફેણમાં ભાડુઆતો ચૂકાદો મેળવી લેતા હતા. આ સ્થિતિને પરિણામે ભારતમાં અસંખ્ય લોકો પાસે વધારાની મિલકત તે પછી રહેઠાણની હોય કે કોમર્શિયલ યુઝ માટેની પ્રોપર્ટી હોય તેઓ ભાડે આપવાનું પસંદ કરતાં નહોતા. હવે નવા કાયદાને પરિણામે તેમાં પરિવર્તન આવશે.

તેનું એક કારણ એ છે કે અત્યારે 1 કરોડ લોકો પાસે રહેવા ઘર નથી તેની સામે ભારતમાં 1.10 કરોડ ઘર સાવ જ ખાલી પડેલા છે. ગુજરાતમાં 4થી 5 લાખ ઘર વેચાયા પછી વપરાયા વિના ખાલી પડ્યા હોવાનો અંદાજ છે. નિષ્ણાતો માને છે કે નવા કાયદાના અમલીકરણ પછી આ ફ્લેટ ભાડે આપવા માટે વધુને વધુ લોકો આગળ આવશે. તેને પરિણામે આવાસોની જે અછત આજે વર્તાય છે તે અછત ઓછી થઈ જશે. બીજા એક્સપર્ટ્સ માને છે કે કાયદાનો અમલ કરવાનું ચાલુ કરી દેવામાં આવશે ત્યારે ભાડાં પર ફ્લેટ કે મિલકત આપવાનું બજાર નોર્મલ થઈ જશે.
ભાડેથી વધુ મિલકતો મળતી થતાં રેન્ટલ પ્રોપર્ટીમાં રહીને પોતાના ધંધા કરવાનું લોકો વધુ પસંદ કરશે. તેનો જવાબ આપતા સ્વસ્થ આરોગ્યના પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર નીરજ મહેતા કહે છેઃ “મોટી જગ્યા એટલે કે ફોર બીએચકેની પ્રોપર્ટી લેવી હોય તો તેવા સંજોગોમાં ખરીદનારે રૂ.2.5થી 3.5 કરોડ જેટલી માતબર રકમ ખર્ચવી પડે છે. બીજું મોટી કોમર્શિયલ પ્રોપર્ટી લેવી હોય તો તેને માટે સાતથી આઠ કરોડ લગાવવા પડે છે. આ માટે લેવી પડતી લોનના હપ્તા પેટે રૂ. 4થી 5 લાખનો કે તેનાથીય મોટી રકમનો માસિક હપ્તો ચૂકવવો પડે છે. તેની સામે માસિક રૂ. 60,000થી 90,000નું ભાડું ચૂકવીને મોટી જગ્યા ભાડે લઈ શકાય છે. તેનાથી બે ફાયદા થાય છે. એક તમારા ધંધાની મોટી મૂડી તેમાં રોકાઈ જતી નથી. બીજું, તમે તે મૂડીને ધંધામાં લગાવો અને ધંધામાં સફળતા મળે તો તે રકમ બેથી ત્રણ વર્ષમાં બમણી થઈ શકે છે. ત્રીજું, ધંધો કર્યા પછી ન ચાલે અને હપ્તા ભરવાનો બોજ હોય તો તેવા સંજોગોમાં વેપારમાં સાહસ કરનાર તૂટી જાય તેવી પણ નોબત આવી શકે છે. ચૂકવેલા હપ્તાના નાણાં પણ જાય અને મિલકત પણ જાય તેવી નોબત આવી શકે છે. ચોથું એક્સપાન્સન કરવાનું આવે તો ભાડાંની નાની જગ્યામાંથી મોટી જગ્યામાં તરત ખસી શકાય છે. પોતાની માલિકીની જગ્યા હોય તો તે ન વેચાય ત્યાં સુધી એક્સપાન્શન માટે રાહ જોવી પડી શકે છે. આ લક્ઝરી મળતી હોય તો તેવા સંજોગોમાં માલિકીની મિલકત વસાવવા કરતાં હું ભાડાંની જગ્યામાં રહેવાનું અને ધંધો કરવાનું વધુ પસંદ કરીશ. મિલકતના માલિક અને ભાડુઆત બંનેની નિયત સારી હોય તો ભાડાની જગ્યામાં કોઈ જ વિવાદ થતાં નથી. જ્યા નિયતમાં ખોટ આવી ત્યાં વિવાદ ચાલુ થઈ જાય છે.”

