શેર્સના ભાવ સાથે છેડછાડ કરનારાઓ સામે સેબીના કડક પગલાં

અમદાવાદના હિમાંશુ પટેલ પરિવાર અને તેમના સાથીદાર જયદેવ ઝાલાએ મળીને ટીપ્સ આપીને ખોટી રીતે રૂ. 2.83 કરોડનો નફો કર્યો હોવાનું બહાર આવ્યું ટીપ્સ આપવાના કૌભાંડમાં સંડોવાયેલા છ જણને સ્ટોકમાર્કટમાં કામકાજ કરવાની મનાઈ ફરમાવી
ટેલિગ્રામ, વૉટ્સએપ સહિતની સોશિયલ મિડીયાના માધ્યમથી શેર્સમાં થનારી વધઘટ અંગે ટીપ્સ આપનારાઓ પર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ કડક પગલાં લેવા માંડ્યા છે. ટીપ્સ આપનારા સાથે સંકળાયેલા ગ્રુપ્સ પર સેબીએ ચાંપતી નજર રાખવાનું શરૂ કરી દીધું છે. વૉટ્સએપ, ટેલિગ્રામ ઉપરાંત રેડ્ડીટ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા માધ્યમોનો ઉપયોગ કરીને કેટલાક લોકો શેર્સના ભાવમાં છેડછાડ કરાવી રહ્યા હોવાની ફરિયાદો ઇન્વેસ્ટ્રસ મારફતે મળતા સેબીએ એક વિશેષ ટીમની રચના કરીને તેમની સામે પગલાં લેવાની શરૂઆત કરી છે. શેરબજારમાં 2017માં જોવા મળેલી તેજી દરમિયાન ટેલિગ્રામ પર ચલાવવામાં આવતી એક સિક્રેટ ચેનલ પર ઇન્ટ્રા ડે ટીપ્સ આપવામાં આવતી હોવાનું જોવા મળ્યું હતું. આ ટીપ્સ છૂટક રોકાણકારોને આપવામાં આવતી હતી. આ ગ્રુપ પર સેબીની વિશેષ ટીમના અધિકારીઓ ત્રાટક્યા છે. આ પ્રકારના અન્ય ગ્રુપો પર પણ સેબીની વિશેષ ટીમના અધિકારીઓએ નજર રાખવાનું શરૂ કરી દીધું છે.

આ સંદર્ભમાં જ 2021ના ડિસેમ્બર મહિનામાં અમદાવાદ ખાતે સેબીની વિશેષ ટીમના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન 2017ની તેજી દરમિયાન ટેલિગ્રામ ચેનલ પર ટીપ્સ આપનારા ગુજરાતના ખેલાડીઓના જૂથને ઝડપી લીધું હતું. તેઓ રોકાણકારોને જુદી જુદી સ્ક્રિપમાં રોકાણ કરવાનું સૂચન કરતાં હતા. સેબીની વિશેષ ટીમના અધિકારીઓના ધ્યાનમાં આવ્યું છે કે ટેલિગ્રામ ચેનલ પર જે સ્ક્રિપની ટીપ્સ આપવામાં આવી હતી તે જ સ્ક્રિપમાં ચેનલ ચલાવનારા ગ્રુપનું મોટું હોલ્ડિંગ હતું. તેઓ કોઈ ચોક્કસ સ્ક્રિપમાં પોઝિશન લઈને ત્યારબાદ તે અંગે ટેલિગ્રામ ચેનલ પર ટીપ્સ આપતા હતા. આ ચેનલ પરથી સૂચવવામાં આવેલા ઘણાં શેર્સને વેચવા પણ મુશ્કેલ હતા. બજારમાં તે કાઢવા જનારાઓને લેવાલો પણ મળતા નહોતા. તેથી જ આ સ્ક્રિપ્સના ભાવ સાથે છેડછાડ કરવું તેમને માટે આસાન બની ગયું હતું. ટેલિગ્રામ ચેનલ પર ચોક્કસ સ્ક્રિપમાં રોકાણ કરવાની ભલામણ કરીને રૂ. 2.84 કરોડનો ગેરકાયદે લાભ લેવા માટે સેબીએ 12મી જાન્યુઆરીએ હિમાંશુ મહેન્દ્રભાઈ પટેલ, રાજ મહેન્દ્રભાઈ પટેલ, જયદેવ ઝાલા, મહેન્દ્ર બેચરદાસ પટેલ, કોકિલાબેન મહેન્દ્રભાઈ પટેલ અને અવની કિરણકુમાર પટેલ વિરુદ્ધ વચગાળાનો ઓર્ડર કર્યો હતો. આ કેસમાં સેબીએ કરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે હિમાંશુ પટેલ રાજ પટેલ અને જયદેવ ઝાલાએ સ્મોલ કેપ સ્ટોક લેવાની ભલામણ કરી હતી. તેમ કરીને તેમણે ગેરવાજબી વેપાર પદ્ધતિનો આશરો લઈને છેતરપિંડી કરી હતી. તેમણે ટીપ્સ આપીને તેના વોલ્યુમમાં વધારો કર્યો હતો. તેમ જ તેના ભાવમાં ઊછાળો લાવી દીધો હતો. આ છએ જણ પર સ્ટોક માર્કેટમાં કામકાજ કરવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. સેબીની તપાસમાં બહાર આવ્યું હતું કે આ ખેલાડીઓએ પહેલા તેમાં પોતાની પોઝિશન ઊભી કરી દીધી હતી. ત્યારબાદ તે શેર્સ ખરીદવાની તેમની ચેનલના માધ્યમથી ભલામણ કરી હતી. આ ભલામણ પછી લેવાતી થતાં તેમણે તેમની પોતાની પાસેના શેર્સ બજારમાં પધરાવી દીધા હતા. શેરબજારની ભાષામાં તેને ફ્રન્ટ રનિંગ તરીકે ઓળખાવવામાં આવે છે. આ કેસના આરોપીઓ ટેલિગ્રામ ચેનલ ચલાવતા હોવાનું અને તેમના પરિવારના સભ્યના એકાઉન્ટ પણ તેમના એકાઉન્ટની સાથે રાખીને તેમાં પણ વહેવારો કર્યા હતા.

સ્ટોક ટીપ્સ કોણ આપી શકે? ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર રૂલ્સમાં દર્શાવ્યા પ્રમાણે જે વ્યક્તિ સેબીમાં રજિસ્ટર ન હોય તેવી વ્યક્તિઓ દ્વારા ટીપ્સ આપવામાં આવે તો તેને ગેરકાયદેસર ગણવામાં આવે છે. ટેલિવિઝન ચેનલ કે પછી અખબારમાં સ્ટોકમાર્કેટની ચાલ અંગે તથા શેર્સમાં થનારી વધઘટ અંગે આઈડિયા આપવામાં વાંધો નથી. પોતાના અંગત ગ્રુપમાં એટલે કે સીમિત વ્યક્તિઓ સુધી જ તે ટીપ્સ આપવા પર સેબીએ પ્રતિબંધ મૂકેલો છે. તેમના સબસ્ક્રાઈબર્સને જ આ રીતે માહિતી આપવી તે કાયદેસર નથી. ટેલિવિઝન પર ટીપ્સ આપનારાઓ પણ ફ્રન્ટરનિંગ ન કરી શકે. તેઓ સેબી સાથે રજિસ્ટર હોવા જોઈએ. સેબી રજિસ્ટર્ડ ન હોય તેવી વ્યક્તિ ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર તરીકે કામ કરી શકે જ નહિ. સેબીના રેગ્યુલેશન હેઠળ ઇલેક્ટ્રોનિક અથવા તો બ્રોડકાસ્ટિંગ મિડિયા પર ઇન્વેસ્ટમેન્ટની આપવામાં આવતી સલાહને ઇન્વેસ્ટમેન્ટ એડવાઈસ ગણી શકાય નહિ. આ નિયમને ધ્યાનમાં લેતા સોશિયલ મિડીયા પર ટીપ્સ આપનારા સંખ્યાબંધ લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે. ઇન્સાઈડર ટ્રેડિંગ કરવા માટે સોશિયલ મિડિયાનો ઉપયોગ કરનારાઓ પર નજર રાખવાનું સેબીએ શરૂ કરી દીધું છે. તેનાથી પણ સેબીના રેગ્યુલેશનનો ભંગ થાય છે. તેને માટે અગાઉ સેબીએ દરોડા પાડ્યા હતા. તેમાં 190 ડિવાઈઝ જપ્ત કરી લેવામાં આવી હતી.