શું તમારા રૂપિયા પણ સેવિંગ એકાઉન્ટ્સમાં પડ્યા રહ્યા છે? આટલું જાણીને અફસોસ થશે

આજની તારીખે પણ એવા લોકોની સંખ્યા ઘણી મોટી છે જે પોતાની બચતના રૂપિયા સેવિંગ્સ એકાઉન્ટમાં મૂકી રાખે છે. બેન્કના ખાતામાં પડેલી રકમ જોઈને તેમને એક પ્રકારની સુરક્ષાનો અહેસાસ થાય છે. પરંતુ તમે તેની પાછળના ગણિત સમજશો તો તમને ચોક્કસ એવું લાગશે કે તમે અત્યાર સુધી સેવિંગ્સ એકાઉન્ટમાં રૂપિયા મૂકી રાખવા અંગે તમારી માન્યતામાં બદલાવ લાવવો હવે જરૂરી છે. તમારે આર્થિક રીતે તમારું ભવિષ્ય સુરક્ષિત કરવું હોય તો તમારે સેવિંગ એકાઉન્ટમાં રૂપિયા મૂકી રાખવાની જરૂર નથી. પબ્લિક સેક્ટરની એક દિગ્ગજ બેંક હાલમાં સેવિંગ બેંક એકાઉન્ટમાં પડેલી રકમ પર વાર્ષિક 2.75% વ્યાજ આપે છે. ગયા વર્ષ સુધી આ બેંક 4% વ્યાજ ચૂકવતી હતી. જો તમે તેમની સાથે ફિક્સ્ડ ડિપોઝિટ ખોલાવો તો તમે વર્ષે 4.9% સુધી વ્યાજ કમાઈ શકશો અને તેના પર પણ તમારે થોડો ટેક્સ ભરવો પડશે. આ આજના સમયે મળતા સાવ ઓછા વ્યાજના દરની વાસ્તવિકતા છે અને તમે આમાં કશું જ બદલી શકો તેમ નથી.

તેનાથી પણ મોટી ચિંતા એ છે કે સેવિંગ એકાઉન્ટમાં પડેલા રૂપિયા હંમેશા ખર્ચ માટે તમારી પાસે ઉપલબ્ધ હોય છે. એક તો તમને તેના પર ખાસ કશું કમાણી થતી નથી, તો તમે તેને કદાચ ખર્ચી નાંખવાનો પણ નિર્ણય કરો. તમે ગમે ત્યારે ખર્ચી શકો તેવી રકમ તમારી પાસે પડી છે એવું માનીને તમને મનમાં ખોટી સુરક્ષાની ભાવના ઊભી થાય છે અને ભવિષ્ય માટે તેને બચાવી રાખવાની ખાસ ઈચ્છા પણ નથી થતી. વાસ્તવિકતા એ છે કે તમારે ફક્ત ભવિષ્ય માટે પૈસા બચાવવાના નથી પણ તે પૈસાનું મૂલ્ય વધે તેવા પગલા પણ ભરવાના છે. બેંકમાં પડ્યા પડ્યા તમારી મૂડીનું મૂલ્ય ઓછું થઈ જશે. મૂડીનું મૂલ્ય ઘટશે એવું હું એટલા માટે કહું છું કારણ કે અત્યારે અર્થતંત્રમાં ફૂગાવાનો અથવા મોંઘવારીનો દર 6 ટકા જેટલો છે. આથી જો તમે બેંકમાં પૈસા મૂકી રાખશો તો તેનું વાસ્તવિક મૂલ્ય ઘટી રહ્યું છે, વધી રહ્યું નથી. તો આ પરિસ્થિતિને બદલવા તમે શું કરી શકો? ઈન્વેસ્ટમેન્ટના વધુ સ્માર્ટ વિકલ્પો પસંદ કરી શકો. 1. ટૂંકાગાળાની જરૂરિયાત માટેઃ તમારા બેંક એકાઉન્ટમાં ત્રણથી છ મહિનાનો ખર્ચ નીકળી જાય તેટલા પૂરતા રૂપિયા રાખો. જો તે જોઈને પણ તમને ખર્ચ કરવાનું મન થઈ જતું હોય અને તમને લાગતું હોય કે તમે બધા જ રૂપિયા ખર્ચ કરી નાંખશો તો તમારા બે મહિનાના ખર્ચને બાદ કરતા બીજી રકમ લિક્વિડ ફંડમાં શિફ્ટ કરી નાંખો. લિક્વિડ ફંડ એ એવા મ્યુચ્યુઅલ ફંડ છે જેમાં રિસ્ક સૌથી ઓછું હોય છે અને તેમાં પૈસા રોકીને તમે સેવિંગ બેંક એકાઉન્ટ કરતા થોડું વધારે સારુ રિટર્ન મેળવી શકો છો. આ ઉપરાંત તમે ફક્ત એક જ દિવસની નોટિસ આપીને આ રુપિયા ઉપાડી શકો છો. તમે ત્રણથી છ મહિનાના ખર્ચ માટે સેવિંગ બેંક એકાઉન્ટમાં જે રૂપિયા મૂકી રાખો છો તેના માટે આ સારો વિકલ્પ છે. આટલું કર્યા પછી તમારે 1થી 3 વર્ષ માટે કેટલી જરૂરિયાત પડશે તે નક્કી કરો. આ પણ એવી જ રકમ હશે જેને તમે જોખમમાં નહિ મૂકવા માંગતા હોવ. આથી આવી રકમ તમારે ડેટ ફંડમાં રોકવી જોઈએ. ડેટ ફંડમાં રકમ લિક્વિડ ફંડ કરતા વધુ લાંબા સમય માટે રોકવી પડે છે. આ માટે શોર્ટ ટર્મ ઈન્કમ ફંડ એ વધુ સારી પસંદગી છે. આ રકમ પર તમને બેંક એકાઉન્ટ કરતા વધારે રિટર્ન મળશે અને ટેક્સની દૃષ્ટિએ પણ આ વિકલ્પ વધુ સારો છે. જો કે આ ફંડમાં તમારે કેટલી રકમ મૂકવી છે તેનો વિચાર સમજી વિચારીને કરો કારણ કે લાંબા ગાળાના રોકાણ પર સારુ વળતર મેળવવા માટે તમારે કમસેકમ 10થી 15 વર્ષની રાહ જોવી પડે છે. 2. નિયમિતરૂપે લાંબા ગાળાનું રોકાણ કરોઃ એવું તો ભાગ્યે જ બને કે તમારા બેંક એકાઉન્ટમાં જે રૂપિયા છે એની તમારે આવનારા ત્રણથી છ મહિના કે પછી એકથી ત્રણ વર્ષમાં જરૂર પડશે જ પડશે. તેમાંથી એક હિસ્સો તો એવો હશે જ જે તમે દૂરના ભવિષ્ય માટે સાઈડમાં રાખી શકો પણ તમને ચોક્કસરૂપે ખબર ન હોય કે એ રકમ ક્યાં રોકવી. પહેલા તો એ નક્કી કરો કે તમે નજીકના ભવિષ્યમાં ન વાપરવાના હોવ તે રકમ કેટલી છે. ત્યાર પછી એ રકમને નાની રકમમાં વહેંચી નાંખો. ત્યાર પછી તેને એવા ઈન્વેસ્ટમેન્ટ ઓપ્શનમાં માસિક ધોરણે રોકો જે તમને લાંબા ગાળાની સંપત્તિ ઊભી કરવામાં મદદ કરે. બેંકના ખાતામાં પડી રહેલી વધારાની રકમને ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકીને સમજદારી પૂર્વક લાંબા ગાળે સારુ રિટર્ન મેળવવાનું આયોજન કરી શકો છો. સૌથી મહત્વની વાત એ છે કે હાલ તમારી બચત છે તેમાંથી કેટલી રકમ તમે બાજુમાં મૂકી શકો છો અને દર મહિને એ રકમમાં કેટલો ઉમેરો કરી શકો છો. એ વાતની ખાતરી કરી લો કે તમે આ રકમ ખૂબ સમજી વિચારીને નક્કી કરો. કારણ કે તમે 10-15 વર્ષ સુધી રોકાણ કરશો પછી જ તમને તેના પર સારુ વળતર મળશે. તમને જો એક કે બે વર્ષ પછી એવું લાગશે કે તમને આ રૂપિયાની જરૂર છે અને તમે તે ઉપાડી લેશો તો તેના પર તમારુ આ ઈન્વેસ્ટમેન્ટ સાર્થક નહિ નીવડે. તમે તમારા પૈસા ખૂબ જ સમજદારીપૂર્વક રોકી શકો છો. પરંતુ આ કરવા માટે તમારે તમારી હાલની અને ભવિષ્યની જરૂરિયાતોને સમજવી જરૂરી છે. તમારા સેવિંગ્સ એકાઉન્ટમાં પડ્યા રહેલા રૂપિયા તો તમારા પૈસાનું મૂલ્ય ખાઈ જ રહ્યા છે. આથી તમારે ગણતરીપૂર્વક પૈસા એવી જગ્યાએ રોકવા જોઈએ જ્યાં તમને વધારે ફાયદો થતો હોય. તમારા મહેનતથી કમાયેલા રૂપિયાને સમજી વિચારીને ઈન્વેસ્ટ કરો. એવી જગ્યાએ ન પડ્યા રહેવા દો જ્યાં તેનું મૂલ્ય વધવાને બદલે ઘટ્યા કરે. લેખક ગૌરવ સિંઘવી બ્લુ પેલિકન વેલ્થ મેનેજમેન્ટના ફાયનાન્શિયલ પ્લાનર અને વેલ્થ એડવાઈઝર છે.