રિઝર્વ બેન્કે 1 ડિસેમ્બરે લોન્ચ કરેલી ડિજિટલ કરન્સી આખરે છે શું?
ઈ-રૂપી કરન્સી UPI જેવી હશે કે ક્રિપ્ટો જેવી? તે કેવી રીતે કામ કરશે? તેનાથી શું લાભ થશે?

રિઝર્વ બેન્કે 1 ડિસેમ્બરના રોજ RBI CBDC (રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા- સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી) લોન્ચ કરી છે. આ ભારત દેશની કરન્સીનું ડિજિટલ સ્વરૂપ છે. તેના માટે e₹ પ્રતીક વાપરવામાં આવશે અને તેને ઈ-રૂપી તરીકે ઓળખવામાં આવશે.
છેલ્લા ઘણા સમયથી e₹ વિષે ગણગણાટ હતો પરંતુ હવે તે ધીરેધીરે ચલણમાં આવી રહી છે. e₹ એ રૂપિયા કે ચલણી નોટોના ડિજિટલ સ્વરૂપનું પ્રતિનિધિ છે. તે કાગળ પર છપાતી નોટો તથા સિક્કાની જેમ જ 50 પૈસા, 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા અને 2000 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ થશે. આ ડિજિટલ રૂપી પર પણ રિઝર્વ બેન્કના ગવર્નરની સહી હશે.
e₹ અને ક્રિપ્ટો કરન્સી વચ્ચે મૂળ તફાવત એ છે કે ક્રિપ્ટો કોઈપણ દેશની સરકાર દ્વારા જારી કરવામાં આવતી નથી. તેની સામે ઈ-રૂપી રિઝર્વ બેન્ક દ્વારા ઈશ્યુ કરવામાં આવે છે. આથી એ વાત સ્પષ્ટ છે કે e₹ એ કોઈ નવી કરન્સી નથી. પરંતુ હાલના રૂપિયાનું ડિજિટલ વર્ઝન છે. રિઝર્વ બેન્કે ફક્ત ક્રિપ્ટો કરન્સી જ નહિ, રોકડના પણ વિકલ્પ રૂપે ડિજિટલ કરન્સી માર્કેટમાં લોન્ચ કરી છે. આ ડિજિટલ કરન્સી પણ બ્લોકચેઈન ટેક્નોલોજીના માધ્યમથી જ વહેંચવામાં આવશે. ઉલ્લેખનીય છે કે e₹ લોન્ચ થયાના પહેલા જ દિવસે, એટલે કે 1 ડિસેમ્બર 2022ના રોજ રૂ. 211 કરોડ ($26 મિલિયન)ના બોન્ડનું ટ્રેડિંગ e₹ના માધ્યમથી કરવામાં આવ્યું હતું.

ઈ-રૂપીનો ઉપયોગ તમે કેવી રીતે અને ક્યારથી કરી શકશો?
1.તમારે તમારું ખાતું જે બેન્કમાં હોય તેનો ઉપયોગ કરીને રિઝર્વ બેન્કમાં ડિજિટલ વૉલેટ ખોલાવવું પડશે. આ માટે તમારે આધાર નંબર આપવાની જરૂર પડશે.
2. તમે એક વખત એપ પર સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન કરાવો પછી તમારા ડિજિટલ વૉલેટને એક યુનિક આઈડી આપવામાં આવશે.
3. તમે તમારા બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરીને વૉલેટમાં રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો.
4. તમે તમારી બેન્કને ઈ-રૂપી એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવા જણાવી શકો છો. આ માટે તમારે કઈ નોટ કેટલી સંખ્યામાં જોઈએ છે તે પણ જણાવી શકો છો.
આ રીતે તમે ઈ-રૂપીનો ઉપયોગ શરૂ કરી શકો છો. e₹ના માધ્યમથી તમે રોકડનો ઉપયોગ કરીને જે જે વહેવાર કરતા હોવ, વીજળી-ફોનના બિલ ચૂકવતા હોવ, તે તમામ કાર્ય કરી શકો છો. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્કે આ e₹ કરન્સી હાલ પાઈલટ પ્રોજેક્ટના ધોરણે લોન્ચ કરી છે. આથી તે 4 શહેર અને 4 બેન્ક સુધી સીમિત છે. શરૂઆતના ગાળામાં આવતા પડકારોનો ઉકેલ શોધ્યા બાદ રિઝર્વ બેન્ક તબક્કાવાર ડિજિટલ કરન્સીનો વ્યાપ વધારવા માંગે છે. ત્યાર બાદ દેશના તમામ નાગરિકો e₹નો ઉપયોગ કરી શકશે.
જો e₹ પેટીએમ, ગૂગલ પેની જેમ જ કામ કરતું હોય, તો પછી તેનો ઉપયોગ કરવાનો શું ફાયદો?
આજે પેટીએમ, ગૂગલ પે, ભીમ યુપીઆઈ જેવી અનેક યુપીઆઈ એપની મદદથી તમે ક્યુઆર કોડ સ્કેન કરીને કોઈ સંસ્થા, વેપારી કે વ્યક્તિને સીધું પેમેન્ટ કરી શકો છો. જો કે આ તમામ યુપીઆઈ એકાઉન્ટને એક બેક-અપ એકાઉન્ટ (યુપીઆઈ સાથે સંકળાયેલા તમારા બેન્ક એકાઉન્ટ)ની જરૂર પડે છે. સીબીડીસી એટલે કે e₹ની ખાસિયત એ છે કે તેમાં તમે જુદી જુદી બેન્કમાંથી તમારા 1 ડિજિટલ વૉલેટમાં રૂપિયા ટ્રાન્સફર કરી શકશો. ઉદાહરણ આપીને વાત કરીએ તો હાલ તમારી યુપીઆઈ એપ તમારા સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયાના ખાતા સાથે જોડાયેલી હોય તો અન્ય બેન્કના ખાતામાંથી તેમાં રૂપિયા ટ્રાન્સફર કરી શકાતા નથી. e₹માં તમે તમારા બધા જ બેન્ક ખાતામાંથી ડિજિટલ વૉલેટમાં રૂપિયા ટ્રાન્સફર કરી શકશો. એટલે કે તમારે રૂ. 300 ટ્રાન્સફર કરવા હોય તો તમે રૂ. 100 એક્સિસ બેન્ક, બીજા રૂ. 100 પંજાબ નેશનલ બેન્ક અને ત્રીજા રૂ. 100 એચડીએફસીના ખાતામાંથી ડિજિટલ વૉલેટમાં ટ્રાન્સફર કરી શકશો. તમે ડિજિટલ વૉલેટ વાપરતા હોવ ત્યારે પૈસા ટ્રાન્સફર કરવા માટે બેન્કને ઈન્ટિમેશન મોકલવાની જરૂર પડશે નહિ.
e₹ને કારણે બેન્ક એકાઉન્ટની જરૂર જ નહિ પડેઃ
આમ જોવા જઈએ તો e₹ને કારણે બેન્ક એકાઉન્ટની જરૂર જ સાવ ખતમ થઈ જશે. લાંબા ગાળે e₹ બિઝનેસ ટ્રાન્ઝેક્શન માટે પણ ગેમ ચેન્જર પુરવાર થઈ શકે છે. તેને કારણે બેન્કિંગ ઈન્ડસ્ટ્રીમાં પરિવર્તનનો વાયરો ફૂંકાતો જોવા મળે તો નવાઈ નહિ.
તમારે ગૂગલ પે, ભીમ યુપીઆઈ જેવી કોઈપણ એપથી પેમેન્ટ કરવું હોય તો તમારી એપ બેન્ક એકાઉન્ટ સાથે કનેક્ટ થયેલી હોવી જરૂરી છે. વળી, આ એપના માધ્યમથી તમે કોઈને પેમેન્ટ કરો, અથવા તમને કોઈ પેમેન્ટ કરે તો તે રૂપિયા મોટા ભાગે તમારા બેન્ક એકાઉન્ટમાં સીધા જમા થાય છે. એટલે કે તમારા બેન્ક એકાઉન્ટમાં એ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી બોલાય છે. સામાન્ય રીતે લોકો યુપીઆઈ વૉલેટમાં મોટી રકમ રાખવાનું પસંદ કરતા નથી.

e₹નો સૌથી મોટો ફાયદો એ છે કે તેના ટ્રાન્ઝેક્શનમાં બેન્ક એકાઉન્ટની જરૂર પડતી નથી. તમે એક વખત રૂપિયા નેટ બેન્કિંગ કે કોઈપણ માધ્યમથી તમારા e₹ વૉલેટમાં ટ્રાન્સફર કરો પછી તે રૂપિયા રોકડની જેમ ફર્યા કરે છે. તમને કોઈ e₹માં પૈસા ચૂકવે તો તે બેન્ક એકાઉન્ટના બદલે તમારા ડિજિટલ વૉલેટમાં સીધા જમા થાય છે. એ રીતે તમે પણ કોઈને ચૂકવો તો તે રૂપિયા ડિજિટલ વૉલેટમાંથી જ સીધા ચૂકવાશે. ટૂંકમાં, CBDCના ડિજિટલ એકાઉન્ટમાં કોઈ બેન્ક સંકળાયેલી હોતી નથી.
તમે જોયું હશે કે યુપીઆઈ બેન્ક એકાઉન્ટ સાથે સંકળાયેલા હોવાથી તેમાં ઘણી વાર ટ્રાન્ઝેક્શન ફેઈલ પણ થાય છે. પરંતુ ડિજિટલ ઈ-રૂપી સાથે તેની શક્યતા લગભગ નહિવત્ થઈ જશે કારણ કે તમે પેમેન્ટ સીધું તમારી માલિકીના ડિજિટલ વૉલેટમાંથી જ કરી શકશો.
ડિજિટલ કરન્સીને કારણે વિદેશી પર્યટકોને પણ ફાયદો થશે. ભારતની બેન્કમાં ખાતું ન હોવાને કારણે વિદેશી પર્યટકો યુપીઆઈનો ઉપયોગ કરી શકતા નથી. e₹ને કારણે વિદેશી પર્યટકોને સાથે મોટી રોકડ રાખવાની જફામાંથી છૂટકારો મળી શકશે. સૌથી મહત્વનું ઈ-રૂપી યુનિવર્સલ અને રિઝર્વ બેન્ક દ્વારા પ્રમાણિત કરન્સી હોવાને કારણે તે બધે જ ઉપલબ્ધ રહેશે. કોઈ પણ દુકાનદાર ‘મારી પાસે પેટીએમ કે ગૂગલ પે નથી, રોકડ આપો’ એવું બહાનું નહિ કાઢી શકે.
e₹થી તમે શું શું કરી શકશો?
e₹થી તમે કોઈ વ્યક્તિની બેન્ક ડિટેઈલ વિના જ તાત્કાલિક રૂપિયા ટ્રાન્સફર કરી શકશો. તમે મોબાઈલ કે ડિજિટલ ડિવાઈસનો ઉપયોગ કરીને ઈ-વોલેટથી પર્સન ટુ પર્સન (પીટુપી), પર્સન ટુ બિઝનેસ (પીટુબી) ટ્રાન્ઝેક્શન કરી શકશો. ક્યુઆર કોડનો ઉપયોગ કરીને પણ તમે e₹ કોઈને પણ ચૂકવી શકશો.
તમારા પૈસાની સુરક્ષા વધારશે e₹
તમે જ્યારે મોટી મૂડી બેન્કમાં રાખો છો ત્યારે જો બેન્ક દેવાળુ ફૂંકે તો તમારા પૈસા ડૂબી જવાની પૂરેપૂરી શક્યતા રહે છે. રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા ફિક્સ્ડ ડિપોઝિટ પર પણ રૂ. 5 લાખ સુધીની જ ગેરન્ટી આપે છે. પરંતુ જ્યારે તમારા રૂપિયા e₹ વૉલેટમાં હોય, ત્યારે તેમાં પડેલી સંપૂર્ણ રકમની ગેરન્ટી રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા આપે છે કારણ કે એ રૂપિયા કોઈ બેન્ક પાસે નહિ, રિઝર્વ બેન્ક પાસે જ રહે છે. આથી તેમાં તમારા રૂપિયાની સુરક્ષા અનેકગણી વધી જાય છે.
ક્રિપ્ટો કરન્સી અને e₹માં શું તફાવત છે
ક્રિપ્ટો કરન્સી કોઈ નાણાંકીય સંસ્થા સાથે જોડાયેલી નથી, જ્યારે e₹ રિઝર્વ બેન્ક દ્વારા બહાર પાડવામાં આવી છે. ક્રિપ્ટો ડિજિટલ એસેટ્સનું પ્રતીક છે પરંતુ તે પેમેન્ટ કરવાનું માધ્યમ નથી. ઉપરાંત, ક્રિપ્ટો કરન્સીમાં અઢળક ઉતાર-ચડાવ આવે છે. e₹ એ ક્રિપ્ટો કરન્સી કરતા ઘણો જ વધારે સુરક્ષિત વિકલ્પ છે. જો વિશ્વની બધી જ એપેક્ષ બેન્ક પોતાની ડિજિટલ કરન્સી લોન્ચ કરે તો બિટકોઈન જેવી લોકપ્રિય ક્રિપ્ટો કરન્સીના ભવિષ્ય પર પણ પ્રશ્નાર્થ મૂકાઈ શકે છે.
e₹ને રોકડ સાથે એક્સચેન્જ કરી શકાયઃ
ક્રિપ્ટો કે અન્ય કોઈ કરન્સીનું મૂલ્ય વધ-ઘટ થયા કરે છે. જ્યારે e₹ એ રોકડ જેવું જ નિશ્ચિત મૂલ્ય ધરાવે છે. તેને સીધો રિઝર્વ બેન્કનો સપોર્ટ હોવાથી તેનું મૂલ્ય રોકડ નોટ જેટલું જ રહે છે. આ ઉપરાંત તે સીધી રિઝર્વ બેન્ક સાથે સંકળાયેલી હોવાથી તેમાં પૈસા ડૂબવાની શક્યતા શૂન્ય થઈ જાય છે. બીજું, બિટકોઈન, ઈથિરિયમ, લાઈટકોઈન જેવી ક્રિપ્ટો પર ભારે ટેક્સ લાદવામાં આવ્યો છે. તેના પર ટીડીએસ પણ લગાવવામાં આવે છે. રિઝર્વ બેન્કના ડિજિટલ રૂપી પર કોઈપણ પ્રકારનો ટેક્સ લાગશે નહિ.
e₹ ડિજિટલ વૉલેટ પર વ્યાજ મળશે?
ના. તમે e₹ના સ્વરૂપમાં ડિજિટલ વૉલેટમાં રૂપિયા રાખશો તો તેના પર કોઈ વ્યાજ મળશે નહિ. ધારો કે તમે તેમાં રૂ. 1 કરોડ રાખશો તો 1 વર્ષ પછી પણ તેનું મૂલ્ય રૂ. 1 કરોડ જેટલું જ રહેશે. આમ છતાં સરકાર e₹ને સફળ બનાવવા કટિબદ્ધ હોવાથી લાંબાગાળે e₹ ચોક્કસ લોકપ્રિય બનશે તેવો નિષ્ણાંતોનો અભિપ્રાય છે.
સરકાર અને રિઝર્વ બેન્કના અબજો રૂપિયા બચશેઃ
હાલ રિઝર્વ બેન્ક રોકડ પ્રિન્ટ કરવા માટે રૂ. 6500 કરોડનો ખર્ચ કરે છે. e₹ ટ્રાન્ઝેક્શન વધશે તેમ રોકડનું ચલણ ઘટતું જશે. પરિણામે રિઝર્વ બેન્ક અને સરકારના રોકડ પ્રિન્ટ કરવા પાછળ થતા ધરખમ ખર્ચમાં ઘટાડો આવશે તે નિશ્ચિત છે. આ ઉપરાંત જાલી નોટ છાપ સહિતના રોકડ સાથે સંકળાયેલા ગુનાના દરમાં ઘટાડો થશે તે પણ નિશ્ચિત છે.