સ્ટેબલ કોઈન શું છે, અને તેમાં ઈન્વેસ્ટ કરવું સુરક્ષિત છે?
ક્રિપ્ટોકરન્સીથી જુદા છે સ્ટેબલ કોઈન, ટીધર સૌથી લોકપ્રિય સ્ટેબલ કોઈન છે

તમે ઘણા લોકો પાસેથી સાંભળ્યું હશે કે ક્રિપ્ટોકરન્સી ફ્યુચર છે. આમ છતાં ઘણા રોકાણકારો તેમાં ઈન્વેસ્ટ કરતા ખચકાય છે. તેનું કારણ છે ક્રિપ્ટોના ભાવમાં અચાનક આવતો વધારો-ઘટાડો. સેકન્ડોમાં રોકાણકારોના અબજો રૂપિયા ધોવાઈ જાય છે અને ઘણા પલક ઝપકતામાં માલામાલ પણ બની જાય છે. ક્રિપ્ટોકરન્સીના ભાવ કયા આધારે વધે કે ઘટે છે તેના ધારાધોરણો નિશ્ચિત નથી. આ કારણે પણ તેમાં રોકાણ કરવું અસુરક્ષિત માનવામાં આવે છે. ક્રિપ્ટોકરન્સીમાં ભાવમાં અચાનક થતા વધારા ઘટાડા સામે રક્ષણ આપવા માટે સ્ટેબલ કોઈન્સનો જન્મ થયો છે.
જે રોકાણકારોને ક્રિપ્ટો કરન્સીના ચડાવ ઉતારથી ડર લાગે છે તેમના માટે સ્ટેબલ કોઈન એક સુરક્ષિત વિકલ્પ છે. તે ફિયાટ કરન્સી અને ક્રિપ્ટોકરન્સીના કોમ્બિનેશન સમાન છે. માર્કેટમાં Tether (ટીધર), Binance USD, USD Coin, Terra USD, True USD, Dai સહિત અનેક સ્ટેબલ કોઈન્સ ઉપલબ્ધ છે. તેમાંથી ટીધર સૌથી જૂનો અને સૌથી પ્રચલિત સ્ટેબલ કોઈન છે.
સ્ટેબલ કોઈન શું છે?
સ્ટેબલ કોઈન એટલે એવી ક્રિપ્ટો કરન્સી જેના ભાવ લગભગ સ્થિર રહેતા હોય. ટીધરની જ વાત કરીએ તો તેના ભાવ લગભગ 1 ડોલર આસપાસ રહે છે. અત્યાર સુધી સ્ટેબલ કોઈનનો ઓલ ટાઈમ હાઈ ભાવ $1.32 અને સૌથી ઓછો ભાવ $0.5725 રહ્યો છે. આ ભાવ પણ ઘણા ઓછા સમય માટે ફ્લક્ચુએટ થયો હતો.
જુલાઈ 2014માં રિયલ કોઈનના નામે લોન્ચ થયેલા ટીધરનો આશય પેપર કરન્સીને રિપ્લેસ કરીને રોજીંદા જીવનમાં ખરીદ-વેચાણ માટે ક્રિપ્ટોકરન્સીને પ્રમોટ કરવાનો છે. અન્ય ક્રિપ્ટોકરન્સીની જેમ સ્ટેબલ કોઈન પણ બ્લોકચેઈન ટેક્નોલોજી પર જ આધારિત છે.

કેવી રીતે ભાવ સ્થિર રાખે છે સ્ટેબલ કોઈન?
સ્ટેબલ કોઈન લોકોનો વિશ્વાસ જીતીને કરન્સીના ભાવ સ્થિર રાખે છે. આ માટે તેઓ જેટલી કરન્સી બહાર પાડે તેની સામે ફિયાટ કરન્સી જેવી કે યુ.એસ ડોલર, યુરો, ગોલ્ડ વગેરેનું રિઝર્વ રાખે છે. એટલે કે હાલ ટીધર પાસે 5.81 લાખ કરોડનું માર્કેટ કેપિટલાઈઝેશન છે, તો તેની સામે ટીધર પાસે 5.81 લાખ કરોડની એસેટ્સ છે. વળી, સ્ટેબલ કોઈન્સ ડિમાન્ડ અને સપ્લાયને મર્યાદિત રાખે છે. જો ડિમાન્ડ વધે તો તે વધુ કોઈન્સ રીલીઝ કરે છે અને ઘટે તો માર્કેટમાંથી એટલા કોઈન્સ હટાવી દે છે.
સ્ટેબલ કોઈનનો મુખ્ય ફાયદો એ છે કે તે વોલેટાઈલ કરન્સી નથી. વળી તેના ભાવ 1 ડોલર આસપાસ જ રહેતા હોવાથી તેની લિક્વિડિટી વધારે છે. તેની ટ્રાન્ઝેક્શન કોસ્ટ સૌથી ઓછી છે. આવા તમામ કારણસર રોકાણકારો સ્ટેબલ કોઈન્સમાં ભરોસો કરીને રોકાણ કરી રહ્યા છે.
જો આગળ જતા સ્ટેબલ કોઈનની લોકપ્રિયતા વધે, અને તેનો કરન્સી તરીકે સ્વીકાર થાય તો તેનાથી અનેક ફાયદા થશે. એક ઉદાહરણ તરીકે, હાલ તમે યુરોપ કે અમેરિકા ફરવા જાવ તો તમારે રૂપિયાને ડોલરમાં કે યુરોમાં કન્વર્ટ કરાવવા પડે છે. સ્ટેબલ કોઈન તમે સીધા જ ખરીદી શકો છો, તેના કન્વર્ઝન માટે એક્સ્ટ્રા ફી પણ આપવી પડતી નથી અને તેનાથી ડિજિટલ પેમેન્ટ પણ શક્ય બની શકે છે.
સ્ટેબલ કોઈનના કેવા ઉપયોગ થઈ શકે?
– સ્ટેબલ કોઈન રાષ્ટ્રીય કરન્સીના ટેકાથી ચાલતા હોવાથી તેમાં ક્રિપ્ટો કરન્સી જેવો વધારો ઘટાડો નથી થતો. આ ઉપરાતમાં તેમાં બ્લોકચેઈન સિક્યોરિટી, ટ્રાન્ઝેક્શનની ગુપ્તતા, ઝડપી ટ્રાન્સફર, વચેટિયાઓ વિના લેણદેણ વગેરે ક્રિપ્ટો કરન્સીના બીજા ફાયદા તો મળે જ છે. તેનો ઉપયોગ ભવિષ્યમાં કરિયાણાનો સામાન લેવા, બિલ ચૂકવવા, ભાડા આપવા માટે થઈ શકે છે.
સ્ટેબલ કોઈનના પ્રકારઃ
ફિયાટ કોલેટરાઈઝ્ડ સ્ટેબલ કોઈન્સઃ
સ્ટેબલ કોઈનની સામે દેશની ફિયાટ કરન્સી જેમ કે ડોલર વગેરે કોલેટરલ તરીકે મુકવામાં આવે તો તેને ફિયાટ કોલેટરાઈઝ્ડ સ્ટેબલ કોઈન કહેવામાં આવે છે. જો કે આ સ્ટેબલ કોઈન કોઈ દેશની રિઝર્વ બેન્ક દ્વારા બહાર પાડવામાં આવતા નથી. તે ફક્ત રિઝર્વ બેન્ક દ્વારા બહાર પડાતી કરન્સીને પોતાના રિઝર્વ તરીકે રાખે છે. એટલે એવું ધારી લો કે ટીધરે 5 અબજના સ્ટેબલ કોઈન્સ બહાર પાડ્યા હોય તો કંપની પાસે 5 અબજ ડોલરની મૂડી છે. ટીધર અને ટ્રુ યુએસડી ફિયાટ કરન્સી કોલેટરાઈઝ્ડ સ્ટેબલકોઈન્સ છે.
કોમોડિટી બેક્ડ સ્ટેબલકોઈન્સઃ
આ સ્ટેબલ કોઈન્સમાં કોલેટરલ તરીકે રિયલ એસ્ટેટ, ગોલ્ડ, સિલ્વર જેવી કિંમતી કોમોડિટી હોય છે. દાખલા તરીકે Kitco Gold સ્ટેબલકોઈનમાં કોઈન્સની કુલ કિંમત જેટલું ગોલ્ડ રિઝર્વ કંપની મેઈન્ટેન કરે છે.
ક્રિપ્ટો બેક્ડ સ્ટેબલકોઈન્સઃ
આ પ્રકારના સ્ટેબલ કોઈન્સ બીજી ક્રિપ્ટોકરન્સીને કોલેટરલ તરીકે મૂકીને જનરેટ કરાય છે. ક્રિપ્ટો કરન્સીના ભાવમાં સતત વધઘટ થતી હોવાને કારણે આવા સ્ટેબલકોઈન્સના ભાવ સ્થિર રાખવાની સ્ટ્રેટેજી જુદી જ છે. તેમાં તમારે સ્ટેબલ કોઈન ખરીદવા ક્રિપ્ટોમાં પણ રોકાણ કરવું પડે છે. MakerDAO’s Dai ક્રિપ્ટો બેક્ડ સ્ટેબલકોઈન છે. તેમાં $500 ઈન્વેસ્ટ કરવા તમારે ઈથિરિયમમાં $1000 ઈન્વેસ્ટ કરવા પડે છે.

અલગોરિધમિક સ્ટેબલકોઈન્સઃ
આ સ્ટેબલકોઈન્સની કિંમત ખાસ અલગોરિધમ, સોફ્ટવેર અને કોડ દ્વારા મેઈનટેન કરવામાં આવે છે. અને તેનાથી જ તેનો ડિમાન્ડ અને સપ્લાય જળવાય છે.
સ્ટેબલ કોઈનની મર્યાદાઃ
– સ્ટેબલકોઈનનું મૂલ્ય સ્ટેબલકોઈનની કંપનીમાં લોકોના વિશ્વાસ પર આધારિત છે. આ વિશ્વાસ હલી જાય તો કોઈનની કિંમત પર અસર પડી શકે છે.
-જો કંપની નાદારી નોંધાવે તો સ્ટેબલ કોઈન મૂલ્ય ગુમાવી શકે છે.
– કોઈનમાં વિશ્વાસ બરકરાર રાખવા માટે કંપનીએ રિઝર્વ જાળવવા જરૂરી છે.
– જ્યાં સુધી ફિયાટ કરન્સી ચાલે છે ત્યાં સુધી સ્ટેબલ કોઈન્સ ટ્રેડિંગમાં વપરાય તેવી શક્યતા નહિવત્ છે.
જો તમારો આશય ક્રિપ્ટોમાં રોકાણ કરીને પૈસા કમાવાનો હોય તો સ્ટેબલકોઈન્સમાં તમારા માટે નથી. તેમાં ઉતાર-ચડાવ ઓછા આવે છે પરંતુ જો તમે બ્લોકચેઈન ટેક્નોલોજીના ઉપયોગમાં એન્ટ્રી લેવા માંગતા હોવ તો સ્ટેબલ કોઈન્સમાં ઈન્વેસ્ટમેન્ટથી શરૂઆત કરી શકો છો.