રશિયા-યુક્રેન યુદ્ધઃ ભારતના અર્થતંત્રને હચમચાવી દેશે બે દેશો વચ્ચેનો સંઘર્ષ
ડિટર્જન્ટ, સાબુ, કોસ્મેટિક્સ સહિતની કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સના ભાવ વધી શકે છે.
સિમેન્ટ, પેઈન્ટ, એરલાઈન અને ટાયર કંપનીઓના બિઝનેસ પર પણ યુદ્ધની અસર જોવા મળી શકે છે.
ભારતમાંથી યુક્રેન-રશિયામાંમાં મોટા પાયે ફાર્મા પ્રોડક્ટની નિકાસ થતી હોવાથી ફાર્માસ્યુટિકલ સેક્ટરને પણ ફટકો પડશે

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના મંડાણ આખા વિશ્વ માટે ચિંતાનો વિષય બની ગયા છે. કોવિડની થપાટમાંથી વિશ્વનું અર્થતંત્ર માંડ બેઠું થયું હતું. રશિયા-યુક્રેનના યુદ્ધને કારણે ભારતના અર્થતંત્રના ગણિતો ફરી ગયા છે. યુદ્ધની મોટી કિંમત ભારતે ચૂકવવી પડશે. ભારતે ગત વર્ષે યુક્રેનથી $2.6 બિલિયનના માલની આયાત કરી હતી જેમાં સનફ્લાવર ઓઈલનો સમાવેશ થાય છે. ભારત સનફ્લાવર ઓઈલના 70 ટકા માલ તો ફક્ત યુક્રેનથી જ મંગાવે છે. હવે યુદ્ધના પગલે આ સપ્લાય ખોરવાઈ જવાની શક્યતા છે.
રશિઅને યુક્રેન વચ્ચે યુદ્ધના મંડાણ આખા વિશ્વ માટે ચિંતાનો વિષય બની ગયા છે. કોવિડની થપાટમાંથી વિશ્વનું અર્થતંત્ર માંડ બેઠું થયું હતું. રશિયા-યુક્રેનના યુદ્ધને કારણે ભારતના અર્થતંત્રના ગણિતો ફરી ગયા છે. યુદ્ધની મોટી કિંમત ભારતે ચૂકવવી પડશે. ભારતે ગત વર્ષે યુક્રેનથી $2.6 બિલિયનના માલની આયાત કરી હતી જેમાં સનફ્લાવર ઓઈલનો સમાવેશ થાય છે. ભારત સનફ્લાવર ઓઈલના 70 ટકા માલ તો ફક્ત યુક્રેનથી જ મંગાવે છે. હવે યુદ્ધના પગલે આ સપ્લાય ખોરવાઈ જવાની શક્યતા છે.
રશિયા-યુક્રેન્ચે યુદ્ધની અસર હેઠળ ત્રણ જ દિવસમાં સ્ટોક માર્કેટમાં 2700 પોઈન્ટનું ગાબડું પડી ચૂક્યું છે. માર્કેટ કેપિટલાઈઝેશનું 15 લાખ કરોડથી વધુનું ધોવાણ થઈ ચૂક્યું છે.

મુંબઈ શેરબજારના રિસર્ચ એનાલિસ્ટ નિકુલ કિરણ શાહ કહે છે, “મોટા શેર્સની વેલ્યુએશન એક્ચ્યુલ કરતાં ઘણી જ વધારે છે. કંપનીના ફંડામેન્ટલ્સની તુલનાએ તેના ભાવ ખાસ્સા ઊંચા છે. બીજી તરફ વિદેશી ઇન્વેસ્ટમેન્ટ ભારતના સ્ટોક માર્કેટમાંથી ખેંચાઈ જતાં તેના ભાવ પર અવળી અસર આવી શકે છે. એલઆઈસી સહિતના આઈપીઓના માર્કેટ પર પણ અસર આવી શકે છે. હજી તો યુદ્ધની શરૂઆત છે. યુદ્ધ લાંબું ચાલે તો 18700ની સપાટીએ પહોંચેલો નિફ્ટી 15000ના તળિયે આવી શકે છે. 15000 તૂટે તો 12800 સુધી આવી શકે છે. જોકે 16000ની સપાટીએ નિફ્ટી મજબૂત ટેકો ધરાવે છે. 16000નું લેવલ તૂટ્યા પછી જ થોડી ચિંતા વધી શકે છે.” પરિણામે શેરબજારના ઇન્વેસ્ટર્સે આડેધડ વેચવાલી કરવી નહિ. તેમ જ નીચા ભાવે લેવાલી કરવા કૂદી પડવું નહિ. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આવકને પણ અર્થતંત્રની ગતિવિધિનો એક નિર્દેશક ગણવામાં આવે છે. તેથી જીએસટીની આવક ઘટે નહિ ત્યાં સુધી બજાર સાવ જ તૂટવાની સંભાવના ઓછી છે.”
યુદ્ધને કારણે ક્રૂડના ભાવમાં ભડકો થયો છે. તેથી ક્રૂડની આયાતના ભારતના બિલમાં તગડો વધારો થશે. ભારત વિશ્વમાં ઓઈલની આયાત કરનારો ત્રીજો સૌથી મોટો દેશ છે. દેશની જરૂરિયાતના 80 ટકા ક્રૂડની આયાત કરે છે. ક્રૂડ ઓઈલની વૈશ્વિક કિંમત નિશ્ચિત કરતા બેન્ચમાર્ક બ્રેન્ટે યુદ્ધ બાદ $105ની સપાટી વટાવી દીધી છે. ભારતની ક્રૂડની આયાતના ખર્ચ અને નિકાસની આવક વચ્ચેનો ગાળો (ટ્રેડ ડેફિસિટ) વધી જશે. ક્રૂડના સરેરાશ ભાવ બેરલદીઠ 75 ડૉલર રહેવાના ગણિત સાથે સમગ્ર ભારતના બજેટના અંદાજો મૂકવામાં આવ્યા છે. ક્રૂડના ભાવ સપ્ટેમ્બર ૨૦૧૪ પછી પહેલીવાર વધીને 105 ડૉલરની સપાટીએ પહોંચ્યા છે. તેથી ભારતના બજેટના પૂરા ગણિતો ખોરવાઈ જવાની દહેશત છે. ભારતમાં પેટ્રોલ – ડીઝલના દામ રૂ. 95થી 99ની અને ડીઝલના દામ રૂ. 86થી 90ની આસપાસ છે. આ ભાવ વધીને રૂ. 110થી 120ની રેન્જમાં પહોંચી જવાની શક્યતાને નકારી શકાતી નથી. ઓઈલની કિંમત વધતા દેશમાં ફૂગાવો વધશે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધી જાય તો તેની અસર હેઠળ ભારતમાં દરેક વસ્તુઓ મોંઘી થવાની શક્યતા છે. આમ ભારતમાં ફુગાવો પણ વધી શકે છે. ભારતમાં અત્યારે પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી હોવાથી ભારત સરકારે આ ભાવ વધારાને અત્યારે પકડી રાખ્યો હોવાનું માનવામાં આવે છે. ચૂંટણી પછી ભાવમાં ભડકો થવાની શક્યતાને નકારી શકાતી નથી. ફ્યુઅલ કોસ્ટ ઊંચી જતા તેની અસર દરેક પ્રોડક્ટ પર વર્તાશે. FMCG કંપનીઓના 50 ટકા માલ જેવા કે ડિટર્જન્ટ, સાબુ, કોસ્મેટિક્સ વગેરેમાં ક્રૂડ ઓઈલમાંથી છૂટા પડતા પદાર્થો વપરાય છે. આ તમામના ભાવમાં વધારો જોવા મળી શકે છે. સિમેન્ટ, પેઈન્ટ, એરલાઈન, ટાયર કંપનીઓના બિઝનેસ પર તેની અસર જોવા મળશે.
ભારત દર મહિને બે લાખથી ત્રણ લાખ ટન સન ફ્લાવર ઓઈલની યુક્રેનથી આયાત કરવામાં આવે છે. રશિયા યુક્રેનના શીપમેન્ટને અટકાવી દે તો ભારતમાં થતી આયાત ઘટશે. રશિયા સામે આર્થિક નાકાબંધી કરવામાં આવે તો સનફ્લાવરની આયાત અટકશે. ખાદ્યતેલ તરીકે સનફ્લાવરની 60થી ટકા આયાત ભારત યુક્રેનથી કરે છે. ભારતે હવે આર્જેન્ટિના પર મદાર બાંધવો પડશે. અત્યારે સનફ્લાવર ઓઈલના ભાવમાં ટને 100 ડોલરનો વધારો થઈ ગયો છે. સોયા ઓઈલનો ટનદીઠ ભાવ 1690 અમેરિકી ડૉલર અને ક્રૂડ પામનો 1700 અમેરિકી ડૉલરની સપાટીએ પહોંચી ગયો છે. અમદાવાદના તેલ બજારના વેપારી મહેન્દ્ર તન્ના કહે છે, “સનફ્લાવરનો સપ્લાય હજી 60 દિવસ સુધી રેગ્યુલર થવાની શક્યતા ઓછી છે. તેની અસર હેઠળ અન્ય તેલના ભાવ વધી શકે છે.”
સોયાબિન તેલ અને અન્ય ખાદ્યતેલના ભાવમાં વધુ ભડકો ન થાય તે માટે ભારતના તેલના આયાતકારોએ 50 હજાર ટન સોયા અને 50 હજાર ટન પામ ઓઈલની આયાતના ઓર્ડર મૂકી દીધા છે. યુક્રેનથી સનફ્લાવરના કન્સાઈનમેન્ટ વિલંબમાં મૂકાશે તેવા નિર્દેશ મળી જતાં તેમણે આ આયાત ચાલુ કરી દીધી છે. પંદર દિવસમાં રશિયા-યુક્રેન વચ્ચે વકરેલો મામલો થાળે પડી જશે તેવી આશા સાથે વેપારીઓ ખરીદી કરવા ધસારો કર્યો નથી.

અમેરિકા, કેનેડા અને પશ્ચિમ યુરોપના દેશોએ રચેલા નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન તરીકે ઓળખાતા દેશોએ તેમના સેન્યને રશિયા-યુક્રેન ન મોકલવાનો નિર્ણય કર્યો તેથી તેલના ભાવ નીચા આવ્યા છે. મોટો ભડકો થતો અટક્યો છે. અત્યારે મર્યાદિત ક્વોન્ટિટીમાં ઓર્ડર અપાયા છે. પંદર દિવસ પછી નવી ખરીદી અંગે નિર્ણય લેવાશે. બીજીતરફ રશિયા સામે આર્થિક નાકા બંધી કરવામાં આવે તેમાં સનફ્લાવર ઓઈલનો સમાવેશ ન કરવા ભારતના આયાતકારોએ વિનંતી કરી છે. ભારત દરમહિને 12.5 લાખ ટન ખાદ્યતેલની આયાત કરે છે. ભારતમાં સૌથી વધુ પામતેલ ખવાય છે. પામતેલ માટે બહુધા મલેશિયા અને ઇન્ડોનેશિયાથી લાવે છે. તેમણે પામની નિકાસ કરવાને બદલે તેનો વધુને વધુ ઉપયોગ બાયોફ્યુઅલ બનાવવા માટે કરવા માંડ્યો હોવાથી તેનો સપ્લાય ઘટ્યો છે. તેથી ભારતે આર્જેન્ટિના અને બ્રાઝિલથી સોયાબિનની આયાત પર મદાર બાંધવો પડી રહ્યો છે. પામતેલના ભાવ ઊંચા જઈ રહ્યા હોવાથી સોયાતેલમાં લેવાલી વધી રહી છે. સોયાતેલનો ઓર્ડર આપ્યા પછી ઇન્ડોનેશિયાથી ભારત પહોંચતા 60થી 70 દિવસ લાગી જાય છે. તેથી તેનો ઓર્ડર એડવાન્સમાં આપવો પડે છે. આમ સોયાતેલનો સપ્લાય રાતોરાત વધારવો શક્ય નથી. હવે રાયડાનો પાક આવવાનો સમય થઈ ગયો છે. રાયડાનું પીલાણ પખવાડિયામાં ચાલુ થતાં થોડીક રાહત થશે.

યુદ્ધની મોબાઈલના ઉત્પાદન પર પણ પડશે. મોબાઈલમાં વપરાતી પેલેડિયમ ધાતુની સૌથી વધુ નિકાસ કરનાર દેશ રશિયા છે. આ ધાતુનો સપ્લાય અટકે તો મોબાઈલ બનાવવા પર અને ઓટમોબાઈલ ઇન્ડસ્ટ્રી માટેની એક્ઝોસ્ટ સિસ્ટમ બનાવવી કઠિન બનશે. આમ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ પર પણ યુદ્ધની અવળી અસર પડશે. વિશ્વમાં એલ્યુમિનિયમનું કુલ વાર્ષિક ઉત્પાદન અંદાજે 78 કરોડ ટનનું છે. તેમાંથી છ ટકા એલ્યુમિનિયમ રશિયામાં બને છે. તેની પણ ખેંચ યુદ્ધને કારણે ઊભી થઈ શકે છે.
એલ્યુમિનિયમ પ્રોડ્યુસર્સ એસોસિયેશનના હોદ્દેદાર જયંત જૈન કહે છે, “આજ કાલ તો સપ્લાયમાં એક ટકાનો તફાવત આવે તો પણ બજારમાં મોટી ઊથલપાથલ થઈ જાય છે.”
કફોડી સ્થિતિમાં ગમે ત્યારે અને ગમે તે દેશમાં રોકડામાં રૂપાંતરિત કરી શકાતા સોનાના ભાવ વધવા માંડ્યા છે. ભારત વરસે દહાડે 800 ટન સોનાની આયાત કરે છે. રશિયા-યુક્રેન વોરને કારણે સોનાના ભાવઊછળીને 51,500ના મથાળાને સ્પર્શી ગયા હતા. સેફ હેવન તરીકે સોનામાં રોકાણ કરનારાઓ સક્રિય થઈ જતાં સોનાના ભાવ વધુ ઉપર જવાની શક્યતાને નકારી શકાતી નથી. કિલોદીઠ રૂ. 65000ની આસપાસ રમતી ચાંદીના ભાવ પણ ઉપર જઈ શકે છે.રશિયા-યુક્રેનના યુદ્ધ બાદ અમેરિકન ડોલર સામે રૂપિયો 1.5 ટકા તૂટી ચૂક્યો છે. તેથી પણ વિશ્વ વેપારમાં ભારતનો ખર્ચ વધ્યો છે. કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ વધી જશે. રશિયા-યુક્રેનના યુદ્ધની ગંભીર અસર ભારતના અર્થતંત્ર પર ગંભીર અસર પડી શકે છે.
બીજું, ભારત સૌથી વધુ શસ્ત્રો રશિયા પાસેથી ખરીદે છે. ભારતના શસ્ત્રોની આયાતમાં 50 ટકા હિસ્સો રશિયાનો છે. ભારતને રશિયા તરફથી મળતા હથિયારોના સપ્લાય ખોરવાઈ શકે છે. ભારતે રશિયા પાસેથી એસ-400 મિઝાઈલ ખરીદ્યા છે. તેની ડિલીવરી વિલંબમાં મૂકાઈ શકે છે. ભારતે ખરીદેલા અન્ય હથિયારોના સપ્લાય પર પણ અવળી અસર પડી શકે છે. ભારતને ચીન અને પાકિસ્તાના જેવા નજીકના દેશોનો સામનો કરવાનો આવે તો તેવા સંજોગોમાં ભારતની પ્રતિકાર કરવાની ક્ષમતા પર અવળી અસર પડી શકે છે. તેમાંય ચીન સામે યુદ્ધ છેડાઈ જાય ભારતની સલામતી સામે મોટો ખતરો ઊભો થઈ શકે છે.
ભારતીય IT કંપનીઓને વધુ પ્રોજેક્ટ્સ મળી શકે
રશિયા-યુક્રેન સંઘર્ષને કારણે ભારતીય IT કંપનીઓને વધુ પ્રોજેક્ટ્સ મળવાની શક્યતા છે. ભારતની ગ્લોબલલોજિક, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, વિપ્રો જેવી કંપનીઓ યુક્રેન-રશિયામાં અસ્તિત્વ ધરાવે છે. આ કંપનીઓ ત્યાંના જ એન્જિનિયર અને ટેક એક્સપર્ટ્સને જોબ આપીને પ્રોજેક્ટ્સ મેળવે છે. હવે યુક્રેનમાં યુદ્ધ ફાટી નીકળતા આ કામ ભારતમાં શિફ્ટ થવાની શક્યતા છે. ભારત સિવાય વિશ્વના બીજા કોઈ દેશમાં આટલા ટૂંકા સમયમાં મોટા પાયે કામ પૂરુ કરી આપવાની ક્ષમતા નથી. ડિજિટલ એન્જિનિયરિંગ પર ફોકસ ધરાવતા યુક્રેનના ડિલિવરી સેન્ટર્સ હવે ભારત તરફ મીટ માંડે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે 2021માં યુક્રેનની IT સેવાની રેવન્યુ 6 બિલિયન ડોલર જેટલી હતી. યુક્રેનની ગણતરી 2025 સુધીમાં તેને $16 બિલિયન સુધી પહોંચાડવાની હતી. યુદ્ધ થતા હવે તેમાંથી મોટા ભાગનું કામ ભારતને મળે તેવી શક્યતા છે.
ફાર્માસ્યુટિકલ સેક્ટરને મોટો ફટકો પડવાની સંભાવના
ભારત યુક્રેનથી એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ, મેટાએલ્યુર્જિકલ પ્રોડક્ટ, પ્લાસ્ટિક, પોલીમર જેવી ચીજોની આયાત કરે છે. તેની સામે ફાર્માસ્યુટિકલ્સ, મશીનરી, કેમિકલ, ફૂડ વગેરે ચીજોની નિકાસ કરે છે. ભારતમાંથી યુક્રેન ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સની નિકાસ એટલી વિશાળ છે કે ઘણી ભારતીય ફાર્મા કંપનીઓ યુક્રેનમાં પણ પોતાની બ્રાન્ચ ધરાવે છે. વર્ષ 2021માં ભારત અને યુક્રેન વચ્ચે $3.1 બિલિયનો વેપાર થયો હતો. ભારતે યુક્રેનમાં $510 મિલિયનના માલની નિકાસ કરી હતી. તેમાંથી 32 ટકા હિસ્સો તો ફક્ત ફાર્મા પ્રોડક્ટ્સનો હતો.

ઇડમાના ગુજરાત સ્ટેટ બોર્ડના ચેરમેન ડૉ. શ્રેણિક શાહનું કહેવું છે, “યુક્રેન-રશિયામાં 2020ની તુલનાએ 2021માં આ વિસ્તારમાં દવાની નિકાસમાં 40 ટકા વધારો થયો હતો. હવે યુદ્ધની સ્થિતિ કેટલી લાંબી ચાલે છે તેના પર આ નિકાસ પર અસર પડવાની શક્યતાનો આધાર રહેલો છે. યુક્રેનને યુદ્ધને કારણે થયેલી નુકસાનીમાંથી બહાર આવવા માટે તેનું ભંડોળ વાપરશે તો ભારતના દવાના નિકાસકારોને તેમના પૈસા મળવામાં વિલંબ થશે. આમ યુદ્ધની સ્થિતિ લાંબી ચાલે તો ભારતીય ફાર્મા કંપનીઓના પેમેન્ટ વિલંબમાં મૂકાવાની શક્યતા છે. તની સાથે જ દવા મોકલવા માટેના નૂરદરમાં વધારો આવી જવાની પણ સંભાવના છે.” આ ઉપરાંત અહીંથી યુક્રેન ટેલિકોમ ઈન્સ્ટ્રુમેન્ટ, આયર્ન, સ્ટીલ, એગ્રો કેમિકલ્સ, કોફી વગેરેની પણ નિકાસ થાય છે. રશિયાની વાત કરીએ તો 2021માં રશિયા અને ભારત વચ્ચે 2021માં $11.9 બિલિયનનો વેપાર થયો હતો. તેમાં ભારતે $3.3 બિલિયનની નિકાસ કરી હતી