• 9 October, 2025 - 6:03 AM

સાણંદ જીઆઈડીસીમાં નવા પ્લોટની ફાળવણી કરવાના સરકારના પરિપત્રને ઘોળીને પી જતાં અધિકારીઓ

  • ત્રણ મહિને નવા પ્લોટની ફાળવણી કરવાનો નિયમ હોવા છતાંય સાણંદ જીઆઈડીસીમાં છ માસથી નવા પ્લોટની ફાળવણી કરાતી નથી
     
  • ગુજરાતમાં વિકાસની સારી તક જોઈને ઇન્વેસ્ટમેન્ટ કરનારી વિદેશી કંપનીઓને પણ વિસ્તરણ માટે નવા પ્લોટની ફાળવણી કરવામાં આવતી નથી
     
  • સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશને વારંવારની ફરિયાદ કરી હોવા છતાં સરકાર ધ્યાન પર લેતી ન હોવાથી ગુજરાતના સાહસિકોના પણ વિસ્તરણના કામકાજ  અટવાયાં

 

ree

અમદાવાદ શહેરથી અંદાજે 17 કિલો મીટર દૂર આવેલી સાણંદ ઔદ્યોગિક વસાહતમાં છ મહિનાથી વધુ સમય થઈ ગયો હોવા છતાંય નવા અરજદારોને પ્લોટની ફાળવણી કરવામાં આવતી જ નથી. આ જ રીતે જેમણે અગાઉ જમીન મેળવીને તેમના ઔદ્યોગિક એકમો નાખેલા છે તેમને તેમના ઉત્પાદન એકમના વિસ્તરણ માટે જોઈતી વધારાની જમીન માટેની અરજી પણ સ્વીકારીને સમયસર પગલાં લેવામાં આવતા ન હોવાની ફરિયાદ બુલંદ બની છે. જમીનની ફાળવણી કરવા માટે જેટલી જમીનની માગણી કરવામાં આવી હોય તેટલી જમીનને બદલે માંડ 30થી 50 ટકા જમીન જ ફાળવવામાં આવતી હોવાથી ઉદ્યોગોના વિસ્તરણની કામગીર પણ અદ્ધરતાલ રહે છે તેમ જ ખર્ચ કર્યા પછીય યોગ્ય રિટર્ન-વળતર મળવાની શક્યતાઓ સીમિત થઈ જાય છે.

 

દર બે અને ત્રણ મહિને નવી અરજીઓનો સ્વીકાર કરવાનો જીઆઈડીસીનો પરિપત્ર હોવા છતાંય અરજી સ્વીકારીને નવા પ્લોટના એલોટમેન્ટ કરવામાં આવતા જ નથી. સાણંદ જીઆઈડીસીમાં અત્યારે પ્લોટ ધરાવતી અને વરસોથી ધંધો જમાવી ચૂકેલી કંપનીઓને તેમના ધંધાના વધુ વિસ્તરણ  માટે જમીન જોઈતી હોય તો અરજદારે અરજીમાં દર્શાવેલી જગ્યાની સરખામણીમાં માંડ ૩૦ ટકા જ જગ્યાની ફાળવણી કરવામાં આવી રહી છે. પરિણામે કંપનીઓના વિસ્તરણના કામકાજ ખોરવાઈ રહ્યા છે. જમીન લીધા પછીય વિસ્તરણના સંપૂર્ણ પ્લાન અમલમાં મૂકી શકાતા નથી. રોજગારી નિર્માણ કરવા પર સતત ભાર મૂકતી આવેલી ગુજરાત સરકારના ઔદ્યોગિક વસાહત નિગમના પ્રસ્તુત વલણને પરિણામે નવા અરજદારો અરજી કરતાં પણ ખચકાઈ રહ્યા છે. 

 

વિદેશની કંપનીએ સાણંદમાં એકમ નાખ્યા પછી વિસ્તરણ માટે ૧૨૦૦૦ ચોરસ મીટર જમીનની માગણી કરતી અરજી આપ્યા પછી તેમને માત્ર ૪૫૦૦ મીટર જગ્યાની ફાળવણી કરવામાં આવી છે. બીજી પરદેશી કંપનીએ ૮૦૦૦૦ ચોરસ મીટરની જગ્યાની કરેલી માગણી સામે તેમને માત્ર ૫૦,૦૦૦ ચોરસ મીટ જગ્યાની જ ફાળવણી કરવામાં આવી હોવાથી તેઓ વિસ્તરણના આયોજનો વ્યવસ્થિત અમલમાં મૂકી શકતા નથી. વિદેશી કંપનીઓ જ નહિ, સ્થાનિક કંપનીઓને પણ નવી વધારાની જમીનના ફાળવણી કરવામાં ન આવતી હોવાથી પણ તેમની હાલાકી વધી રહી છે. 

 

ગુજરાત સરકારે ઔદ્યોગિક વસાહતમાં પ્લોટની ફાળવણીના અનુસંધાનમાં ઓક્ટોબર ૨૦૨૪માં બહાર પાડેલી પોલીસી પ્રમાણે એક કેટેગરીના પ્લોટ માટે બે મહિનામાં એકવાર ૧૫ દિવસ સુધી નવી અરજી કરવા માટેની વિન્ડો ખુલ્લી રાખવા જણાવવામાં આવ્યું છે. માર્ચ, મે અને જુલાઈ, સપ્ટમ્બર, નવેબર માસના બીજા સોમવારે અરજીઓ સ્વીકારવા માટે બારીઓ ખુલ્લી રાખવાની સૂચના આપવામાં આવી છે. આ જ રીતે બી કેટેગરીના પ્લોટ મેળવવા ઇચ્છનારાઓની અરજીઓ સ્વીકારવા માટે દર ત્રણ મહિને પંદર દિવસ માટે અરજી સ્વીકારવાની વિન્ડો ખૂલ્લી રાખવાની રહેશે. તેમને માટે દર ત્રણ મહિને બીજા સોમવારે એટલે કે ફેબુ્રઆરી, મે, ઓગસ્ટ એ નવેમ્બર માહના બીજા સપ્તાહમાં અરજી કરવાની સૂચના આપવામાં આવેલી છે.

Read Previous

મળો સેંકડો ગુજરાતીઓનું કેનેડા જવાનું સપનું સાકાર કરી આપનાર વિઝા નિષ્ણાંત ભરત પંચાલને

Read Next

અમદાવાદની કંપની Asahi Songwon Colors એ ફાર્મા કંપની Atlas Life Sciences ને હસ્તગત કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular