વણવપરાયેલા ભંડોળ અંગેના સેબીના નવા નિયમના અમલથી અનિયમિતતાઓ બહાર આવી

બ્રોકરોએ ક્લિયરિંગ ઓપરેશન્સમાંથી રૂ. 20,000 કરોડ ઉપાડી લીધા, પરંતુ ગ્રાહકોને રૂ. 30,000 કરોડ ચૂકવ્યા
સિક્યોરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા-સેબીના નવા નિયમ મુજબ ભારતના શેરબજારમાં દલાલ તરીકે કામ કરતાં લોકો પાસે વપરાયા વિના જ પડ્યા રહેલા ભંડોળની રકમ દર ત્રણ મહિને રોકાણકારોને પરત કરવાના નિયમનો અમલ થતાં ઘણી અનિયમિતતાઓ બહાર આવી છે. સેબીએ આપેલા આંકડાઓ મુજબ વણવપરાયેલા ફંડના રૂ. 20,000 કરોડ બ્રોકરોએ ઉપાડ્યા છે, તેની સામે તેમણે રૂ. 30,000 કરોડની ચૂકવણી કરી છે. આમ ફંડના આંકડાઓમાં મિસમેચ જોવા મળી રહ્યું છે. આ અનિયમિતતાઓ અંગે ઊંડી તપાસ થઈ શકે છે. કારણ કે કેટલાક શેરદલાલો ક્લાયન્ટ્સ પાસેથી લેવામાં આવતા ડિપોઝિટના પૂરા નાણાં ક્લિયરિંગ કોર્પોરેશનમાં જમા કરાવતા જ નહોતા.
સાતમી ઓક્ટોબર 2022થી એકાઉન્ટ સેટલ કરવાની સિસ્ટમ અમલમાં આવી છે. ઓક્ટોબરથી ડિસેમ્બર 2022ના પહેલા શનિવારે આ એકાઉન્ટ સેટલ કરવાનું ચાલુ કરવામાં આવ્યું છે. એકાઉન્ટ સેટલ કરવાની સમગ્ર પ્રક્રિયા દરમિયાન બહાર આવ્યું છે કે શેરદલાલોએ ક્લિયરિંગ કોર્પોરેશનમાંથી અંદાજે રૂ. 20,000 કરોડનું ઉપાડ કર્યો છે. તેની સામે તેમણે તેમના ક્લાયન્ટ્સને પરત કરેલા નાણાં અંદાજે રૂ. 30,000 કરોડ થવા જાય છે. શેરબજારમાં મોટા દલાલ તરીકે કામ કરતાં બ્રોકરો ક્લાયન્ટ્સ પાસેથી ડિપોઝિટ પેટે જે રકમ લેતા હતા તે પૂરી રકમ ક્લિયરિંગ કોર્પોરેશનમાં જમા કરાવતા જ નહોતા. તેથી જ ક્લિયરિંગ કોર્પોરેશનમાંથી કરવામાં આવેલા ઉપાડ કરતાં વધુ રકમ ક્લાયન્ટ્સને પરત કરવામાં આવી છે.
છેલ્લા થોડા વરસો દરમિયાન બ્રોકરો તેમના ક્લાયન્ટ્સને તેમના ઇન્વેસ્ટમેન્ટ્સના નાણાં ચૂકવવામાં નિષ્ફળ ગયાની ઘટનાઓ બની હોવાથી તથા કાર્વિ બ્રોકિંગ હાઉસ દ્વારા ક્લાયન્ટ્સ પાસેથી બાંયધરી-કોલેટરલ તરીકે લેવામાં આવેલા ભંડોળનો દુરુપયોગક કરવાની ઘટના બની હોવાથી ક્લાયન્ટ્સના ફંડનો દુરુપયોગ થતો અટકાવવા માટે સેબીએ દરેક ક્લાયન્ટ્સના પૈસા એક સાથે એક જ એકાઉન્ટમાં રાખવાને બદલે દરેક ક્લાયન્ટ્સના પૈસા અલગ અલગ એકાઉન્ટમાં રાખવાનો આદેશ કર્યો છે. આ નિયમનો અમલ ફેબ્રુઆરી 2022થી ચાલુ કરવામાં આવ્યો હતો. તેમ છતાં ઘણાં બ્રોકરોએ આ નિયમનું પાલન કરવાનું ટાળ્યું હતું.
ઝેરોધાના સ્થાપક અને સીઈઓ-ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નીતિન કામથે છ ઓક્ટોબરે ટ્વિટ કરીને જાહેર કર્યુ ંહતું કે સાતમી ઓક્ટોબરથી દરેક શેરદલાલે તેમના ક્લાયન્ટના એકાઉન્ટમાં વપરાયા વિના પડી રહેલી કોલેટરલની રકમને તેમના ક્લાયન્ટ્સના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની રહેશે. નવી પ્રક્રિયાના ભાગરૂપે આ નાણાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. તેમના અનુમાન પ્રમાણે સમગ્ર દેશમાં ક્લાયન્ટસ પાસેથી બાંયધરી તરીકે લેવામાં આવેલી રકમ અંદાજે રૂ. 25000 કરોડની હશે. મોટાભાગના દેશોમાં શેરદલાલો બેન્કની માફક વણવપરાયેલું ભંડોળ પોતાની પાસે જાળવી રાખી શકે છે. પરંતુ ભારતમાં ગત ફેબ્રુઆરીથી નવો નિયમ અમલમાં આવ્યો ત્યારથી ક્લાયન્ટ્સનું ભંડોળ તે જ ક્લાયન્ટ્ માટે વાપરી શકાય છે. ભારતમાં કરવામાં આવેલી જોગવાઈ દુનિયાના કોઈપણ દેશમાં નથી. તેથી વણવપરાયેલા પડ્યા રહેતા નાણાંમાંથી બ્રોકરોને થતી આવક પર બ્રેક લાગી જશે.
સેબી સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે વણવપરાયેલા પડ્યા રહેલા નાણાંના ઉપાડની રકમ અને ક્લાયન્ટ્સને ચૂકવવામાં આવેલી રકમમાં મોટો તફાવત આવ્યો છે તેથી આગામી દિવસોમાં સેબી તરફથી તેનો દુરુપયોગ થતો અટકાવવા માટે વધુ કડક પગલાં લેવામાં આવશે. તેથી હવે કેટલાક દલાલોએ એવા બહાના કાઢવા માંડ્યા છે કે શેરદલાલોએ સાતમી ઓક્ટોબર પહેલાથી જ ક્લાયન્ટ્સના પૈસા પરત કરવાના ચાલુ કરી દેવામાં આવ્યા હોવાથી ક્લિયરિંગ કોર્પોરેશનમાં જમા ન કરાવ્યા હોવાની સંભાવના છે. શેરદલાલો ક્લાયન્ટ્સને તેમની ડિપોઝિટ અંગે જાણકારી આપતા રહેતા હોવાથી તેમાં ગોટાળાઓ થવાની સંભાવના ઓછી છે.
સાતમી ઓક્ટોબરે સેબીના નિયમ પ્રમાણે ક્લાયન્ટ્સને તેમની વણવપરાયેલી ડિપોઝિટના નાણાં પરત કરી દેવામાં આવ્યા છે. આ કામગીરી સરળતાથી પાર પણ પડી છે. તેમ છતાંય શેરદલાલોને ભય છે કે એક જ દિવસે બહુ મોટી રકમ પરત કરવાની આવતી હોવાથી થોડું જોખમ ઊભું થઈ શકે છે. શેરદલાલોએ વધુ કાર્યકારી મૂડી હાથવગી રાખવી પડશે. તેમાંય શુક્રવારે પરત ચૂકવણી કર્યા પછી સોમવારે તેમના ખાતામાં પૂરતા પૈસા છે કે નહિ તેની કાળજી રાખવી પડશે. દલાલો ઇન્વેસ્ટર્સને પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરીને તેમના ક્લાયન્ટને તત્કાલ ટ્રેડિંગ કરવાની છૂટ આપી દેશે તો તેવા સંજોગોમાં શેરદલાલોની મૂડી સલવાઈ જવાની સંભાવના છે.