યુવાનો હવે ક્રેડિટ કાર્ડનો સ્માર્ટ ઉપયોગ કરતાં થઈ ગયા

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ જીવનશૈલીમાં ભવ્યતા લાવીને લોકોને પ્રભાવિત કરવા માટે નહિ, પરંતુ સ્થિર આવક ઊભી કરવા માટે કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદઃ 2025માં ભારતની રિટેલ ક્રેડિટ કાર્ડના વપરાશની પેટર્નમાં જબરદસ્ત બદલાવ આવ્યો છે. આ પરિવર્તનનું મુખ્ય કારણ યુવાનો છે. આ યુવાનો ભૂતકાળની તુલનામાં લોન લેવામાં વધુ સાવચેતીપૂર્ણ અને યોગ્ય હેતુ માટે જ લોન લેવાનો અભિગમ અપનાવી રહ્યા છે. Policybazaar.comની પિતૃ કંપની PB Fintechએ કરેલા 2025ના અંતે ક્રેડિટ કાર્ડના વપરાશ અંગે કરેલા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે ભારતીય યુવાનો હવે ખર્ચ કરવા માટે નહીં, પરંતુ સંપત્તિ સર્જન કરવા માટે ક્રેડિટ કાર્ડ પર ઉધાર લઈ રહ્યા છે.
પહેલો બદલાવ સૌથી સ્પષ્ટ રીતે હાઉસિંગ લોનમાં જોવા મળે છે. વ્યાજદરો ઊંચા હોવા છતાં, વર્ષ દરમિયાન હોમ લોન વિતરણમાં 12 ટકાનો વધારો થયો છે. સૌથી મહત્વની બાબત એ છે કે લોન કોણ લઈ રહ્યું છે. 2025માં નવી હોમ લોન લેનારાઓમાં લગભગ 16 ટકા લોકોની ઉંમર 30 વર્ષથી ઓછી હતી, જે ત્રણ વર્ષ પહેલાંની સરખામણીમાં લગભગ બે ગણી છે. આ દર્શાવે છે કે યુવા પગારદાર વ્યાવસાયિકો અને તેમાંય ખાસ કરીને ડ્યુઅલ ઇન્કમ ધરાવતા પતિપત્ની અને પરિવારના સભ્યો સ્થિર આવક અને ક્રેડિટની વધુ સારી ઉપલબ્ધતાના આધાર પર વહેલા ઘર ખરીદવાનું આયોજન કરી રહ્યા છે.
આ યુવાનો દ્વારા લેવામાં આવતી લોનની રકમમાં પણ વધારો થયો છે. સરેરાશ હોમ લોન હવે લગભગ રૂ. 37 લાખ સુધી પહોંચી છે. ત્રણ વર્ષ પહેલાં યુવાનો દ્વારા લેવામાં આવતી સરેરાશ લોન રૂ. 29 લાખ હતી. આ વધારો મિલકતના ભાવમાં જોવા મળેલા વધારાને પરિણામે અને લોન લઈને ચૂકવી દેવાની યુવાનોની વધી રહેલી ક્ષમતાનો નિર્દેશ આપે છે.
મોટા ભાગના યુવા ખરીદદારો હજુ પણ સંયુક્ત માલિકી પસંદ કરે છે. હાઉસિંગ લેનારા આ યુવાનોની સંખ્યા કુલ હાઉસિંગ લોનના 58 ટકા સુધી પહોંચી ગઈ છે. બીજીતરફ એકલે હાથે ઘર ખરીદવાની હિમ્મત દર્શાવતા યુવાનોની સંખ્યા પણ વધી રહી છે. આ બાબત યુવાન નોકરિયાતોના ઘર ખરીદવાના વધી રહેલા આત્મવિશ્વાસ પણ બતાવી રહ્યા છે.
સામાન્ય રીતે અણધાર્યા ખર્ચ માટે જવાબદાર ગણાતા ક્રેડિટ કાર્ડ્સનો ઉપયોગ પણ હવે વધુ સમજદારીથી થઈ રહ્યો છે. PB Fintechના આંકડાઓ દર્શાવે છે કે 2025માં અનસિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ્સનું ઇશ્યૂ કરવાની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થયો છે. તેને બદલે ફિક્સ્ડ ડિપોઝિટ આધારિત સિક્યોર્ડ કાર્ડ્સમાં 60 ટકાથી વધુનો વધારો થયો છે. ખાસ કરીને પ્રથમ વખત લોન લેતા યુવાનો માટે સિક્યોર્ડ કાર્ડ્સ વધુ ખર્ચના જોખમ વગર ક્રેડિટ ઇતિહાસ બનાવવા માટે સુરક્ષિત વિકલ્પ બની રહ્યા છે.
આ પ્રવાહને આગળ ધપાવનાર યુવા ગ્રાહકો છે. નવા કાર્ડધારકોમાં ત્રીજા ભાગથી વધુ લોકોની ઉંમર 30 વર્ષથી ઓછી હતી અને લગભગ દસમાંથી એક વ્યક્તિ 25 વર્ષથી પણ નાની હતી, જે અગાઉની તુલનામાં ઘણો મોટો વધારો દર્શાવે છે. મોટા શહેરો હજુ પણ ક્રેડિટ કાર્ડ લઈને ખર્ચ કરવામાં નાના શહેરોથી આગળ છે. મોટા શહેરોમાં દિલ્હી-એનસીઆર અને મુંબઈનો સમાવેશ થાય છે.
પર્સનલ લોન લેવાના ટ્રેન્ડમાં પણ ઉપર મુજબનું જ પરિવર્તન આવ્યું છે. પર્સનલ લોન લેનારાઓની સંખ્યામાં કુલ 35 ટકાનો વધારો થયો હોવા છતાં મોટાભાગનો વધારો નાના અને ટૂંકા ગાળાના લોન થયેલો જોવા મળી રહ્યો છે. પર્સનલ લોનમાં મોટા ખર્ચવાળી લોનનું પ્રમાણ ઘટી રહ્યું છે. આ લોનનો ઉપયોગ હવે જીવનશૈલી સુધારવા કરતાં ટૂંકા ગાળાની નાણાંકીય જરૂરિયાતો સંભાળવા માટે વધુ થઈ રહ્યો છે. આમ દેવું કરીને ઘી પીવાની માનસિકતા ઓછી થઈ રહી છે. ચાદરના કદ પ્રમાણે જ પગ પહોળા કરવાની માનસિકતા વધી રહી છે. પગારદાર યુવાનોમાંથી 70 ટકા યુવાનો પર્સનલ લોન લઈ રહ્યા છે. તેઓ પર્સનલ લોન લઈને જવાબદારી પૂર્ણ ખર્ચ કરતાં થયા છે. પર્સનલ લોનના નાણાંનો ઉપયોગ સ્થિર આવક ઊભી કરવા માટે કરી રહ્યા છે.
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને લોન લેવાના વલણને ધ્યાનમાં લેવામાં આવે તો યુવાનોની ક્રેડિટ કાર્ડ પર ધિરાણ લેવાની પેટર્નમાં જબરદસ્ત બદલાવ આવી રહ્યો હોવાનો નિર્દેશ મળી રહ્યો છે. ક્રેડિટ કાર્ડ વાપરનારા યુવાનો હવે વધુ જવાબદાર બન્યા છે. યુવાનો હવે વહેલી લોન કે ધિરાણ લઈ લે છે. લોનના આ નાણાંનો વધુ સમજદારી પૂર્વક ઉપયોગ કરતાં પણ થઈ ગયા છે. તેઓ સમાજને વૈભવી જીવનશૈલી બતાવીને પ્રભાવિત કરવા માટે ક્રેડિટ કાર્ડ પર નાણાં લઈને ખર્ચ કરીને તેનો ઉપયોગ કરવાનુંમ વલણ ધરાવતા નથી. તેઓ ક્રેડિટ કાર્ડના નાણાંનો વધુ સમજદારીથી ઉપયોગ કરતાં થયા છે. આ ક્રેડિટનો આવક વધારવા માટેના એક સાધન તરીકે ઉપયોગક કરતાં થયા છે. ક્રેડિટ કાર્ડ પર નાણાંનું ધિરાણ કરનારા બેન્કોનો લોનનો પોર્ટફોલિયો તેને પરિણામે પહેલાની તુલનાએ વધુ સલામત બન્યો છે. બીજીતરફ ક્રેડિટ કાર્ડ પર ઉધાર લેનારાઓમાં ડિસિપ્લિન-શિસ્તમાં વધારો થયો છે. આમ ક્રેડિટ કાર્ડના પૈસાનો તેઓ દૂરંદેશી પૂર્વક ઉપયોગ કરી રહ્યા છે, જે તેમના આત્મવિશ્વાસમાં થયેલા વધારાનો સંકેત આપે છે.