તેની એક બીજી આડઅસર પણ રિયલ એસ્ટેટ પર જોવા મળી શકે છે. રિયલ એસ્ટેટના એટલે કે હાઉસિંગ પ્રોપર્ટીના ભાવ અત્યારે સાતમે આસમાને છે. વેકન્ટ ફ્લેટ ભાડે આપવા માટેનું બજાર ખૂલી જાય તો અમદાવાદમાં ખાલી પડેલા એકથી દોઢ લાખ અને ગુજરાતમાં ખાલી પડેલા ત્રણથી ચાર લાખ ફ્લેટ ભાડે આપવા માટે બજારમાં આવી જાય તો તેવા સંજોગોમાં બિલ્ડરોના નવા ફ્લેટના વેચાણ પર અવળી અસર પડી શકે છે. નવા ફ્લેટ્સ પાછળ કરોડો ખર્ચીને વીસ પચ્ચીસ વર્ષ સુધી તેના હપ્તા ભરતાં રહેવાને બદલે લોકો ભાડાના ફ્લેટમાં રહેવા જવાનું પસંદ કરશે. બિલ્ડરો જમીનના ઊંચા ભાવને નામે રિયલ એસ્ટેસ્ટના ઊંચા ભાવ પકડી રાખે છે. તેમના ભાવ એટલા બધાં ઊંચા છે કે એક ફ્લેટ વેચાય તેની સામે મિનિમમ એક ફ્લેટ ફ્રી થઈ જાય છે. કેટલાક કિસ્સામાં દોઢથી બે ફ્લેટ ફ્રી થઈ જતાં હોવાનું પણ જોવા મળે છે. તેથી બિલ્ડરો મંદીમાં પણ ચાર-ચાર વર્ષ સુધી ભાવ પકડી રાખીને થોડા પણ નીચા ભાવે વેચવાનું પસંદ કરતાં નથી. તેથી લોકોને પ્રોપર્ટી ખરીદવાનું પરવડતું નથી. રિયલ એસ્ટેટમાં સ્કાય સ્ક્રેપર બનાવવાની એટલ કે 100 મજલાની ઇમારતો બનાવવાની ગુજરાત સરકારે છૂટ આપી છે તેથી પણ મિલકતો સસ્તી થવી જોઈએ. પરંતુ બિલ્ડરો તેમ માનતા નથી. ગાહેડના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ કહે છે , “સ્કાયસ્ક્રેપર બનાવવાની પ્રોડક્શન કોસ્ટ ખાસ્સી ઊંચી જશે કારણ કે તેને બનાવવા માટે ટેક્નોલોજી અને મેનપાવરનો ખર્ચ ઊંચો આવે છે અને તેની સ્ટ્રેન્ગ્થ અત્યારના મકાનો કરતાં ઘણી વધારે હોવી જરૂરી છે. તેથી તે મકાનો સસ્તા મળશે તેવી માન્યતા રાખવી જોઈએ નહિ. આખા ગુજરાતમાં મોટા શહેરોની વાત કરવામાં આ તો આ પ્રકારના માંડ ચાળીસ પ્રોજેક્ટ માટેની અરજીઓ આવી છે.” ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મહેશ છાજેડ આ વાતને સમર્થન આપતા કહે છે, “મોટા મકાન બનાવવાની ટેક્નોલોજી હજુ સુધી ગુજરાતમાં નથી આવી. આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે બિલ્ડર્સે મુંબઈના મેન પાવરનો ઉપયોગ કરવો પડશે. તેથી તેમને તે મકાન બનાવવા મોંઘા પડશે.”
આમ તો 2002 પહેલા જે વ્યક્તિએ તેની મિલકત ભાડેથી આપી હોય તેમને ભાડુઆત ધારો લાગતો હતો. તેમાં એકવાર ભાડેથી જગ્યા લીધા પછી ભાડે લેનાર જગ્યા ખાલી કરતાં જ નહોતા. પરિણામે મિલકત ગુમાવવાની નોબત આવતી હતી. અન્યથા જેટલું ભાડું આવ્યું હોય તેનાથી ચાર પાંચ ગણી રકમ પરત આપીને કેટલીકવાર પ્રોપર્ટી ખાલી કરાવવી પડતી હતી. આ પ્રકારના કેસ કોર્ટમાં જાય તો તેવા સંજોગોમાં કોર્ટમાંથી તેનો ઉકેલ આવતા પાંચથી સાત કે તેનાથીય વધુ વર્ષ લાગી જતાં હતા. તેથી લોકો ઘર કે કોમર્શિયલ પ્રોપર્ટી ભાડે આપવાને બદલે વેચી દેવાનું કે પછી ખાલી પડી રહેવા દેવાનું વલણ અપનાવતા હતા. અગાઉ 11 મહિના 29 દિવસના ભાડા કરાર પર ઘર કે રહેઠાણની જગ્યા અપાતી હતી. તેમ જ 4થી 5 વર્ષની લીઝ ડીડ પર પ્રોપર્ટી આપવામાં આવતી હતી. વ્યાપારિક વપરાશ માટે અપાતી જ્ગ્યાઓ પણ આ જ શરતે આપવામાં આવતી હતી. જૂનો ભાડુઆત કાયદો ભાડુઆતની વધુ તરફેણ કરતો હતો. તેથી લોકોને મિલકત ખાલી પડી રહેવા દેવી પડતી હતી. બીજી તરફ લોકો પાસે રહેવાના ઘર નહોતા. જ્યારે અત્યારે આ પ્રકારના 1.10 કરોડથી વધુ ઘર ખાલી પડી રહ્યા છે.
