• 9 October, 2025 - 3:18 AM

રિટેલર્સ માટે જલ્દી જ ‘અચ્છે દિન આને વાલે હૈ’: ઈ-કોમર્સમાં મોનોપોલી પર પડદો પાડવા સરકાર સક્રિય

ree

 
 
 
ઇ-કોમર્સ કંપનીઓની દાદાગીરી સામે રિટેઈલર્સ ટકી શકે તે માટે રસ્તો કાઢવા સરકાર સક્રિય બની
વિદેશી ઓનલાઈન કંપનીઓ દ્વારા બહુ જ મોટું ડિસ્કાઉન્ટ આપીને ભારતીય રિટેઈલર્સના વેપારને ઓહિયા કરી જવાના કારસાને નાકામિયાબ બનાવવાના હેતુ સાથે નવો મુસદ્દો તૈયાર કરાયો

ભારત સરકારે નવી ઇ-કોમર્સની પોલીસી તૈયાર કરી છે. તેમાં એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી ઓનલાઈન વેચાણ કરતી કરતી કંપનીઓએ તેમના પ્લેટફોર્મ પરથી વેચાણ કરતા દરેક વેચાણકારને એક સમાન સન્માન આપવું પડશે તેવી શરત મૂકવામાં આવી છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઓનલાઈન છૂટક વેચાણ કરતી કંપનીઓ દ્વારા વેન્ડર્સ એટલે કે વેચાણ માટે તેમની ચીજવસ્તુઓ શૉકેસ કરતા વેપારીઓ સાથે વહાલાદવલાનો વહેવાર કરવામાં આવી રહ્યો છે. તેવી જ રીતે બેફામ ડિસ્કાઉન્ટ આપવાની નીતિ અપનાવવામાં આવી રહી છે. તેને પરિણામે ભારતના દરેક રાજ્ય, દરેક શહેર, દરેક નગર અને દરેક ગામમાં દુકાન ખોલીને છૂટક વેચાણ કરનારાઓના વેપાર ધંધા તૂટી રહ્યા છે. તેમ જ તેમનો વિકાસ રુંધાઈ રહ્યો છે. આ સ્થિતિને બદલવા માટે ભારત સરકારના વાણિજ્ય ખાતા, નાણાં ખાતા સહિતના જુદાં જુદાં ખાતાઓ વચ્ચેની બેઠકમાં સૂચિત મુસદ્દો જાહેર કરવામાં આવ્યો છે. સરકારે જાહેર કરેલા નવા મુસદ્દામાં ઓનલાઈન રિટેઈલર્સ સાથે કંપનીઓની રમત પર પડદો પડવાની તૈયારી દર્શાવવામાં છે. ઓનલાઈન છૂટક વેચાણ કરતી કંપનીઓ તેમની સાથી કંપનીઓ અને પાર્ટીઓને જે લાભ કરાવતી હતી તે રમત સરકારે પારખી લીધી છે. તેથી જ સરકારે તૈયાર કરેલા નવા નિયમોના મુસદ્દામાં એસોસિયેટ કંપનીઓ અને સંબંધિત પાર્ટીઓ માટે ઓનલાઈન ટ્રેડિંગ કરતી કંપનીઓએ શું શું ન કરવું તે સ્પષ્ટતા કરવામાં આવી છે. ઓનલાઈન ટ્રેડિંગ કરતી એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓની એસોસિયેટ કંપનીઓ અને સંબંધિત પાર્ટીઓને ધ્યાનમાં રાખીને સરકારે સમયે સમયે તેમની યાદી જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ માટેની વ્યાખ્યા પણ તૈયાર કરી દીધી છે. ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ-ડીપીઆઈઆઈટી દ્વારા આ મુસદ્દો તૈયાર કરવામાં આવી રહ્યો છે.

 
ree

બીજા શબ્દોમાં કહીએ તો સરકાર હવે નાના દુકાનદારોને નારાજ રાખવા માગતી નથી. નાના દુકાનદારો તેની વોટબેન્ક પણ છે. તેથી જ ભારતમાં ઇ-કોમર્સના એટલે કે ઓનલાઈન વેપાર માટેના નિયમો સરકારે તૈયાર કરવા માંડ્યા છે. હવે સરકાર આ વિવાદ પર પડદો પાડી દેવા માગે છે. આ વખતે નિયમ તૈયાર કર્યા પછી તેમાં કોઈ જ ફેરફાર કરવા ન પડે તેવું આયોજન સરકાર કરી રહી છે. તેથી સરકારે ઇ-કોમર્સ માટેની ડ્રાફ્ટ પોલીસી જાહેર કરી છે. ઇ-ટેઈલર્સ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓને સરકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેમણે દરેક ટ્રેડર્સને સમાન દ્રષ્ટિથી જોવા પડશે. ધૂણતો ભૂવો નાળિયેર તેના ઘર તરફ જ ફેંકે તેવી માનસિકતા ઓનલાઈન ટ્રેડિંગનું પ્લેટફોર્મ પૂરું પાડતી એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓએ છોડવી પડશે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના પ્રમુખ પ્રવીણ ખંડેલવાલ કહે છે, “એમેઝોન અને ફ્લિપકાર્ટ એક ટ્રેડિંગ પ્લેટફોર્મ છે. તેમણે પોતે વેપાર કરવાનો નથી, પરંતુ તેમની પાસે આવતો ઓર્ડર કોને આપવો તે એમેઝોન અને ફ્લિપકાર્ટના કર્તાહર્તાઓ નક્કી કરે છે. તેથી દરેક વેન્ડરને તક મળતી નથી. એમેઝોન ફ્લિપકાર્ટને જે નિયમ લાગુ કરવામાં આવ્યો છે તે જ નિયમ તેમની સબસિડિયરીઓને પણ લાગુ કરવો જોઈએ. તેમ થશે તો જ તેમનું ટ્રેડિંગ પ્લેટફોર્મ વેપારીઓને એક સમાન તક પૂરી પાડનાર સાબિત થશે. નિયમ મુજબ ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર રજિસ્ટર્ડ થયેલા તેના દરેક વેચાણકર્તાઓમાંથી પસંદગીના વેચાણકર્તાઓને વસ્તુઓના વેચાણમાં અગ્રક્રમ મળે તેવી નીતિ અપનાવી નહિ શકાય. ઇ-કોમર્સ પ્લટફોર્મનો ઉપયોગ કરતાં વેન્ડર્સની આ જ મોટી ફરિયાદ હતી. સરકાર આ ફરિયાદને દૂર કરવા સક્રિય બની રહી હોવાનું જણાય છે. આ હેતુથી જ નવો મુસદ્દો તૈયાર કર્યો છે. આગામી દિવસોમાં સરકારે અમને આ મુદ્દે ચર્ચા કરવા બોલાવ્યા પણ છે.” આ સાથે જ ડિસ્કાઉન્ટ માટેની સ્પષ્ટ અને પારદર્શક નીતિ રહે તેવી વ્યવસ્થા ઇ-કોમર્સ ઓપરેટર્સે ઊભી કરવી પડશે. ઇ-કોમર્સના પ્લેટફોર્મ દ્વારા જુદી જુદી પ્રોડક્ટ્સ માટે સપ્લાયર્સના ફંડમાંથી અપાતા ડિસ્કાઉન્ટના દર કયા ધોરણે નક્કી કરવામાં આવે છે તે પણ ઈ-કોમર્સના ઓપરેટરે સ્પષ્ટ કરવું જોઈએ. આ માટે ચોક્કસ સ્કીમ્સ નક્કી કરવામાં આવે છે અને તે સ્કીમમાં ભાગ લેનારને અને ભાગ ન લેનારે વાજબી અને સમાન લાભ મળે તેવી ગોઠવણ કરવા જણાવવામાં આવ્યું છે. પ્રવીણ ખંડેલવાલ કહે છે, ”ઓનલાઈન ડિસ્કાઉન્ટની સમસ્યાનો સરકારે વ્યવસ્થિત ઉકેલ આપવો પડશે. દરેક રિટેઈલર્સના વેપાર અને ધંધાને આ ડિસ્કાઉન્ટ ચાંઉ કરી જાય છે. બીજી ઇ-કોમર્સનું પ્લેટફોર્મ ચલાવનારાઓ વહાલાં દવલાની નીતિ અપનાવે છે. તેઓ મોટાભાગનો બિઝનેસ તેમની માનીતી કંપનીઓને જ આપે છે. સરકારે તૈયાર કરેલા મુસદ્દામાં આ ગેરરીતિને નાબૂદ કરવાની શરત મૂકવા માંડી છે.” આ માટે વેન્ડર કંપનીમાં ઇ-પ્લેટફોર્મ પૂરું પાડનાર કંપની કોઈ જ શેર હિસ્સો રાખી શકશે નહિ. અત્યાર સુધી આ કંપનીઓ રિટેઈલર્સને પણ દબાવતી અને તેમનો ભોગ લેતી આવી છે. હવે તે શક્ય બનશે નહિ.

 
ree

ઇ-કોમર્સનું ચલણ વધતા સરકારે આ બજાર માટે ચોક્કસ નીતિનિયમો તૈયાર કરવા જરૂરી બની ગયા છે. 2024 સુધીમાં ભારતનું ઇ-કોમર્સ માર્કેટ વધીને 111 અબજ ડૉલરને આંબી જશે. પરંતુ ઇ-કોમર્સ કંપનીઓ નિયમોનું પાલન કરતી નથી. સરકારે 2018માં અખબારી યાદીના માધ્યમથી જાહેરાત કરી હતી કે ઇ-ટેઇલર્સ તરીકે કામ કરતી કંપનીઓ એટલે કે ઇ-પ્લેટફોર્મ પૂરું પાડતી કંપનીઓએ તેમની પોતાની કંપનીઓના પ્રોડક્ટ્સ તેના પોતાના જ ઈ-પ્લેટફોર્મ પરથી વેચવાના નથી. સરકારે પ્રોડક્ટ્સના વેચાણ અંગે કેટલાક નિયમો કર્યા તો એમેઝોને તેના ભારત ખાતેના માળખામાં ફેરફાર કરીને તે નિયમની ઐસીતૈસી કરવાનો રસ્તો ખોળી કાઢ્યો હતો. ફેબ્રુઆરી 2019માં કેટામારન વેન્ચર્સે ક્લાઉડ ટેઈલ્સ નામની પિતૃકંપની પ્રાઇવન બિઝનેસ સર્વિસમાંનો શેર હિસ્સો વધારી દીધો હતો. આ પગલાંને પરિણામે એમોઝોન એશિયામાં ક્લાઉડ ટેઈલનો હિસ્સો 24 ટકાથી વધીને 49 ટકા થઈ ગયો હતો. તેની સામે કેટામારન વેન્ચર્સનો શેર હિસ્સો 51 ટકાથી વધીને 76 ટકા થઈ ગયો હતો. આ ફેરફારને પરિણામે ક્લાઉડ ટેઈલ નામની કંપની એમેઝોન ગ્રુપની કંપની મટી ગઈ હતી. તેથી ભારત સરકારે તૈયાર કરેલા નિયમનું પાલન કરવું શક્ય બની ગયું હતું. તેમ છતાંય તેમનો હેતુ સિદ્ધ થતો નહોતો કારણ કે ધારાધોરણોને વધુ ચુસ્ત બનાવી દેવામાં આવ્યા હતા. એમેઝોન પાસે 35 વેન્ડર્સ-માલના સપ્લાયર્સ હતા. તેમાં બે અગ્રણી સપ્લાયર્સ હતા. તેમાં એક નારાયણ મૂર્તિના કેટારામન વેન્ચર્સની પાર્ટનરશીપમાં ચાલતી ક્લાઉડટેઈલ કંપની હતી. તેમાં એમેઝોનનો આડકતરો શેર હિસ્સો હતો. બીજી એપ્પારિયો નામની કંપની પણ હતી. ભારતમાંના એમેઝોનના કુલ બિઝનેસનું બેતૃતિયાંશ વેચાણ એપ્પારિયો નામની કંપની સાથે થતું હતું. 2019ની સાલ સુધી આ રીતે એમેઝોનનો બિઝનેસ ચાલતો હતો. આ અનિયમિતતાઓ દૂર કરવા માટે સરકારે 17, 18 અને 19 માર્ચે ઇ-કોમર્સમાં સીધા વિદેશી રોકાણને પ્રશ્ને ચર્ચા કરવા માટે ઇ-કોમર્સની અસરનો ભોગ બની રહેલા દરેક વેપારની સાથે સંકળાયેલા લોકોની એક મિટિંગ બોલાવી છે. ઈ-કોમર્સ કંપનીઓમાં આવી રહેલા સીધા વિદેશી રોકાણને મુદ્દે પણ તેઓ ચર્ચા કરશે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ, રિટેઈલર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા અને કોન્ફેડરેશન ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના કર્તાહર્તાઓ આ મિટિંગમાં ભાગ લેશે. આ બેઠકમાં ચર્ચા કરીને ઇ-કોમર્સ માટેની આચારસંહિતા તૈયાર કરવામાં આવશે. આ જ આશયથી ઇ-કોમર્સ પોલીસીનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટનો ઉપયોગ કરીને સરકાર ડિજિટલ એટલે કે ઓનલાઈન બિઝનેસમાં મોનોપોલી ઊભો કરવાની પ્રવૃત્તિ સદંતર બંધ થઈ જાય તે માટે પ્રયાસ કરી રહી છે. એમેઝોન ડોટ કોમ ઇન્કોર્પોરેશન અને વોલમાર્ટ ઇન્કોર્પોરેશન જેવી કંપનીઓમાં લોકલ સ્ટાર્ટ અપનો ઉમેરો અને વિસ્તરણના આયોજનો તેમની કોસ્ટ ઊંચે લઈ જશે.

