• 9 October, 2025 - 3:33 AM

સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનઃ લાંબા ગાળાની બચતના સંગીન આયોજનનો વિકલ્પ

ree

 

બેન્કના વ્યાજના દર ઘટી રહ્યા છે. ફુગાવાના દરથી બેન્કના વ્યાજના દર નીચા છે. ઓગસ્ટ 2021ના અંતે ફુગાવાનો છૂટક ફુગાવાનો દર 5.3 ટકા હતો. ફુગાવાનો દર વસ્તુઓની વધતી કિંમતનો અંદાજ આપે છે. કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ પણ છૂટક વસ્તુઓના ભાવના વધારોનો નિર્દેશ આપે છે. ઓગસ્ટ 2021ના અંતે કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ 6.69 ટકા હતો. ખાદ્યસામગ્રીના ભાવ પણ આ ગાળામાં વધ્યા છે. ખાદ્યસામગ્રીઓના ભાવમાં ઓગસ્ટ 2021ના ગાળામાં સરેરાશ 3.11 ટકાનો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ બેન્ક તરફથી આપવામાં આવતા વ્યાજના દર 5થી 5.5 ટકાની આસપાસના છે. ત્રણ કે છ માસની કે એક વર્ષની ડિપોઝિટ પર વ્યાજ પેટે 5થી 5.5 ટકા જ મળે છે. તેને આધારે અનુમાન કરી શકાય કે દર વર્ષને અંતે તમારા રૂપિયાની ખરીદ શક્તિમાં 5 ટકાનો ઘટાડો થાય છે. આ ઘટાડાથી વધુ આવક બચત પર કરીને તમારી ખરીદશક્તિને જાળવી રાખવી તે જ બચત પાછળનો મૂળભૂત હેતુ છે. ઓગસ્ટ 2020માં તેથી તમારી મૂડીની ખરીદ શક્તિ ઘટતી જાય છે. ખરીદશક્તિ ઘટે નહિ અને ફુગાવાના દરથી વધુ વળતર મળે તે જ દરેક બચત કરનારની મુખ્ય ચિંતા હોય છે. આ ચિંતાનો ઉકેલ અલગ અલગ વિકલ્પના માધ્યમથી મળી શકે છે.

 

સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન આ દિશામાંનું જ એક પગલું છે. જોકે નાની ઉંમરથી જ એસઆઈપીમાં નિયમિત દર મહિને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું આયોજન કરવામાં આવે તો તે 40થી 45 વર્ષ સુધીની ઉંમરમાં સારું વળતર અપાવી શકે છે. એસઆઈપીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો સમયગાળો 10થી 20 વર્ષનો હોવો જોઈએ. મોટો ગાળો આપવામાં આવે તો તેને પરિણામે બજારની ટૂંકા ગાળાની વધઘટના ગેરલાભની અસરથી મુક્ત રહી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ તો ઇન્વેસ્ટમેન્ટ કરીને 20 વર્ષ સુધી રાહ જોનારાઓને મોટો ફાયદો થતો હોવાનું જણાવે છે. જોકે તેની સામે ચેતવણી ઉચ્ચારતા એક કંપનીના નિવૃત્ત એક્ઝિક્યુટીવ હરેશ ઉપાધ્યાય કહે છે, “વીસ વર્ષનો ગાળો લાંબો છે. બીજું શેરબજારની અનિશ્ચિતતા પણ એટલી જ છે. શેરબજાર આજે વધી રહ્યું છે. તેના પ્રમાણમાં કંપનીઓના ફંડામેન્ટલ્સમાં જોઈએ તેટલો સુધારો જોવા મળતો નથી. પરિણામે શેરબજારની તેજી આભાસી તેજી હોવાની દહેશત લાગે છે. શેરબજાર 10 કે 20 વર્ષના અંતે કડડડડભૂસ થઈ જાય તો તમારા અરમાનોની દુનિયા અને આયોજનો પણ કડડડડભૂસ થઈ જાય છે. પરિણામે હું તો એટલું જ કહીશ કે ચેતતો નર સદા સુખી. સંપૂર્ણ રોકાણ એસઆઈપીમાં જ કરીને તેના પર મદાર બાંધવો ઉચિત નથી. થોડી બેન્ક ડિપોઝિટ, થોડી પોસ્ટ ઓફિસની યોજનાઓ અને થોડા મ્યુચ્યુઅલ ફંડમાં રોકીને અણધારી આફતમાંથી બચાવી શકાય છે.”

 

જોકે ફુગાવાના દરને આંબી જઈને તેનાથી વધુ આવક મૂડી પર કરવાનો બીજોય વિકલ્પ છે. આ વિકલ્પ ઇન્વેસ્ટમેન્ટની કુનેહ થકી આવે છે. અત્યારે ફુગાવાનો દર 5.3 ટકાની આસપાસનો છે. તેમ જ કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ 6.69 ટકાનો છે. આમ બચત કરનારને તેની બચત પર સાત ટકાની આસપાસનું વળતર મળે તો તેની ખરીદશક્તિ અકબંધ જળવાઈ શકે છે. તેને માટે જુદાં જુદાં કોમ્બિનેશન્સ કરવા જરૂરી છે. એક તમે પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગની માસિક આવક યોજનામાં માસિક 6.6 ટકાના વળતર આપતી યોજનામાં રોકાણ કરી શકો છો. તાજેતરમાં જ નિવૃત્ત થયેલા પત્રકાર ચેતન મહેતા કહે છે, “પોસ્ટ ઓફિસની માસિક આવક યોજનામાં તમે 9 લાખ રૂપિયાનો (પતિ અને પત્નીના નામે) રોકાણ કરો. તેના થકી વાર્ષિક અંદાજે 60,000ની વ્યાજની આવક મળી શકે છે. આમ તમને 6.6 ટકા વ્યાજ તો મળી જ જાય છે. આજ રકમને માસિક 5000ના ગુણાકારમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં રોકવામાં આવે તો તેના પર પણ વર્ષના અંતે 4થી 5 ટકા વળતર તો મળી જ રહે છે. તેમ કરવાથી તમને મળતું વાર્ષિક વળતર નવથી દસ ટકા સુધી પહોંચી શકે છે.”

 

સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં એક જોખમ છે. તેમાં સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્કની ફૂદરડી સાથેની શરત છે. આ શરત તેનું એક મોટું નકારાત્મક પાસું છે. મ્યુચ્યુઅલ ફંડના સત્તાવાળાઓ સતત એમ કહે છે કે અમે છેલ્લા 20 વર્ષથી સરેરાશ 25 ટકા વળતર અપાવ્યું છે, પરંતુ બજાર આ ગાળામાં સારુ રહ્યું તેથી અમે તમને વળતર આપી શક્યા છીએ. પરંતુ જો તમે આજે રોકાણ કરવાનો આરંભ કરો અને 20 વર્ષે તમે તેનો ઉપોડ કરવા આવો ત્યારે માર્કેટ તૂટી ગયું હોય તો તમારા મૂડી રોકાણ પર તમને ધાર્યું હોય તેટલું વળતર ન પણ મળે.

 

બીજા શબ્દોમાં કહીએ તો તમને તમારી મૂડી કરતાંય ઓછા પૈસા મળવાનો ખતરો રહેલો છે. એટલે કે તમે 20 વર્ષ સુધી દર મહિને રૂ. 10,000નું રોકાણ કર્યું હોય તો તમારી રૂા. 24 લાખની મૂડીનું રોકાણ થયેલું ગણાય. વીસ વર્ષનું છથી સાડા છ ટકા વ્યાજ પ્રમાણે ગણવામાં આવે તો અંદાજે 12 વર્ષે મૂડી બમણી થઈ શકે છે. આ સંજોગોમાં સાદા વ્યાજની આવક પર પણ તે મૂડી 60 લાખથી વધુ થઈ જાય છે. આ સંજોગોમાં તમને એસઆઈપી 60 લાખથી ઓછા નાણાં 20 વર્ષને અંતે આપે તો તે તમને નુકસાન થયેલું ગણાય છે. પરંતુ તેની ખાતરી એસઆઈપીમાં મળતી નથી. તેથી ‘સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક’ની કન્ડિશનને સમજીને જ તેમાં રોકાણ કરવું જોઈએ. આ અનિશ્ચિતતાઓ વચ્ચે અટવાતા કરતાં રોકાણકારોએ સો ટકા એસઆઈપીમાં રોકાણ કરવું કે પછી જુદાં જુદાં ઓપ્શન્સમાં રોકાણ કરવા તે અંગેની વ્યક્તિઓએ નિર્ણય લેવો જોઈએ. આપણા વડીલો એમ ને એમ નથી કહી ગયા કે “મૂડીનો માર સહન ન થાય, પણ વ્યાજનો માર સહી શકાય.”

 

આ વાતને વધુ સાદાઈથી સમજાવતા શ્રીકાંત મહેતા કહે છે, “રોકાણકારોએ તેમની મૂડીને નુકસાન ન થાય તેમ રોકાણ કરવા માટે બેન્કની એફડી કે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓમાં રોકાણ કરીને તેના વ્યાજની આવકને એસઆઈપીમાં રોકવામાં આવે તો મૂડી પર આવતા વ્યાજની આવકને એસઆઈપીમાં રોકાણ કરીને તમે તેમાંથી ઇન્ફ્લેશનનને બીટ કરી શકાય તેવી આવક કરી શકો છો.

આમ મૂડી પણ સલામત અને વધારાની વ્યાજની આવક પણ થાય.”

 

હા, એસઆઈપી-સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં સારું વળતર મેળવવા માટે સમય લાંબો આપવો પડે છે તે એક સાચી માન્યતા હોવાનું જણાય છે. પૈસાને વધવા વધુ સમય આપવો પડે. કારણ કે પૈસો પૈસાને ખેંચે છે. તેથી જ નાની ઉંમરે એસઆઈપીમાં રોકાણ કરી દેવાનું આયોજન કરવું જોઈએ. તેમ કરવાથી મોટી ઉંમરે તમે મોટું ભંડોળ પણ એકત્રિત કરી શકો છો. ઢળતી ઉંમરને સલામત બનાવી શકાય છે. બીજી એક વાત બજાર નીચું હોય અને મ્યુચ્યુઅલ ફંડના યુનિટની કિંમત ઓછી હોય ત્યારે તેમાં રોકાણ કરવું જોઈએ. નવા અને જાણીતી કંપનીના અને તે જ કંપનીના અન્ય મ્યુચ્યુઅલ ફંડનું પરફોર્મન્સ સારું હોય તે ધ્યાનમાં રાખીને તેના જ મ્યુચ્યુઅલ ફંડની નવી યોજનામાં રોકાણ કરો તો તે યોગ્ય ગણાશે. તદુપરાંત સારી સ્કીમના યુનિટના ભાવ ઊંચા હોય તો તેમાં પણ રોકાણ કરી શકાય છે. પરંતુ તમારા રોકાણ પર તમને ઓછા યુનિટ મળે છે. તેથી તમારે તેના ભાવ નીચા જાય એટલે કે તેની નેટ એસેટ વેલ્યુ (એનએવી) ઓછી હોય ત્યારે તેમાં વધુ રોકાણ કરી લઈને તમારી યુનિટની સરેરાશ કિંમત નીચે લાવવાનો પ્રયાસ પણ કરવો જોઈએ. તેમાંય લાર્જ કેપ, સ્મોલ કેપ અને ડેટ ફંડના સુયોજિત કોમ્બિનેશનમાં રોકાણ કરવાનું આયોજન કરી શકાય છે. નેશનલ પેન્શન સ્કીમમાં પણ રોકાણ કરવાનું આયોજન કરી શકાય છે. તેમાંય લાંબે ગાળે 15થી 17 ટકાનું સરેરાશ વળતર મળતું હોવાનું જોવા મળે છે.

 

મ્યુચ્યુઅલ ફંડમાંથી સિસ્ટેમેટેક વિડ્રોઅલનું આયોજન પણ કરી શકો છે. તમે નિયમિત સમયાંતરે મ્યુચ્યુઅલ ફંડમાંથી નાણાં ઉપાડી શકો છો. તેને બીજા વિકલ્પોમાં રોકાણ કરીને કે પછી મ્યુચ્યુઅલ ફંડની નવી સ્કીમમાં રોકાણ કરી શકાય છે. સિસ્ટેમેટિક વિડ્રોઅલ કરવાનું આયોજન કરવામાં આવે તો તેનાથી પણ મૂડી(વ્યાજની મૂડી)નું રોકાણ ઓછું કરીને વધુ ગેઈન મેળવી શકાય છે. તેમ જ વધુ વળતર પણ મેળવી શકાય છે.

Read Previous

ન્યુક્લોથ માર્કેટને નવો ચહેરો આપનાર પ્રમુખ, ગૌરાંગ ભગત

Read Next

ભારતની ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રી આખા વિશ્વ માટે કોરોનાની વેક્સિન બનાવવા સક્ષમઃ પંકજ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular