સુપ્રીમ કોર્ટના ચુકાદાને કેન્દ્ર સરકારની મહોરઃ હવે કરદાતાને સેસ કે સરચાર્જ મજરે નહિ મળે

બજેટ 2022માં કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કરદાતાઓને ધંધાને ધંધાની આવક પર લાગતા ટેક્સ પરનો સેસ કે સરચાર્જ ખર્ચ તરીકે મજરે ન આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. મુંબઈ હાઈકોર્ટે સેસા ગોવા લિમિટેડના કેસમાં થા રાજસ્થાન હાઈકોર્ટે ચમ્બલ ફર્ટિલાઈઝર કેસમાં કરદાતાની તરફેણમાં ચુકાદો આપતા ઉદ્યોગો સેસ અને સરચાર્જ મજરે લેતા હતા.
ઉલ્લેખનીય છે કે શિક્ષણને પ્રોત્સાહન આપવાના આશયથી ફાયનાન્સ એક્ટ 2004 અંતર્ગત 2 ટકા એજ્યુકેશન સેસ ઈન્ટ્રોડ્યુસ કરાયો હતો. 2011માં તેને ઈન્કમ ટેક્સ પરના સરચાર્જ તરીકે ઠેરવવામાં આવ્યો હતો. ત્યાર પછી ઘણી હાઈકોર્ટે એજ્યુકેશન સેસ, હાયર એજ્યુકેશન સેસ, સેકન્ડરી એજ્યુકેશન સેસને સરચાર્જ ઠેરવ્યો હતો.

એડવોકેટ હિરેન વકીલ જણાવે છે, “સેસને લગતી અસ્પષ્ટતા દૂર કરવા નાણાંમંત્રીએ 1 એપ્રિલ 2005 એટલે કે એસેસમેન્ટ યર 2005-06થી નવી જોગવાઈ કાયમી ધોરણે અમલમાં લાવવાની જાહેરાત કરી છે. આ મુજબ સેસ, સરચાર્જ વગેરે કોઈપણ નામથી નવો કર લાદવામાં આવે તો તે ધંધાની આવકમાંથી મજરે મેળવી શકાશે નહિ. સુપ્રીમ કોર્ટે કે. શ્રીનિવાસન કેસમાં ચુકાદો આપતા સરચાર્જ અને એડિશનલ સરચાર્જને ટેક્સ જ ઠેરવ્યો હતો.”