મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઈન્સાઈડર ટ્રેડિંગ પર બ્રેકઃ આખરે સેબીએ આવો નિર્ણય કેમ લેવો પડ્યો?

શેર બજારની હિલચાલ પર નજર રાખનાર ઓથોરિટી સેબીએ હાલમાં જ નિયમોમાં સુધારા કરીને મ્યુચ્યુઅલ ફંડ યુનિટના ખરીદ-વેચાણ પર પણ ઈન્સાઈડર ટ્રેડિંગના નિયમો લાગુ પાડી દીધા છે. હાલ સુધી ઈન્સાઈડર ટ્રેડિંગના નિયમો ફક્ત લિસ્ટેડ કંપનીઓ અથવા તો જે કંપનીઓએ લિસ્ટેડ બનવા માટે પ્રસ્તાવ મૂક્યો હોય અને તેના શેર પર જ લાગતા હતા. ઈન્સાઈડર ટ્રેડિંગના નિયમો અંતર્ગત મ્યુચ્યુઅલ ફંડને વિશેષ રૂપે બાકાત રાખવામાં આવ્યા હતા.
એકાએક સેબીએ મ્યુચ્યુઅલ ફંડ્સને ઈન્સાઈડર ટ્રેડિંગના દાયરામાં આવરી લેતા પ્રશ્ન એ ઊભો થયો છે કે એવું તો શું થયું કે સેબીને આ નિયમો મ્યુચ્યુઅલ ફંડની સ્કીમો પર લાગુ પાડવાની ફરજ પડી? એક સાધારણ ઈન્વેસ્ટર માટે મ્યુચ્યુઅલ ફંડ લાંબા કે ટૂંકા ગાળાનું રોકાણ કરીને સંપત્તિ સર્જન કરવાનો એક સારો વિકલ્પ છે. એવા અનેક કિસ્સા છે જેમાં લોકોએ મ્યુચ્યુઅલ ફંડની મદદથી ઘર કે લક્ઝરી કાર ખરીદવા જેવા સપના પૂરા કર્યા છે કે પછી તેમના બાળકોના ઉચ્ચ શિક્ષણ કે લગ્નના ખર્ચ પાર પાડ્યા છે. કેટલાંક રોકાણકારો તો પોતાની નિવૃત્તિનું આયોજન પણ મ્યુચ્યુઅલ ફંડના આધારે કરે છે.
જો શેરના ભાવ છાપામાં સૌના માટે પબ્લિશ થાય એ પહેલા જો અમુક લોકોને તેની કિંમતની સંવેદનશીલ માહિતી મળી જાય તો તેમના માટે ટ્રેડિંગ કરવું સરળ બની જાય છે. બીજા લોકોને શેરની કિંમતની જાણ થાય તે પહેલા જ તેઓ ટ્રેડિંગ કરીને સરળતાથી જંગી અને ગેરવાજબી નફો કમાઈ શકે છે. આ કારણે સેબીએ ઈન્સાઈડર ટ્રેડિંગ પર બ્રેક મારીને તેને ગેરકાયદેસર અને અયોગ્ય ઠેરવી હતી. ઉલ્લેખનીય છે કે ઈન્સાઈડર ટ્રેડિંગ માટે દંડ અને જેલની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
શેર્સમાં ઈન્સાઈડર ટ્રેડિંગ રોકવામાં આવે તે તો સમજાય તેમ છે, પરંતુ એવું તો શું થયું કે સેબીએ આ નિયમો મ્યુચ્યુઅલ ફંડ હાઉસ (AMC) પર લાગુ પાડવા પડ્યા? આ માટે આપણે બે વર્ષ ભૂતકાળમાં જવું પડશે. એ સમય હતો જ્યારે દેશ કોવિડ-19ની અભૂતપૂર્વ કટોકટીનો સામનો કરી રહ્યું હતું. આ કપરા સમયમાં 23 એપ્રિલ 2020ના રોજ ફ્રેન્કલિન ટેમ્પલટન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડની 6 સ્કીમો બંધ કરી દેવામાં આવી હતી અને રોકાણકારોના લગભગ રૂ. 26,000 કરોડ અટવાઈ ગયા હતા. આ 6 સ્કીમ બંધ કરવાનું મુખ્ય કારણ એ છે કે ફંડના રૂપિયા તરલતા ન ધરાવતા રોકાણોમાં અટવાયા હતા. મહામારીને કારણે રોકાણકારો મોટા પાયે પૈસા પાછા ખેંચી લેશે તેના ભારે દબાણ હેઠળ આ સ્કીમો બંધ કરી દેવી પડી હતી.