નવા કાયદામાં મિલકતના માલિક અને ભાડેથી મિલકત લેનારાઓ અરસપરસ સાથે સમજૂતી કરીને મિલકતનું ભાડું નક્કી કરશે. તેમ જ મિલકત કેટલા સમય માટે ભાડે આપવી તે પણ બંનેએ મળીને નક્કી કરવાનું રહેશે. આ માટે લેખિત કરાર કરી શકાશે. સિક્યોરિટી ડિપોઝિટ ભરવાની મર્યાદા મૂકવામાં આવી છે. રહેઠાણની મિલકત ભાડે આપવાની થાય તો તેવા સંજોગોમાં બે મહિનાના ભાડાથી વધુ એડવાન્સ એટલે કે સિક્યોરિટી ડિપોઝિટ તરીકે આપવા પડશે નહિ. આ જ રીતે કોમર્શિયલ કે અન્ય કોઈ મિલકત હશે તો તેવા સંજોગોમાં તેને માટે છ મહિનાના ભાડાથી વધુ રકમ સિક્યોરિટી ડિપોઝીટ તરીકે ન લઈ શકાય તેવી જોગવાઈ દાખલ કરવામાં આવી છે.
ભાડામાં વધારો કરવાના ત્રણ મહિના પૂર્વે ભાડુઆતને તે અંગેની જાણકારી મિલકતના માલિકે આપી દેવાની રહેશે. ભાડુઆત ફ્લેટમાં કોઈ જ તોડફોડ કે સુધારા વધારા કરાવી શકશે નહિ. ફ્લેટ માલિકની લેખિત મંજૂરી લીધા પછી જ તે ફ્લેટમાં કોઈપણ પ્રકારના ફેરફાર તેમાં કરી શકશે. રેન્ટ કોર્ટ અને રેન્ટ ટ્રિબ્યુનલની સ્થાપના કરવાની જોગવાઈ પણ નવા મોડેલ ટેનન્સી એક્ટમાં જોગવાઈ કરવામાં આવી છે. મિલકતના માલિક અને ભાડુઆત વચ્ચે કોઈ વિવાદ થાય તો તેનો ઝડપથી ઉકેલ આપવાની જવાબદારી આ ટ્રિબ્યુનલ અને કોર્ટને માથે નાખવામાં આવી છે. આ વિવાદનો નિકાલ 60 દિવસની અંદર લાવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ 60 દિવસનું ભાડું પણ ભાડુઆતે નિયમિત ચૂકવવાનું રહેશે.
મોડેલ ટેનન્સી એક્ટની કલમ 23 મુજબ ભાડુઆત ખાલી ન કરે તો ચારગણું ભાડુ ચૂકવવું પડશે
કાયદાનો ચુસ્ત અમલ થાય તે માટે રેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવશે. રેન્ટ ઓથોરિટી ભાડુઆત અને મિલકત માલિક બંનેના હિતોનું રખોપું કરશે. મિલકતનો માલિક લેન્ડલોર્ડ ગણાશે અને તેમાં ભાડેથી રહેનાર ભાડુઆત ગણાશે. તેમની વચ્ચે વિવાદ થાય તો તેનો ઝડપી ઉકેલ આ તેવી પણ વ્યવસ્થા કરશે. આ કાયદામાં કેટલીક ધ્યાનપાત્ર જોગવાઈઓ નીચે મુજબ છે.
– મિલકતના માલિક અને ભાડુઆત બંને એક બીજાની સહમતીથી ભાડે આપવાના સમયગાળા માટેના કરાર કરી શકશે. માત્ર 11 મહિના અને 29 દિવસનો કરાર કરવાની જરૂર રહેશે નહિ. એકબીજાની સમજૂતીથી વચ્ચે નવો કરાર પણ કરી શકાશે.
– કલમ 23માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ જે ભાડુઆત જગ્યા ખાલી ન કરે તો ભાડા કરારની મુદત પૂરી થયાના પહેલા બે મહિના માટે બમણું ભાડું ચૂકવવું પડશે. ત્યારબાદ જ્યાં સુધી ભાડુઆત જગ્યા ખાલી ન કરે ત્યાં સુધી કરારમાં નક્કી થયેલા માસિક ભાડાંના ચાર ગણું ભાડું તેણે ચૂકવવું પડશે.
– ભાડાં કરારની મુદત પૂરી થયા પછી ભાડુઆત જગ્યા ખાલી ન કરે તો મિલકત માલિક દ્વારા વધારવામાં આવેલી ભાડાની રકમ ચૂકવવી પડશે. મોડેલ રેન્ટ એક્ટની કલમ 23માં આ માટે જોગવાઈ કરવામાં આવી છે.
– ભાડાં કરાર થયો હોય તેની વચ્ચેના સમયગાળામાં ભાડુઆત મિલકત માલિકને ભાડાં કરારનો સમયગાળો લંબાવી આપવા કે ભાડાં કરાર રિન્યુ કરવા માટે વિનંતી કરી શકે છે.
– રહેઠાણની મિલકત ભાડે આપનાર બે મહિનાથી વધુ સમયગાળાના ભાડાની રકમ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે લઈ શકશે નહિ.
– ભાડાં અંગેના વિવાદોને કોર્ટ કે ટ્રિબ્યુનલે 60 દિવસના ગાળામાં ચૂકાદો આપી દેવો પડશે.
– લેખિત કરાર કર્યા વિના કોઈપણ વ્યક્તિ ભાડા પર મિલકત આપી શકશે નહિ.
– ભાડાં કરારની નકલ રેન્ટ ઓથોરિટીને આપવાની રહેશે. ભાડાં કરાર બંને વચ્ચેનો મોટો પુરાવો ગણાશે. ભાડાનો કરાર થયાના બે માસમાં ભાડુઆત અને મકાન માલિક બંનેએ રેન્ટ ઓથોરિટીને તેની જાણ કરવાની રહેશે. નવા કાયદા હેઠળ લેન્ડલોર્ડને કે પછી ભાડુઆતને કોઈ જ રાહત આપવામાં આવશે નહિ.

ભાડુઆતને આપેલી મિલકત ખાલી કરાવવા માલિક શું કરી શકે ?
મોડેલ ટેનન્સી એક્ટ હેઠળ રચવામાં આવનારી નવી રેન્ટ કોર્ટમાં અરજી કરીને મિલકત ખાલી ન કરનારા ભાડુઆત સામે મિલકત માલિક ખાલી કરાવવાની અરજી કરી શકશે. મોડેલ રેન્ટ એક્ટની કલમ 8 હેઠળ ભરવા પાત્ર ભાડું જો ભાડુઆત ન ચૂકવે તો પણ તેને જગ્યા ખાલી કરવાની ફરજ પાડી શકાશે. તેમ જ બે મહિનાથી વધુ સમયનું જૂનું બાકી ભાડું કે અન્ય ચૂકવવા પાત્ર રકમ ન ચૂકવનાર ભાડુઆતને મોડેલ રેન્ટ એક્ટની કલમ 13ની પેટા કલમ (1) હેઠળ બાકી રકમ પર કરારમાં નક્કી કર્યા પ્રમાણે વ્યાજ ચૂકવવાની ફરજ પાડી શકાશે. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ 106(4)માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ ચૂકવણી કરવાની ફરજ પાડી શકાશે. આ માટે મિલકત માલિકે તેને નોટિસ આપવી પડશે. ભાડે આપેલી મિલકતને ભાડુઆત પેટા ભાડે આંશિક રીતે પેટા ભાડે કોઈને આપે તે પૂર્વે તેણે મકાન માલિકની લેખિતમાં પૂર્વ મંજૂરી લેવી પડશે. મિલકતનું દુરુપયોગ ભાડુઆત દ્વારા કરવામાં આવતો હોય તો તે અંગેની નોટિસ મિલકત માલિક તરફથી આપવામાં આવે ત્યારબાદ ભાડુઆતે દુરુપયોગ કરવાનું બંધ કરી દેવું પડશે. ભાડુઆત ભાડે લીધેલી મિલકતના માળખામાં કોઈ કાયમી મોટો ફેરફાર કરી શકશે નહિ.
