• 9 October, 2025 - 3:24 AM

હાઈ ટેન્શન પાવર કનેક્શન લેવા માટે થતો લાખો રૂપિયાનો ખર્ચ વધારી રહ્યો છે ઈન્ડસ્ટ્રીઝનું ટેન્શન

ree

 
મધ્યપ્રદેશમાં 150 કિલો વોટ સુધીના પાવરને લો ટેન્શનમાં ગણવામાં આવે છે તો પછી ગુજરાતમાં આ લિમિટ 100 કિલો વોટ જેટલી કેમ?
લો ટેન્શનમાંથી હાઈ ટેન્શન પાવર કનેક્શન લેવા માટે ઉદ્યોગોએ લાખો રૂપિયા ખર્ચવા પડી રહ્યા છે
જો ગુજરાતમાં લો ટેન્શન પાવરની મર્યાદા વધારીને 150 કિલો વોટ સુધીની કરી દેવામાં આવે તો 80 ટકા ઉદ્યોગોની સમસ્યા ઉકલી જાય

વેપાર-ધંધાની ભૂમિ ગણાતું ગુજરાત આખા દેશમાં ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસ માટે પ્રચલિત છે. ગુજરાત સરકાર હંમેશાથી પ્રો-બિઝનેસ રહી છે અને એટલે જ આ રાજ્યમાં વેપાર-ધંધા ફૂલ્યા ફાલ્યા છે. આટલું જ નહિ, વિદેશી ઈન્વેસ્ટર્સ પણ ગુજરાતમાં પોતાનો બિઝનેસ પ્લાન્ટ નાંખવા માટે તત્પર જોવા મળે છે. ગુજરાતમાં ઠેર ઠેર ઈન્ડસ્ટ્રીના વિકાસ માટે SEZ વિકસી રહ્યા છે. આટલું કરવા છતાંય ગુજરાત સરકારના ધ્યાનમાંથી ઉદ્યોગોના વિકાસ માટે જરૂરી એક ખૂબ મહત્વનો મુદ્દો સરકી ગયો છે અને એ છે ઉદ્યોગોની વીજળીની જરૂરિયાત. આજે મોટા ભાગના ઉદ્યોગો માટે વીજળી એ ફ્યુઅલનું કામ કરી રહી છે. એક સમયે કોલસા પર નભતા ઉદ્યોગો હવે ઈલેક્ટ્રિસિટી પર ચાલે છે. આવામાં છેલ્લા દોઢેક દાયકામાં ઉદ્યોગોના વીજ વપરાશમાં ધરખમ વધારો થયો છે. સમય સાથે મોટા ભાગની ઔદ્યોગિક પ્રક્રિયાઓ ઓટોમેશનની દિશામાં આગળ વધી રહી છે જેને કારણે પણ વીજળીનો વપરાશ વધ્યો છે. આ સંજોગોમાં ગુજરાત સરકારે તથા સરકારની ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ (ડિસ્કોમ)એ લો ટેન્શન પાવર અને હાઈ ટેન્શન પાવરની પોલિસીમાં ફેરફાર કરવાની દિશામાં દૂરંદેશી રાખી કોઈ ફેરફાર કર્યા નથી જેને કારણે ઉદ્યોગોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. અમદાવાદ એન્જિનિયરિંગ મેનુફેક્ચરિંગ એસોસિયેશનના પ્રમુખ અશોક પટેલ જણાવે છે, “ગુજરાતમાં હાઈ ટેન્શન પાવરને લગતો કાયદો 35થી 40 વર્ષ જૂનો છે. હવે નવી ટેક્નોલોજીને કારણે ઈન્ડસ્ટ્રીઝની પાવરની જરૂરિયાત વધી છે. આવામાં સરકારે લો ટેન્શન પાવરની લિમિટ વધારીને 125 કે 150 કિલો વોટ કરવી જોઈએ. આમાં 100 કિલો વોટ કરતા વધુ વીજળીનો વપરાશ થાય તો ઉદ્યોગોને હાઈ ટેન્શન પાવર કનેક્શન લેવાની ફરજ પડે છે જેની પાછળ લાખો રૂપિયા ખર્ચ થઈ જાય છે.” ફાઉન્ડ્રી ઈન્ડસ્ટ્રીનું જ ઉદાહરણ લઈ લો. અગાઉ આ ઈન્ડસ્ટ્રી સંપૂર્ણપણે કોલસા પર ચાલતી હતી. હવે આ ઈન્ડસ્ટ્રીમાં ઈલેક્ટ્રિક ઈન્ડક્શન ફર્નેસનું જ ચલણ છે. અમદાવાદ એન્જિનિયરિંગ મેનુફેક્ચરિંગ એસોસિયેશનના ડિરેક્ટર મયૂર જાની જણાવે છે, “કોલસાથી ચાલતી ફર્નેસમાં ટેમ્પરેચરની મર્યાદા 1100° છે જ્યારે ઈન્ડક્શન ફર્નેસમાં આ ટેમ્પરેચર 1500°થી 1800° સુધી જાળવી શકાય છે. આ કારણે કાસ્ટિંગમાં ઈન્ડક્શન ફર્નેસમાં કોલસાની સરખામણીએ રિઝલ્ટ અનેક ગણું સારુ મળે છે. હવે બજારમાં ઉચ્ચ ક્વોલિટીના માલની જ ડિમાન્ડ હોવાથી ઈન્ડક્શનમાં તૈયાર થયેલો માલ જ વેચાય છે. આથી કોલસો સસ્તો પડતો હોવા છતાંય ફાઉન્ડ્રીમાં વેપારીઓ વીજળીથી ચાલતી ઈન્ડક્શન ફર્નેસ જ નંખાવે છે. વળી, કોલસામાં ફક્ત એક જ પ્રકારનું કાસ્ટિંગ કરી શકાય છે જ્યારે ઈન્ડક્શનમાં ગ્રાહકની ડિમાન્ડ પ્રમાણે જુદા જુદા પ્રકારનું કાસ્ટિંગ શક્ય બને છે. ઈન્ડક્શન ફર્નેસનો ઉપયોગ વધતા ફાઉન્ડ્રી ઉદ્યોગમાં વીજળીના વપરાશમાં વધારો જોવા મળ્યો છે.”

 
ree

આ સંજોગોમાં અનેક એકમોનો વીજળીનો વપરાશ 100 કિલો વોટ કરતા વધી જાય છે. જો આવું થાય તો તેમને નોટિસ ફટકારવામાં આવે છે અને હાઈ ટેન્શન પાવર કનેક્શન લેવાની ફરજ પાડવામાં આવે છે. હાઈ ટેન્શન પાવર કનેક્શન લેવા માટે જો સરકારી વીજ કંપનીનું જોડાણ હોય તો રૂ. 15 લાખ સુધી ખર્ચ કરવો પડે છે. ઉદ્યોગોના વીજ વપરાશમાં વધ ઘટ થયા કરે છે. જે ઉદ્યોગોને સતત 100 કરતા વધુ કિલો વોટ વીજળીની જરૂર નથી તેમના માટે તો આ સ્પષ્ટ રીતે ખોટનો સોદો છે. હાઈ ટેન્શન પાવર કનેક્શન લીધા પછી જો 80 કે 85 કિલો વોટ જ વીજળીનો ઉપયોગ થયો તો તેનો ઉદ્યોગોને કોઈ વિશેષ ફાયદો થતો નથી. તેમને લેપ્સ થઈ ગયેલા યુનિટ્સનો ખર્ચ ભોગવવો પડે છે. વળી, ગુજરાતના ઉદ્યોગોની એ પણ ફરિયાદ છે કે આખા દેશમાં વીજળીના હાઈ ટેન્શન અને લો ટેન્શન કનેક્શનના માપદંડ એક સમાન હોવા જોઈએ. મયૂર જાની જણાવે છે, “ગુજરાતમાં 100 કિલો વોટ સુધી લો ટેન્શન અને તેથી વધુને હાઈ ટેન્શનમાં ગણવામાં આવે છે. મહારાષ્ટ્રમાં 125 કિલો વોટ સુધી લો ટેન્શન અને તેથી વધુને હાઈ ટેન્શન ગણવામાં આવે છે. મધ્ય પ્રદેશમાં 150 કિલો વોટ સુધીને લો ટેન્શન અને તેથી વધુને હાઈ ટેન્શન ગણવામાં આવે છે. દરેક રાજ્યો માટે આવા જુદા જુદા માપદંડ શા માટે?” આ માટે અમે જર્કમાં પત્ર લખીને પણ રજૂઆત કરી છે. જો કે જર્કના એક અધિકારી નામ ન આપવાની શરતે જણાવે છે કે લો ટેન્શન અને હાઈ ટેન્શનમાં કિલો વોટની મર્યાદા નક્કી કરવી એ રાજ્ય અને કેન્દ્ર સરકારનો સંયુક્ત વિષય છે. બિહારમાં તો 40 કિલો વોટથી વધુના વપરાશને હાઈ ટેન્શનમાં ગણવામાં આવે છે. દરેક રાજ્યમાં વીજળીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નેટવર્ક, સપ્લાય વગેરેને ધ્યાનમાં રાખીને આ મર્યાદા નિશ્ચિત કરવામાં આવે છે. આ કારણે આખા દેશમાં લો ટેન્શન અને હાઈ ટેન્શનની લિમિટ એક સમાન રાખવી શક્ય નથી. જર્કના એક અધિકારી નામ ન આપવાની શરતે જણાવે છે, “લો ટેન્શન અને હાઈ ટેન્શનમાં ફરક ફક્ત એટલો જ પડે છે કે હાઈ ટેન્શનમાં ટ્રાન્સફોર્મરના કાયદા કન્ઝ્યુમરને લાગુ પડે છે જ્યારે લો ટેન્શનમાં આ કાયદા ડિસ્ટ્રીબ્યુશન કંપનીને લાગુ પડે છે. હાઈ ટેન્શન પાવર લેવા માટે ઉદ્યોગોની મૂળ સમસ્યા એ છે કે તેમને ટ્રાન્સફોર્મર માટે જગ્યા ફાળવવી પડે છે. હાઈ ટેન્શન પાવર માટે તેમણે 11 કેવીનું કનેક્શન લેવું પડે. તેને ટ્રાન્સફોર્મરથી કન્વર્ટ કરીને મશીનની જરૂરિયાત મુજબ પેનલ મારફતે વોલ્ટેજ પૂરા પાડવા પડે. આ ટ્રાન્સફોર્મર માટે ઉદ્યોગોએ કમસેકમ 10X10ની જગ્યા ફાળવવી પડે. ઉદ્યોગો એવું વિચારે છે કે જો લો ટેન્શનની મર્યાદા વધારી દેવામાં આવે તો ટ્રાન્સફોર્મર મૂકાવવાની જવાબદારી ડિસ્ટ્રીબ્યુશન કંપનીના માથે આવે અને તેમણે આ જફામાં ન પડવું પડે.”

 
ree

સરકાર હાઈ ટેન્શન પાવર કનેક્શનનો આગ્રહ રાખી રહી છે તેનું બીજું એક મોટું કારણ એ પણ છે કે તેમાં વીજળીનો વેડફાટ ઓછો થાય છે. અત્યારે સરકાર એગ્રીકલ્ચરમાં પણ 5-10 કેવીના ટ્રાન્સફોર્મર થકી હાઈ ટેન્શન પાવર સપ્લાયની દિશામાં આગળ વધી રહી છે. જર્કના અધિકારી જણાવે છે, “હાઈ ટેન્શન પાવર કનેક્શન ટેક્નોલોજીની દૃષ્ટિએ વધુ એડવાન્સ છે. તેને કારણે વીજળીનો વેડફાટ એટલે કે પાવર લોસ ઓછો થાય છે. આ બધા માટે ફાયદાકારક છે. આવામાં લો ટેન્શનની મર્યાદા વધારીને ઊંધી દિશામાં જવાય જ નહિ.” હાલ ઉદ્યોગોએ હાઈ ટેન્શન કનેક્શન ન લીધું હોય તો 500થી ઓછા કે.વી. સુધી કે.વી. દીઠ રૂ. 1500 અને તેનાથી વધુ ઉપયોગ હોય તો કે.વી. દીઠ રૂ. 1850 એક્સેસ ચાર્જ ચૂકવવો પડે છે. ગુજરાતમાં 100 કિલો વોટ કરતા વધુ વીજ વપરાશ થતો હોય તો ઉદ્યોગો હાઈ ટેન્શન પાવરનું નવું કનેક્શન લેવું પડે છે. તેમાં તેમનો મીટર નંબર પણ જુદો આપવામાં આવે છે. પરંતુ આ કનેક્શન લેવાની લાગત લાખોમાં છે જે ઘણા ખરા ઉદ્યોગોને પરવડે તેમ નથી. જો કે જર્કના અધિકારીનું કહેવું છે કે આમાંથી મોટા ભાગની ડિપોઝિટ હોય છે જેના પર ઉદ્યોગોને વ્યાજ પણ મળે છે. ડિપોઝિટ ન ભરવી હોય તો ઉદ્યોગો બેન્ક ગેરન્ટી પણ આપી શકે છે. જો કે ઉદ્યોગોનું કહેવું છે કે કોરોના પછી નાના વેપાર-ધંધા ઠપ્પ થઈ ગયા છે અને દેશની ઈકોનોમીની હાલત બિસ્માર છે ત્યારે તેમના માટે હાઈ ટેન્શન પાવર કનેક્શન માટે મોટી રકમની વ્યવસ્થા કરવી મુશ્કેલ થઈ પડી છે. આટલું ઓછું હોય તેમ સરકારે 2015-16, 2016-17, 2017-18 માટે ઉદ્યોગોને 100 કિલો વોટ કરતા વધુ વીજળીનો વપરાશ કર્યો હોય તો ઉપરના કિલો વોટના રૂપિયા ચૂકવવા માટે નોટિસો ફટકારી છે જેને કારણે નાના ઉદ્યોગો કપરી પરિસ્થિતિમાં મૂકાઈ ગયા છે. પરિસ્થિતિ પર પ્રકાશ પાડતા મયૂર જાની જણાવે છે, “સરકારે અગાઉ ઉદ્યોગોને 100 કિલો વોટ કરતા 5-10 ટકા વધારે કે ઓછો પાવરનો વપરાશ થાય તો તેના માટે કોઈ સ્પેશિયલ ચાર્જ ન લેવાની છૂટ આપી હતી. હવે સરકારે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર 100 કિલો વોટ કરતા વધુ વીજ વપરાશ નહિ થાય તેવી લેખિત ખાતરી માંગી છે અને 2015થી 18 વચ્ચે જે વધારે M.D.-મેક્સિમમ ડીમાન્ડ વપરાઈ તેના માટે રૂપિયા માંગ્યા છે. હાલ મોટા ભાગના ઉદ્યોગ ધંધા ઠપ્પ છે તેવામાં વેપારીઓ આ વધારાના રૂપિયા કેવી રીતે ભરે?” જો કે જર્કના અધિકારીનું કહેવું એમ જ છે કે ઉદ્યોગો વધુ વીજ વપરાશ કરે તો તેનો સિસ્ટમ પર લોડ આવતો હોવાથી તેમને વધુ રકમ ચૂકવવા જણાવવામાં આવી રહ્યું છે. ટોરેન્ટ પાવર લિમિટેડના કી એકાઉન્ટ હેડ જગદીશ હીરપરા આ અંગે પ્રકાશ પાડતા જણાવે છે, “ઈન્ડસ્ટ્રીઝને એક વર્ષમાં ચાર વાર 5 ટકા જેટલું વધારે કન્ઝમ્પશન કરવાની છૂટ મળે છે. જો તેનાથી વધુ વપરાશ થાય તો વીજ કંપની ગ્રાહકને ઈન્ટિમેટ કરે છે અને કાં તો લોડ વધારવા અથવા તો પોતાનો વપરાશ ઓછો કરવાની સૂચના આપે છે. સળંગ ચાર મહિના ઈન્ડસ્ટ્રીનો વીજ વપરાશ વધારે રહે તો પાવર કંપની દ્વારા ગ્રાહકને વહેલું ઈન્ટિમેશન આપવામાં આવે છે. જો લો ટેન્શન કનેક્શનમાં લિમિટ કરતા વધારે વીજ વપરાશ કરવામાં આવે તો ગ્રાહકને જ અનઈન્ટરપ્ટેડ પાવર સપ્લાય મેળવવામાં મુશ્કેલી પડે છે. તેનાથી ફ્યુઝ બળી જવાની કે આગ લાગવાની શક્યતા રહે છે. લો ટેન્શનમાં વધુ વીજ વપરાશ થાય તો વીજ કંપનીના ટ્રાન્સફોર્મર પર પણ લોડ આવી શકે છે જેને કારણે બીજા ગ્રાહકોને પણ તકલીફ પડી શકે છે. ગ્રાહકોને ક્વોલિટી પાવર સપ્લાય આપવાના ભાગરૂપે જ વીજ કંપનીઓ દ્વારા ગ્રાહકોને પોતાનો વીજ વપરાશ નિયંત્રિત કરવા અથવા તો વધુ લોડ લેવા જણાવાય છે.”

 
ree

હાઈ ટેન્શન કનેક્શનનો મુદ્દો વિચારણા હેઠળ છેઃ એમ આર ઝાલા જર્ક (GERC)ના જોઈન્ટ ડિરેક્ટર (ટેક્નિકલ) એમ.આર ઝાલાએ આ અંગે વાત કરતા જણાવ્યું કે આ મુદ્દો હાલ વિચારણા હેઠળ છે. તેમણે કહ્યું, “આ ટેક્નિકલ બાબત છે, કોઈ પોલિસી મેટર નથી. કેબલ મારફતે આપવામાં આવતા ઈલેક્ટ્રિક પાવરમાં ટ્રાન્સફોર્મરની કેપેસિટી, નેટવર્કનો ખર્ચ, કેપેસિટી વગેરે અનેક બાબતો ધ્યાનમાં લેવી પડે છે. આ આકારણીનું કામ એક ટેક્નિકલ કમિટીને સોંપવામાં આવ્યું છે. આ કમિટીમાં ડિસ્કોમના પ્રતિનિધિઓ અને ટ્રાન્સમિશન કંપનીઓના પ્રતિનિધિઓ છે. તેઓ ચર્ચા વિચારણા કરીને અભિપ્રાય આપશે કે લો ટેન્શન પાવરની લિમિટ વધારવી જોઈએ કે નહિ. તેના આધારે જર્ક નિર્ણય લેશે.” લો ટેન્શનની લિમિટ વધારવામાં આવશે તો તેનો ખર્ચ ડિસ્કોમના માથે આવશે અને જો ઉદ્યોગો હાઈ ટેન્શન કનેક્શન લેશે તો તેનો ખર્ચ ઉદ્યોગોએ લેવો પડશે. આથી તમામ પાસાઓ ચકાસીને લો ટેન્શનની મર્યાદા વધારવી કે નહિ તે અંગેનો નિર્ણય કરવામાં આવશે. હાઈ ટેન્શન પાવર કનેક્શન કોના માટે લાભકારક છે? જે ગ્રાહકોને પ્લાન્ટમાં 24 કલાક વીજળીની જરૂરિયાત રહેતી હોય, અથવા તો જેમણે ભવિષ્યમાં બિઝનેસ એક્સપાન્ડ કરવાનો હોય તેમના માટે હાઈ ટેન્શન પાવર કનેક્શન ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી તેમને કોઈ પણ ખલેલ વિના સતત પાવર સપ્લાય મળતો રહે છે અને તે સપ્લાયની ફિકર કર્યા વિના ક્વોલિટી પ્રોડક્શન પર ફોકસ કરી શકે છે. વળી, યુનિટ દીઠ પ્રાઈસ જોઈએ તો એચ.ટી કનેક્શનના ચાર્જીસ એલ.ટી કરતા ઓછા છે અને વીજળીની ગુણવત્તા વધુ સારી છે. 24 કલાક વીજળીની જરૂરિયાત હોય તેમને પાવર સેક્ટરનું રિબેટ મળે છે અને નાઈટ ટેરિફ ટ્રાન્ઝેક્શન ચાર્જીસમાં 30 પૈસા પ્રતિ યુનિટનો લાભ મળે છે. જો તમને લાગે કે નજીકના ભવિષ્યમાં તમારી વીજળીની ડિમાન્ડ વધવાની જ છે તો તમારે સીધું હાઈ ટેન્શન કનેક્શન જ લેવું જોઈએ. તેનાથી લો ટેન્શનમાંથી હાઈ ટેન્શનમાં કન્વર્ટ કરવાનો ખર્ચ બચી જાય છે. હાઈ ટેન્શન પાવર કનેક્શન લેવા માટે શું કરવું પડે? સૌ પહેલા વીજ કંપનીમાં એપ્લિકેશન કે રિક્વિઝિશન ફોર્મ ભરવું પડે છે. આ સાથે જ ગ્રાહકે રજિસ્ટ્રેશન ચાર્જ ભરવાનો રહે છે જે રૂ. 10 પ્રતિ કે.વી જેટલો છે. એપ્લિકેશન રજિસ્ટર થાય એટલે વીજ કંપનીના પ્રતિનિધિ ફિલ્ડ વિઝિટ કરે છે અને પરિસ્થિતિનો ક્યાસ કાઢે છે. કેટલું કામ કરવું પડશે તેના આધારે તે ગ્રાહકને ક્વોટેશન આપે છે. ક્વોટેશનમાં સિક્યોરિટી ડિપોઝિટનો પણ સમાવેશ થાય છે. જો ગ્રાહકને લાગે કે તેની જરૂરિયા 100 કે.વી કરતા ઓછી જ રહે છે તો તે આ કનેક્શન સરેન્ડર કરાવી શકે છે. આ માટે તેમણે વીજ કંપનીને રિક્વેસ્ટ લેટર લખવાનો રહે છે. કનેક્શન સરેન્ડર થાય ત્યારે ગ્રાહકને તેની સિક્યોરિટી ડિપોઝિટ પરત મળી જાય છે. એ વાત ચોક્કસ ધ્યાનમાં લેવી જોઈએ કે વીજ કંપની મીટરિંગ સુધીનું જ ક્વોટેશન આપે છે. ત્યાર બાદ 11 કે.વીનું ટ્રાન્સફોર્મર લાવવાનો તેને જરૂર મુજબના વોલ્ટેજમાં કન્વર્ટ કરવાની પેનલ બેસાડવાનો ખર્ચ ગ્રાહકે પોતે કરવો પડે છે. આ ઉપરાંત તેમણે રેગ્યુલેટરી કોમ્પલાયન્સના ભાગરૂપે ઈલેક્ટ્રિકલ ઈન્સપેક્ટરનું એન.ઓ.સી પણ મેળવવું પડે છે. ત્યાર બાદ જ વીજ કંપની કનેક્શન લગાવી આપે છે. હાઈ ટેન્શન કનેક્શન લીધા બાદ ગ્રાહકનો મીટર નંબર પણ બદલાઈ જાય છે.

Read Previous

આજે NIFTY FUTUREમાં શું કરશો?

Read Next

ગુજરાત ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગનો મહત્વપૂર્ણ ચૂકાદો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular