રશિયા-યુક્રેન યુદ્ધઃ ક્રૂડની વધતી કિંમતને કારણે ઉદ્યોગો ટેન્શનમાં
સ્ટેગફ્લેશનની પકડમાં ભારતનું અર્થતંત્રઃ આર્થિક વિકાસ પર બ્રેક, મોંઘવારી મોં ફાડીને મધ્યમ અને ગરીબ વર્ગને ઓહિયા કરી જવા તૈયાર

યુક્રેન રશિયા વચ્ચેના યુદ્ધને પરિણામે ક્રૂડ ઓઈલના બેરલદીઠ ભાવ નવમી માર્ચે 127 અમેરિકી ડૉલરની સપાટીને આંબી ગયા છે. ભારત સરકારે 2022-23નું બજેટ તૈયાર કરતી વખતે વરસ દરમિયાન ક્રૂડના ભાવ 75થી 80 ડૉલરની આસપાસ રહેવાના ગણિતો સાથે બજેટ તૈયાર ક્યું હતું. આજે ક્રૂડના ભાવ 127 ડૉલરની સપાટીને આંબી ગયા છે. ભારતના નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પણ સ્વીકાર્યું છે કે, “ક્રૂડ ઓઈલના ભાવ વધારાની ભારતીય અર્થતંત્ર ઓછી અસર પડે તે માટે ક્રૂડ ઓઈલના સપ્લાયના વૈકલ્પિક સ્રોતનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. ક્રૂડના સરેરાશ ભાવને આધારે અગાઉ એડજસ્ટમેન્ટ કરવાની અમે બજેટમાં જોગવાઈ કરી જ છે, પરંતુ ક્રૂડના સરેરાશ ભાવ સપાટીથી ઘણાં આગળ વધી ગયા છે. ક્રૂડના ભાવ વધારાને કારણે ઊભા થઈ રહેલા પડકારને પહોંચી વળવામાં અને તેની અસરને સીમિત કરવામાં અમે કેટલા સફળ થઈએ છીએ તે આવનારો સમય જ કહી શકશે. છતાંય ભાવમાં ઘટાડો થવાની કોઈ જ ગુંજાયશ નથી.”
ક્રૂડની આયાતમાં ભારત ત્રીજા ક્રમેઃ
તેનુંય કારણ છે. ભારત ચીન અને અમેરિકા પછી ક્રૂડની સૌથી વધુ આયાત કરતો દેશ છે. ભારત દ્વારા આયાત માટે વરસે દહાડે કરવા પડતા કુલ ખર્ચમાંથી 20 ટકા તો એકલા ક્રૂડની આયાત પાછળ ખર્ચવા પડી રહ્યા છે. ડિસેમ્બર 2021ના પૂરા થયેલા નવ મહિનાના ગાળામાં ભારતે ક્રૂડ ઓઈલની આયાત પાછળ 82.4 અબજ ડૉલરનો ખર્ચ કર્યો હતો. બાકીના ત્રણ મહિનામાં આ આયાતનો ખર્ચ વધીને 110 અબજ ડૉલરને વળોટી જાય તેવી સંભાવના છે. 2020ના એપ્રિલ મહિનાથી ડિસેમ્બરના નવ મહિનાના ગાળામાં ક્રૂડની આયાત પાછળ કરેલા 39.6 અબજ ડૉલરના ખર્ચની તુલનાએ આ ખર્ચ બમણાથી પણ વધુ એટલે કે 108 ટકાની આસપાસ હતો. રશિયા-યુક્રેનના યુદ્ધને પરિણામે ક્રૂડની આયાત ભારત માટે સૌથી મોટો પડકાર બની ગયો છે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કૈલાશ ગઢવીનું કહેવું છે, “ક્રૂડના ભાવ વધારાને કારણે ભારતનું અર્થતંત્ર કડડભૂસ થશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામ ખોરવાશે. રોજગારીની નવી તક નિર્માણ થતી અટકશે. કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ વધી જશે. બેલેન્સ ઓફ પેમેન્ટની સમસ્યા વકરશે. ફોરેક્સ રિઝર્વમાં પણ મોટો ઘટાડો આવશે.”
કંપનીઓના વાર્ષિક પરફોર્મન્સ પર સીધી અસર પડશેઃ
બીજી તરફ રશિયાએ ક્રૂડ ઓઈલનો બેરલદીઠ ભાવ 300 અમેરિકી ડૉલરને આંબી જશે તેવી ચીમકી પણ આપી છે. નવમી માર્ચે ઇન્ટ્રા ડે ટ્રેડિંગમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ 127 ડૉલરને વળોટી ગયા હતા. રશિયા તરફથી કરવામાં આવતા ક્રૂડ ઓઈલના સપ્લાયને અમેરિકાએ અટકાવ્યો હોવાથી ક્રૂડના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ક્રૂડના ભાવ વધારાની સીધી અસર ભારતના અર્થતંત્ર પર પડશે તે નિશ્ચિત છે. દેશમાં મોંઘવારી માઝા મૂકશે. નવા ઉત્પાદિત માલસામાનની ડીમાન્ડમાં મોંઘવારીને કારણે બહુ મોટો વધારો જોવા નહિ મળે. તેની સીધી અસર ઉત્પાદકોના નફા પર અને કંપનીઓના વાર્ષિક પરફોર્મન્સ પર પડશે. કંપનીઓ કે મેન્યુફેક્ચરર્સના ઉત્પાદન અને આવક ઘટતા મેનપાવરની જરૂરિયાત ઓછી થશે. પરિણામે બેરોજગારી વધશે. અર્થતંત્રની ભાષામાં તેને સ્ટેગફ્લેશન તરીકે ઓળખાવવામાં આવે છે. વર્લ્ડ બેન્કના ચીફ ઇકોનોમિસ્ટ કૌશિક બસુએ ચેતવણી આપી દીધી છે કે ભારતનું અર્થતંત્ર સ્ટેગ્ફ્લેશનની પકડમાં આવી ગયું છે. સ્ટેગ એટલે કે સ્ટેગ્નન્ટ થઈ ગયેલી ડીમાન્ડ અને ફ્લેશન એટલે ઇન્ફ્રેલેશન. આપણી સ્થાનિક ભાષામાં આપણે તેને ફુગાવા તથા ભાવ વધારાની સાથે સાથે જ બેરોજગારી વધવાની સ્થિતિને સ્ટેગફ્લેશન તરીકે ઓળખાવવામાં આવે છે.

જીડીપી પર નેગેટિવ અસરઃ
સ્ટેગફ્લેશનની દેશની કુલ રાષ્ટ્રીય ઉપજ-ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પર પણ નકારાત્મક-નેગેટીવ અસર કરશે. ડિસેમ્બર 2021માં ક્રૂડ ઓઈલના બેરલદીઠ ભાવ 70 અમેરિકી ડૉલરની આસપાસ રમતા હતા. તેથી જ ભારત સરકારે સરેરાશ 75 અમેરિકી ડૉલરની સપાટીએ ક્રૂડ રહેશે તેવી ગણતરી સાથે બજેટ તૈયાર કર્યું હતું. આઠમી માર્ચે ક્રૂડના ભાવ ભારત સરકારની ગણતરી કરતાં 85 ટકા ઊંચા છે. ભારત સરકારે પહેલી ફેબ્રુઆરી 2022ના દિને તેનું બજેટ રજૂ કર્યાના સવા મહિનામાં જ તેના બધાં જ ગણિતો પલટાઈ ગયા છે. તેનું એક કારણ એ છે કે અમેરિકાએ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તે બદલ આર્થિક નાકાબંધી લાદવાના નિર્ણયના ભાગરૂપે અમેરિકાએ રશિયા પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે ક્રૂડ ઓઈલનું સૌથી વધુ ઉત્પાદન રશિયામાં થાય છે. તેના સપ્લાયને વિશ્વના બજારમાં આવતો અટકાવી દેવામાં આવે તો તેને પરિણામે ભાવમાં ભડકો જ થાય. આંતરરાષ્ટ્રીય બજારમાં રશિયાનો સપ્લાય ન આવે ત્યાં સુધી ભાવ નીચા આવશે નહિ.
ભારત પર યુદ્ધની ગંભીર અસર પડશેઃ
આમ તો યુક્રેન અને રશિયાના યુદ્ધ સાથે ભારતની સીધી કોઈ જ લેવાદેવા નથી. પરંતુ ભારત પર તેની સૌથી વધુ અસર પડશે. ભારત વરસે દહાડે અંદાજે રૂ. 8.50 લાખની મૂલ્યના ક્રૂડની આયાત કરે છે. હવે આ આયાત ચાલુ રહે તો ભારતનો ખર્ચ 12.50 લાખ કરોડને આંબી જવાની સંભાવના છે. આર્થિક બાબતોના નિષ્ણાતોનું માનવું છે કે તેને પરિણામે કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ વધી 2.5 ટકા વધી જશે. નિકાસ થકી થતી આવક અને આયાત કરવાથી થતાં ખર્ચ વચ્ચેના ગાળાને કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ તરીકે ઓળખાવવામાં આવે છે. ક્રૂડનો ભાવ 100 ડૉલર પર રહે તો કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ 2.5 ટકા થશે, તેનાથી વધુ થાય તો આ ડેફિસિટ વધી શકે છે. અત્યારે ક્રૂડના ભાવ 127 ડૉલરની આસપાસ છે.

ઈલેક્ટ્રિક વ્હીકલને પ્રમોટ કરશે સરકારઃ
રૂ. 8.50 લાખ કરોડના હૂંડિયામણને બચાવવા માટે ભારત સરકાર ઇલેક્ટ્રિક વેહિકલને પ્રમોટ કરવાનું વિચારી રહી છે ત્યારે ક્રૂડની આયાતનું બિલ ઘટશે તેવા ગણિતો પર પાણી ફરી વળ્યું છે એટલું જ નહિ, ક્રૂડ ઇમ્પોર્ટનું બિલ તેનાથી 50 ટકા ઊંચું જાય તેવી નોબત આવી ગઈ છે. કારણ કે ભારત તેની ક્રૂડની કુલ જરૂરિયાતમાંથી 84 ટકા ક્રૂડની આયાત કરે છે. ક્રૂડના ભાવ ન ઘટે તો ભારતનું અર્થતત્ર હચમચી ઊઠશે. આમ તો યુદ્ધ પૂર્વે જ ભારતના અર્થતંત્રનો વિકાસદર નીચે રહેવાની ચેતવણી અપાઈ ગયેલી છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસે પણ બજેટ રજૂ થયા પછી જણાવ્યું છે કે 2022-23નો વિકાસ દર 7.8 ટકા રહેશે. 2021-22ના વર્ષમાં રહેલા 9.2 ટકાના વિકાસદર કરતાં તે નીચો રહેશે. કદાચ 8થી 8.5 ટકાની રેન્જમાં રહેશે. હવે વિકાસદર 7 ટકા કે તેનાથીય નીચે રહેવાની ગણતરી મૂકાઈ રહી છે.
પેટ્રોલનો ભાવ રૂ. 125ને આંબી જશે?
બીજી તરફ ક્રૂડની આયાત બંધ કરી દેવી પણ પરવડે તેમ નથી ભારતની ક્રૂડની કુલ જરૂરિયાતના માત્ર 16 ટકા જ સ્થાનિક ઉત્પાદનથી પૂરી કરી શકાય છે. હા, ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન-ઓએનજીસી જેવી ભારતીય કંપનીને ક્રૂડના ભાવ વધતા તેની આવક અને નફો વધશે. આ સ્થિતિમાં ક્રૂડની આયાત ઘટાડે કે કંટ્રોલ કરે તો ભારતીય અર્થતંત્ર સ્થગિત થઈ જવાની સંભાવના વધુ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તતા ભાવે ક્રૂડની આયાત કરવામાં આવે તો સ્થાનિક-ભારતના બજારમાં પેટ્રોલ, ડીઝલના ભાવમાં ભડકો થાય. આમેય પાંચ રાજ્યની વિધાનસભાની ચૂટણી પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15થી 25 ટકાનો વધારો થઈ જશે. પેટ્રોલ લિટરે રૂ. 125 અને ડીઝલ લિટરે રૂ. 115ના મથાળાનો વળોટી જશે. સાતમી માર્ચે વિધાનસભાની ચૂટણીઓ પૂરી થઈ. દસમી માર્ચે ચૂંટણીના પરિણામો જાહેર થયા. ચાર રાજ્યમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે. પંજાબમાં અરુણ કેઝરીવાલના આપે બાજી મારી લઈ અનુભવી રાજકારણીઓને ધૂળ ચાટતા કર્યા છે.
પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો અટકાવવા શું હશે સરકારની સ્ટ્રેટેજી?
હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા અટકાવવા સિવાય ભારત સરકાર પાસે કોઈ જ છૂટકો નથી. રાજ્ય સરકારોએ પણ વેટમાં ઘટાડો કરવા સિવાય છૂટકો નથી. છથી આઠ મહિના પહેલા ગુજરાત સરકારે અને ભારત સરકારે ક્રૂડ પરના ટેક્સના દરમાં ઘટાડો કર્યો હતો. પરંતુ હવે વિદેશી હૂંડિયામણના વધી જનારા ખર્ચ સામે વેરાની આવક ઘટે તેવું એક પણ પગલું ભારત સરકાર લઈ શકે તેમ નથી. તેથી પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સના દરમાં ઘટાડો થવાની કોઈ જ સંભાવના દેખાતી નથી. હા, તેને જીએસટી- ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના દાયરામાં લાવવા અંગે કાઉન્સિલ વિચાર કરી રહી છે. તેમાં તેને 28 ટકાના સ્લેબમાં મૂકી દેવામાં આવશે કે ટેક્સ ઉપર સેસ લગાડવામાં આવશે તો તેને પરિણામે તેના પરનો વેરાનો બોજ વધી શકે છે. 18 ટકાના સ્લેબમાં મૂકવામાં આવે તો થોડો બોજ ઓછો આવશે. તેને આઠ ટકાના સંભવિત નવા સ્લેબમાં મૂકવાની શક્યતા ઓછી છે. જીએસટીના સ્લેબ પણ 5, 12, 18 ને 28થી ઘટાડીને 8, 18 અને 28ના કરવાનો ભારત સરકારનો ઇરોદો હોવાનું જાણવા મળી રહ્યું છે. કેન્દ્ર સરકાર ટેક્સ ઘટાડે તો તેની આવકમાં ઘટાડો થવાની સંભાવના છે. આવક ઘટે તો માળખાકીય સુવિધા માટે કરવા ધારેલો ખર્ચ કરી શકશે નહિ. માળખાકીય સુવિધા માટે ખર્ચ ન કરે તો રોજગારી નિર્માણ કરવાના ભારત સરકારના આયોજનો અવળા પડશે. તેની અસર સીધી ડીમાન્ડ પર આવશે.

છૂટક ફૂગાવાનો દર વધશે઼, ખરીદશક્તિ ઘટશેઃ
ક્રૂડ ઓઈલના ભાવમાં 10 ટકાનો વધારો આવે તો તેને પરિણામે હોલસેલ ઇન્ફ્લેશનમાં 0.9 ટકાનો વધારો આવી જાય છે. તેમ જ છૂટક ફૂગાવાના દરમાં 0.5 ટકાનો વધારો આવી જાય છે. છેલ્લા પંદર દિવસમાં જ ક્રૂડના ભાવમાં 25 ટકાનો વધારો આવી ગયો છે. ફુગાવો વધવાને કારણે મોટાભાગના ભારતીયોની ખરીદી કરવાની તાકત ઘટી જશે. તેથી દરેક ચીજવસ્તુઓની ડીમાન્ડમાં ઘટાડો આવશે. સાબુ, ફોન, મોટરકાર, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, એરકન્ડિશનર્સ જેવા વ્હાઈડ ગુડ્સની ડીમાન્ડ ઘટશે. દરેક વર્ગની વ્યક્તિ તેની ખર્ચ કરવાની ક્ષમતા પ્રમાણે આ વસ્તુઓની ખરીદી કરે છે. ભાવ વધી જતાં ખરીદીમાં ઘટાડો થાય છે કે બ્રેક લાગે છે. તેમ જ મોંઘવારી વધતા ખર્ચ માટે વધુ પૈસા હાથમાં ન રહેતા પ્રવાસ કરવા પર અંકુશ આવશે. પ્રવાસન ઉદ્યોગ ખાસ્સી રોજગારી નિર્માણ કરે છે. ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટના પરિસરના ગામોના આર્થિક સમીકરણો છેલ્લા બેથી ત્રણ વર્ષમાં ઘણાં ફરી ગયા છે. તેના પર પણ બ્રેક લાગશે. દેશ આખાના અને પરદેશના પ્રવાસ ઉદ્યોગને ફટકો પડશે.
GDPમાં ઘટાડો નિશ્ચિતઃ
બીજી તરફ ગ્રાહકોની ડીમાન્ડ ઘટી જતાં જીડીપીનો વિકાસદર ઘટશે. કારણ કે ખાનગી વપરાશકારોની ડીમાન્ડ જ ભારતના જીડીપીનો 55 ટકા હિસ્સો નક્કી કરે છે. આ વસ્તુઓનો વેપાર કોરોના પૂર્વેના વેપાર સુધી ઘણાં વેપાર ઉદ્યોગ હજી પહોંચ્યા નથી, ત્યાં આ બીજો ફટકો પડશે. ચીજવસ્તુઓની ડીમાન્ડ ઘટી જાય તો તેને પરિણામે બિઝનેસના વિસ્તરણના અને ઉત્પાદન ક્ષમતા વધારવાના કામકાજો પર બ્રેક લાગી જાય છે. ઉદ્યોગોના વિસ્તરણના કામકાજ અટકે તો નવી રોજગારીની તક નિર્માણ થતી અટકી જાય છે. બેરોજગારી વધશે. પરિણામે નોકરિયાતોની આવક પણ ઘટશે.
ભારતીય અર્થતંત્રને પડ્યા પર પાટુંઃ
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ થયું તે પૂર્વે જ ભારતનો જીડીપી નીચો જવાનો નિર્દેશ મળવા માંડ્યો હતો. ફેબ્રુઆરીના બીજા પખવાડિયામાં જાહેર કરવામાં આવેલા ઓક્ટોબર-ડિસેમ્બર 2021ના આંકડાઓ પર નજર માંડવામાં આવે તો તે મુજબ ભારતના અર્થતંત્રનો જીડીપી આ ત્રિમાસિક ગાળામાં 5.4 ટકાનો રહ્યો હતો. દિવાળીને કારણે આ ત્રિમાસિક ગાળામાં ડીમાન્ડમાં ખાસ્સો વધારો થયો હોવા છતાંય જીડીપી 5.4 ટકાની નીચી સપાટીએ રહ્યો હતો. જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળાને અંતે તે 5.4 ટકાથી પણ નીચે જાય તેવી સંભાવના છે. આ ત્રિમાસિક ગાળામાં કોવિડના કેસો પણ ઓછા જ હતા. છતાંય જીડીપીનો વિકાસદર 5.4 ટકા રહ્યો છે. જીડીપી 6 ટકાની નીચે આવે તે અર્થતંત્ર માટે અમંગળ એંધાણી ગણાય. જાન્યુઆરી-માર્ચ 2022ના કેલેન્ડર વર્ષના ત્રિમાસિક ગાળામાં તો જીડીપીનો વિકાસ દર 5.4થી પણ નીચે રહેવાની સંભાવના છે. તેમાં ભાવ વધારો વધુ ખરાબ અસર કરનાર સાબિત થશે. યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધનું આ પરિણામ મનાય છે.
ફૂગાવાને કારણે ઈન્વેસ્ટમેન્ટ અંગે ફેરવિચાર કરવો પડશેઃ
રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને પરિણામે બદલાયેલા ગણિતો વચ્ચે વિશ્લેષકો ઇન્ફ્લેશનના દર અંગે નવેસરથી ત્રિરાશી માંડવા લાગ્યા છે. 2022-23ના વર્ષમાં જીડીપી 7.9 ટકા નહિ, 7.7 ટકા રહેશે તેવી જાહેરાત થોડા અઠવાડિયા પૂર્વે જ કરવામાં આવી છે. તેની સાથે જ ફુગાવાનો દર 5.8 ટકાથી વધીને 6.3 ટકા થવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. ફુગાવાનો આ દર માર્ચને અંતે વધીને 6.5 કે તેનાથી પણ ઉપર નીકળી જાય તો નવાઈ પામવા જેવું નથી. પરિણામે બેન્કમાં તમારી પડેલી દરેક ડિપોઝિટ પર 6 ટકા વ્યાજ મળતું હશે તો તમારી તે નાણાંની ખરીદશક્તિ ઓછીને ઓછી થતી જશે. સિનિયર સિટિઝન્સે વધુ મોંઘવારીનો સામનો કરવો પડશે. તેમને તેમના પેન્શનની અને વ્યાજની આવક જિંદગી નિભાવવામાં ઓછી પડતી લાગશે. તેથી ડીમાન્ડ ઘટશે. કંપનીઓનો માલ વેચાતો અટકશે. ઉદ્યોગોનો વિકાસ અટકી જવો અને ફુગાવાનો દર વધી જવો એ બે સાથે જ આવે ત્યારે તે સ્થિતિ અર્થતંત્ર માટે ઘાતક સાબિત થાય છે. સામાન્ય રીતે લોકોની આવકમાં વધારો થતો હોય ત્યારે ઓછી વસ્તુઓને ખરીદવા વધુ પૈસા બજારમાં આવતા હોવાથી વધતી કિંમતને કારણે ભાવ વધતા જાય છે. તેને ફુગાવો ગણવામાં આવે છે.

ઈતિહાસનું પુનરાવર્તનઃ
1970ની સાલમાં આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ હતી. આ અરસામાં વિશ્વના ઓપેક-ઓઈલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝે કાર્ટેલ રચતાં ક્રૂડ ઓઈલના ભાવ 70 ટકા વધી ગયા હતા. ક્રૂડના ભાવ વધતા ફુગાવો વધી ગયો હતો. ડીમાન્ડ ઘટી ગઈ હતી. ઔદ્યોગિક વિકાસ ઠપ થઈ ગયો હતો. ઉત્પાદન ઘટી ગયું હતું. પરિણામે પશ્ચિમના દેશોના અર્થતંત્રોની હાલત ખરાબ થઈ ગઈ હતી. આજે ક્રૂડના ભાવ 85 ટકા વધી ગયા છે. આ ભાવ 225 ટકા સુધી વધી શકે છે તેવી ચેતવણી રશિયાએ આપી દીધી છે. તેથી ભારત સ્ટેગ્ફ્લેશનની અસર હેઠળ આવી રહ્યું હોવાનો નિર્દેશ મળે છે. વિશ્વના 70 દેશના 450 સભ્ય ધરાવતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ ફાઈનાન્સના ડેપ્યુટી ચીફ ઇકોનોમિસ્ટ સર્ગિ લાનૌએ પણ ટ્વિટ કરીને જાહેર કર્યું છે કે ભારત સ્ટેગ્ફ્લેશનના ચક્કરમાં આવી જ ગયું છે. ભારતનો વિકાસદર 7.8 ટકા રહેવાનો અંદાજ છે. કોવિડ પૂર્વેના સમયગાળાના વિકાસદરની તુલનાએ આ વિકાસદર ઘણો જ નીચો છે. ઇન્ફ્લેશનનો દર 5 ટકાથી વધુ છે. કોર ઇન્ફ્લેશનમાં ફૂડ પ્રાઈસ અને ફ્યુઅલ પ્રાઈસના વધારાની અસરની બાદબાકી કરી દેવામાં આવી હોવા છતાંય તે સતત વધી રહ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની ઇચ્છા છે કે ફુગાવાનો દર 4 ટકાથી નીચે રહેવો જોઈએ. કોવિડને કારણે ભારતના અર્થતંત્રના વિકાસની ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે.
ક્યારે ઘટશે ક્રૂડના ભાવ?
હવે ક્રૂડ ઓઈલના ભાવ બહુ લાંબા સમય સુધી નીચે આવે તેવી સંભાવના ઓછી છે. અત્યારે 127 ડૉલરની સપાટીએ અથડાતા ક્રૂડ ઓઈલના ભાવ વધીને ડિસેમ્બર 2022 સુધીમાં 185 ડૉલરના મથાળાને વળોટી જાય તેવી શક્યતા બજારના વર્તુળોએ દર્શાવવામાં આવી રહી છે. રશિયાએ તો આ ભાવ વધીને 300 ડૉલર સુધી જવાનો નિર્દેશ આપ્યો છે. કદાચ આપણે બેરલદીઠ 185 કે 300 ડૉલરના ભાવને કોઈની કલ્પનાના ગુબ્બારા તરીકે જોઈએ, છતાંય જો ક્રૂડ ઓઈલના ભાવ બેરલદીઠ 100થી 125 ડૉલરની રેન્જમાં પણ રહેશે તોય ભારતીય અર્થતંત્રની હાલત ખરાબ જ થવાની છે. મોંઘવારી માઝા મૂકશે. ક્રૂડ ઓઈલની ભારતની જરૂરિયાત એટલો મોટી છે કે ફુગાવાનો દર તો ઉપર જશે જ જશે. એકતરફ ભાવ વધશે અને બીજીતરફ લોકોની આવક ઘટશે.
બેરોજગારીમાં બેફામ વધારો થવાની શક્યતાઃ
ભારતમાં બેરોજગારીની સમસ્યા બહુ જ તીવ્ર બની રહી છે. મશીન આધારિત ઔદ્યોગિક ઇન્વેસ્ટમેન્ટ આવતા હોવાથી સીધી રોજગારીની તક ઓછી નિર્માણ થાય છે. અલબત્ત તેના થકી જાતજાતના કામ મળતા આડકતરી રોજગારીનું નિર્માણ થાય છે. પરંતુ નવા ઔદ્યોગિક ઇન્વેસ્ટમેન્ટ ઘટી રહ્યા છે. ક્રૂડને કારણે આવનારી મોંઘવારીને પરિણામે ઘટનારી ડીમાન્ડને પરિણામે ઉદ્યોગોના વિસ્તરણ પર બ્રેક લાગી જશે. તેથી બેરોજગારીની સમસ્યા વકરશે. હા, સમૃદ્ધ ભારતીયો પર તેની અવળી અસર ઓછી પડશે. પરંતુ આમ આદમી બેરોજગારીના બોજ તળે કચડાઈ જશે. તેમણે અસ્તિત્વને ટકાવી રાખવા વધુને વધુ સંઘર્ષ કરવો પડશે.
ડિસેમ્બર 2021ના અંત સુધીમાં સાત અબજ ડોલરના ક્રૂડની કરવામાં આવેલી આયાતમાંથી 3.5 અબજ ડૉલરના ક્રૂડની આયાત રશિયાથી કરવામાં આવી છે.
હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ અને કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ અને ઇન્ફ્લેશન શું છે?
ભારતમાં ફુગાવાનો દર નક્કી કરવા માટે હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ અને કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ બંનેનો ઉપયોગ કરવામાં આવે છે. હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સમાં હોલસેલના સ્તરે પ્રવર્તતા ભાવમાં આવતા ફેરફારોની નોંધ લેવામાં આવે છે. હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સની ગણતરી કરવા માટે 697 જેટલી ઉપયોગી વસ્તુઓના હોલસેલના ભાવની વધઘટને ધ્યાનમાં લેવામાં આવે છે. તેમાં 65 ટકા ઉત્પાદનો મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સ છે. બીજા 20.1 ટકા ઉત્પાદનો ખાદ્ય સામગ્રીના છે. ઇંધણ અને ઉર્જાનો હિસ્સો તેમાં 14.9 ટકાનો છે. તેમાં થતી વધઘટને આધારે ઇન્ડેક્સ નક્કી કરવામાં આવે છે. ભારત સરકારનું વાણિજ્ય મંત્ર્યાલય આ હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ નક્કી કરે છે. રિઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજનના સમયકાળ પછી કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સને પણ ગણતરીમાં લેવાનું ચાલુ કરવામાં આવ્યું છે. હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સમાં સર્વિસિસ અને હોલસેલર અને રિટેઈલર વચ્ચેના અવરોધક પરિબળોને ગણતરીમાં લેવામાં આવતા નહોતા.
કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ નક્કી કરવા માટે 260 કોમોડિટીના છૂટક ભાવની વધઘટને ધ્યાનમાં લેવામાં આવે છે. આ 260 કોમિડિટી અને સર્વિસિસના સરેરાશ ભાવ દર મહિને એકત્રિત કરવામાં આવે છે. 2012ના વર્ષને પાયાનું વર્ષ ગણીને કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ નક્કી કરવામાં આવે છે.
ચીજવસ્તુઓના ભાવમાં વધારો થાય તેને ઇન્ફ્લેશન તરીકે ઓળખાવવામાં આવે છે. જ્યારે તેના દરમાં ઘટાડો થાય ત્યારે તેને ડિફ્લેશન તરીકે ઓળખાવવામાં આવે છે. કોમોડિટી અને સર્વિસિસના દરમાં આવેલા ફેરફારને માપીને તેને આધારે ઇન્ફ્લેશનના દર નક્કી કરાય છે. ઉદાહરણ આપીને વાત કરીએ તો એક વર્ષ પહેલા ચોખાના કિલોદીઠ ભાવ રૂ. 20 હતા તે આજે વધીને રૂ. 22 થઈ ગયા હોય તો ફુગાવાના દરમાં 10 ટકાનો વધારો થયેલો ગણાય છે. આ રીતે તમામ આઈટેમ્સની સરેરાશ કાઢીને તેને આધારે ફુગાવાનો દર નક્કી કરવામાં આવે છે. સમગ્રતયા ખાદ્યસામગ્રી, ઇંધ અને અન્ય કોમોડિટીના ભાવની વધઘટને ધ્યાનમાં લઈને ઇન્ફ્લેશનનો દર નક્કી કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો જેનો વપરાશ વધારે તેનું ઇન્ફ્લેશનના દર નક્કી કરવા માટેનું વેઈટેજ વધારે ગણાય છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ પણ ન વધે ને સરકારની આવક પણ ન ઘટે તેવો અભિગમ જરૂરી
યુક્રેન રશિયાની ક્રાઈસિસને પરિણામે પેટ્રોલ અને ડીઝલના ભાવ અકલ્પનિય ઊંચાઈએ પહોંચવાની દહેશત છે. આ દહેશતમાંથી માર્ગ કાઢવા માટે ભારત સરકાર પાસે ભાવ વધારના સમપ્રમુણમાં એક્સાઈઝ અને વેટના દર નીચા લાવવા જરૂરી છે. તેમ નહિ કરવામાં આવે તો સરકારની આવક કદાચ વધી જશે. પરંતુ મોંઘવારીને દર અનહદ ઊંચો થઈ જશે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને અંકુશમાં રાખવા માટે સરકાર તેના પર લાગતી એક્સાઈઝ અને વેલ્યુ એડેડ ટેક્સને રિસ્ટ્રક્ચર કરે તે જરૂરી છે. ક્રૂડ ઓઈલના વિશ્વ બજારમાં વધેલા ભાવને જોતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટરે રૂ. 28થી 30નો વધારો કરવો પડી શકે છે. ગુજરાતમાં આજે પેટ્રોલ પર 13.7 ટકા વેટ અને ડીઝલ પર 14.9 ટકા વેટ લેવામાંઆવે છે. કેન્દ્ર સરકાર પેટ્રોલના લિટર દીઠ રૂ. 94.99ના અમદાવાદના ભાવ પર રૂ. 27.98 એક્સાઈઝ પેટે વસૂલે છે. આ વધારાનો બોજ ઓછો કરવા માટે સરકારે પેટ્રોલના વધનારા ભાવ સાથે તેના વેરાની આવકમાં જે વધારો થાય તે વધારો જતો કરવાની તૈયારી રાખવી પડશે. તેમ કરવાથી મોઘવારીને કાબૂમાં રાખવામાં મોટી સફળતા મળશે. આ પગલું નહિ ભરે તો ફુગાવો ફાટફાટ થઈ જશે. વિશ્વના સંખ્યાબંધ દેશોમાં ફુગાવો નવી ઊંચાઈઓને આંબી રહ્યો હોવાનું જણાવતા રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન પણ કહે છે કે રશિયા પર મૂકવામાં આવેલા આર્થિક પ્રતિબંધોને પરિણામે ક્રૂડના ભાવ લાંબા સમય સુધી નીચે આવે તેવી સંભાવના ઓછી છે. તેથી ફુગાવાની અસર પણ લાંબા સમય સુધી રહેવાની જ છે.
યુક્રેન-રશિયા યુદ્ધથી અનાજ પણ મોંઘા થશે, ભારતમાં સજીવ ખેતીનો માર્ગ મોકળો થશે
ભારતના અન્નના ઉત્પાદન પર પણ રશિયા-યુક્રેનના યુદ્ધની મોટી અસર પડશે. આ રહ્યું તેનું કારણ. રશિયાએ પોતાના દેશમાંથી ફર્ટિલાઈઝર એટલે કે રાસાયણિક ખાતરની નિકાસ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિનને પશ્ચિમના દેશોએ મૂકેલા આર્થિક પ્રતિબંધોની તેમના પર પડનારી નકારાત્મક અસરની ચેતવણી આપવામાં આવે તે પછી તેમને વળતો પ્રહાર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય સાથે જ તેમણે દુનિયાને એ પણ મેસેજ આપ્યો છે, “રશિયા ઝૂકી જવા તૈયાર નથી.” પશ્ચિમના દેશો રશિયા માટે તકલીફ ઊભી કરશે તો રશિયા વિશ્વના બજારોમાં પણ તકલીફ ઊભી કરશે. ભારત પર તેની સૌથી પહેલી અસર પડશે.
ભારતે તેના 2022-23ના બજેટમાં ફર્ટિલાઈઝરની સબસિડી પેટે રૂ. 1.05 લાખ કરોડની જોગવાઈ કરી છે. આ જોગવાઈ ઓછી પડશે. કારણ કે ફર્ટિલાઈઝરના રૉ મટિરિયલ અને ઇન્ટરમિડિયરીની આયાતની બાબતમાં ભારત રશિયા અને યુક્રેન પર સૌથી વધુ નિર્ભર છે. ભારત ફર્ટિલાઈઝરની સૌથી વધુ આયાત રશિયા પાસેથી જ કરે છે. ભારતને મોટાભાગના ફર્ટિલાઈઝર મોંઘા પડી રહ્યા છે. માત્ર યુરિયા સસ્તુ છે. ખેડૂતોને તે જ પરવડે તેમ છે. હવે તેના ભાવ વધી જવાની શક્યતા છે. આ સંજોગોમાં સરકારે વૈકલ્પિક સપ્લાય ચેનલ ઊભી કરવી પડશે. આ બાબતમાં ભારત સરકારની જરા સરખી સુસ્તી ખેડૂતોની હાલાકી વધારી દેશે. ભારતમાં ગયા વરસે પોલીસની દેખરેખ હેઠળ પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશના ખેડૂતોને ડીએપી-ડાય એમોનિયમ ફોસ્ફેટનું વેચાણ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે તેના વિતરણ માટે વૉર રૂમ ઊભો કરવાની ફરજ પડી હતી. આ સંજોગોમાં યુરિયા સહિતના રાસાયણિક ખાતરોની આયાત માટેના વૈકલ્પિક સ્રોતને ઝડપથી ઊભો કરવામાં ભારત સરકાર નિષ્ફળ જશે તો ભારતની ફૂડ સિક્યોરિટી સામે મોટો સવાલ ઊભો થશે.
જોકે ગુજરાતના કૃષિ વીજ ગ્રાહક સુરક્ષા સંઘના જનરલ સેક્રેટરી કનુભાઈ પટેલ કહે છે કે, “રાસાયણિક ખાતર આમેય આરોગ્ય માટે જોખમી છે. જમીનને સજીવ કરતાં જંતુઓ યુરિયા સહિતના રાસાયણિક ખાતરોને કારણે મરી ગયા છે. આ જંતુઓ જમીનની ફળદ્રુપતા જાળવી રાખવામાં મદદ કરતાં હતા, પરંતુ રાસાયણિક ખાતરનો ઉપયોગ થતાં આ જંતુઓ મરી ગયા હતા. સાંધાના દુઃખાવા, પથરી ઉપરાંત કેન્સર સહિતના રોગો તેને પરિણામે ભારતીયોના આરોગ્ય સામે જોખમ વધતા હતા. તેના વિકલ્પે સજીવ ખેતી વધુ ફાયદાકારક સાબિત થશે. તેનાથી જમીનની કુદરતી ફળદ્રુપતા આવશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ કુદરતી ખેતીને પ્રમોટ કરી રહ્યા છે.” રાસાયણિક ખાતરોના ઉયપોગથી પકવેલા અનાજ નિકાસ થયા પછી તેના ઓર્ડર કેન્સલ થવાના કિસ્સાઓ અનેક છે.

રશિયા 50 મિલયન ટન ફર્ટિલાઈઝરનું ઉત્પાદન કરે છે. આ ઉત્પાદન વિશ્વના ફર્ટિલાઈઝરના કુલ ઉત્પાદનના 13 ટકા જેટલું છે. રશિયા પોટાશ, ફોસ્ફેટ, નાઈટ્રોજનના ઘટક ધરાવતા ફર્ટિલાઈઝરની નિકાસ કરે છે. આ ત્રણેય વસ્તુઓ જમીનની ફળદ્રુપતા વધારે છે. તેમ જ ક્રોપમાં વધારો કરે છે. પશ્ચિમના દેશોએ રશિયા પર મૂકેલા આકરા આર્થિક પ્રતિબંધોના પ્રભાવ સામે વળતો પ્રહાર રશિયાએ કર્યો છે. રશિયાના આ પગલાંની ભારત સહિત વિશ્વના ઘણા દેશો પર અસર પડશે. ફર્ટિલાઈઝરની માર્કેટના નિષ્ણાતો માને છે કે વેસ્ટ એશિયા અને આફ્રિકાના દેશોમાં ફૂડ સિક્યોરિટીની સમસ્યા ગંભીર થઈ જશે. રશિયા અને યુક્રેન બંને અનાજ, ઓઈલ સિડ્સ અને અન્ય ફૂડ પ્રોડક્ટની એક્સપોર્ટમાં અગ્રણી છે. ભારતમાં તો સનફ્લાવર સિડ્સની રોજની બેથી ત્રણ લાખ ટનની નિકાસ કરે છે. આ આયાત અટકી પડતા પંદર જ દિવસમાં ખાદ્ય તેલના ભાવમાં ભડકો થઈ ચૂક્યો છે. આ સ્થિતિમાં અનાજ અને ખાદ્યસામગ્રીના ભાવમાં ભડકો થવાની સંભાવના છે.
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન એગ્રીકલ્ચર સર્વિસે આપેલી વિગતો મુજબ સૌ પ્રથમ તો ભારતમાં અનાજ, તેલિબિયાં, ફર્ટિલાઈઝર અને ઇંધણ(ક્રૂડ)ની સમસ્યા વકરશે. 3.8 લાખ ટન તેલિબિયાંનું કન્સાઈનમેન્ટ બ્લેક સીના વિસ્તારમાં આવેલા પોર્ટ્સ પર અટવાઈને પડેલા છે. યુદ્ધને કારણે નવી ખરીદી પર બ્રેક લાગી ગઈ છે. યુક્રેનમાંથી સનફ્લાવર ઓઈલની ખરીદી કરનાર ભારત વિશ્વનો મોટામાં મોટો દેશ છે. યુક્રેને વિશ્વમાં 5.69 અબજ ડૉલરના સનફ્લાવર સિડની વિશ્વમાં કરેલી નિકાસમાંથી 1.9 અબજ ડૉલરની નિકાસ એકલા ભારતમાં કરી હતી. તેથી ભારતને અમેરિકા પાસેથી સોયાબિનની વધુ આયાત કરવી પડી રહી છે. છતાંય દેશના બજારોમાં ખાદ્યતેલના ભાવ ભડકે બળી રહ્યા છે.
ભારત માટે ઘઉંની નિકાસ વધારવાની તક
ભારત પાસે ઘઉંનો અનામત જથ્થો બહુ જ મોટો છે. તેવી જ રીતે ભારતમાં મકાઈ પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે. આ ઘઉં અને મકાઈની વિશ્વબજારમાં નિકાસ કરવા માટેના દરવાજા ભારત માટે ખૂલી રહ્યા છે. ભારતના મરીમસાલાની ડીમાન્ડ પણ વધી રહી છે. રશિયા અને યુક્રેન વિશ્વ બજારમાં ઘઉંની થતી નિકાસમાં 25 ટકા હિસ્સો ધરાવે છે. તેમની નિકાસ અટકી ગઈ છે. પરિણામે ભારતથી નિકાસ કરાતા ઘઉંના કંડલા બંદર સુધીના ક્વિન્ટલદીઠ ભાવ રૂ. 2200થી વધીને રૂ. 2350 થઈ ગયા છે. જોકે વિશ્વમાં થતી ઘઉંની કુલ નિકાસના માંડ એક ટકા ઘઉંની નિકાસ ભારતમાંથી થાય છે. આ વરસે ભારતની નિકાસ 70 લાખ ટનની થવાનો જાન્યુઆરી 2022માં અંદાજ મૂકવામાં આવ્યો હતો. હવે આ નિકાસ ઓર વધી શકે છે. આમ ભારત માટે ઘઉંના સૌથી મોટા નિકાસકાર તરીકેનું સ્થાન અંકે કરવાની તક છે. રશિયા અને યુક્રેનની ઘઉંની ઘટેલી નિકાસની ખાઈ ભારત પૂરી શકે છે.
અલબત્ત છેલ્લા બે વરસથી ભારતમાંથી ઘઉંની નિકાસમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાંથી બાંગલાદેશ, નેપાળ, યુનાઈટેડ આરબ અમિરાત, યેમેન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, કતાર, ઇન્ડોનેશિયા, ઓમાન અને મલેશિયામાં ઘઉંની નિકાસ થાય છે.
બીજી તરફ ભારતનું ઘઉંનું ઉત્પાદન પણ વિક્રમ સર્જક 111.32 મિલિયન ટન પર પહોંચી ગયું છે. ભારત પાસે ઘઉંનો બફર સ્ટોક પણ ઘણો જ મોટો છે. રશિયા યુક્રેન યુદ્ધ ચાલુ થયા પછી ભારતને 5 લાખ ટન ઘઉંની નિકાસનો ઓર્ડર પણ મળ્યો છે.