સોના-ચાંદીનો સટ્ટો રમતી રાજકોટની 44 પેઢીઓનાં ઉઠમણાને લઈ વેપારીઓમાં હાહાકાર, તપાસ એજન્સીઓની ચાંપતી નજર
એક તરફ ઈન્ટરનેશનલ માર્કેટમાં સિલ્વર અને ગોલ્ડનાં ભાવ આકાશને આંબી રહ્યા છે તો બીજી તરફ રાજકોટનાં સટ્ટા બજારમાં ભારે દેકારો મચી જવા પામ્યો છે. સોના અને ચાંદીનો સટ્ટો રમતી તેમજ વેપારી કરતી 44 જેટલી પેઢીઓનાં ઉઠમણાની ચર્ચાને લઈ હાહાકાર મચી જવા પામ્યો છે. એવું કહેવાય છે આ 44 પેઢીઓએ લગભગ 3600 કરોડ રુપિયામાં ઉઠમણું કર્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. એજન્સીઓ આ ઘટનાક્રમ પર નજર રાખીને બેઠાં હોવાનું જાણવા મળી રહ્યું છે અને નજીકના દિવસોમાં ચોક્કસ કડીઓ હાથ લાગશે તો પોલીસ સહિત અનેક એજન્સીઓ તપાસનો ધમધમાટ બોલાવી શકે એમ છે.
આધારપાત્ર સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ ગત શુક્રવારે અને શનિવારે રાજકોટનાં ચાંદીનાં વેપારીઓની મેરથોન બેઠકો મળી હતી. આ બેઠકોમા ચાંદીનાં ભાવમા થયેલા અસાધારણ વધારાનાં કારણે વેપાર-ધંધા ઉપર પડતી અસર તેમજ વેપારીઓને થયેલા નફા-નુકશાન અંગે ચર્ચા થઇ હતી ત્યા 44 જેટલી પેઢીઓનાં સંચાલકોએ ચાંદીમા મોટી નુકશાની કરી હોવાનુ જણાવી હાલ ધંધા સંકેલી લેવાની જાહેરાત કરી હતી અને ડિફરન્સની રકમ ચૂકવવામા પણ હાથ ઉંચા કરી દેતા ભારે દેકારો મચી ગયો હતો.
બુલિયન બજારનાં સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ચાંદીના વેપારીઓ ચાંદીના ભાવ વધુમા વધુ રૂા. 1.25 લાખથી રૂા. 1.50 લાખ સુધી વધી શકે તેવુ દ્રઢ પણ માનતા હતા અને તેનાં કારણે સવા લાખનાં ભાવ પછી મોટાભાગનાં વેપારીઓએ બજારનાં ટ્રેન્ડથી વિરૂધ્ધ જઇને ચાંદીનુ વેંચાણ કર્યુ હતુ પરિણામે ટુંક સમયમા ભાવ તુટશે તેવુ માનીને લાંબો સમયથી ડિફરન્સની રકમ ભરી રહયા છે પરંતુ સેટલમેન્ટની તારીખો આવી જતાં અને ચાંદીનો ભાવ તમામ સમીકરણો – ગણતરીઓથી વિપરિત અઢી લાખ સુધી પહોંચી જતા અનેક વેપારીઓ ફસાઇ ગયા છે અને સેટલમેન્ટની તારીખો આવી જતા ભાવફેરની કરોડો રૂપિયા ભરવાની જવાબદારી આવી ગઇ છે . જેના કારણે 44 જેટલી મોટી પેઢીઓને નાદારી જાહેર કરી દીધી છે જયારે અનેક નાના વેપારીઓ પણ આગ ઝરતી તેજીમા દાઝી ગયા છે.
સટ્ટા બજારનાં વેપારીઓનું કહેવુ છે કે , કોમેકસ , એમ.સી.એકસ. ઉપરાંત સ્થાનિક ટ્રેડરોને કુલ રૂા. 3600 કરોડ જેવી રકમ ભરવી પડે તેમ છે. આ પૈકી ઘણા વેપારીઓએ રકમ ભરવાનુ શરૂ પણ કરી દીધુ છે આમ છતાં માલ-મિલકત બધુ વેંચતા પણ અનેક વેપારીઓ નુકશાનની રકમ ભરી શકે તેવી સ્થિતિમા રહયા નથી ત્યારે જાન્યુઆરી માસમા બધા સેટલમેન્ટ અને ડખા-ડુખી થશે અને ફેબ્રુઆરીથી પોલીસ ફરિયાદો નોંધાવવાનુ પણ શરૂ થશે.
જો કે , ડખ્ખાવાળા હવાલા-કબાડા આપીને સેટલમેન્ટ કરી રહયા છે જેના કારણે અંદરખાતે માથાકુટો અને મારામારીનાં મામલા પણ સામે આવી રહયા છે જો કે , હજુ અંદરખાને પતાવટનાં પ્રયાસો થઇ રહયા છે પરંતુ આ મામલે ગમે ત્યારે મોટો ભડકો થવાની શકયતા બજારનાં સુત્રો દર્શાવી રહયા છે.
બજારનાં સુત્રોનું કહેવુ છે કે , અમદાવાદમા એક જ મોટા ખેલાડીને ભાવફેરનાં 1700 કરોડ રૂપિયા દેવાના થાય છે. રાજકોટનાં વેપારીઓને આ રકમ ભરી દેવા દબાણ પણ શરૂ થઇ ગયુ છે. આ સિવાય દુબઇ અને ઇન્દોરમા પણ 1200 કરોડ જેવી રકમ ચુકવવાની થાય છે તેનાં પણ હિસાબ-કિતાબ થઇ રહયા છે.
દિવાળી બાદ ચાંદીનાં ભાવમા કડાકો આવશે તેવુ માનનારા વધુ ફસાયા છે અને અમુક વેપારીઓ તો ઘર અને પેઢીઓને તાળા મારીને ગાયબ પણ થઇ ગયા છે અને કરોડોનાં ચુકવણામા હાથ ઉંચા કરી દીધા છે આવા કિસ્સાઓમા સેટલમેન્ટ ન થાય તો મારામારી-અપહરણ સુધી વાત પહોંચી શકે છે આગામી માર્ચ સુધીનો સમય ચાંદી બજારમા અત્યંત ભારે ગણાવાય છે.
બીજી તરફ ચાંદીનાં ધંધામાં તેજીનો લાભ લેવા હિંમતપુર્વક ઇન્વેસ્ટ કરી ચાંદીની ડિલેવરી લઇ લેનારા માલામાલ થઇ ગયા છે. અનેક લોકોએ રિઅલ એસ્ટેટ અને સ્ટોક માર્કેટમાંથી નાણા ખેંચી લઇ ચાંદીમાં લગાડી દીધા હતા. આવા અનેક સાહસીક ઇન્વેસ્ટરોને બખા થઇ ગયા છે. ચાંદીમાં એક લાખના ભાવ બાદ ઇન્વેસ્ટરોએ મોટા પ્રમાણમાં રોકાણ શરૂ કર્યું હતું અને રોકાણનો ફલો સતત વધતો રહેતા ભાવોમાં આગઝરતી તેજી ચાલુ જ રહી છે અને તેના કારણે ભાવોમાં કરેકશન નહીં આવતા વેપારીઓ ફસાઇ ગયા હોવાનું બજારના સુત્રો જણાવી રહ્યા છે.
ચાંદીના ભાવોમાં આવેલી આ ઐતિહાસીક તેજીના કારણે અનેક વેપારીઓએ ધંધા કાયમી બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. બજારમાં વ્યવહારો બગડતા અવિશ્વાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વેપારીઓ કે ઇન્વેસ્ટરો નાણા ચુકવી હાથોહાથ ચાંદીની ડિલેવરી માંગી રહ્યા છે. કોઇ જોખમ લેવા માંગતુ નથી. પરિણામે બજારની સ્થિતિ ડામાડોળ થઇ ગઇ છે.
રાજકોટની માઠી, ફાઇનાન્સરો બાદ ચાંદીમાં કરોડો ધોવાયા
છેલ્લા બે વર્ષથી રાજકોટની માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિ જોવા મળે છે. રિઅલ એસ્ટેટમાં ચારેક મોટા ફાઇનાન્સરો કાચા પડતા હાલ તેમની પાસે રૂા.3500થી 4000 કરોડ ફસાઇ ગયા છે અને હજુ સુધી વિવાદોનો નિકાલ આવયો નથી ત્યાં ચાંદીની ઐતિહાસીક તેજીમાં રાજકોટના ધંધાર્થીઓ ઉપર રૂા.3600 કરોડથી વધુની રકમની જવાબદારી આવતા આર્થિક રીતે રાજકોટને મોટો ફટકો પડયો છે. બજારના સુત્રોનું કહેવું છે કે, આ મંદીનો દોર લાંબો સમય સુધી ચાલે તેવી સ્થિતિ છે અને તેની અસર ખાણી-પીણીથી માંડી તમામ ધંધાઓ ઉપર દેખાશે. હાલ રાજકોટ રાજકીય રીતે પણ કપાઇ ગયું છે અને આર્થિક રીતે પણ પડકારજનક સમય છે. ઉદ્યોગ-રીઅલ એસ્ટેટમાં મંદી જોવાઇ રહી છે તેવા સમયે ચાંદી બજારમાં પડેલો આર્થિક ફટકો ભારે પડી શકે તેમ છે.
રીયલ એસ્ટેટના મોટા ખેલાડીઓ અમદાવાદ શિફટ
રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ બાંધકામ ક્ષેત્રની પનોતી બેઠી હોય તેવી સ્થિતિ છે. બાંધકામ પરવાનગીથી માંડી ફાયર એનઓસી અને કમ્પ્લીશન સર્ટી.માં થતી અસહ્ય ઢીલના કારણે નાના- મોટા દરેક પ્રોજેકટવાળા બિલ્ડરો ફસાયેલા છે. ફલાવર બેડનો વિવાદ પણ હજુ ઉકેલાયો નથી તેના કારણે રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદીએ ભરડો લઇ લીધો છે. રાજકોટમાં નાણા રોકીને પ્રોજેકટ બાબુશાહીમાં ફસાઇ જતા હોવાથી શહેરના મોટા બિલ્ડરો અમદાવાદ શિફટ થઇ ગયા છે. અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સ અને 2036માં આવનાર ઓલમ્પિક રમતોત્સવના કારણે બિલ્ડરોને અમદાવાદનું ફયુચર ખુબ જ બ્રાઇટ લાગી રહ્યું છે. વળી અમદાવાદમાં નવા પ્રોજેકટ શરૂ કરવાથી માંડી કમ્પ્લીશન સુધીમાં બાબુશાહી નડતી નથી તેથી જે બિલ્ડરો ખમતીધર છે તેમણે અમદાવાદમાં પ્રોજેકટો શરૂ કરી દીધા છે જયારે નાના બિલ્ડરો અમદાવાદના બિલ્ડરો સાથે ભાગમાં ગોઠવાઇ ગયા છે.



