ડાયબિટીસ અને જાડિયાપણુ દૂર કરવાની દવાના વેચાણ આગામી વરસોમાં તેજી જોવા મળે

- આવનારા વરસોમાં ડાયાબિટીસ અને સ્થૂળતા-મેદસ્વિતાની સારવારની દવાઓ ફાર્મા ઉદ્યોગ માટે નવું વિકાસ એન્જિન બનશે: સન ફાર્મા
આગામી વર્ષોમાં સ્થૂળતા અને ડાયાબિટીસ માટેની નવી પેઢીની દવાઓ સુધી પહોંચ સુધારવાથી દેશના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના વિકાસને મહત્વપૂર્ણ વેગ મળશે, એમ સન ફાર્માના મેનેજિંગ ડિરેક્ટર કિર્તિ ગણોરકરેનું કહેવું છે. ગ્લુકાગોન-લાઈક પેપ્ટાઇડ-1 (GLP-1) રિસેપ્ટર એગોનિસ્ટ્સ એવી દવાઓ છે, જે ઇન્સ્યુલિનના સ્રાવને નિયમિત કરીને ટાઇપ-2 ડાયાબિટીસ, ઊંચી બ્લડ શુગર અને સ્થૂળતાની સારવારમાં ઉપયોગી થાય છે.
જનરિક દવાઓના ઉત્પાદન માટે જાણીતું ભારત સ્થૂળતાથી સંકળાયેલા રોગોના વધતા ભારને કારણે વૈશ્વિક વજન નિયંત્રણ ઉદ્યોગનું એક મોટું કેન્દ્ર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આગામી વર્ષોમાં GLP-1 સારવાર સુધીની પહોંચ સુધારવી ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે મુખ્ય પ્રેરક બનશે. આ દવાઓ સ્થૂળતા અને ડાયાબિટીસ જેવા જીવનશૈલી સંબંધિત રોગોના વધતા ભારને ઘટાડવામાં મદદરૂપ થશે.
રોગની વહેલી ઓળખ એટલે કે વહેલો પારખી શકાય અને તેનું મોનિટરિંગ કરી શકાય તે માટે AI-આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડિજિટલ સાધનો, તેમજ વ્યક્તિગત સારવાર વિકલ્પો સાથે મળીને ફાર્મા ઉદ્યોગ નવી દિશામાં આગળ વધતો રહેશે. આ દવાઓ દર્દીઓને સરળતાથી અને સસ્તા દરે પહોંચતી થશે. તેમ જ તેના થકી વધુ સારા પરિણામો પણ મળતા થશે.
ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝના ચેરમેન સતીશ રેડ્ડીએ જણાવ્યું કે જોખમી મૂડી (Risk Capital)ને વધુ સુલભ બનાવવાથી ભારત “વિશ્વની ફાર્મસી”માંથી “વિશ્વનું ફાર્મા નવું જ કેન્દ્ર” બની શકે છે. 2026માં પ્રવેશતા ભારત માટે, જ્યાં નવીનતા આગામી વિકાસ તબક્કાની મુખ્ય શક્તિ બનતી દેખાઈ રહી છે, ત્યાં ઉદ્યોગનું ભવિષ્ય હકારાત્મક દેખાય છે. વૈજ્ઞાનિક ઉત્તમ ગુણવત્તા, નિયમનકારી લવચીકતા-સ્થિતિ સ્થાપકતા અને સહયોગ આધારિત નવીનતા પર ભાર ચાલુ રહેશે, જે ભારતને વિશ્વસનીય વૈશ્વિક ભાગીદાર તરીકે મજબૂત બનાવશે.
ઉપરાંત, ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેને માટે 2047 સુધીમાં ફાર્મા ઉદ્યોગ 500 અબજ ડોલરના આંકને વળોટી જાય તેવી સંભાવના છે. બાહ્ય દબાણો છતાં, ઉદ્યોગ આરોગ્યસેવાની સીમાઓ આગળ ધપાવતો રહ્યો છે અને વિશ્વભરમાં જીવન બચાવતી દવાઓ પૂરી પાડી રહ્યો છે.
દવામાં થતાં સંશોધન સાથેના વિકાસ અને નવીનતા (RDI) યોજના અને મજબૂત R&D તથા નવી દવા વિતરણ પ્રણાલીઓ માટેની PRIP યોજના જેવા પગલાં યોગ્ય દિશામાં છે, જે ઉદ્યોગ-શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના સહકારને વધુ મજબૂત બનાવે છે.જોખમ મૂડીને વધુ સરળતાથી ઉપલબ્ધ કરવાથી ભારત વિશ્વની ફાર્મસીમાંથી વિશ્વનું ફાર્માસ્યુટિકલ નવીનતા કેન્દ્ર બની શકે છે. રેટિંગ એજન્સી ઇક્રાના અંદાજ મુજબ ભારતીય ફાર્મા કંપનીઓની આવકમાં નાણાકીય વર્ષ 2026માં 9થી 11 ટકા વૃદ્ધિ થવાની શક્યતા છે.
આ વૃદ્ધિને ઘરેલુ બજારમાં 8-10 ટકા અને યુરોપિયન બજારમાં 15-17 ટકા વૃદ્ધિનો આધાર મળશે, જ્યારે લેનેલિડોમાઇડ જેવી કેટલીક મુખ્ય દવાઓ પર ભાવ દબાણને કારણે અમેરિકન બજારમાં વૃદ્ધિ 4-6 ટકા સુધી મર્યાદિત રહી શકે છે. હેલ્થકેર ક્ષેત્ર અંગે ટિપ્પણી કરતાં એસ્ટર ડીએમ હેલ્થકેરના સ્થાપક અને ચેરમેન આઝાદ મૂપને જણાવ્યું હતુ કે 2026 તરફ નજર કરીએ તો,નવી તક નિર્માણ થવાની અને મૂડીને પરિણામોમાં રૂપાંતરિત કરવાની અનંત શક્યતાઓ રહેલી છે. આ માટે ઝડપી નિયમનકારી મંજૂરીઓ, ટિયર-2 અને ટિયર-3 વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ પર વધુ ધ્યાન, કર્મચારીઓનું સતત કુશળતા વિકાસ અને મજબૂત જાહેર-ખાનગી સહયોગ જરૂરી રહેશે.
તેની સાથે સાથે જ પ્રતિભાની અછત દૂર કરવી અને સાથે-સાથે નવીનતાને પ્રોત્સાહન આપવું એ દરેક ભારતીય પરિવાર માટે ગુણવત્તાયુક્ત આરોગ્યસેવા સુલભ, સસ્તી અને ટકાઉ બનાવવા માટે પણ અત્યંત મહત્વપૂર્ણ જ રહેશે.



