હવે મકાન-બંગલાના ટેરેસ પર ‘ઉડતી ટેક્સી’ પેસેન્જરને લેવા આવશે, ભાડું એટલું ઓછું કે નવાઈ લાગશે
નિવૃત્ત ક્રિકેટર યુવરાજ સિંહ પણ આ પ્રોજેક્ટમાં જોડાય તેવી સંભાવના, 2023ની શરૂઆતમાં જ એરક્રાફ્ટ બનવાની કામગીરી શરૂ થઈ જશે
મોટી મોટી કંપનીઓએ સાથે મળીને પ્રોજેક્ટમાં ઝંપલાવવાની કરેલી તૈયારી

રોડ પરના ટ્રાફિકથી તો બધા જ ત્રાહિમામ પોકારી ગયા છે. આવામાં કોઈ એવું કહે કે તમારા બિલ્ડિંગના ટેરેસ પરથી હેલિકોપ્ટર તમને ઑફિસ લઈ જશે અને એ પણ ઉબર કરતા ફક્ત બે ગણા વધારે ભાડામાં, તો કેવી મજા પડી જાય? જી હા, આ ટાઢા પહોરના ગપ્પા નથી. eVTOL (ઈલેક્ટ્રિક વર્ટિકલ ટેક ઑફ એન્ડ લેન્ડિંગ) પ્રોજેક્ટ હવે વાસ્તવિકતામાં પરિવર્તિત થઈ રહ્યો છે.
ભારત સહિત વિશ્વના દેશોમાં ભવિષ્યમાં આવનારી આ પેસેન્જર ટ્રાન્સપોર્ટની સિસ્ટમ છે. eVTOL પ્રોજેક્ટ છે ઇલેક્ટ્રિક એરક્રાફ્ટનો. ઉબર, એરબસ, બોઇંગ, હોન્ડા અને અમેરિકન એરલાઈન્સના પ્રમોટર્સનું માનવું છે કે શહેરી વિસ્તારમાં ભવિષ્યમાં ઘરેથી ઓફિસ જવા અને ઓફિસેથી ઘરે પરત ફરવા માટે પેસેન્જર પરિવહન માટે ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ એક ઉમદા માધ્યમ બની રહેવાની સંભાવના છે. ઇલેક્ટ્રિક એરક્રાફ્ટમાં વધુમાં વધુ છ પેસેન્જરની લઈ જઈ શકાય છે. ઉપરાંત તેમાં એક પાઈલોટ બેસી શકે છે.
જેટસેટ ગો નામની ચાર્ટર જેટની સેવા પૂરી પાડતી અમેરિકન કંપની ઇલેક્ટ્રિક એરક્રાફ્ટથી પેસેન્જરને લાવવા અને લઈ જવા માટેના આ પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે 200 મિલિયન અમેરિકી ડૉલર એટલે કે 20 કરોડ અમેરિકી ડૉલરનું રોકાણ કરવાની તૈયારીમાં છે. IIT મદ્રાસની મદદથી આગળ વધી રહેલી સ્ટાર્ટઅપ ઈ-પ્લેન કંપનીએ ઇલેક્ટ્રિક એરક્રાફ્ટની પ્રતિકૃતિનું ગયા પખવાડિયે દુબઈમાં ટેસ્ટિંગ પણ કર્યું હતું. વિશ્વ આખાની વાત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય સ્તરના 10 સ્ટાર્ટ અપે ઇલેક્ટ્રિક એરક્રાફ્ટના પ્રોજેક્ટને સાકાર કરવા માટે 1000 કરોડ અમેરિકી ડૉલરનું ભંડોળ પણ એકઠું કરી લીધું છે. તેનો ઉપયોગ ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ વિકસાવવા માટે કરવામાં આવશે. આ ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ શહેરી વિસ્તારમાં વસતા મોટા ઉદ્યોગપતિઓ કે પછી કંપની માલિકોની અવરજવરમાં જતાં વધારે પડતાં સમયની સમસ્યાનો સારો ઉકેલ બની શકે છે. તેથી જ હોફમેન, પેજ, પિનકસ અને એરબસ સહિતની કંપનીઓએ ભંડોળ એકત્રિત કરી લીધું છે.
કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ગત પખવાડિયે અમેરિકા અને કેનેડાની મુલાકાતે જઈને પરત ફર્યા પછી eVTOL પ્રોજેક્ટનો ભારતમાં પણ આરંભ કરવો જોઈએ તેવી મજબૂત રજૂઆત કરી હતી. અમેરિકા સ્થિત સ્ટાર્ટઅપ બેટા ટેકનોલોજીને ભારતમાં eVTOL પ્રોજેક્ટ લોન્ચ કરે તો તેને કેટલી સફળતા મળે તેવી છે તેનો અભ્યાસ ચાલુ કરવાની સૂચના આપી છે. eVTOL પ્રોજેક્ટ હેઠળ ચાલનારા ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ પેસેન્જરને તેના મકાનની ટેરેસ પરથી જ પિકઅપ કરી શકશે. શહેરના કોઈપણ વિસ્તારમાં તે પેસેન્જરને લઈ જઈ શકશે. ઇલેક્ટ્રિક પ્લેન આકાશમાં અડધાથી માંડીને બે કિલોમીટરની ઊંચાઈએ ઊડી શકે છે. તેમ જ કલાકના 200 કિલોમીટરની ઝડપી પ્રવાસ કરી શકશે.
તેનું ભાડું કેટલું?
ઇલેક્ટ્રિક એરક્રાફ્ટને એકવાર ચાર્જ કર્યા પછી 15થી 20 ટ્રીપ મારી શકે છે. 200 કિલોમીટર સુધી ઉડી શકે છે. ઇલેક્ટ્રિક પ્લેન માટેનું મશીન બનાવવાનો ખર્ચ અંદાજે બેથી પાંચ લાખ ડૉલર આવે છે. eVTOLને કારણે એર ટેક્સીના ભવિષ્ય પર પૂર્ણવિરામ મૂકાઈ જશે. કારણ કે આ સુવિધા એર ટેક્સી કરતા અનેક ગણી સસ્તી છે. તેના એક વારના પ્રવાસનો ખર્ચ ઉબર ટેક્સીના ભાડાંથી બમણો જ આવી શકે છે. આમ એરટેક્સીના ભાડાં કરતાં દસ ગણા ઓછા ભાડાંમાં તે કામ આપી શકે છે, એમ જેટસેટ ગોના સ્થાપક કનિકા ટેકરીવાલનું કહેવું છે.
જેટસેટગો કંપનીમાં રોકાણ કરનારાઓમાં એક પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહનું નામ પણ બોલાઈ રહ્યું છે. આ યોજના અત્યારે પ્લાનિંગના તબક્કામાં છે. eVTOL પ્રોજેક્ટ વાસ્તવમાં અમલમાં મૂકાઈ જશે તો રસ્તાઓ પર વાહનો દોડતા જોવા મળે છે તે જ રીતે ભારતના આકાશમાં ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ ઊડતા થઈ જશે. તેમાંય ભારે ટ્રાફિકના કલાકોમાં તેની ડિમાન્ડ ખાસ્સી ઊભી થવાની શક્યતા છે. કારણ કે ઇલેક્ટ્રિક એકક્રાફ્ટ ઊડાડવા માટેનો કિલોમીટર દીઠ ચાર્જ ઇલેક્ટ્રિક મોટરના ચાર્જિંગ જેટલો જ કે તેનાથી થોડો વધારે આવી શકે છે.
તેથી જ આ વાસ્તવિકતા બની શકે છે. એમ્બ્રેએર ઇવ એર મોબિલિટીએ 17 કંપનીને 500 કરોડ ડૉલરના ખર્ચે 1700 ઇલેક્ટ્રિક એરક્રાફ્ટનો ઓર્ડર આપી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. જૂન 2021માં વર્ટિકલ એરોસ્પેસે તેમને આ ઇલેક્ટ્રિક એરક્રાફ્ટનો ઓર્ડર મળી રહ્યો હોવાનો અણસાર પણ આપ્યો હતો. તેણે અમેરિકન એરલાઈન્સ, વર્જિન એટલાન્ટિક, એરક્રાફ્ટ લેસર, એવલોન હોલ્ડિંગ્સ તરફથી 1000 ઇલેક્ટ્રિક એરક્રાફ્ટનો ઓર્ડર મળવાની વાત કરી હતી. ચેન્નઈ સ્થિત ઈપ્લેન કંપનીએ તાજેતરમાં જ આ માટે ઇન્વેસ્ટર્સના એક કોન્સોર્ટિયમ મારફતે 50 લાખ ડૉલરનું ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું હોવાનું જાહેરાત કરી છે.

ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ બંગલાની છત પર કેવી રીતે લેન્ડ કરશે?
ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ ડ્રોનની જેમ જ કામ કરે છે. તે સીધી લાઈનમાં આકાશમાં ઉપર જઈને હાઈટ પકડી શકે છે. હેલિકોપ્ટર પણ આ જ રીતે ઉપર જાય છે. જમીનથી 500 મીટર જેટલી ઊંચાઈએ જઈને તે તેનો પ્રવાસ ચાલુ કરે છે. તેથી બંગલા કે મકાનની છત પરથી પેસેન્જરને પિક અપ કરી શકશે. તેને લેન્ડિંગ અને ટેક ઓફ માટે કોઈ જ વધારાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડશે નહિ. 2023ના આરંભમાં તેઓ આ જ પદ્ધતિએ કાર્ગોપ્લેન તૈયાર કરશે. ફેબ્રુઆરી 2023 સુધીમાં ઇલેક્ટ્રિક કાર્ગો કેરિયર ઓપરેશનમાં આવી જશે. પેસેન્જરને લઈ જતાં ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ ભારતમાં 2024 સુધીમાં ઉડતા થઈ જવાની ધારણા છે. પરંપરાગત હેલિકોપ્ટરના એન્જિન ઇન્ટર્નલ કમ્બશન એન્જિન અને મિકેનિકલ ટ્રાન્સમિશન પર મદાર બાંધે છે. eVTOLમાં ઘણી બધી સંખ્યામાં નાના નાના પ્રોપલ્ઝન હોય છે. આ પ્રોપલ્ઝન ઇલેક્ટ્રિક મોટરથી ચાલે છે. પ્રોપલ્ઝન યુનિટને વિમાનના કોઈપણ હિસ્સામાં બેસાડી શકાય છે. તેને ડિસ્ટ્રીબ્યુટેડ ઇલેક્ટ્રિક પ્રોપલ્ઝન તરીકે ઓળખાવવામાં આવે છે. તેની ઉર્જા-પાવર વાયરની મદદથી એન્જિન સુધી પહોચે છે. ઇલેક્ટ્રિક એરક્રાફ્ટની ડિઝાઈનમાં તેને કારણે ઘણી વધારે વરાયટી પણ આવી શકે છે. ભારત સરકાર આ પ્રોજેક્ટમાં વધુ રસ લેશે તો શહેરી વિસ્તારના ટ્રાન્સપોર્ટેશન માટે ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ ગેમચેન્જર બની રહેશે.