વીજબિલના બોજથી થથરી રહેલો કોલ્ડ સ્ટોરેજ ઉદ્યોગ
આર્થિક ભીંસને કારણે ગુજરાતમાંથી 60 જેટલા કોલ્ડ સ્ટોરેજ વેચવા કઢાયા છે
બાગાયતી પાક અને શાકભાજીના પાકમાંથી સરેરાશ 30 ટકાથી વધુનો થતો બગાડ રોકવા માટે કોલ્ડ સ્ટોરેજનો કોન્સેપ્ટ અસ્તિત્વમાં તો આવ્યો પરંતુ વીજપુરવઠાના યુનિટદીઠ દર વધી જતાં અસ્તિત્વ ટકાવવું કપરું બન્યું.
કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલા માલ પર લીધેલા ધિરાણના ગેરેન્ટર તરીકે કોલ્ડ સ્ટોરેજના માલિકો હોય છે, પરંતુ બજારમાં માલના ભાવ ઘટી જાય તો ખેડૂતો માલ લેવા આવતા જ નથી, તેથી માલિકોને માલ માથે પડે છે
ગુજરાત સરકાર પણ કોલ્ડ સ્ટોરેજોને મહારાષ્ટ્ર, ગોવા, હરિયાણા અને MPની જેમ ઓછા દરે વીજ પુરવઠો આપવાની દિશામાં વિચાર કરે
કોલ્ડ સ્ટોરેજની ચેઈન મજબૂત બને તો દેશમાંથી કુપોષણની સમસ્યા ઘણે અંશે નાથી શકાય, ખાદ્ય પુરવઠાનો બગાડ થતો અટકાવી શકાય

Image by teravector on Freepik
ગુજરાતના કોલ્ડ સ્ટોરેજના માલિકો વીજ બિલના બોજથી થથરી રહ્યા છે. ગુજરાતમાં 700 જેટલા કોલ્ડ સ્ટોરેજ છે. આ 700 કોલ્ડ સ્ટોરેજમાં આઈસક્રીમના ધંધા સાથે સંકળાયેલા અને મસાલાનો વેપાર કરનારાઓના કોલ્ડ સ્ટોરેજનો પણ સમાવેશ થાય છે. અત્યારે તેમાં બટાકા અને સફરજનનું ખાસ્સું સ્ટોરેજ થાય છે. ગુજરાત અને અમદાવાદમાં 2 લાખથી વધુ પેટી સફરજન કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહી રાખવામાં આવે છે. સફરજન 5થી 6 માસ અને સફરજન 8થી 10 મહિના સુધી સાચવી શકાય છે. હવે તો કીવી ફ્રુટને પણ કોલ્ડ સ્ટોરેજમાં સાચવવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
ગુજરાતમાં સૌથી વધુ કોલ્ડ સ્ટોરેજ ડિશામાંઃ
ગુજરાતના ડિશામાં ખાસ કરીને બટેટાના પાકને સાચવવા માટે 202 કોલ્ડ સ્ટોરેજ છે. સમગ્ર ગુજરાત અને ભારતના જુદાં જુદાં વિસ્તારોમાં બટાકાનો સપ્લાય ત્યાંથી થાય છે. સાબરકાંઠામાં પણ વેફરના બટાકા સાચવવા માટેના કોલ્ડ સ્ટોરેજ ચાલી રહ્યા છે. દહેગામમાં, ગાંધીનગર અને વિજાપુરમાં પણ ખાસ્સા કોલ્ડ સ્ટોરેજ છે.
શાકભાજીનો સંગ્રહ કોલ્ડ સ્ટોરેજમાં પણ મુશ્કેલઃ
જોકે દરેક શાકભાજીને સાચવવા અલગ અલગ ટેમ્પરેચરની જરૂર પડે છે. તેથી શાકભાજીનો સાચવવા માટેનો કોલ્ડ સ્ટોરેજ નથી. અમદાવાદ કૃષિ ઉત્પન્ન બજાર (એપીએમસી)ના સેક્રેટરી દીપક પટેલ કહે છે, “કોલ્ડ સ્ટોરેજમાં શાકભાજી રાખવામાં આવ્યા બાદ તેને બહાર કાઢવામાં આવે તો તેની લાઈફ ત્રણથી ચાર કલાકથી વધુ રહેતી નથી. કોલ્ડ સ્ટોરેજથી માર્કેટ પહોંચાડે તે પહેલા તેના ખરાબ થવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. તેથી તેનો ઝડપથી વપરાશ કરી દેવાની ફરજ પડે છે. પરિણામે શાકભાજી કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાનું વધુ લોકો પસંદ કરતાં નથી. વિદેશમાં ફ્રોઝન ફૂડ ખાવાનું ચલણ વધુ છે. તેઓ શાકભાજી કાપીને રેડી ટુ કૂક પોઝિશનમાં ફ્રોજન વેજિટેબલ તરીકે તૈયાર રાખે છે. જરૂર પડે ત્યારે ગરમ પાણીમાં નાખી તેમાંથી શાક બનાવી દે છે. ભારતમાં ફ્રોઝન વેજિટેબલનું ચલણ વિદેશની તુલનાએ ઓછું છે. તેથી શાકભાજીના સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજનો ખાસ ઉપયોગ થતો નથી.”

આર્થિક ભીંસના કારણે 60 કોલ્ડ સ્ટોરેજ વેચવા કઢાયાઃ
ગુજરાતમાં મોટા કોલ્ડ સ્ટોરેજની સરેરાશ સ્ટોરેજ કેપેસિટી 7000થી 10000 ટનની છે. બાકીના કોલ્ડ સ્ટોરેજ ઓછી કેપિસિટીના છે. જો કે હવે તેમાંથી 60 જેટલા કોલ્ડ સ્ટોરેજ આર્થિક ભીંસને કારણે વેચવા કાઢ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. કોલ્ડ સ્ટોરેજનો મોટો ખર્ચો માત્ર ને માત્ર વીજળીના બિલનો જ છે. વીજબિલના ખર્ચના પ્રમાણમાં આવક ન થતી હોવાથી કોલ્ડ સ્ટોરેજના માલિકો બેન્કની લોનના નાણાં ભરી શકતા નથી. તેથી તેમણે આ ધંધામાંથી નીકળી જવાનો નિર્ણય કર્યો છે. બાકીનામાંથી 15થી 20 જેટલા કોલ્ડ સ્ટોરેજના માલિકોની આર્થિક હાલત ખરાબ છે. અમદાવાદમાં કોલ્ડ સ્ટોરેજ ચલાવતા આશિષ ગુરુ કહે છે, “વીજળીના ઊંચા દરને કારણે ગુજરાતના કોલ્ડ સ્ટોરેજ માલિકોની હાલત કફોડી થઈ છે.”
વીજ નિયમન પંચમાં રજૂઆતઃ
હા, આ જ વાતને લઈને ગુજરાતના કોલ્ડ સ્ટોરેજ માલિકોના એસોસિયેશનને ગુજરાત વીજ નિયમન પંચમાં ધા નાખી છે. ગુજરાત સરકારની ચારેય વીજ વિતરણ કંપનીઓને તેમાં પક્ષકાર બનાવવામાં આવી છે. તેમને આપવામાં આવતો વીજ પુરવઠાનો દર ખેડૂતોને આપવામાં આવતા વીજ પુરવઠાની સપાટીએ લઈ જવાની માગણી કરી છે. આશિષ ગુરુ કહે છે, “ગુજરાતના ખેડૂતોને યુનિટદીઠ વીજળી 80 પૈસાના દરે આપવામાં આવે છે. અત્યારે ગુજરાતમાં કોલ્ડસ્ટોરજના માલિકોએ વીજળીના યુનિટદીઠ સરેરાશ રૂ. 8 ચૂકવવા પડી રહ્યા છે. કોલ્ડ સ્ટોરેજને આ પ્રકારના પ્રોત્સાહન નહિ આપવામાં આવે તો તેમનું અસ્તિત્વ ટકાવવું કઠિન બની જશે.”
દેશના અન્ય રાજ્યોમાં કોલ્ડ સ્ટોરેજને મળે છે સસ્તી વીજળીઃ
મહારાષ્ટ્ર, ગોવા, હરિયાણા અને મધ્ય પ્રદેશની સરકારે કોમર્શિયલ કન્ઝ્યુમર્સ કરતાં ઓછા દરે કોલ્ડ સ્ટોરેજ માલિકોને વીજ પુરવઠો આપવાનું નક્કી કર્યું હોવાથી તેમને ખાસ્સી રાહત મળી છે. મહારાષ્ટ્રમાં રૂ. 5.11ના નોર્મલ રેટ સામે કોલ્ડ સ્ટોરેજને યુનિટદીઠ રૂ. 3.29ના ભાવે વીજપુરવઠો અપાય છે. ગોવામાં આ ભાવ યુનિટદીઠ રૂ. 3.25નો છે. ઓરિસ્સામાં કોલ્ડ સ્ટોરેજને રૂ. 4.10ના ભાવે વીજળી આપવામાં આવે છે. હરિયાણામાં પણ કોમર્શિયલ વીજજોડાણ ધારકો કરતાં યુનિટે બે રૂપિયા ઓછા ચાર્જ લે છે.
ગુજરાત સરકાર કોલ્ડ સ્ટોરેજને ટકાવવા માટે પ્રોત્સાહન ન આપતી હોવાથી કોલ્ડ સ્ટોરેજ માલિકોએ વીજદરમાં ઘટાડો કરી આપવાની માગણી સાથે ગુજરાત વીજ નિયમન પંચમાં ધા નાખવાનો નિર્ણય કર્યો છે. પાવર સેક્ટરના નિષ્ણાત કે.કે. બજાજ કહે છે, “જર્ક-વીજ નિયમન પંચ આ પ્રકારની પિટીશનની હિયરિંગ કરે છે. તેના પર નિર્ણય પણ આપે જ છે.”
નજીવું ભાડું, ઊંચો ખર્ચઃ
ગુજરાતના કોલ્ડ સ્ટોરેજના માલિકોના એસોસિયેશનોએ તેમના અસ્તિત્વ માટેની લડાઈ લડવા ગુજરાત વીજ નિયમન પંચનો સંપર્ક કર્યો છે. તેમની એવી દલીલ છે કે કોલ્ડ સ્ટોરેજ માલિકો કોઈ ઔદ્યોગિક પ્રક્રિયા કરતાં નથી. તેમાં એક પ્રોડક્ટમાંથી બીજું પ્રોડક્ટ બનતું નથી. કોલ્ડ સ્ટોરેજમાં આવે છે તે જ સ્થિતિમાં તે બહાર જાય છે અને ગ્રાહકોના હાથમાં પણ તે જ સ્વરૂપમાં જાય છે. તેથી તે ઉદ્યોગ જેવું કામ કરતો નથી. તેથી તેમને ઉદ્યોગની જેમ ઊંચા દરે વીજળી આપવી ન જોઈએ. તેમણએ તો પ્રોડક્ટ્સને સાચવીને તેના યથાવત સ્વરૂપમાં પરત કરવાની કામગીરી જ કરવાની છે. આ પ્રોસેસ દરમિયાન તેમણે જુદાં જુદાં ગેસનો પણ ઉપયોગ કરવો પડે છે. આ ગેસની મદદથી જ ફળ અને શાકભાજીને કોલ્ડ સ્ટોરેજનું એટમોસ્ફિયર યોગ્ય રીતે જાળવી કે સાચવી રાખવામાં સફળતા મળે છે. આ ફળની 18થી 22 કિલોની પેટી સાચવવા માટે તેમને મહિને રૂ. 15નું ભાડું મળે છે. છથી આઠ મહિના સુધી પ્રોડક્ટ સાચવ્યા પછી તેમને માંડ પેટીએ રૂ. 90થી 120 મળે છે. કોલ્ડ સ્ટોરેજ ચલાવવા માટે થતો ખર્ચ તેની સરેરાશ આવકના 25 ટકાથી વધારે છે. તેમાં ઇન્સ્યુલેટર નબળા પડતા અને તેની મશીનરીને ઘસારો લાગતા આ કોસ્ટ વધીને 40 ટકા સુધી પણ જાય છે.
ખેડૂતો માલ લેવા ન આવે તો તે પણ જફા વધે છેઃ

સામાન્ય રીતે 5000થી 10000 ટન ફળ શાકભાજીનો સંચય કરવા માટેની ક્ષમતા પ્રમાણે તેમને માલ નથી મળતી. તેથી વીજબિલનું ભારણ ઘણુ જ વધી જાય છે. બીજું, નબળી ક્વોલિટીનો માલ આવે તો તે લાંબો સમય સચવાતો નથી. આ ગાળામાં તે ફળ કે શાકભાજીના ભાવ તૂટી જાય તો ખેડૂત તે લેવા માટે પણ આવતા નથી. તેવા સંજોગોમાં તેની આખી જવાબદારી કોલ્ડ સ્ટોરેજને માથે આવે છે. બેન્કો કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવેલા માલ પર ફાઈનાન્સ આપે છે. તેના પર ફાઈનાન્સ હોય અને માલના ભાવ તૂટીને તળિયે આવી જાય ત્યારે પણ ખેડૂતો માલ લેવા આવતા નથી. પરિણામે કોલ્ડ સ્ટોરેજ માલિકોએ તેમના ગેરેન્ટર બન્યા હોય તો ભેરવાઈ જાય છે. ખેડૂતો ભાગી જાય ત્યારે બેન્કોને નાણાં ચૂકવવાની જવાબદારી કોલ્ડ સ્ટોરેજને માથે આવી જાય તેવો ઘાટ પણ થાય છે. આ પ્રકારના કિસ્સાઓ ઓછા બને છે, પરંતુ સાવ નથી બનતા તેવું નથી જ નથી. ડિશામાં 20થી 25 કોલ્ડ સ્ટોરેજ આ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. બીજા કોલ્ડ સ્ટોરેજ માંડ માંડ તેનું અસ્તિત્વ ટકાવી રહ્યા છે. કોલ્ડ સ્ટોરેજના માલિકોને બેન્કના વ્યાજના ભારણમાં રાહત આપવા વિનંતી કરતો પત્ર પણ રિઝર્વ બેન્કને લખવામાં આવ્યો છે.
સૌર ઉર્જાનો વિકલ્પ છે, પણ…
વીજબિલના ભારણથી બચવા માટે સોલાર પાવરનો ઉપયોગ કરીને કોલ્ડ સ્ટોરેજ ચલાવવામાં આવી રહ્યા છે. તેમાં કોલ્ડ સ્ટોરેજના માલિકોએ કોન્ટ્રાક્ટ ડિમાન્ડના 50 ટકા જેટલી સૌર ઉર્જાથી વીજળી પેદા કરીને કામ ચલાવ્યું છે. ગુજરાતમાં 110ની આસપાસ કોલ્ડ સ્ટોરેજે સોલાર સબસિડીની જૂની સ્કીમ હેઠળ જરૂરિયાતના 50 ટકા વીજળી સૌર ઉર્જાથી પેદા કરવાની સ્કીમનો લાભ લીધો છે. તેથી કેટલાક ટકી રહ્યા છે. પરંતુ બધાં માટે તે શક્ય ન બન્યું હોવાથી તેઓ સંઘર્ષ કરી રહ્યા છે.
કોલ્ડ સ્ટોરેજ ચલાવનારાઓને સરકાર તરફથી રૂ. 2 કરોડની સબસિડી મળે જ છે. પરંતુ આ સબસિડી મેળવવાની લ્હાયમાં ઘણાં બિનઅનુભવીઓ કોલ્ડ સ્ટોરેજ બનાવીને બેસી જાય છે. પરંતુ તેઓ તેને વ્યવસ્થિત ચલાવી શકતા નથી. છેવટે તેમને આ બિઝનેસમાં નિષ્ફળતાનો સામનો કરવો પડે છે.
કોલ્ડ સ્ટોરેજ શા માટે જરૂરી?
કોલ્ડ સ્ટોરેજનો આરંભ શા માટે થયો હતો તમને ખબર છે? બાગાયતી પાક, શાકભાજી સહિતના અનાજ કરિયાણાનો બગાડ થતો અટકાવવા માટે કોલ્ડ સ્ટોરેજની ચેઈન ઊભી કરવાનો કોન્સેપ્ટ ત્રણ-ચાર દાયકાથી વધુ સમય પહેલાથી ભારતમાં અસ્તિત્વમાં આવ્યો હતો. યુનાઈટેડ નેશનના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના અહેવાલ મુજબ દુનિયાનો કોઈપણ દેશ લો, તેમાં પેદા થતાં ફળ અને શાકભાજીના કુલ જથ્થામાંથી 30 ટકા જથ્થાથી વધુ છેલ્લા વપરાશકાર પાસે પહોંચે તે પહેલા જ સડીને ખતમ થઈ જાય છે. પાક લીધા પછી કોલ્ડ સ્ટોરેજમાં તેનો સંગ્રહ કરવાની યોગ્ય વ્યવસ્થાને અભાવે આ બગાડ થઈ રહ્યો હોવાનું તારણ યુનાઈટેડ નેશનના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશને કાઢ્યું હતું.
આ સ્થિતિમાં કોલ્ડ સ્ટોરેજની ચેઈન ખેડૂતોના ખેતરથી વપરાશકારના ઘર સુધીની સફરમાં ફળફળાદિ અને શાકભાજીને સાચવવાનું અને સડી જતાં અટકાવવાનું કામ કરે છે. બીજીતરફ દેશમાં સેંકડો લોકો અપૂરતા પોષણનો શિકાર બની રહ્યા છે. તેમને પોષક આહાર પહોંચાડવા સરકાર જફા કરી રહી છે. આ સંજોગોમાં બગાડ અટકે તો ઘણાંને વધારાનો આહાર અને તેના થકી પોષણ મળી શકે છે. તેથી જ સરકાર પણ ઇચ્છે છે કે દેશમાં અને દરેક રાજ્યોમાં કોલ્ડ સ્ટોરેજની ચેઈન વિકસવી જ જોઈએ.
કોલ્ડ સ્ટોરેજની ચેઈન બને તો ખેતરમાંથી ઘર સુધીની ફળ અને શાકભાજી જેવી નાશવંત સામગ્રીની સફર સલામત બને છે. તેનાથી બગાડ ઓછો થાય છે. બગાડ ઓછો થાય અને સપ્લાયમાં સાતત્ય જળવાય તો ભાવની વધઘટ પણ સીમિત થઈ જાય છે. બીજું, કોલ્ડ સ્ટોરેજમાં સચાવાતા હોવાથી સફરજનની સીઝન પૂરી થઈ ગયા પછીય આખા વરસ સુધી સફરજનની મજા માણી શકાય છે. તેવી જ રીતે માત્ર ઊનાળામાં જ બહુધા જોવા મળતી કેરીઓ ઓફ સીઝનમાં ખાવાની લિજ્જત પણ કોલ્ડ સ્ટોરેજની બદોલત જ માણી શકાય છે. આશિષ ગુરુ કહે છે, “પાકની લણણી પછી પાકને થતું નુકસાન અટકાવવામાં કોલ્ડ સ્ટોરેજ બહુ જ મહત્વની ભૂમિકા ભજવે છે. ગ્રાહકોને લાંબા સમય સુધી સારી ગુણવત્તાવાળા ફળ અને શાકભાજી મળી શકે છે. તેમ જ ટ્રાન્સપોર્ટના ખર્ચની બચત પણ કરી આપે છે.” તદુપરાંત 130 કરોડની વસતિ ધરાવતા ભારત જેવા રાજ્ય માટે ફૂડ સિક્યોરિટી બહુ જ મોટી બાબત છે. આ ફુડ સિક્યોરિટીને સંગીન બનાવવામાં પણ કોલ્ડ સ્ટોરેજની મહત્વની ભૂમિકા છે. કોલ્ડ સ્ટોરેજમાં લાંબા સમય સુધી સાચવણી શક્ય બનતી હોવાથી લાંબા સમય સુધી તેને ઉપયોગમાં લઈ શકા છે. તેથી જ કોલ્ડ સ્ટોરેજની ચેઈન હોવી અનિવાર્ય છે. કોલ્ડ સ્ટોરેજની ચેઈન સંગીન બનાવવી હોય તો તેવા સંજોગોમાં વીજળીના દર નીચા હોવા જરૂરી છે.