લોન સમય પહેલાં ભરી દીધી ? હવે નહીં લાગે દંડ – RBIનો નવો નિયમ જાહેર
1 જાન્યુઆરી, 2026થી લાગુ થનાર નવા નિયમો મુજબ ફ્લોટિંગ રેટ લોન પહેલા ભરવાથી હવે કોઈપણ બેંક કે NBFC કોઈ પણ પ્રકારનો પ્રી-પેમેન્ટ ચાર્જ વસૂલશે નહીં
હોમ લોન અને નાના ઉદ્યોગોને સીધી રાહત, લોન સમય પહેલાં ચૂકવતાં હવે નહીં ભરવો પડે દંડ, RBIનું ગ્રાહકમૈત્રી પગલું

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ લોન લેનારાઓને રાહત આપવા માટે ફ્લોટિંગ રેટ લોન પર પ્રી-પેમેન્ટ ચાર્જ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. આ ચાર્જ નક્કી કરાયેલા સમય પહેલા લોનની રકમ થોડી અથવા આખી ચૂકવતી વખતે લેવામાં આવતો હતો. આ નવો નિયમ 1 જાન્યુઆરી, 2026થી લાગુ થશે. આ નિયમ તમામ બેંકો અને નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFC) સહિત રેગ્યુલેટેડ સંસ્થાઓ માટે ફરજિયાત રહેશે. આનાથી કરોડો લોન લેનારાઓ, ખાસ કરીને હોમ લોન અને MSE (સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ) લોન લેનારાઓને સીધો ફાયદો થશે.
RBIના નિર્ણયથી કોને ફાયદો થશે?
આ નિર્ણયથી એવા વ્યક્તિઓને ફાયદો થશે, જેમણે બિન-વ્યાવસાયિક કામ (Non-commercial work) માટે ફ્લોટિંગ રેટ પર લોન લીધી છે. આવી તમામ લોન પર કોઈપણ બેંક કે NBFC પ્રી-પેમેન્ટ ચાર્જ વસૂલી શકશે નહીં. આ ઉપરાંત જો લોનનો હેતુ વ્યાવસાયિક (Commercial) હોય અને તેને ઈન્ડિવિઝ્યુઅલ (વ્યક્તિ) અથવા MSE દ્વારા લેવામાં આવી હોય, તો પણ કોમર્શિયલ બેંકો પ્રી-પેમેન્ટ ચાર્જ લગાવી શકશે નહીં.
આ નિયમો બધી કોમર્શિયલ બેંકો (પેમેન્ટ બેંકો સિવાય), સહકારી બેંકો (કોઓપરેટિવ બેંકો), NBFC અને ઓલ ઈન્ડિયા ફાઈનાન્શિયલ ઇન્સ્ટીટ્યૂશન્સ પર લાગુ પડશે. RBI એ કહ્યું છે કે, આ ચાર્જ હોમ લોન, બિઝનેસ માટે લેવામાં આવેલી લોન, જે કોઈ વ્યક્તિ અથવા નાના ઉદ્યોગ (Micro and Small Enterprises – MSEs)ને આપવામાં આવી છે, તેના પર પણ મોટી બેંકો (Commercial Banks)કોઈ પ્રીપેમેન્ટ ચાર્જ વસૂલશે નહીં.
RBIએ આ નિર્ણય કેમ લીધો?
RBIએ જણાવ્યું કે, તેને એવું જાણવા મળ્યું હતું કે કેટલીક રેગ્યુલેટેડ સંસ્થાઓ પ્રી-પેમેન્ટ ચાર્જને લઈને અલગ-અલગ નીતિઓ અપનાવી રહી હતી, જેનાથી ગ્રાહકોમાં મૂંઝવણ અને વિવાદની સ્થિતિ ઊભી થઈ રહી હતી. આ ઉપરાંત કેટલીક સંસ્થાઓ લોન એગ્રીમેન્ટમાં એવી પ્રતિબંધાત્મક શરતો ઉમેરતી હતી, જેનાથી ગ્રાહકોને ઓછા વ્યાજ દરના વિકલ્પો પર સ્વિચ ન કરી શકે. એટલે કે ગ્રાહકો જ્યાં ઓછા વ્યાજે લોન મળતી હોય, ત્યાં ન જઈ શકે એ માટેની કડક શરતો એગ્રીમેન્ટમાં ઉમેરતી હતી.
પ્રી-પેમેન્ટના સ્ત્રોતથી કોઈ ફરક નહીં પડે
RBIએ સ્પષ્ટ કર્યું કે, આ રાહત લોન ચૂકવણીના સ્ત્રોત પર નિર્ભર નહીં હોય. એટલે કે, રકમ અડધી હોય કે આખી અને ફંડ ગમે ત્યાંથી આવ્યું હોય, કોઈ ચાર્જ લાગશે નહીં. સાથે જ કોઈપણ પ્રકારનો લૉક-ઇન પીરિયડ ફરજિયાત નહીં હોય.
ફિક્સ્ડ ટર્મ લોન અને ઓવરડ્રાફ્ટનું શું થશે?
નવા નિયમો અનુસાર, ફિક્સ્ડ ટર્મ લોનમાં જો પ્રી-પેમેન્ટ ચાર્જ લાગવામાં આવે, તો તે ફક્ત પ્રી-પે કરેલી રકમ પર આધારિત હોવો જોઈએ. ઓવરડ્રાફ્ટ કે કેશ ક્રેડિટના કિસ્સામાં નિયમ થોડો અલગ છે. જો લોન લેનાર સમય પહેલા રિન્યૂ ન કરવાની સૂચના આપે છે અને નિયત તારીખે લોન બંધ કરી દે, તો કોઈ પ્રી-પેમેન્ટ ચાર્જ લાગશે નહીં.
KFSમાં સ્પષ્ટ માહિતી જરૂરી
RBIએ નિર્દેશ આપ્યો છે કે, પ્રી-પેમેન્ટ ચાર્જ સંબંધિત તમામ નિયમોની માહિતી લોન મંજૂરી પત્ર, એગ્રીમેન્ટ અને Key Facts Statement (KFS)માં સ્પષ્ટ રીતે નોંધાયેલી હોવી જરૂરી છે. જો KFSમાં કોઈ ચાર્જ અગાઉથી નોંધાયેલો નહીં હોય, તો બાદમાં તે વસૂલી શકાશે નહીં. આ નિર્ણયને ગ્રાહકોની પારદર્શિતા અને સ્પર્ધાત્મક બેંકિંગ સેવાઓની દિશામાં મોટો સુધારો માનવામાં આવી રહ્યો છે.
ગ્રાહકોને થશે ફાયદો
આ નિર્ણયનો અર્થ એ છે કે જો તમે ફ્લોટિંગ રેટ પર લોન (જેમ કે હોમ લોન) લીધી હોય અને તેને અડધી કે આખી નક્કી કરાયેલા સમય પહેલાં ચૂકવવા માગો છો, તો બેંક કે ફાઇનાન્શિયલ કંપની તમારી પાસેથી કોઈ પ્રી-પેમેન્ટ પેનલ્ટી લઈ શકશે નહીં. પરંતુ, લોન 1 જાન્યુઆરી, 2026 કે તે પછી મંજૂર કે રિન્યૂ થયેલી હોવી જોઈએ. અત્યાર સુધીમાં ફાઇનાન્સ કંપનીઓ અને કેટલીક બેંકો આ ચાર્જ લગાવતી હતી, જેથી ગ્રાહકો કોઈ બીજી બેંકની સસ્તી લોન પર સ્વિચ ન કરી શકે અથવા લોન જલ્દી ન ભરે. તેનાથી તેને પૂરું વ્યાજ કમાવવાનો મોકો મળતો હતો. પરંતુ, હવે આવું નહીં થાય.