નવેમ્બરમાં ભારતની તેલીબિંયાના ખોળની નિકાસમાં 27 ટકા ઘટાડો

સોયાબીન, સરસવ, રાયડો અને એરંડાના ખોળની નિકાસમાં ઘટાડો આવી ગયો:નવેમ્બર 2025 દરમિયાન ભારતમાંથી કુલ 2.70 લાખ ટન ખોળની નિકાસ કરવામાં આવી
દેશમાં સોયાબિન, રાયડો, સરસિયા અને એરંડાનું પીલાણ કરીને ઓઈલ કાઢ્યા પછી બચતા ખોળની નિકાસમાં ઓક્ટોબર 2025ની તુલનાએ નવેમ્બર 2025માં અંદાજે 27 ટકાનો ઘટાડો આવી ગયો છે. સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશન ઑફ ઇન્ડિયા (SEA) દ્વારા સંકલિત આંકડા મુજબ, નવેમ્બર 2025 દરમિયાન ભારતે કુલ 2.70 લાખ ટન ખોળની નિકાસ કરવામાં આવી હતી. જોકે ઓક્ટોબર 2025માં તેની નિકાસ અંદાજે 3.71 લાખ ટન થઈ હતી.
નવેમ્બરમાં ભારતે 1.13 લાખ ટન સોયાબીન મીલની નિકાસ કરી હતી. તેની સામે ઓક્ટોબરમાં 1.80 લાખ ટનની નિકાસ થઈ હતી. નવેમ્બર 2025માં રેપસીડના ખોળની 1.09 લાખ ટન થઈ હતી. ઓક્ટોબર 2025 આ ખોળની નિકાસ 1.45 લાખ ટનની સપાટીએ હતી. આ જ રીતે એરંડાના ખોળની નિકાસ નવેમ્બરમાં 22,496 ટનની થઈ હતી. તેની સામે ઓક્ટોબરમાં 27,589 ટન એરંડા ખોળની નિકાસ કરવામાં આવી હતી. નવેમ્બર 2024 દરમિયાન ભારતમાંથી કુલ 3.63 લાખ ટન તેલીબિંયાના ખોળ-ઓઇલમીલ્સની નિકાસ નોંધાઈ હતી.
એપ્રિલથી નવેમ્બર 2025-26 દરમિયાન ભારતની ખોળની કુલ નિકાસ 27.34 લાખ ટન રહી હતી, જ્યારે 2024-25ના સમાન ગાળામાં તે 27.51 લાખ ટન હતી. આમ, આ સમયગાળા દરમિયાન કુલ નિકાસમાં 0.62 ટકાનો નાનો ઘટાડો નોંધાયો છે. SEAના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી.વી. મહેતાએ જણાવ્યું હતું કે સરકારે 3 ઓક્ટોબરથી ડી-ઓઇલ્ડ રાઇસ બ્રાનની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો છે. તેના પગલે ઓક્ટોબર અને નવેમ્બર 2025-26 દરમિયાન ભારતે વિયેતનામ અને નેપાળને 38,257 ટન ડી-ઓઇલ્ડ રાઇસ બ્રાનની નિકાસ કરી છે.
2025-26ના પ્રથમ આઠ મહિનામાં ભારતે 13.62 લાખ ટન રેપસીડ મીલની નિકાસ કરી હતી, જ્યારે ગયા નાણાકીય વર્ષની સમાન અવધિમાં આ આંકડો 13.21 લાખ ટન હતો. ચીન તરફથી મજબૂત માંગને કારણે આ સમયગાળામાં રેપસીડ મીલની નિકાસમાં વધારો થયો છે. એપ્રિલથી નવેમ્બર 2025-26 દરમિયાન ચીને ભારતમાંથી 6.44 લાખ ટન રેપસીડ કોળની આયાત કરી હતી. 2024-25ના સમાન ગાળામાં આ માત્રા ફક્ત 25,624 ટન હતી.
હાલ સીઝનનો અંતિમ તબક્કો ચાલી રહ્યો હોવાથી દેશમાં રેપસીડનું ક્રશિંગ ઘટ્યું છે અને રેપસીડ મીલની ઉપલબ્ધિ પણ ઓછી થઈ છે. તેના પરિણામે રેપસીડ મીલની નિકાસની ગતિ ધીમી પડી છે. ચીનની GACC દ્વારા, એક્સપોર્ટ ઇન્સ્પેક્શન કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (EIC) મારફતે, કેટલીક નવી કંપનીઓને રેપસીડ મીલની નિકાસ માટે મંજૂરી આપવામાં આવી છે અથવા તેમની અરજીઓ પ્રક્રિયામાં છે. હાલ ભારતીય રેપસીડ મીલનો ભાવ FOB આધાર પર પ્રતિ ટન 217 ડૉલર છે, જ્યારે હેમ્બર્ગમાં (એક્સ-મિલ) રેપસીડ મીલનો ભાવ 216 ડૉલર પ્રતિ ટન છે.
સોયાબીન મીલમાં વધારો
ફ્રાન્સ અને જર્મની તરફથી મજબૂત માંગને કારણે ઓક્ટોબર અને નવેમ્બરમાં સોયાબીન મીલની નિકાસમાં વધારો થયો છે. છેલ્લા બે વર્ષથી સોયાબીન મીલ ઉત્પાદકોને દેશની અંદર પશુપાલન ફીડ ઉત્પાદકો તરફથી નબળી માંગનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે તેઓ મકાઈ અને ચોખા જેવા અનાજમાંથી બનતા ઇથેનોલના બાય-પ્રોડક્ટ DDGS (ડિસ્ટિલર્સ ડ્રાઇડ ગ્રેન્સ વિથ સોલ્યુબલ્સ) જેવા સસ્તા વિકલ્પોને વધુ પસંદ કરી રહ્યા છે.
મુખ્ય આયાતકાર દેશો
એપ્રિલથી નવેમ્બર 2025-26 દરમિયાન ભારતે દક્ષિણ કોરિયાને કુલ 2.65 લાખ ટન તેલીબિયાંના ખોળની નિકાસ કરી હતી. 2024-25ના સમાન ગાળામાં 5.05 લાખ ટનની નિકાસ થઈ હતી. તેમાં 1.32 લાખ ટન રેપસીડ મીલ, 99,252 ટન કાસ્ટરસીડ મીલ અને 34,071 ટન સોયાબીન મીલનો સમાવેશ થાય છે. આ જ ગાળામાં ચીને ભારતમાંથી 6.51 લાખ ટન ઓઇલમીલ્સ આયાત કરી હતી (ગયા વર્ષે 25,624 ટનની આયાત કરી હતી. તેમાં 6.44 લાખ ટન રેપસીડ મીલ અને 7,029 ટન એરંડાના બીજના ખોળનો સમાવેશ થાય છે.
બાંગ્લાદેશે એપ્રિલથી નવેમ્બર 2025-26 દરમિયાન ભારતમાંથી 3.05 લાખ ટન ઓઇલમીલ્સ આયાત કરી હતી (ગયા વર્ષે 4.70 લાખ ટન). તેમાં 2.01 લાખ ટન રેપસીડ મીલ અને 1.04 લાખ ટન સોયાબીન મીલનો સમાવેશ થાય છે. જર્મની અને ફ્રાન્સે આ સમયગાળા દરમિયાન ભારતમાંથી ક્રમશઃ 1.73 લાખ ટન અને 1.09 લાખ ટન સોયાબીન મીલ આયાત કર્યું હતું.