રેન્ટ ઓથોરિટીની શી જવાબદારી રહેશે?
મોડેલ ટેનન્સી એક્ટ મુજબ દરેક રાજ્ય રેન્ટ ઓથિરિટીની નિમણૂક કરશે. રેન્ટ ઓથોરીટીની રચના નવો કાયદો તૈયાર કર્યાના ત્રણ જ મહિનાની અંદર કરવો પડશે. આ રેન્ટ ઓથોરિટીનો દરેક વહેવાર રાજ્યની સ્થાનિક ભાષામાં જ કરવાનો રહેશે. રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ બંનેની બાબતમાં સ્થાનિક ભાષાનો જ આગ્રહ રાખવામાં આવશે. દરેક ભાડાં કરાર રેન્ટ ઓથોરિટીની ડિજિટલ પ્લેટફોર્મ પર લેન્ડલોર્ડ અને ટેનન્ટે અપલોડ કરવો પડશે. ભાડા કરાર કર્યાના સાત જ દિવસમાં દસ્તાવેજ અપલો કરવો પડશે. દસ્તાવેજ અપલોડ થયા પછી રેન્ટ ઓથોરિટીએ દરેક ભાડા કરાર માટે યુનિક આઈડેન્ટિફિકેશન નંબર સુપરત કરવો પડશે. ભાડામાં તથા અન્ય ચાર્જમાં ફેરફાર કરવા માટે ભાડુઆત કે પછી મિલકત માલિક અરજી કરી શકશે. અરજી મળ્યા પછી રેન્ટ ઓથોરિટી તેમાં સુધારો કરી શકશે. આ સુધારો કઈ તારીખથી અમલી બનશે તે પણ જણાવી શકશે. મિલકતનું ભાડું ક્યાં જમા કરાવવું તે ટેનન્ટને ખબર ન પડતી હોય તો તેવા સંજોગોમાં ટેનન્ટ તે ભાડું રેન્ટ ઓથોરિટીમાં જમા કરાવી શકે છે. ભાડું જમા કરાવવાની કાર્યપદ્ધતિ અલગથી સૂચવવામાં આવશે. મિલકત માલિક ભાડુઆતને મળતી આવશ્યક સેવાઓ કે પુરવઠો અટકાવી શકશે નહિ. આ કાનૂની જોગવાઈનો મિલકત માલિક ભંગ કરે તો રેન્ટ ઓથોરિટી તેની ચકાસણી કરીને વચગાળાનો આદેશ આપી શકશે. મિલકત માલિકને તત્કાળ સપ્લાય ચાલુ કરવાની ફરજ પાડી શકશે. રેન્ટ ઓથોરિટીના ઓર્ડર સામે રેન્ટ કોર્ટમાં જઈને બંને પક્ષ અપીલ કરી શકશે. રેન્ટ કોર્ટ અને ટ્રિબ્યુનલે 60 દિવસમાં કેસનો નિકાલ કરી દેવો પડશે.
કેન્દ્ર કે રાજ્ય સરકારની ઇમારતોને કાયદો લાગુ પડશે નહિ
મોડેલ ટેનન્સી એક્ટની જોગવાઈઓ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કે પછી કેન્દ્ર શાસિત પ્રદેશની મિલકતોને લાગુ પડશે નહિ. સ્થાનિક સ્વરાજ સંસ્થાની કે ગવર્મેન્ટ અન્ડરટેકિંગની મિલકતોને પણ આ કાયદો લાગુ પડશે નહિ. સરકારી સાહસ, સ્ટેચ્યુટરી બોડી કે કેન્ટોનમેન્ટ બોર્ડની મિલકતોને આ કાયદો લાગુ પડશે નહિ. કંપની યુનિવર્સિટી અથવા તો કોઈ ઓર્ગેનાઈઝેશનની માલિકીની મિલકત તેના કર્માચારીઓને સર્વિસ એક્ટના હિસ્સા પેટે ભાડે આપવામાં આવી હોય તો તેને પણ નવા મોડેલ એક્ટની જોગવાઈ લાગુ પડશે નહિ. રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટકારો દ્વારા નક્કી કરવામાં આવેલી ધાર્મિક સંસ્થાઓ, ચેરિટેબલ સંસ્થાઓને પણ નવા કાયદાની જોગવાઈ લાગુ પડશે નહિ. વકફ એક્ટ 1995 હેઠળ રજિસ્ટર થયેલી અથવા તો રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશના પબ્લિક ટ્રસ્ટના કાયદા હેઠળ રજિસ્ટર થયેલી મિલકતોને પણ આ જોગવાઈ લાગુ પડશે નહિ.