શું ભવિષ્યમાં મશીન માનવને સંપૂર્ણપણે રિપ્લેસ કરી શકશે? જોબ માર્કેટમાં ચર્ચાતો સવાલ
અત્યારના જોબ માર્કેટમાંથી વધુ 30 ટકા જોબ ટેક્નોલોજીને કારણે નકામા થઈ જવાની શક્યતા
કારકિર્દી પસંદ કરતી વખતે પણ તેને સંલગ્ન ટેક્નોલોજી અને તેમાં આવતા પરિવર્તન પર યુવાનોએ સતત નજર રાખી અપડેટ રહેવું જ પડશે અન્યથા જોબ માર્કેટના દરવાજા ગમે ત્યારે તમારા માટે પણ બંધ થઈ શકે છે

શું ટેક્નોલોજી બેરોજગારીનું મૂળ કારણ છે? માનવામાં આવે છે કે મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ કે પછી મેન્યુફેક્ચરિંગ અને પ્રોડક્શનની દરેક પ્રક્રિયામાં વપરાતી મશીનરી બેરોજગારી નિર્માણ કરવા માટે જવાબદાર છે. કેટલાક લોકો એમ પણ માને છે કે ટેક્નોલોજી રોજગારીની નવી તક નિર્માણ કરે છે. આરોગ્યના ક્ષેત્રની વાત કરવામાં આવે તો ટેક્નોલોજીએ લોકોના જીવનને બદલી નાખ્યું છે. ટેલિમેડિસિન તેનું એક ઉદાહરણ છે. આજે અમદાવાદમાં બેઠાં બેઠાં બનાસકાંઠાના નાના શહેરમાં ટેલિમેડિસિનથી સારવાર આપી શકાય છે. ગાંધીનગરમાં બેઠાં બેઠાં નિષ્ણાત ડૉક્ટર અમદાવાદની હોસ્પિટલમાં પડેલા દર્દીની હાર્ટસર્જરી કરી શકે છે. આમ ટેકનોલોજીએ આરોગ્ય સારવારમાં મોટી ક્રાન્તિ આણી દીધી છે. મશીનથી ડાયોગ્નોસિસમાં પરફેક્શન આવ્યું છે. આરોગ્યના સેક્ટરમાં આવેલી ટેકનોલોજીને કારણે સરેરાશ આયુષ્ય વધ્યું જ છે.

ટ્રાન્સપોર્ટ સેક્ટરની વાત કરવામાં આવે તો ટેકનોલોજીથી વાહનનું ટ્રેકિંગ થઈ શકતું હોવાથી માલની હેરફેર સલામત બની છે. ઓનલાઈન પેમેન્ટની સિસ્ટમથી ટ્રક ચાલકે ક્યાં કેટલું ડીઝલ ભરાવ્યું તે પણ જાણી શકાય છે. હા, આ ઓટોમાઈઝેશનને કારણે યુવાનોની નોકરીઓ ખવાઈ ગઈ હોવાની અને ખવાઈ રહી હોવાની ચોમેરથી બૂમ છે. અર્નેસ્ટ એન્ડ યંગના ભાગીદાર વિવેક ઓગ્રા કહે છે, “સામાન્ય માન્યતા એવી છે કે એક મશીન દસ જણનું કામ કરી શકે છે. આથી નોકરીની તક ઘટી રહી છે. બીજી માન્યતા એવી પણ છે કે ટેક્નોલોજી નવી રોજગારીની તક, નવી ઓપોર્ચ્યુનિટી પણ નિર્માણ કરી છે.”
સવાલ એ છે કે સત્ય શું છે? આમ ટેકનોલોજીને કારણે રોજગારી ઓછી થઈ છે કે પછી વૈકલ્પિક રોજગારી નિર્માણ થઈ છે. અત્યારે દેશ અને દુનિયાના વેપાર ઉદ્યોગ જગતમાં ચર્ચાઈ રહેલો આ પ્રશ્ન છે. કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા જે.જી. યુનિવર્સીટીના સહયોગ થી ‘ઇઝ ટેક્નોલોજી ધ રૂટ કો ઓફ માસ અનએમ્પ્લોયમેન્ટ’ અંગેના ચર્ચા સત્રમાં વિષય પર પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત છે તેના અંશો અને તારણો.
ક્લર્ક અને પ્યુનની નોકરી માટે પણ અરજીઓનો ધોધઃ

મશીન માનવને રિપ્લેસ કરી રહ્યા હોવાથી બેરોજગારી વધી રહી છે. કૉલેજમાંથી ભણીગણીને બહાર નીકળેલા યુવાનોનો રોજગારી મળતી નથી. લાખો રૂપિયા ખર્ચીને એમબીએ કે પછી એન્જિનિયર બનાવ્યા પછી સંતાનોને નોકરી ન મળતી હોવાથી માતાપિતા હતાશ થાય છે. આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ ગ્રેજ્યુએટ્સ થઈને બહાર નીકળ્યા પછી અસંખ્ય યુવાનોને રોજગારી મળતી જ નથી. જે.જી. યુનિવર્સિટીના ડી.જી. અને પ્રોવોસ્ટ અચ્યુત દાણીએ રસપ્રદ આંકડાઓ રજૂ કર્યા છે. અચ્યુત દાણી કહે છે. “ઉત્તર પ્રદેશમાં 3700 પી.એચડી. સહિત 93 હજાર બેરોજગારોએ 2018માં પ્યૂનની નોકરી માટે અરજી કરી હતી. 2019ની સાલમાં એન્જિનિયર, એમ.બી.એ, પોસ્ટગ્રેજ્યુએટ્સ સહિતના 1.60 લાખ લોકોએ ગુજરાત હાઈકોર્ટમાં બેલીફ અને પ્યૂનની નોકરી માટે અરજી કરી હતી. 2021માં પાણીપત જિલ્લા કોર્ટમાં પ્યૂનની 10 વેકન્સી માટે 21000 લોકોએ અરજી કરી હતી. માર્ચ 2022માં 3000 પોસ્ટ ગ્રેજ્યુએટ્સ સહિત 56000 લોકોએ ડેટા એન્ટ્રી ઓપરેટર્સના જોબ માટે અરજી કરી હતી. આ આંકડાઓ દર્શાવે છે કે ટેકનોલોજીને કારણે કંઈક આડું વેતરાઈ રહ્યું છે.”
વાસ્તવિકતા તેનાથી વિપરીત હોવાના ઉદાહરણ પણ મળી રહ્યા છે. અમદાવાદના એક અગ્રણી અખબાર માલિકી દોઢથી બે દાયકા પૂર્વે કહ્યું હતુ કે આવનારા વરસોમાં અમને અમારા અખબાર માટે ટ્રાન્સલેટરની જરૂર નહિ પડે. અમારા અખબારના ટ્રાન્સલેટર જે કામ કરે છે તે અખબારના ટ્રાન્સલેશનનું કામ ગૂગલ ટ્રાન્સલેટર કરી લેશે. તેથી અમારી મેન પાવરની જરૂરિયાત ઓછી અને ઓછી થતી જશે. ટી.વી. ચેનલો પર આવતા અહેવાલોની મદદથી અમે થોડા માણસોને લઈને અખબાર માટે જોઈતા અહેવાલો તૈયાર કરી લઈશું. આજે આ જ અખબાર રોજ નવા ટ્રાન્સલેટર અને રિપોર્ટરની તલાશ કરી રહ્યું છે. મશીન હોય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્યારેય માનવનો સંપૂર્ણ વિકલ્પ બની શકશે નહિ તેવું અત્યારે તો લાગી જ રહ્યું છે.
ટેક્નોલોજીને કારણે રોજગારીની નવી તકોનું નિર્માણઃ
ટેકનોલોજી રોજગારી ઓછી કરતી હોવાનું અને તેની સાથે જ રોજગારીની નવી તક નિર્માણ કરતી હોવાનું પણ ઉદાહરણ છે. બેવરેજના પ્રોડક્શન અને બોટલિંગની વાત કરવામાં આવે તો એક જમાનામાં બોટલિંગ પ્લાન્ટમાં એક મિનિટમાં 600થી વધુ બોટલ ભરાતી હતી. આજે આ ક્ષમતા વધીને 800 બોટલ કે તેનાથી પણ વધુની થઈ ગઈ છે. પરંતુ પહેલા મિનિટમાં 600 બોટલ ભરવાની કામગીરી કરતાં પ્લાન્ટમાં 15 માણસોની જરૂર પડતી હતી. હવે તે આખો બોટલિંગ પ્લાન્ટ ચલાવવા માટે માત્ર 5 માણસોની જરૂર પડે છે. હા, પહેલા 15 માણસો જે કામ કરતાં તેના કરતાં વિશેષ જવાબદારી પાંચ માણસોએ પ્લાન્ટમાં નિભાવવાની આવે છે. બોટલ ક્રેટમાં ગોઠવાઈ પણ જાય છે. તેથી માણસોની જરૂરિયાત ઓછી થઈ છે. તેથી કામદારે કે કર્મચારીએ મલ્ટીટાસ્કિંગ એટલે કે પહેલા એક પ્લાન્ટમાં એક જ કામ કરતાં હતા તેને બદલે અનેક કામ સાથે સાથે કરવા તૈયાર રહેવું પડશે. હા, ટેક્નોલોજી આ લેવલે નોકરીઓને ઓહિયા કરી ગઈ છે. પરંતુ તેની સાથે સાથે જ બોટલિંગ પ્લાન્ટની વધેલી ક્ષમતા પ્રમાણે કોલ્ડડ્રિન્ક્સના વધેલા સપ્લાયને છેલ્લા વપરાશકાર સુધી બેવરેજની બોટલ પહોંચાડવા માટે માનવબળની જરૂર વધી છે.

આમ એક તરફ પ્લાન્ટમાં લાગેલી આધુનિક મશીનરી રોજગારીને હડપ કરી ગઈ છે, પરંતુ સપ્લાયનો જથ્થો વધી જતાં સપ્લાય ચેઈનમાં વધારાના માનવબળની જરૂર ઊભી થઈ છે. આમ એક જગ્યાએ મશીનરીએ માનવબળની જરૂરિયાતને ઘટાડી છે. પરંતુ બીજીતરફ સપ્લાય ચેઈનમાં માનવબળની જરૂરિયાત વધારી છે.
પ્રસ્તુત ઉદાહરણ આપતા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ યતીન્દ્ર શર્મા કહે છે, “સતત બદલાઈ રહેલી પરિસ્થિતિમાં કામદારે માત્ર એક જ નહિ, જુદી જુદી કામગીરી કરવા માટે પણ તૈયાર રહેવું પડશે. ” ટેક્નોલોજી ઝડપથી બદલાઈ રહી છે. ટૂંકા ગાળામાં બદલાઈ જતી ટેકનોલોજીના આ યુગમાં કામદારો અને કર્મચારીઓએ નવી ટેક્નોલોજી અને નવી જવાબદારી સ્વીકારવા પોતાની જાતને તૈયાર રાખવા પડશે. હા, હવે મશીનના બદલાવા સાથે એટલે કે નવી ટેક્નોલોજી આવવાની કારણે આગામી વરસોમાં 30 ટકા જોબનું અસ્તિત્વ જ રહેશે નહિ. આ સ્થિતિમાં 30 ટકા લોકોએ તેમના વર્તમાન જોબને બદલે નવી જવાબદારી નિભાવવા તૈયાર રહેવું પડશે. તેને માટે પોતાની જાતને સજ્જ પણ કરવી પડશે. તેમ કરવામાં નિષ્ફળ જનાર વ્યક્તિ બેરોજગાર બની જાય તેવી શક્યતા રહેલી છે.
યંગ ઈન્ડિયા માટે શું ચિંતાજનક છે ટેક્નોલોજીનો વધતો ઉપયોગ ?
2010 પછીના ભારતને આજે યંગ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. ભારતીયની સરેરાશ વય 30 વર્ષની છે. યંગ ઇન્ડિયામાં દર વર્ષ 1 કરોડ યુવાનો જોબ માર્કેટમાં પ્રવેશે છે. ઉદ્યોગોએ તેમને જોબ પૂરો પાડવો જોઈએ. માત્ર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સિવાય કોઈપણ ઉદ્યોગો નવા જોબ આપી શકી નથી. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ યતીન્દ્ર શર્મા કહે છે, “ભારતમાં દસેક વર્ષથી જોબલેસ ગ્રોથ જોવા મળી રહ્યો છે.”

હા, માત્ર ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના સેક્ટરમાં જ જોબ જનરેટ થયા છે. આઈ.ટી. ઉદ્યોગોએ કેપેબિલિટી બિલ્ડિંગનું પણ કામ કર્યું હોવાથી આ સફળતા મળી છે. આઈ.ટી. ઉદ્યોગે તેમને સ્ટાફને નિયુક્ત કરીને નોકરીને પાત્ર બનાવવાની કામગીરી પણ કરી છે. ગેસિયા-ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના ચેરમેન અને સિગ્નેટ ઇન્ફોટેક પ્રાઈવેટ લિમિટેડના પ્રમોટર તેજિન્દર ઓબેરોય કહે છે, “આઈ.ટી. ઇન્ડસ્ટ્રીઝમાં માનવ બળની આજેય અછત જ છે. આઈ.ટી. ઇન્ડસ્ટ્રી ઇચ્છે છે કે વધુમાં વધુ લોકો તેમની સાથે જોડાય અને તેમની ક્ષમતા પ્રમાણે ઉદ્યોગના વિકાસમાં ફાળો આપે. અમે રોજરોજ નવી નવી ટેક્નોલોજી એડોપ્ટ કરતાં રહીએ છીએ. તેથી નવા માનવબળની સતત જરૂરિયાત રહે છે.”
કોરોના કાળમાં ટેક્નોલોજી તારણહાર બનીઃ
એંસીના દાયકામાં કોમ્પ્યુટર આવ્યા ત્યારે માણસો નોકરી વિનાના થઈ જશે તેવી બૂમો ઊઠી હતી. આજે મોટી સંખ્યામાં યુવાનો કોમ્પ્યુટર રિલેટેડ જોબ કરી રહ્યા છે. આમ જે કોમ્પ્યુટર જોબ ખાઈ જશે તે ભય હતો તે જ કોમ્પ્યુટર મોટી સંખ્યામાં જોબ જનરેટ કરી રહ્યું છે. આમ ટેકનોલોજીથી જોબ જાય છે તે નવા જોબ નિર્માણ પણ થાય જ છે. ટેકનોલોજી જોબ માટેના દરવાજા બંધ જ કરી દેશે તેમ માનવાને કારણ જ નથી. કોરોના કાળમાં બધુ ઠપ થઈ ગયું ત્યારે પણ કોમ્પ્યુટર્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીએ કરોડો લોકોના જોબ ચાલુ રાખ્યા હતા. તેથી ટેકનોલોજીને એડોપ્ટ કરવામાં પાછળ ન જ રહેવું જોઈએ. તેજિન્દર ઓબેરોય કહે છે, “કોરોના કાળમાં 70 વર્ષથી મોટી વયની મહિલાઓએ પણ સ્વજનોના સંપર્કમાં રહેવા માટે સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતા આસાનીથી શીખી લીધું છે. ટેક્નોલોજી એડોપ્શન અઘરું પણ નથી. અભ્યાસ કરી રહેલા અને કર્યા બાદ જોબ માર્કેટમાં પ્રવેશેલા દરેક યુવાનોએ આ માનસિકતા જ રાખવી પડશે. આમ ટેક્નોલોજી તમારા જીવનને સરળ બનાવવાનું કામ કરે છે.” ઇન્ફોર્મેશન ટેકનોલોજીને કે પછી અન્ય ટેકનોલોજીને આજે અવગણી શકાય તેમ જ નથી. બેવરેજના બોટલિંગની પણ વાત કરીએ તો બોટલિંગ એટલું વધી ગયું છે કે તેના ટ્રાન્સપોર્ટેશનમાં અનેક જોબ જનરેટ થયા છે. આમ લેબર ડિપ્લોયમેન્ટનું ક્ષેત્ર બદલાયું છે. બેરોજગારી નિર્માણ થઈ છે તો નવી રોજગારી નિર્માણ પણ નિર્માણ થઈ જ છે. તેજિન્દર ઓબેરોયનું કહેવું છેઃ “આજે ટેક્નોલોજીના મોટામાં મોટા આઈ.ટી. સેક્ટરમાં જોબની ડિમાન્ડ અને પગારમાં મળતાં વધારા દરેકને ઇર્ષ્યા આવે તેવા છે.”
ટેક્નોલોજી વિકાસની પ્રક્રિયાનો અભિન્ન હિસ્સો છેઃ

દેવ આઈ.ટી.ના પ્રમોટર અને સીટીઓ વિશાલ વસુ કહે છે, “હું દિલથી ટેકનોલોજીનો માણસ છું. તેથી હું ટેકનોલોજીને સ્વીકારવાની જ ભલામણ કરીશ. ટેનોલોજી તમારા જીવનમાં વણાઈ રહી છે, વણાઈ ચૂકી છે. તેથી જ તેના એડોપ્શન સિવાય કોઈ વિકલ્પ જ નથી. તેના વિના વ્યક્તિ કે વેપાર ઉદ્યોગને માટે સર્વાઈવ થવું શક્ય જ નથી.” ઇન્ડસ્ટ્રી માટે પણ આ જ સત્ય છે. તેના વિના ઇન્ડસ્ટ્રી પણ સ્પર્ધામાં ટકી શકે તેમ નથી. ટેકનોલોજીનો સ્વીકાર નહિ કરે તો ઇન્ડસ્ટ્રીનું અસ્તિત્વ જ ખતરામાં આવી જશે. વ્યક્તિ હોય કે વેપાર હોય સર્વાઈવલ ઓફ ફિટેસ્ટનો સિદ્ધાંત તેને પણ લાગુ પડે જ છે. ઇન્ડસ્ટ્રી ટેકનોલોજી ન સ્વીકારે તો તેણે વાવટો સંકેલી લેવાની નોબત આવી શકે છે. વિશાલ વસુ કહે છે, “પહેલા આપણે મશીનોને દોષ દેતા હતા, આજે ઇન્ફોર્મેશન ટેકનોલોજીને દોષ આપીએ છીએ.” ઔદ્યોગિક ક્રાન્તિની વાત કરીએ તો માનવને સ્થાને મશીન આવ્યા ત્યારે પણ બૂમરાણ મચી ગઈ હતી. આજે આઈ.ટી.ને બધાંને જોબલેસ બનાવવા માટે જવાબદાર ગણવામાં આવે છે. ટેકનોલોજી વિકાસની પ્રક્રિયાનો એક હિસ્સો છે. તેની સાથે જ આગળ વધવાનું છે. ટેકનોલોજીનો ઉપયોગ વધવો જ જોઈએ. તેમ નહિ થાય તો આપણી પ્રગતિ અટકી જશે. તેનાથી કામ કરવાની નવી પદ્ધતિ આવી છે. આપણા દેશની વસતી ઘણી છે. તેથી વિશ્વસ્તરે આગળ વધવા માટે આપણે વધુ સ્પર્ધાત્મક બનવું પડશે. ટેકનોલોજી વિના તે શક્ય જ નથી. તેથી અત્યાધુનિક ટેકનોલોજી અપનાવવી અનિવાર્ય છે. તેમ કરીને જ ચીનની માફક ભારત મેન્યુફેક્ચરિંગના હબ બનવાના પ્રધાનમંત્રીના સપનાંને સાકાર કરી શકાશે. મેન્યુફેક્ચરિંગ હબ બનશે તો તેને કારણે સીધી અને આડકતરી રોજગારી બંનેમાં વધારો થશે. આમ ટેકનોલોજી અવરોધ નથી. વિકાસના હાઈ વે પર દોડવાનું માધ્યમ છે. આઈ.ટી.માં ટેક્નોલોજી ઝડપથી બદલાઈ રહી છે.
માનવબળની જરૂરિયાત ક્યાં સુધી?
તેથી તેમાં માનવબળની જરૂરિયાત ટૂંકા ગાળાની છે કે પછી લાંબા ગાળાની તેવા સવાલો પણ કરવામાં આવે છે. આ જરૂરિયાત કાયમી છે અને કાયમી રહેવાની જ છે. તેનાથી જ સોશિયલ લાઈફમાં પણ પરિવર્તન આવી શકે છે. ટેક્નોલોજીનો સ્વીકાર આપણે ઘણાં આગળ લઈ જશે. બેન્કનું જ ઉદાહરણ લઈએ. પહેલા બેન્કમાં પૈસા જમા કરાવવા અને પૈસા ઉપાડવા માટે 30થી 45 મિનિટ લાગી જતી હતી. ત્રણથી પાંચ સાત વિન્ડો પર રોકડ જમા લેવાનું અને ચેક પ્રમાણે નાણાં આપવાનું કામ થતું હતું. આજે આ વિન્ડો ઓછી થઈ ગઈ છે. તેના સ્થાને આજે ઓટો ટેલરિંગ મશીન-એટીએમથી તે કામ એકથી પાંચ મિનિટમાં પૂરું થઈ જાય છે. તેનાથી જોબ ગયા હોવાની વાત કરવામાં આવે છે. પરંતુ આજે ઠેરઠેર એટીએમ ખૂલી ગયા છે. તેને કારણે એટીએમ પર નજર રાખનારાઓ અને તેમાં રોકડ મૂકવા જનારી વ્યવસ્થા હેઠળ અનેક નવા જોબ ક્રિયેટ થયા જ છે. તેનાથી કસ્ટમર સર્વિસ સુધરી છે. કસ્ટમર સર્વિસમાં ઘણાં નવા જોબ જનરેટ થયા છે. આ જ રીતે ટેક્સ ટુ સ્પીચની એપ આવતા ડેટા એન્ટ્રી ઓપરેટર્સની જોબ ઓછી એટ્રેક્ટિવ બની રહી છે. આજે એક્સરેને વાંચી આપનારી એપ આવી ગઈ છે. તેનો અર્થ એ નથી કે રેડિયોલોજિસ્ટના કામ બંધ જ થઈ જશે. રેડિયોલોજિસ્ટ આજેય છે અને આવતીકાલે પણ રહેશે. આ તમામ વિકાસની પ્રક્રિયા જ છે. તેનાથી કોઈ જ અળગું ન રહી શકે. અળગું રહેવું પણ ન જોઈએ. નવા સ્પેશિયાલિસ્ટને માટે અવકાશ ઊભો જ થાય છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના આંકડાઓ દર્શાવે છે કે વિશ્વમાં જોબ કરનારાઓમાંથી 40 ટકા અન્ડર એમ્પ્લોઈડ છે. કારણ કે તેમની પાસે જોબની રિક્વાયરમેન્ટ પ્રમાણેની કુશળતા જ નથી.

બીજી તરફ આપણી એજ્યુકેશન સિસ્ટમમાં યુવાનોની જોબને પાત્રતા વધે તેવા પ્રયાસો કરવામાં આવ્યા નથી. તેથી જ યતીન્દ્ર શર્મા કહે છે, “ટેક્નોલોજીમાં ક્રાન્તિ આવી રહી છે. ટેકનોલોજીના કન્વર્ઝનનું પ્રમાણ પણ એટલું જ મોટું છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર હોય કે પછી સર્વિસ સેક્ટર હોય અથવા તો એજ્યુકેશન સેક્ટર હોય, તમે તેના સિવાયના પણ કોઈપણ સેક્ટરની વાત કરો તેમાં પરિવર્તન આવી રહ્યું છે. તેથી જ કર્મચારીએ કે કામદારે જે કામ કરવાનું છે તે જ કામ અંગે તે જે પદ્ધતિએ તે કામ કરે છે તે સિવાય નવી કાર્યપદ્ધતિમાં આવી રહેલા નવા ડેવલપમેન્ટ અંગે જાગૃત રહેવું જોઈએ. તેમના જોબ સામે ખતરો ઊભા કરે તેવી દરેક બાબતોથી સભાન રહીને પોતાની કુશળતામાં વધારવા તૈયાર રહેવું જોઈએ. નવી ટેકનોલોજી પ્રમાણએ કામ કરતાં શીખવું જોઈએ, કારણ કે તેની તેમના પર પણ સમય જતાં અસર પડવાની છે. આ માનસિકતા ન હોય તેવા યુવાનો જોબ ગુમાવે છે.”
બદલાતા સમય સાથે તાલ મિલાવવો જરૂરીઃ
નોકરી ઇચ્છુકોએ સમય સાથે બદલાવું જરૂરી છે. ઓછું ભણેલા રાજકારણીઓ પણ બદલાયા છે. બદલાતી સ્થિતિમાં રાજકારણીઓને આવડે કે ન આવડે સોશિયલ મિડીયાનો ઉપયોગ કરતી શીખી ગયા છે. વોટ્સઅપનો પણ ઉપયોગ થવા માંડ્યો છે. પ્રધાનમંત્રી સોશિયલ મિડીયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. મેન્યુફેક્ચરિંગ કે ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટમાં આ પ્રકારે ટેકનોલોજીમાં આવતા ફેરફારો સાથે જોડાઈ જવાની પ્રક્રિયા હજી પૂરતી થતી નથી. તેથી જ બેરોજગારીની બૂમરાણ મચી રહી છે. આ બદલાવ સાથે કદમ મિલાવી ન શકેલા રાષ્ટ્રો-દેશો તેને અનુકૂળ એજ્યુકેશન પોલીસી બનાવી શક્યા નથી. તે પણ બેરોજગારી વધવા માટે જવાબદાર છે. તેજિન્દર ઓબેરોય કહે છે, “ઉદ્યોગોને જોઈતી કુશળતાવાળું માનવબળ છે નહિ અને માનવબળ પાસે જે કુશળતા છે તેવા જોબ નથી.”
ઉદ્યોગોની પ્રવૃત્તિથી રોજગારી-બેરોજગારી નિર્માણ થાય છે. ઘણાં સેક્ટરમાં ટેક્નોલોજીએ માણસોને રિપ્લેસ કર્યા છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના આંકડાઓ પર નજર નાખીએ. સીએમઆઈઈના એપ્રિલ 2022ના આંકડાઓ દર્શાવે છે કે દેશમાં બેરોજગારીનો દર આઠ ટકા છે. યુવાનોમાં બેરોજગારીનું પ્રમાણ 23 ટકા છે.
ઊંચા પગારની અપેક્ષા પણ બેરોજગારી માટે કારણભૂતઃ
જોબ માર્કેટને ધ્યાનમાં રાખતા અન્ય એક જાણકારનું કહેવું છે કે, “યુવાનોમાં બેરોજગારીનું એક કારણ એ પણ છે કે તેઓ તેમના મનમાં નક્કી કરી બેઠેલાં પગારના આંકડાથી નીચા આંકડાઓ સાથેની ઓફર આવે તો તેઓ જોબ કરતાં જ નથી. ઉદાહરણ આપીને વાત કરીએ. એકાઉન્ટના વિષય સાથે જ કોમર્સ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરીને જોબ માર્કેટમાં એન્ટ્રી લેનાર યુવતીએ મિનિમમ રૂ. 30,000ના સેલેરી મળે તો જ જોબ એક્સેપ્ટ કરવાની મનોમન ગાંઠ વાળી લીધી હતી. આજે આઠ વરસે પણ આ યુવતી બેરોજગાર છે. એન્ટ્રી લેવલ પર જ બહુ મોટી સેલરીની અપેક્ષા બાંધીને ચાલનારા યુવાનો બેરોજગાર રહી જાય છે.” આ ઉદાહરણ દર્શાવે છે કે જોબ માર્કેટમાં એન્ટ્રી લેતી વખતે સેલેરી માટે બહુ જ ઊંચી અપેક્ષા રાખનારાઓ એન્ટ્રી લઈ જ શકતા નથી. બેરોજગારી માટેનું આ પણ એક કારણ છે. કારણ કે યુનિવર્સિટીઓના પ્લેસમેન્ટમાં મોટી રકમના પગારોના આંકડાઓ છપાય છે. તેથી કુશળતા હોય કે ન હોય છતાં યુવાનો મોટી સેલરીની અપેક્ષા રાખતા થઈ ગયા છે. ટાર્ગેટ સેલરીથી ટસના મસ થવા યુવાનો તૈયાર ન થતા હોવાથી પણ તેઓ બેરોજગાર રહેતા હોય છે અને માતાપિતાના ટેન્શનનું કારણ બનતા હોય છે. આ માનસિકતા ધરાવતા યુવાનોની સંખ્યા ઓછી પણ નથી. જોકે તેની સામે કુશળતા વધારવા માટે મહિને માત્ર રૂ. 2000નો પગાર લઈને પણ જોબ મેળવવા કેટલાક ઉત્સુક છે. આ મજબૂરી નથી. આ જ યુવાનના પિતાએ મર્સિડીઝ છોડાવી હતી, છતાં પુત્રને લાંબી કરિયર બનાવવા માટેનો પાયો નાખવાની કવાયતના ભાગરૂપે તેને રૂ. 2000ની નોકરી કરવા જણાવ્યું હતું.

કાર્યકુશળતાનો અભાવ બેરોજગારી માટે જવાબદારઃ
આઈટી સેક્ટર બૂમિંગ છે. પરંતુ જે સેક્ટરમાં મશીન માનવના જોબને ખાઈ ગઈ છે તેમાં શું થઈ શકે? નવી ટેકનોલોજી આવી રહી છે. પરંતુ આઈટી સેક્ટરને બાદ કરતાં અન્ય સેક્ટરમાં ટેકનોલોજીએ માનવને રિપ્લેસ કરી દીધા છે. આ માનવ બળને સ્કિલ્ડ (કાર્ય કુશળ) નહિ બનાવવા આવે, તેમની પાસે ઉપલબ્ધ સ્કિલને અપગ્રેડ નહિ કરવામાં આવે તો તેવા સંજોગોમાં બેરોજગારી વધવાની જ છે. મર્યાદિત કાર્યકુશળતાને કારણે પણ ટેકનોલોજી બેરોજગારી નિર્માણ કરવા માટેનું એક મોટું કારણ છે. અચ્યુત દાણી કહે છે, “મર્યાદિત કાર્યકુશળતા-સ્કીલ ધરાવનારાઓ માટે આ સ્થિતિમાં તેમની કાર્યકુશળતા વધારવી પડશે. અપગ્રેડ કરવી જ પડશે. પોતાની સ્કીલને સતત અપગ્રેડ કરવાની મર્યાદિત સુવિધા ધરાવનારાઓમાં પણ બેરોજગારી વધી રહી છે. કાર્યકુશળતા વધારવાના સેન્ટરો પણ વધારવા પડશે. તેના પર પણ ઉદ્યોગોએ ફોકસ કરવું પડશે. સરકારે પણ તેમાં પોતાની ભૂમિકા વધુ આક્રમકતાથી ભજવવી પડશે.” તેમ થશે તો એક તરફ રોજગારી ન મળતી હોવાની બૂમ પણ ઓછી થશે. તેમ જ ઉદ્યોગોની રોજગારી માટે પાત્રતા ધરાવતા માણસો ન મળતા હોવાની ઉદ્યોગોની બૂમ પણ ઓછી થઈ જશે. તેમ થશે તો જ નોકરી ડોટ કોમ કે મોનસ્ટર ડોટ કોમ પર પોતાના નામ બેરોજગાર તરીકે નોંધાવનારા કે વધુ સારા જોબ માટે નોંધાવનારાઓની અત્યારે જે 10 ટકાના દરે વર્ષે વર્ષે વધી રહી છે તેમાં પણ ઘટાડો થઈ જશે. ટેકનોલોજી એક તરફ રોજગારી જનરેટ કરે છે તેમ છતાંય બેરોજગારીનો સંખ્યા કેમ વધી રહી છે તે અંગે દરેક વિચાર કરવો જરૂરી છે.
તેનું કારણ છે સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ હોવાનું જણાવતા અચ્યુત દાણી કહે છે, “ઇન્ડસ્ટ્રીને જે કુશળતાના માણસો જોઈએ છે તેવી કુશળથાના માણસો મળતા નથી. યુવાનોમાં જે કુશળતા છે તેની ડિમાન્ડ જ નથી, તેથી ઇન્ડસ્ટ્રીને માણસો નથી મળતા અને માણસોને રોજગારી નથી મળતી. ઝડપથી બદલાતી ટેક્નોલોજીએ સ્ટ્રક્ચરલ અન એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવામાં બહુ જ મોટો ફાળો આપ્યો છે. એક ટેકનોલોજી માટે યુવાનો તૈયાર થાય તેવામાં બીજી ટેક્નોલોજી આવી જાય છે. તેથી રોજગારી મેળવનારા યુવાનો બેરોજગાર થવા માંડે છે. ”
ગ્રામીણ વિસ્તારના યુવાનો શું કરશે?
ઇન્ડિયામાં ભારત પણ છે. ઇન્ડિયા શહેર છે તો ભારત ગ્રામીણ વિસ્તાર છે. ગ્રામીણ વિસ્તારમાં યુવાનોમાં સ્કીલ વધારવાની વ્યવસ્થા જોઈએ તેવી નથી. ટેકનિકલ કુશળતા ધરાવતા મેનપાવરને જનરેટ કરવા માટેની તાલીમ આપવા માટેના સેન્ટરો પણ શહેરીની પરિસરના વિસ્તારોમાં કોન્સન્ટ્રેટ થયેલા છે. તેથી શહેરી વિસ્તારોમાં કાર્યકુશળ યુવાનો મળી જાય છે. પરંતુ ભારત-ગ્રામીણ ભારતના યુવાનોને તાલીમ મળતી નથી. તેમનામાં બેરોજગારી વધતી જાય છે. તેમને સરળતાથી રોજગારી મળતી નથી. તેથી ટેક્નોલોજીએ બેરોજગારી નિર્માણ કરી છે તે પણ નક્કર સત્ય છે. તેને ઇગ્નોર કરી શકાય તેમ નથી. આ માટે ઉદ્યોગોની જરૂરિયાત માટેનો મેનપાવર જનરેટ કરવા માટે ટેકનિકલ તાલીમ આપનારાઓએ સાથે મળીને કામ કરવું જરૂર છે. અચ્યુત દાણીનું કહેવું છે કે, “ટેક્નોલોજીએ બેરોજગારી નિર્માણ કરી છે. આ બેરોજગારી ટૂંકા ગાળાની હોઈ શકે છે. તેથી સ્કીલ અપસ્કેલ કરવાની જરૂર છે. તે અપગ્રેડ કરવા માટે સરકાર ઉદ્યોગ અને શિક્ષણ સંસ્થાઓ એક નહિ થાય તો આ શક્ય બનશે નહિ.”
ટેક્નોલોજી અને ઉદ્યોગોએ હાથ મિલાવવા જરૂરીઃ
આગામી દસ વર્ષમાં ઓટમેશન સ્કીલ્ડ મેનપાવરને પણ રિપ્લેસ કરી દે તેવી શક્યતા છે. તેવું ઓટો ઇન્ડસ્ટ્રીના વિશ્વસ્તરના અગ્રણી એલન મસ્ક અને અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાનું માનવું છે. તેથી સમગ્ર વિશ્વએ યુનિવર્સલ બેઝિક ઇન્કમને વિચાર કરવો પડશે. યુનિવર્સલ બેઝિક ઇન્કમ-યુબીઆઈએ એક પ્રકારનો સરકારી કાર્યક્રમ છે. તેમાં દરેક પુખ્ત નાગરિકને નિયમિત સમયાંતરે નિભાવ માટે ચોક્કસ રકમ મળતી રહેવી જોઈએ. ટેક્નોલોજી અને ઉદ્યોગ એકમેકના તાલમાં વિકાસ સાધે તે જરૂરી છે. તેમાં સમતુલા નહિ જળવાઈ રહે તો આગામી વરસોમાં વધુને વધુ બેરોજગારી નિર્માણ થશે અને ટેકનોલોજી અને ઉદ્યોગના વિકાસ એકમેકના હાથ મિલાવીને આગળ નહિ વધે તો દેશ અને દુનિયામાં બેરોજગારી વધતી જ રહેશે.”
કોરોના સાથે ટેક્નોલોજીના નવા યુગની શરૂઆત

કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડિયાના અમદાવાદ ચેપ્ટરના નીરજ શાહ કહે છે, “કોરોનાએ આપણને નવી ટેક્નોલોજીના યુગમાં ધકેલી દીધા છે. ટેક્નોલોજીના એક યુગમાંથી બીજા યુગમાં આપણે પ્રવેશી ગયા છીએ. આમ કોરોના ટેકનોલોજી સાવ્વી લોકો માટે આશીર્વાદરૂપ બની ગયો છે. ટેક્નોલોજી ઇવોલ્વ-વિકસે તે જરૂરી છે. બે વરસમાં ટેક્નોલોજીનો વધુ ઉપયોગ કરતાં આપણે થયા છીએ. દેશના વિકાસ માટે ટેકનોલોજી અનિવાર્ય છે. અમેરિકામાં તમામ સેક્ટરના કર્ચમારીઓ સતત અપડેટ થવાનો આગ્રહ રાખે છે. આ આગ્રહને ભારતીય યુવાનોએ પણ સમજવાનો છે. સતત પોતાની સ્કીલને અપગ્રેડ કરતાં રહેશે તેઓ પોતાની જોબ માર્કેટ માટે ફીટ એન્ડ હીટ રાખી શકશે. ભારતમાં 40 વર્ષ પૂર્વે એમબીબીએસ થયેલા ડૉક્ટરો આજે પણ 40 જૂની જાણકારીને આધારે જ દવાઓ પ્રિસ્ક્રાઈબ કરે છે. બજારમાં નવી આવેલી દવાઓ અંગે તેઓ માહિતગાર ન હોવાના પણ કિસ્સા બને છે. કેટલાક કિસ્સાઓમાં કેમિસ્ટ ડૉક્ટર કરતાં દવાની બાબતમાં વધુ અપડેટ રહેતા હોવાનું જોવા મળે છે. તેઓ ડૉક્ટરે પ્રિસ્ક્રાઈબ કરેલી દવાની ઓલ્ટરનેટ દવાઓ દરદીને આપી જ દે છે.”
ટેકનોલોજી જ વિકાસની કેડી પર દેશને ડેવલપ કંટ્રી તરીકે આગળ લઈ જઈ શકે છે. વર્તમાન યુગમાં ટેકનોલોજીને અવગણી શકાય તેમ જ નથી. કંપનીઓ અને વ્યક્તિગત કર્મચારીઓમાંથી કોઈપણ તેની અવગણના કરવી ન જોઈએ. કોરોના કાળમાં 70 વર્ષની મહિલાઓ કે દાદી દાદાઓએ સ્માર્ટ ફોનને સ્વીકારી લીધો છે. આ જ માનસિકતાને યુવાને પણ અપનાવી લેવાની જરૂર છે. ટેક્નોલોજીથી જૂના જોબ જશે, પરંતુ નવા જોબ જનરેટ પણ થશે.
યુનિવર્સલ બેઝિક ઇન્કમ શું છે?
રોજરોજ નવી ટેક્નોલોજી આવી રહી છે. તેથી જૂની ટેકનોલોજીના જાણકારો બેરોજગાર બની રહ્યા છે. ટેક્નોલોજીને કારણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જોબ ગુમાવનારાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેથી ગરીબીના ખપ્પરમાં વધુ ને વધુ લોકો ન હોમાય તે માટે તેમને નિયમિત સમયાંતરે આર્થિક મદદ મળતી રહે તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે. તેમની આર્થિક જરૂરિયાત શું છે તેને ધ્યાનમાં લીધા વિના જ તેમને મદદ કરવી જરૂરી બી ગઈ છે. ઉદ્યોગોના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આ સમસ્યા ઝડપથી વધી રહી છે. અમેરિકામાં બેરોજગાર પુખ્ત યુવાનને મહિને 1000 ડૉલર આપવામાં આવે છે. આ જરીતે ભારત સરકાર મહિને રૂ. 5000થી 6000 સુધી આપવાનું આયોજન કરીને ગરીબીના ખપ્પરમાં લોકોને હોમાતા બચાવી શકાશે.