સ્ક્રૂટિની નોટિસનો કરદાતા વ્યવસ્થિત જવાબ આપે

સ્ક્રૂટિની નોટિસના નિર્ધારિત 15 દિવસના સમયગાળામાં જવાબ ન આપનારા કરદાતાને નોન કોમ્પ્લાયન્સ માટે રૂ. 10,000નો દંડ પણ થઈ શકે છે
આવકવેરાનું રિટર્ન ફાઈલ કર્યા બાદ આવકવેરા ખાતું કરદાતાએ આવક સાચી દર્શાવી છે કે કેમ તેની ચકાસણી કરવા માટે આશરે 1થી 2 ટકા કેસોની ચકાસણી કરવા સ્ક્રૂટિની કરે છે. આ માટે આવકવેરા ખાતું કરદાતાઓને આકારણી વર્ષ પૂરું થયા પછીના છ માસમાં આવકવેરા ધારાની કલમ 143 (2) હેઠળ સ્ક્રૂટિનીની નોટિસ આપે છે. આ મુદ્દે થોડી વધુ સ્પષ્ટતા કરીએ. નાણાંકીય વર્ષ 2018-19ને આકારણી વર્ષ 2019-20 ગણવામાં આવે છે. 2019-20નું આકારણી વર્ષ 31મી માર્ચ 2020ના પૂરું થયેલું ગણાય છે. તેના છ માસ બાદ એટલે કે 30મી સપ્ટેમ્બર 2020 સુધીમાં સ્ક્રૂટિનીની નોટિસ પાઠવી શકાય છે. જોકે માર્ચ 2020થી કોરોનાની મહામારી આવી તેને પરિણામે આ વર્ષે સ્ક્રૂટિની માટેની નોટિસ આપવાની તારીખ લંબાવીને 31મી માર્ચ 2021 કરી દેવામાં આવી છે. પરિણામે કરદાતાઓને આકારણી વર્ષ 2019-20ની 31મી માર્ચ 2021 સુધી પાઠવી શકાય તેવી જોગવાઈ કરી છે. સ્ક્રૂટિની માટેના કેસોની પસંદગીની તમામ પ્રક્રિયા કોમ્પ્યુટરની મદદથી જ કરવામાં આવે છે. આ સ્ક્રૂટિનીને કોમ્પ્યુટર આસિસ્ટેડ સેમ્પલ સ્કૂટિની તરીકે પણ ઓળખાવવામાં આવે છે. કોમ્પ્યુટર સોફ્ટવેરમાં ચોક્કસ પેરામીટર્સ ફીડ કરી દેવામાં આવે છે. તેને આધારે કોમ્પ્યુટર પોતાની રીતે કેસની પસંદગી કરે છે. ઉદાહરણ આપીને વાત કરીએ. કરદાતાના ગ્રોસ પ્રોફિટ કે નેટ પ્રોફિટમાં બહુ મોટો તફાવત આવ્યો હોય તેવા કેસ, અનસિક્યોર્ડ – તારણ વિનાની લોનમાં મોટી રકમ જમા કરાવવામાં આવી હોય, સ્થાવર મિલકતમાં જંગી રોકાણ કરવામાં આઇવ્યું હોય, ફોર્મ 26 એ માં રિફ્લેક્ટ થતાં ડેટા પ્રમાણે કરદાતાના રિટર્નમાં વિગતો ન દર્શાવવામાં આવી હોય તથા વિદેશ પ્રવાસ કર્યો હોય અને તેની વિગતો રિટર્નમાં ન દર્શાવી હોય તો તેવા કિસ્સાઓને લગતા પેરામીટર્સ સોફ્ટવેરમાં ફીડ કરવામાં આવે છે. તેને આધારે કોમ્પ્યુટર પોતાની રીતે એકથી બે ટકા કેસ સ્ક્રૂટિની માટે પસંદ કરી આપે છે. અલબત્ત દરોડા, સરવે કે પછી મોટા આંતરરાષ્ટ્રીય નાણાંકીય વહેવારો થયા હોય તેવા કિસ્સાઓમાં ફરજિયાત સ્ક્રૂટિની કરવામાં આવે છે. સ્ક્રૂટિનીના બે પ્રકાર છે. એક લિમિટેડ સ્ક્રૂટિની અને બીજી કમ્પ્લિટ સ્ક્રૂટિની. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 13મી ઓગસ્ટ 2020ના જાહેરાત કરીને આવકવેરાની સંપૂર્ણ સ્ક્રૂટિની ઓનલાઈન એટલે કે ઇ-એસેસમેન્ટથી જ કરવાનો નિર્ણય કર્યો છે. ઇ-એસેસમેન્ટ માટે દિલ્હીમાં સેન્ટરની સ્થાપના કરવામાં આવેલી છે. આમ નેશનલ ઇ-એસેસમેન્ટ સેન્ટર જ કરદાતા પાસે સ્ક્રૂટિનીના સંદર્ભમાં જરૂર પડતી વિગતો મંગાવશે. દિલ્હીથી મંગાવવામાં આવેલી વિગતો કરદાતાઓએ ઈ-પ્રોસિડિંગ પોર્ટલ પર જઈને રિસ્પોન્સ ટેબ ખોલીને તેમાં અપલોડ કરવાની રહેશે. આ વિગતો આપવા માટે તેમણે રૂબરૂ આવકવેરાની કચેરીએ જવું પડશે જ નહિ. લિમિટેડ સ્ક્રૂટિનીમાં કરદાતાને રિટર્નના સંદર્ભમાં બે ચાર મુદ્દાઓ અંગે સવાલ કરવામાં આવે છે. આ સવાલના જવાબ અને તેને લગતા સપોર્ટિંગ દસ્તાવેજો મોકલવા પડે છે. ઉદાહરણ આપીને વાત કરીએ. કરદાતાએ કમિશન ખર્ચ કે ટ્રાવેલિંગનો ખર્ચ વધુ બતાવ્યો હોવાનું આકારણી અધિકારીને લાગે તો તેવા સંજોગોમાં આ તમામ ખર્ચની વિગતો અને તેને સમર્થન આપે તેવા દસ્તાવેજો આકારણી અધિકારી મંગાવે છે. ટ્રાવેલિંગની રકમ કઈ કઈ જગ્યાએ ખર્ચવામાં આવી, કોને કોને તેનો ખર્ચ આપવામાં આવ્યો તેની સંપૂર્ણ વિગતો કરદાતાએ આકારણી અધિકારીને મોકલવી પડે છે. આ નાણાં મેળવનારાઓના નામ, સરનામાં, પરમેનન્ટ એકાઉન્ટ નંબર ઉપરાંત આવકવેરા અધિકારી ક્રોસ વેરિફિકેશન કરી શકે તે માટે તેમના ખાતાના ઉતારાઓ પણ મોકલવા પડે છે. તેમના આવકવેરાના રિટર્નની કોપી પણ સ્ક્રૂટિની હેઠળના કરદાતાએ મોકલવી પડે છે. આ જ રીતે તારણ વિનાની એટલે કે અસિક્યોર્ડ લોનને લગતી માહિતી આકારણી અધિકારીએ મંગાવી હોય તો જેની પાસેથી અનસિક્યોર્ડ લોન લીધી હોય તે વ્યક્તિનું નામ, સરનામું, પરમેનન્ટ એકાઉન્ટ નંબર, તેના આવકવેરાના રિટર્નની નકલ આકારણી અધિકારીને ક્રોસ વેરિફિકેશન માટે મોકલવી પડે છે. આ માટે એકાઉન્ટ ક્રોસ વેરિફિકેશનનો લેટર પણ આકારણી અધિકારીને મોકલવો પડે છે. આવકવેરા ખાતાએ સંપૂર્ણ સ્ક્રૂટિની કાઢી હોય ત્યારે કરદાતાના ચોપડે જમા લોન કે ડિપોઝિટ(કેશ ક્રેડિટ)ધારકોના ખાતાના ઉતારા, જમા કરાવેલા નાણાંનો સ્રોત – સોર્સ બતાવવો પડે છે. તેની સાથે જ જમા કરાવેલી રકમના સોર્સ તથા તે સોર્સના રિટર્નની કોપી પણ મૂકવી પડે છે. બીજું, ધંધા સંબંધી રિટર્ન હોય તો તેવા સંજોગોમાં ગ્રોસ નફાની વિગતો આપવાની રહેશે. તેમ જ અગાઉના વર્ષના કુલ નફાની રકમ સાથે તેની તુલના થઈ શકે તેવી માહિતી પણ પૂરી પાડવાની રહશે. આકારણી હેઠળના વર્ષનો ગ્રોસ નફામાં અગાઉના વર્ષના ગ્રોસ નફા કરતાં ઘટાડો થયો હોય તો તેના કારણો સહિતનો ખુલાસો પણ કરદાતાએ આકારણી અધિકારીઓને આપવાનો રહેશે. ત્રીજું, ધંધા માટે કરવામાં આવેલા ખર્ચની વિગતવાર માહિતી પૂરી પાડવાની રહેશે. કોઈ ખાતામાં ખર્ચમાં અગાઉના નાણાંકીય વર્ષના ખર્ચની તુલનાએ બહુ જ મોટો વધારો થયો હોય તો તેના કારણો પણ આકારણી અધિકારીઓને આપવાના રહેશે. આકારણી હેઠળના વર્ષ દરમિયાન કરદાતાએ સ્થાવર કે જંગમ મિલકતમાં મોટું રોકાણ કર્યું હોય તો તેની વિગતો પણ તેમણે આકારણી અધિકારીને મોકલવાની રહેશે. કરદાતાએ તેના ધંધાની ખરીદી તથા વેચાણે લગતા વહેવારો સાથે સંકળાયેલી મોટી પાર્ટીઓના નામ, સરનામા, તેમ જ ખાતાની વિગતો અને પરમેનન્ટ એકાઉન્ટ નંબર પણ આપવાનો રહે છે. ચોથું, ધંધો કરનારા કરદાતાઓએ તેમની પાસે કેટલો સ્ટોક પડ્યો છે અને તેનું મૂલ્ય કેટલું છે તેની વિગતો પણ આકારણી અધિકારીને આપવી પડે છે. ભાગીદારી પેઢી હોય કે પ્રોપરાઈટરી કન્સર્ન હોય તો તેવા સંજોગોમાં મૂડી ખાતાની નકલો, જમા ઉધારની મોટી રકમ અંગે ખુલાસાઓ તથા ઘર ખર્ચની વિગતો પણ આપવાની રહે છે. પાંચમું કરદાતાના તમામ બેન્ક એકાઉન્ટના સ્ટેટમેન્ટ કે પાસબુક તથા ધંધા સંબંધી ચોપડાઓ તૈયાર રાખવાના રહે છે. જેથી કરીને સ્ક્રૂટિની એસેસમેન્ટમાં કોઈ વખત જોવા માગે તો તે આપી શકાય. આ તમામ વિગતોના પુરાવા તરીકે તેની નકલો સ્કેન કરીને ઈ-પ્રોસેસિંગ ટેબ ખોલીને રિસ્પોન્સમાં અપલોડ કરી દેવાની રહેશે. હાલમાં બહાર પાડવામાં આવેલી ઈ-એસેસમેન્ટની ગાઈડલાઈન પ્રમાણે દરેક નોટિસનો જવાબ 15 દિવસમાં આપી દેવો ફરજિયાત છે. નોટિસનો જવાબ ન આપનારા કરદાતાને નોન કોમ્પ્લાયન્સ કરવા બદર રૂા. 10,000નો દંડ થઈ શકે છે. – પ્રમોદ પોપટ, ટેક્સ કન્સલ્ટન્ટ