• 8 October, 2025 - 9:31 PM

સ્ત્રી શક્તિઃ પુરુષ પ્રધાન ઈન્ડસ્ટ્રીમાં દિવ્યાંગ કવિતા મોદીએ સફળ બિઝનેસ ઊભો કરી આગવી ઓળખ બનાવી

ree

 
 

“બેટા, આ ફિલ્ડ તારા માટે નથી.” આજથી 22 વર્ષ પહેલા દિવ્યાંગ કવિતા મોદીએ જ્યારે ટેક્સટાઈલ લૂમના પાર્ટ્સ બનાવવાના ઉદ્યોગમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો ત્યારે તેમને સૌથી પહેલા તેમના માતા-પિતાએ જ ચેતવ્યા હતા. ટેક્સટાઈલ લૂમના વિવિધ પાર્ટ્સ બનાવવાનો ઉદ્યોગ મહદંશે પુરુષ પ્રધાન જ રહ્યો છે. તેમાં કોઈ દિવ્યાંગ મહિલા માટે કારકિર્દી બનાવવી એ આજથી અઢી દાયકા પહેલા લગભગ અશક્ય વાત જ હતી. જો કે દૃઢ મનોબળના જોરે તેમણે આજે આ ક્ષેત્રે ઝળહળતી સફળતા મેળવી છે. પ્લાસ્ટિક બોબિન, સિમ્પલેક્સ બોબિન, ટીએફઓ બોબિન, રિંગ બફર બોબિન, જેવા ટેક્સટાઈલ મશીનરી સ્પેર પાર્ટ્સમાં તેમની બ્રાન્ડ ‘રવિ 555’ ટોચની બ્રાન્ડ ગણાય છે. આટલું જ નહિ, તેમની કંપની ‘કવિતા પ્લાસ્ટિક્સ’ આખા ભારત ઉપરાંત બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, કેન્યા જેવા દેશોમાં પાર્ટ્સની નિકાસ પણ કરે છે.

 

કવિતા બહેન ફક્ત બે વર્ષના હતા ત્યારે પોલિયોને કારણે તેમને બંને પગ ગુમાવવાનો વારો આવ્યો. જો કે કુદરતે આપેલો આ પડકાર તેમના મજબૂત ઈરાદાને ડગમગાવી ન શક્યો. તેઓ બાળપણની યાદો વાગોળતા કહે છે, “મારી મમ્મી શારદાબેન હેન્ડ હેલ્ડ મશીનથી નાના પાયે ઘરવપરાશની પ્લાસ્ટિકની વસ્તુઓ જેવી કે નાળચા, ગરણી વગેરે બનાવતા. તેને જોઈને મને પણ મારો પોતાનો બિઝનેસ ઊભો કરવાની પ્રેરણા મળી. મને યાદ છે કે હું નાની હતી અને મને કોઈ પૂછે કે તુ મોટી થઈને શું બનીશ? તો હું જવાબ આપતી- ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ. ત્યારે મને કદાચ આ શબ્દનો અર્થ પણ નહતો ખબર પરંતુ મારો પોતાનો બિઝનેસ ઊભો કરવાની ખ્વાહિશ નાનપણથી મારામાં છૂપાયેલી હતી.” તેમના પિતા સોમાભાઈ મોદી BSNLમાં નોકરી કરતા હતા. કૉલેજ પૂર્ણ કર્યા પછી કવિતા બહેને જ્યારે ટેક્સટાઈલ મશીનરીના સ્પેર પાર્ટ્સ બનાવવાના બિઝનેસમાં ઝંપલાવવાની વાત કરી તો પહેલા પિતાને આ વાત ગળે જ ન ઉતરી. જો કે કવિતા બહેનની ધગશ જોઈને તેમણે તેમને બધી જ રીતે બિઝનેસ ઊભો કરવામાં મદદ કરી. કવિતા બહેન પોતાના પિતાને સૌથી વિશેષ પ્રેરણાસ્રોત માને છે.

 
ree

આ પુરુષ પ્રધાન ઈન્ડસ્ટ્રીમાં કારકિર્દી બનાવવી કવિતા બહેન માટે લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ કામ હતું. શરૂઆતના વર્ષોનો અનુભવ જણાવતા તેઓ કહે છે, “શરૂઆતમાં હું પ્રોડક્ટના વેચાણ માટે કોઈને મળવા જતી તો મારી પરિસ્થિતિ જોઈને બધા એક જ જવાબ આપતા હતા કે આ ફિલ્ડ સ્ત્રીઓ માટે નથી.” બિઝનેસમાં ઝંપલાવતી વખતે ટેક્સટાઈલ મશીનરી મેનુફેક્ચરિંગનો એકડો પણ ન જાણતા કવિતા મોદીએ ટૂંક જ સમયમાં ખંત અને ધગશથી બિઝનેસના બધા જ પાસા પર પકડ જમાવી લીધી. તેઓ કહે છે, “મારા મમ્મી હેન્ડ હેલ્ડ મશીનમાં ચીજો બનાવતા હતા. આજે મારી ફેક્ટરીમાં તમામ મશીન ઓટોમેટિક છે. આ બધા મશીન હું જાતે ઓપરેટ કરી શકું છું. કઈ પ્રોડક્ટમાં કયું મટિરિયલ વપરાય તે પણ મેં જાતે જ અભ્યાસ કરીને શીખી લીધું છે.” તેમના ઉત્પાદનોની શ્રેષ્ઠ ગુણવત્તાને કારણે તેની માંગ આખા ભારતભરમાં અને વિદેશમાં પણ છે. હવે તેમનું ધ્યેય અમેરિકાના માર્કેટમાં પોતાની પ્રોડક્ટ પહોંચાડવાનું છે. 1984માં કવિતા બહેનના માતાએ બાપુનગરમાં નાના પાયે ફેક્ટરી શરૂ કરી હતી તેને આજે કવિતા બહેન નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે. આજે ઓટોમેટિક મશીનરીથી તેમને ત્યાં ઉત્તમ ગુણવત્તાના ટેક્સટાઈલ મશીનરી સ્પેર પાર્ટ્સનું ઉત્પાદન થાય છે. બાપુનગર સ્થિત તેમની નવી ફેક્ટરીમાં 15થી 20 માણસો કામ કરે છે. તેમાંય કવિતા બહેન દિવ્યાંગ કારીગરોને અને સ્ત્રી સશક્તિકરણ માટે મહિલાઓને નોકરીની તક પહેલા આપે છે.

 
ree

પુરુષ પ્રધાન ક્ષેત્રે સફળતા મેળવીને દાખલો બેસાડનાર કવિતા મોદી સ્ત્રીઓને એક જ સંદેશ આપવા માંગે છે, “કોઈ પણ ક્ષેત્ર પુરુષ પ્રધાન છે એવું ન માની લેશો. દાખલા તરીકે, મહિલાઓ કેમ ડ્રાઈવર ન બની શકે? મહિલાઓ દરેક ક્ષેત્રે પુરુષ સાથે ખભેથી ખભા મેળવવા સક્ષમ છે. આથી આજુ બાજુ તમને વેપાર-ધંધાની જે તકો મળે તે ઝડપી લો.” આ સાથે તેઓ દિવ્યાંગ બાળકોના માતા-પિતાને પણ એક સલાહ આપવા માંગે છે. તેઓ જણાવે છે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હેન્ડિકેપ બાળકોને દિવ્યાંગ નામ આપ્યું છે. દિવ્યાંગ એટલે જેમનામાં અલગ શક્તિ છે તે. માતા-પિતાએ પોતાના દિવ્યાંગ બાળકોમાં છૂપાયેલી શક્તિને ઓળખવી જોઈએ અને તેને બહાર લાવવાનો પૂરતો પ્રયત્ન કરવો જોઈએ. માણસ જો ઈચ્છે તો કશું જ અશક્ય નથી.” જીવન પ્રત્યે સકારાત્મક અભિગમ અને સફળતા માટે દૃઢ નિર્ધાર ધરાવતા કવિતા મોદી અનેક મહિલાઓ માટે પ્રેરણાનો સ્રોત બની રહે તેમ છે.

Read Previous

વાઈબ્રન્ટ ઉદ્યોગને આપેલા એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલે કોરોનાની રસી ZyCo

Read Next

ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ: ઓછાપાણીએ ઊગતા બાસમતીની જાત વિકસાવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular