વેટ ટ્રિબ્યુનલમાં અધ્યક્ષની નિમણૂકના ઠેકાણા નથી
એપેલેટ ટ્રિબ્યુનલના ચેરમેનને અભાવે છ હજારથી વધુ પેન્ડિંગ કેસનો નિકાલ ન આવતા વેપારીઓ હેરાન પરેશાન
અધ્યક્ષની નિમણૂકમાં સરકારની સુસ્તીથી ૬૦૦૦થી વધુ કેસોની સુનાવણી જ અટકી પડી હોવાથી પરેશાન થઈ રહેલા વેપારીઓ

ગુજરાતમાં મૂલ્યવેરા વર્ધનની વ્યવસ્થા હેઠળ થતાં કેસનો ઉકેલ લાવવા માટે જરૂરી ટ્રિબ્યુનલના અધ્યક્ષની નિમણૂક ન થતી હોવાથી ગુજરાતમાં ૬૦૦૦થી વધુ કેસોનો નિકાલ આવતો નથી. વેપારીઓના કેસનો ઉકેલ ન આવતો હોવાથી વેપારીઓ પરેશાન થઈ ગયા છે. ૩૧મી મે ૨૦૨૫ના છેલ્લા અધ્યક્ષ નિવૃત્ત થઈ ગયા છે. પરંતુ તેમને સ્થાને નવા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવતી ન હોવાથી વેપારીઓના માથા પરથી વેટના કેસનો બોજો ઓછો થતો નથી.
ટ્રિબ્યુનલના અધ્યક્ષ ન હોવાથી ટ્રિબ્યુનલમાં પેનલની રચના કરવાની, કેસના મૂલ્યાંકન કરવાની અને કાયદાકીય અર્થઘટનના વિવોદોનો ઉકેલ લાવવો શક્ય બનતો ન હોવાનું શ્રી અમદાવાદ વેપારી મહાસંગઠનના મેઘરાજ ડોડવાણીનું કહેવું છે. પરિણાામે વેટમાં રજિસ્ટ્રેશન ધરાવતા વેપારીઓ જીએસટીમાં આવી ગયા પછીય તેમને ન્યાય મળી રહ્યો નથી. ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ કેસોનો ઝડપથી નિકાલ લાવવા માટે પણ તત્કાળ નવા અધ્યક્ષની નિમણૂક કરવી જરૂરી છે.
અપીલના કેસોનો ચૂકાદો ન આવતા એક તરફ વેપારીઓ પરેશાન છે. બીજીતરફ સરકારની આવક પણ તેને પરિણામે અટકેલી પડી છે. ૬૦૦૦થી વધુ કેસોમાં કરોડો રૂપિયાના વેરાના વિવાદ ઊભા હોવાનો અંદાજ છે. શ્રી અમદાવાદ વેપારી મહાસંગઠને સત્ત્વર અધ્યક્ષની નિમણૂક કરવાની માગણી પણ કરી છે.