હવે SILVER ETFમાં રોકાણ કરાય ખરુ ?
ચાંદીના ભાવમાં અફરાતફરી મોટી છે, એક જ વર્ષમાં -40 ટકાથી માંડીને +110 ટકા સુધીનો ચઢાવ-ઉતાર

સોના પછી હવે ચાંદીના ETF-એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ચાલુ થઈ ગયા છે. જાન્યુઆરીના પહેલા પખવાડિયામાં જ ચારેક સિલ્વર ETF લોન્ચ થયા છે. તેમાં તમારે ફિઝિકલ-નક્કર ચાંદી ખરીદવાની નથી. ચાંદીના બજાર ભાવ પ્રમાણે તેમાં તમારા નાણાંનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. આમ તો ચાંદીના ETFની મંજૂરી નવેમ્બર 2021 પછી જ આપવાની શરૂ કરવામાં આ છે. હવે સવાલ એ થાય છે કે ચાંદીના ETFમાં રોકાણ કરાય કે નહિ. બજારના નિષ્ણાંતો વાસ્તવિકતા તરફ ધ્યાન દોરે છે. નવથી દસ વર્ષ પહેલા ચાંદીના ટ્રોય ઔંસદીઠ ભાવ 30 ડૉલર હતા, આજે દસ વર્ષ બાદ તેનો ભાવ ટ્રોય ઔંસ દીઠ 23 ડૉલર છે. હા, 2012માં રૂપિયાનો ડૉલર સામેનો ભાવ અને આજનો ડૉલર સામનો ભાવ અલગ છે. ચાંદીમાં કરેલા રોકાણનો વાર્ષિક સર્વગ્રાહી વિકાસ દર-CAGR 1.6 ટકા તેની સામે ફુગાવાનો દર 6 ટકા છે. ICICI પ્રુડેન્શિયલ AMC તો જે વ્યક્તિઓ પાસે ડિમેટ એકાઉન્ટ ન હોય તેમને પણ સિલ્વર ETFમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની તક આપવા માગે છે. સોનાના એટલે કે ગોલ્ડ ETF તો 2007થી જ લોન્ચ કરવામાં આવ્યા છે. ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરનારાઓને ફુગાવા સામે રક્ષણ મળતું હોવાથી તેમાં રોકાણ કરવામાં આવતું હતું. બીજું, શેરબજારમાં કડાકો બોલી જાય ત્યારે સોનામાં કરેલું રોકાણ સારું વળતર અપાવતું હતું. તેથી અન્ય રોકાણોમાં થતાં નુકસાન સરભર કરવામાં પણ સોનાનું રોકાણ મદદરૂપ બનતું હતું. તેથી ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં વિવિધતા લાવનારું પરિબળ પણ તે બનતું હતું.
2010માં ફિઝિકલ સોનામાં રોકાણ કરનારને 2020ના અંત સુધીમાં સરેરાશ 27 ટકા વળતર મળ્યું છે. તેની સામે ચાંદીમાં દસ વર્ષમાં સરરાશ વળતર કાઢવામાં આવે તો માઈનસ દસ ટકા થાય છે. આમ ચાંદીમાં રોકાણ કરનારાઓને નુકસાન થયું છે. છેલ્લા એક વર્ષમાં જ ચાંદીમાં કરેલા રોકાણ પર 110 ટકાનો ગેઈન થયો હોવાનું અને 35 ટકા સુધીનું નુકસાન થયું હોવાનું જોવા મળે છે. તેથી આટલી મોટી અફરાતફરીવાળા બજારમાં રોકાણ કરવું જોખમી વધુ છે. સાત વર્ષના ગાળા માટેના રોકાણની વાત કરવામાં આવે તો જાન્યુઆરી માર્ચ 2020ના ગાળામાં નિફ્ટીમાં 38 ટકાનું ગાબડું પડ્યું ત્યારે સોનામાં 6 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. આમ અનિશ્ચિતતાના ગાળામાં સોનાનો ભાવ સુધરે છે. 2008-09ની આર્થિક કટોકટીમાં પણ સોનાનું પરફોર્મન્સ સારુ રહ્યું હતું. પરંતું જાન્યુઆરી-માર્ચ 2020ના ગાળામાં ચાદીના ભાવમાં 24 ટકાનું ગાબડું પડ્યું હતું. હા, ઔદ્યોગિક વિકાસ સારો હોય તેવા સમયમાં ચાંદીની ડિમાન્ડ વધતા તેના ભાવમાં સુધારો જોવા મળી શકે છે. સમગ્રતયા વિચાર કરવામાં આવે તો સિલ્વર ETFમાં રોકાણ કરવું એટલું લાભદાયી સાબિત ન થાય તેવી સંભાવના છે.

હા, ઇલેક્ટ્રોનિક સહિતના ઉદ્યોગોમાં ચાંદીનો વપરાશ ખાસ્સો છે. તેથી ચાંદીનો વપરાશ વધી જાય તો તેના ભાવમાં વધારો થવાની સંભાવના રહેલી છે. ભારતમાં ચાંદીની વરસે દહાડે થતી કુલ ખપતમાંથી 50 ટકા ખપત ઉદ્યોગોમાં થાય છે. તેથી ઉદ્યોગોમાં તેજી હોય ત્યારે ચાંદીનું પરફોર્મન્સ સારુ રહ્યું હોવાનું જોવા મળી શકે છે. અન્યથા ચાંદીમાં કરેલું રોકાણ લાભદાયી સાબિત થતું નથી. તેથી જ તમારા ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં ચાંદીમાં કરેલું રોકાણ 3થી 5 ટકાથી વધારો ન જ હોવું જોઈએ.
ચાંદીમાં કરવામાં આવેલું રોકાણ ઇન્વેસ્ટમેન્ટ કર્યાના ત્રણ વર્ષની અંદર જ પાછું ખેંચી લેવામાં આવશે તો કરદાતાના ટેક્સના સ્લેબ પ્રમાણે તેની આવક પર આવકવેરો લાગશે. તેમાં કરેલું રોકાણ ત્રણ વર્ષ પછી પાછં ખેંચવામાં આવે તો તેના પર 20 ટકાના દરે LTCG-લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગે છે. તેના પર ઇન્ડેક્શેસનનો પણ લાભ મળશે. બીજા શબ્દોમાં કહીએ તો ફુગાવાના દર પ્રમાણેના વધારાને બાદ કર્યા પછી તમારો નફો ગણીને તેના પર ટેક્સ લેવામાં આવશે.
ચાંદીનો દાગીના માટેનો વપરાશ માત્ર 17.8 ટકા જ છે. તેની સામે ચાંદીના વાસણો બનાવવા માટે માત્ર 4.2 ટકા વપરાશ થાય છે. જોકે ચાંદીની લગડીઓ લઈને રોકાણ કરવામાં 24.5 ટકા ચાંદીનો ઉપયોગ થાય છે. 50 ટકાથી વધુ ચાંદી ઔદ્યોગિક વપરાશમાં જ જાય છે. ચાંદી લઈને લૉકરમાં રાખી મૂકો તો પણ તમારે ઊંચો ખર્ચ કરવો પડશે. કારણ કે લોકરના ભાડા હવે બહુ જ ઊંચા થઈ ગયા છે.