તમને એ પ્રશ્ન ચોક્કસ થશે કે આ છ સ્કીમનું આખરે ઈન્સાઈડર ટ્રેડિંગ સાથે શું કનેક્શન છે? અને બે વર્ષ બાદ આ ભૂત કેમ ફરી ધૂણ્યું છે? વાત એવી છે કે સેબીની તપાસમાં જાણવા મળ્યું છે કે ફ્રેન્કલિન ટેમ્પલટન ફંડ હાઉસના કેટલાંક ઉપરી સંચાલકોએ સ્કીમ બંધ થવાની ઘોષણા પહેલા પોતાના ઈન્વેસ્ટમેન્ટ પાછા ખેંચી લીધા હતા. તેમાં ફ્રેન્કલિન ટેમ્પલ્ટનના એશિયા પેસિફિક રિજનના હેડ વિવેક કુડવા, તેમની પત્ની કૂપા, માતા વાસંતીએ 20 માર્ચથી 3 એપ્રિલ 2020 વચ્ચે ડેટ સ્કીમમાંથી રૂ. 30 કરોડ પાછા ખેંચ્યાનું પ્રકાશમાં આવ્યું હતું.
જૂન 2021માં સેબીએ વિવેક કુડવા અને તેમની પત્ની પર છ ફંડ બંધ થવાની જાહેરાત પૂર્વે જ પૈસા ઉપાડવાના ગુનામાં રૂ. 7 કરોડની પેનલ્ટી ફટકારી હતી. આ ઉપરાંત એસ્ક્રો એકાઉન્ટમાં તેમને રૂ. 22.65 કરોડ ઉપરાંત 12 ટકા વ્યાજ જેટલી રકમ જમા કરાવવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો.
બીજી એક કંપની માઈવિશ માર્કેટપ્લેસિસમાં વિવેક કુડવા અને અમિત સેઠી ડિરેક્ટર્સ હોવાનું જાણવા મળ્યું હતું. આ જ ગાળામાં તેમણે કંપનીમાંથી રૂ. 22 કરોડ ઉપાડી લીધા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ કિસ્સામાં સેબીએ તેમને રૂ. 5 કરોડનો દંડ ફટકાર્યો હતો. ફ્રેન્કલિન ટેમ્પલ્ટન મ્યુચ્યુઅલ ફંડના ડિરેક્ટર વેંકટ રાધાક્રિષ્ણન અને તેમની પત્ની માલતીને પણ સેબીએ રૂ. 50 લાખનો દંડ ફટકાર્યો હતો. આ બધા જ લોકોએ તેમની સત્તા, હોદ્દા અને જાહેર ન થઈ હોય તેવી વિગતોનો દુરુપયોગ પોતાના લાભ માટે કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય એક કિસ્સામાં મ્યુચ્યુઅલ ફંડના એક પ્રતિષ્ઠિત રજિસ્ટ્રાર તથા ટ્રાન્સફર એજન્ટે લોકો સમક્ષ ફંડને લગતી સંવેદનશીલ વિગતો જાહેર થાય તેના પહેલા જ તેનો દુરુપયોગ કરીને સ્કીમમાં પોતાના તમામ યુનિટ્સ રીડીમ કરી દીધા હતા.
સેબીએ તેના કન્સલ્ટેશન પેપરમાં હવે ‘કનેક્ટેડ પર્સન’ તથા ‘ડેઝિગ્નેટેડ પર્સન’ની પરિભાષા અને તેના અર્થઘટન અંગે સ્પષ્ટતા કરી છે. આથી સેબીએ 24 નવેમ્બર 2022થી મ્યુચ્યુઅલ ફંડને પણ ઈન્સાઈડર ટ્રેડિંગના દાયરામાં આવરી લીધું છે. મ્યુચ્યુઅલ ફંડના નિષ્ણાંતોનું માનવું છે કે સેબીએ સાચી દિશામાં પગલું ફર્યું છે.
રોકાણના કોઈપણ ટૂલ્સમાં ઈન્સાઈડર ટ્રેડિંગ પ્રતિબંધિત જ હોવું જોઈએ. આથી સેબીએ મ્યુચ્યુઅલ ફંડમાં ઈન્સાઈડર ટ્રેડિંગ પર પ્રતિબંધ લાદીને યોગ્ય દિશામાં પગલું ભર્યું છે.
આ કારણે હવે મ્યુચ્યુઅલ ફંડ મેનેજર્સ અને તેની સાથે સંકળાયેલા અધિકારીઓ સ્કીમના ઈન્વેસ્ટમેન્ટ અંગે વધુ સચેત થઈ જશે અને તેને સતત મોનિટર કરતા થઈ જશે.
રોકાણકારોની મ્યુચ્યુઅલ ફંડમાં રોકાયેલી સંપત્તિ વધુ સુરક્ષિત બનશે. ફંડમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ કે ગોટાળા થવાની શક્યતા ઘટી જશે.
સેબીનું નિયંત્રણ વધતા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમોમાં ઈન ફ્લો વધી જશે.