 
ree

ડ્રાફ્ટ રૂલ્સમાં ઓનલાઈન રિટેઈલર્સ માટે આચારસંહિતા તૈયાર કરવામાં આવશે તેમ જ ભારતીય કસ્ટમર્સનો ડેટા ભારતની બહાર અન્ય કંપનીઓ પાસે ન જાય તેવી ગોઠવણ કરવામાં આવી રહી છે. સરકાર પાસે પણ તેની વોટ બેન્કને સાચવવા સિવાય બીજો કોઈ ચારો જ નથી. તેથી રિટેઈલર્સની માગણીઓ સામે ઝૂકવું પડે તેમ જ છે. તેમ કરીને એમેઝોન અને વોલમાર્ટનું વર્ચસ ઓછી થાય તે માટેના પ્રયાસો કરશે. ફ્લિપકાર્ટ એ વોલમાર્ટની જ માલિકીની કંપની છે. ફ્લિપકાર્ટ ભારતમાં 1 લાખ કરોડનું બજાર ધરાવે છે. આ વેપારમાં ઓનલાઈન કંપની દ્વારા ગ્રાહકોને ઓફર કરવામાં આવતા મોટા ડિસ્કાઉન્ટ પર બ્રેક લગાવવામાં આવશે. પસંદગીના વેપારીઓ સાથે ખાસ વેપારની સુવિધા ઊભી કરવાની પદ્ધતિને નાબૂદ કરવામાં આવશે. ઉપરાંત રિટેઇલ વેપારીઓ દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ પર ઓફર કરવામાં આવતી ચીજવસ્તુઓના વેચાણમાં પણ ઓનલાઈન કંપનીઓ ઇન્વેસ્ટમેન્ટ કરતી થશે. ઇ-પ્લેટફોર્મ પર તેમની વસ્તુઓ વેચવા આવતા નાના વેપારીઓને પણ લેવલ પ્લેયિંગ ફિલ્ડ આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઇ-પ્લેટફોર્મના વેપારના હિત અને નાના રિટેઈલર્સના વેપારના હિત સાથે ન ટકરાય તેની કાળજી સરકાર રાખવા માંગી રહી છે. સરકાર પ્રેરિત નિયમોનો ભંગ કરનારા ઇ-પ્લેટફોર્મ પ્રોવાઈડર્સને સરકાર ભારે દંડ કરશે.

 
ree

કરિયાણાના વેચાણમાં સ્થાનિક દુકાનદારોએ કટ્ટર હરિફાઈનો સામનો કરવો પડશેઃ

ઈ-ગ્રોસરીના માર્કેટમાં ટાટા સન્સ લિમિટેડ અને રિલાયન્સ રિટેઈલ લિમિટેડે એન્ટ્રી લીધી છે. તેને પરિણામે હરીફાઈમાં વધારો થશે. તેથી ઇ-ગ્રોસરીમાં ભારતની વધુ કંપનીઓ એન્ટ્રી લેશે. ઈ-ગ્રોસરીના સેક્ટરમાં સ્કોપ ઘણો જ મોટો દેખાઈ રહ્યો છે. સમાજના જુદાં જુદાં વર્ગને સપ્લાય આપવા માટે તેઓ જુદા જુદાં વિસ્તારોમાં સક્રિય થઈ શકશે. પરિણામે મોટા શહેર ઉપરાંત નાના નગરોમાં પણ ગ્રોસરીનો ઘરબેઠાં સપ્લાય મળતો થશે. આ સેક્ટરનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. લૉક ડાઉનને પરિણામે નિર્માણ થયેલી સ્થિતિને પરિણામે 2020ની સાલમાં અંદાજે 3.3 અબજ ડોલરના એટલે કે અંદાજે રૂ. 2.5 લાખ કરોડના કામકાજ આ સેક્ટરમાં થયા છે. બજારનું સતત સંશોધન કરતી કંપનીઓના અંદાજ મુજબ આગામી 5 વર્ષમાં એટલે કે 2025ની સાલ સુધીમાં આ સેક્ટરમાં પણ 24 અબજ ડોલરના કામકાજ થવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. ઈ-ગ્રોસરીના બજારમાં વિકાસની શક્યતાને ધ્યાનમાં લેતા જુદી જુદી આવક જૂથના લોકો સુધી પહોંચવા માટે વધુને વધુ ઈ-ગ્રોસરી પોર્ટલ શરૂ થશે. પરિણામે ગ્રોસરીની નાની દુકાન ધરાવનારાઓ પણ ઓનલાઈન સપ્લાય કરવાના બિઝનેસમાં ઝંપલાવી દે તેવી શક્યતાને નકારી શકાતી નથી. આ માટે તેઓ રિલાયન્સ જિઓ માર્ટનો હિસ્સો બની જવાનુ કે પછી તેની સાથે ભાગીદારી કરી લેવાનું પણ પસંદ કરે તેવી શક્યતા બજારના નિષ્ણાંતો જોઈ રહ્યા છે. બિગ બાસ્કેટ છેલ્લા સાત આઠ વર્ષથી આ મોરચે સક્રિય બની ચૂકી છે. ઇ-ગ્રોસરીના ક્ષેત્રની આજની તારીખે ભારતની મોટામાં મોટી કંપની બિગ બાસ્કેટ જ છે. હવે નવા પ્લેયર્સ માટે પણ ઈ-ગ્રોસરીના સેગમેન્ટમાં ઘૂસવાના દરવાજા ખખડાવી રહ્યા છે. વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટે અને એમેઝોન ઇન્ડિયાએ ઇ-ગ્રોસરીના માર્કેટમાં એન્ટ્રી લીધી છે ત્યારે જ ટાટા ગ્રુપે પણ આ સેગમેન્ટમાં થનારી વૃદ્ધિનો લાભ લેવા માટે પહેલ કરી દીધી છે. ઘર ઘરની જરૂરિયાત માટે ઓનલાઈન કરવામાં આવતી ખરીદીમાં 60થી 70 ટકા ગ્રોસરી જ હોવાથી આ સેગમેન્ટના વિકાસની તક સારી છે. તેમાંય આજકાલના યુથમાં ખરીદી ઓનલાઈન કરવાનો ટ્રેન્ડ સતત વધી રહ્યો હોવાથી બિઝનેસ ટુ કન્ઝ્યુમરની કેટેગરીના સેગમેન્ટમાં આવતી ઇ-ગ્રોસરી માટે સ્કોપ ઘણો જ મોટો હોવાનું દેખાઈ રહ્યું છે.

Read Previous

ત્રણ વર્ષના શેર્સ ટ્રાન્ઝેક્શનને આધારે આઈપીઓના શેર્સના ભાવ નક્કી કરવામાં આવશે

Read Next

Avocado Farming Success Story: ખેતી કરવી હોય તો આવી કરો: ઓછી મહેનત અને 1 કરોડની કમાણી, જાણો યુવાનનો રહસ્યમય ફોર્મ્યુલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular